सव्यापसव्य मार्गस्था : બલિપ્રથાનો મર્મ અને માર્ગ !

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
सव्यापसव्य मार्गस्था : બલિપ્રથાનો મર્મ અને માર્ગ ! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- બકરા, ભેંસ, મરઘીની બલિ પાછળનું મૂળ લૉજિક એટલું જ હોય છે કે એમના પંચપ્રાણનો ઉપયોગ કરીને સ્વયંની ઊર્જાને વધુ બળવાન બનાવવામાં આવે! 

પ્ર ત્યેક યજ્ઞાકાર્ય તેમજ શાસ્ત્રોક્ત કર્મ દરમિયાન પંચ-પ્રાણ અથવા પંચવાયુને આહુતિ આપવાનું વિશેષ વિધાન છે. ગુજરાતમાં ઈશ્વરને ભોજન અર્પણ કરતી વેળા આંખ આડે હથેળી રાખીને ભગવાનને ભાવથી ભોજન ખવડાવી રહ્યાનાં ભાવ સાથે જે મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે, એ છે :

(૧)   ओम प्राणाय स्वाहा ।

(૨)  ओम अपानाय स्वाहा ।

(૩)  ओम व्यानाय स्वाहा ।

(૪)  ओम उदानाय स्वाहा ।

(૫)  ओम समानाय स्वाहा ।

ઘણી વખત તો પુરોહિત દ્વારા એક સુંદર ઉદાહરણ પણ આપવામાં આવે છે કે મૂળ મંત્રની આહુતિ અર્પણ કરતાં પહેલાં અર્થાત્ પ્રધાન-ભોજનનો આરંભ થાય એ પૂર્વે રોટલી ઉપર ઘી લગાડવાની જે પ્રક્રિયા હોય એ ઉપરોક્ત પાંચ આહુતિ સાથે પૂર્ણ કરવામાં આવે છે.

આ અંગે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે? આ ઉત્તર મેળવતાં પહેલાં તંત્રમાર્ગે આગળ વધી રહેલાં સાધક પાસે રહેલાં છ વિકલ્પો અંગે જાણવું જરૂરી છે :

(૧) દક્ષિણાચાર તંત્ર

(૨) વામાચાર તંત્ર

(૩) મિશ્રાચાર તંત્ર

(૪) કૌલાચાર તંત્ર

(૫) દિવ્યાચાર તંત્ર

(૬) સમયાચાર તંત્ર

સરળ ભાષામાં કહેવું હોય, તો સાત્ત્વિક દ્રવ્યો- પદાર્થો વડે થતી પૂજા-અર્ચના - સાધના- ઉપાસના એટલે દક્ષિણાચાર તંત્ર. પંચમકાર - માંસ, મત્સ્ય, મદિરા, મુદ્રા, મૈથુન -નો જેમાં ઉપયોગ થાય, એ માર્ગ એટલે વામાચાર તંત્રમાર્ગ.

દક્ષિણાચાર તંત્રમાર્ગ પર બ્રહ્માંડીય ઊર્જાને આકરી સાધના અને તપ થકી હસ્તગત કરવામાં આવે છે, પરંતુ વામાચાર માર્ગ પર બલિ થકી પ્રાણીઓના શરીરમાંથી શોષી લેવામાં આવે છે! પંડિત શ્રીરામ શર્મા આચાર્ય લિખિત હિન્દી પુસ્તક 'ગોપનીય ગાયત્રી તંત્ર'માં આ વાતને તેઓ માર્મિક રીતે સમજાવે છે. જેવી રીતે શિકારી પોતાનો શિકાર કર્યા બાદ ભૂંડનાં શરીરમાંથી ચરબી કાઢીને પોતાના સ્વાર્થ માટે વાપરે છે, એવી જ રીતે વામાચારી ઉપાસક પ્રાણીની બલિ આપવાની સાથે એના શરીરમાંથી પંચપ્રાણ - પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન - ને શોષી લે છે! આ પંચપ્રાણને પોતાની ઊર્જા સાથે ભેળવીને તે પોતાની શક્તિને પ્રબળ બનાવવાનું કાર્ય કરે છે.

ખરેખર આ કેટલું વ્યાજબી? આ અંગે આદિકાળથી દલીલો અને મતમતાંતરો ચાલતાં આવ્યાં છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય લખે છે કે દક્ષિણાચાર અને વામાચાર માર્ગનાં સાધકો વચ્ચે ખેડૂત અને ડાકુ જેટલો તફાવત છે! એક ખેડૂત પોતાની જમીનને મહેનતપૂર્વક ખેડે છે, એમાં બીજ વાવે છે, નિત્ય એનું ધ્યાન રાખે છે, ખાતર-પાણી પૂરું પાડતો રહે છે. જો વરસાદ યોગ્ય રહે તો પાક બરાબર આવે છે, પરંતુ અનિશ્ચિત માત્રામાં વરસાદ પડે તો પાકનાં ભવિષ્ય અંગે કંઈ કહી શકાતું નથી. અતિવૃષ્ટિ અથવા દુષ્કાળના કિસ્સામાં તેની મહેનત પર પાણી પણ ફરી વળે છે. જો કમાણી બરાબર થાય તો એનો અર્થ એવો નથી કે જેમ ફાવે એમ ખર્ચી નાખવામાં આવે! ખેડૂત પાસે એ સમજ હોય છે કે આ કમાણી કેટલી અમૂલ્ય છે. તેનો ઉપયોગ આવતાં વર્ષની ખેતીમાં અને રોજિંદા જીવનને વ્યવસ્થિત તથા કરકસરપૂર્વક ચલાવવામાં થાય છે.

બીજી બાજુ, ડાકુ અથવા લૂંટારો બીજાની સંપત્તિ પર નિર્ભર કરે છે. તે કોઈ પ્રકારની મહેનત કર્યા વગર પારકા પૈસે જલ્સા કરે છે. ક્રૂરતાપૂર્વક લૂંટ મચાવ્યા બાદ એ પૈસાનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવાનું જ્ઞાન તેની પાસે નથી હોતું. જે વસ્તુ જહેમત અને રાત-રાત-દિવસના ઉજાગરાથી પ્રાપ્ત નથી થતી, તેનું વાસ્તવિક મૂલ્ય કદી જાણી નથી શકાતું. ડાકુના કિસ્સામાં પૈસાનો વેડફાટ એ અત્યંત સ્વાભાવિક ઘટના છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે બટકું રોટલો અને ડુંગળી ખાઈને સંતોષપૂર્વક જીવન જીવતો ખેડૂત દુનિયાનાં કોઈ પણ ડાકુની સરખામણીમાં વધુ ખુશ હોય છે અને પ્રકૃતિ વચ્ચે રહીને લાંબુ-નિરોગી જીવન જીવે છે. જ્યારે ડાકુ ક્યાં તો કાયદાની ચંગુલમાં સપડાઈને આખી જિંદગી જેલમાં કાઢે છે, ક્યાં તો પછી તેનું ખૂન થઈ જાય છે. કર્મોની ગતિથી સ્વયં ઈશ્વર પણ બાકાત નથી, તો પછી મનુષ્ય શું ચીજ છે?

બકરા, ભેંસ, મરઘીની બલિ પાછળનું મૂળ લૉજિક એટલું જ હોય છે કે એમના પંચપ્રાણનો ઉપયોગ કરીને સ્વયંની ઊર્જાને વધુ બળવાન બનાવવામાં આવે! મૃત મનુષ્યોનાં શરીરમાં એક અઠવાડિયાં સુધી ઉપચક્રો અને કેટલીક ગ્રંથિઓમાં ચૈતન્ય અકબંધ રહે છે. આ કારણોસર, અઘોરીઓ તથા તંત્ર-ઉપાસકો 'શવ-સાધના' થકી સ્મશાનભૂમિમાં બેસીને એમાંથી શક્તિ ચૂસવાનો પ્રયાસ કરે છે. હિંદુ ધર્મમાં નાના બાળકોના મૃતદેહને અગ્નિદાહ નથી આપવામાં આવતો, પરંતુ દફન કરવામાં આવે છે. આવા મૃતદેહને પણ ઘણી વખત કેટલાંક અધમ તાંત્રિકો દ્વારા ખોદી કાઢીને તેની શક્તિ ધારણ કરવાની કુચેષ્ટા કરવામાં આવે છે. શાસ્ત્રોના અધ્યયનને પડતું મૂકીને માત્ર ઉપરછલ્લું અનુસરણ કરવાને લીધે સમાજમાં આવી નિમ્નકોટિની સાધના પ્રચલિત બની છે, પરંતુ ઉચ્ચકોટિની સાધના અને પરબ્રહ્મ કદી આ પ્રકારના ક્રિયાકલાપોને સમર્થન નથી આપતાં!

શ્રી લલિતા સહસ્ત્રનામમાં મા લલિતાનું એક સુંદર નામ છે : सव्यापसव्य मार्गस्था । સવ્ય અને અપસવ્ય અર્થાત્ અપવિત્ર અને પવિત્ર એમ બંને માર્ગેથી ઈશ્વરની પ્રાપ્તિ સંભવ છે, પરંતુ અહીં બલિ એ પોતાના વિકારોની હોવી જોઈએ, નિર્દોષ પશુની નહીં એ વાત માનવી પોતાના સગવડિયા ધર્મને લીધે હંમેશા ભૂલી જાય છે!


Google NewsGoogle News