માવતર અને માસ્તરને ક્યાંથી ભુલાય .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'સોરી પપ્પા, તમારી વાત સાચી છે...મેં ક્રિશ માટે જે કર્યું તે ખોટું હતું. મારી ભુલ હતી. હું કાલે જ એ ભુલ સુધારી લઇશ.'-કિશોરભાઈએ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો
'ડે ડ કોલ ધ પુલીસ નાઉ...આજે ટીચરે મને માર્યું. વી વેર સ્ટડિંગ અને ફોર સમ સિલી મિસ્ટેક હી બુલીઈડ અને હીટ મી. મને ડફોળ કહીને માથામાં માર્યું.' - ક્રિશે ઘરમાં ઘુસતાની સાથે જ કકળાટ શરૂ કર્યો.
'રિલેક્સ બેટા, તને ઇન્ટેન્શ સાથે નહીં માર્યો હોય. જસ્ટ ફ્લોમાં કરી દીધું હશે. આવી નાની વાતમાં પોલીસ ન બોલાવાય. આ ઇન્ડિયા છે. હવે તું અમેરિકામાં નથી.'- સોફા ઉપર બેઠેલા કિશોરભાઈએ કહ્યું.
'અરે પપ્પા, અમેરિકા હોય કે અમદાવાદ, છોકરા ઉપર હાથ થોડી ઉપાડાય. તમે આમ સાત વર્ષના છોકરાને બધાની વચ્ચે ડફોળ કહો અને મારો તે કેવી રીતે ચલાવી લેવાય. ક્રિશ ડોન્ટ વરી...આપણે કાલે પ્રિન્સિપલને કમ્પ્લેઇન કરીશું અને પોલીસને પણ કમ્પ્લેઇન કરીશું. આવા શિક્ષકોને તો કાઢી મુકવા જોઇએ.'-હાર્દિકે આક્રોશપૂર્વક કહ્યું.
'અલ્યા શું ગાંડા કાઢે છે, નાના છોકરાને શિક્ષક ટપલી મારે એમાં તારે તાંડવ કરવા છે. તું રાઈનો પહાડ બનાવવાના ધંધા બંધ કર. છોકરા આવી રીતે જ શીખે અને મોટા થાય. તને સ્કુલમાં કેટલી વખત માર પડયો હશે...યાદ કર એક વખત.' - કિશોરભાઈએ કહ્યું અને હાર્દિક થોડો શાંત થયો.
'પપ્પા અમારો સમય જુદો હતો. હવે સ્કુલમાં આ બધું અલાઉડ નથી. તમે છોકરાઓ ફિઝિકલ પનિશમેન્ટ ન કરી શકો. તેમાંય તમે તેને જાહેરમાં ડફોળ કહો અને માર મારો તે કેવી રીતે ચાલે.'- હાર્દિક હજી પણ બચાવના જ મૂડમાં હતો ત્યાં ડોરબેલ વાગ્યો. હાર્દિક બોલતો અટક્યો અને દરવાજો ખોલવા ઊભો થયો ત્યાં જ રસોડામાંથી ઇન્દુબેન આવ્યા અને દરવાજો ખોલ્યો.
'નમસ્તે બેન, આ ભારતીબેનનું ઘર છે. ભારતીબેન દવે.'- જાળીની બહારની તરફ ઊભેલી આધેડ વ્યક્તિએ કહ્યું.
'હા, ભારતીબેનનું જ ઘર છે. આવો ને અંદર...'-ઇન્દુબેને દરવાજો ખોલ્યો અને કિશોરભાઈની સામે જોયું. કિશોરભાઈ ઊભા થઇને દરવાજા પાસે આવ્યા.
'અમે પાટીદાર કેળવણી મંડળ, વહેલાલથી આવીએ છીએ.'-આગંતુકે કહ્યું અને કિશોરભાઈની આંખમાં ચમક આવી ગઈ.
'પ્લીઝ, પ્લીઝ આવોને...તમે બેસો પછી શાંતિથી વાત કરજો.'- કિશોરભાઈએ કહ્યું અને ત્રણ લોકો હોલમાં આવીને સોફા ઉપર ગોઠવાયા. સામેની તરફ કિશોરભાઈ અને હાર્દિક બેઠા. ક્રિશ દાદીના પાછળ રસોડામાં જતો રહ્યો.
'મારું નામ જ્યંતી પટેલ છે, આ ઉમાકાંત પટેલ અને પેલા પરષોત્તમ પટેલ છે. અમે ત્રણેય પાટીદાર કેળવણી મંડળના હોદ્દેદારો છીએ. અમારા કેળવણી મંડળને ૨૯ સપ્ટેમ્બરે ૧૦૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ નિમિત્તે અમે ગામમાં નવું એજ્યુકેશન કેમ્પસ ખોલી રહ્યા છીએ. તેમાં પ્રાથમિકથી હાયરસેકન્ડરી સુધીની સ્કુલ, પીટીસી કોલેજ, બીએડ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજ હશે. આ નવા કેમ્પસનું નામ અમે વિશ્વભારતી એજ્યુકેશન ટ્રસ્ટ આપ્યું છે. આ કેમ્પસ અમે ભારતીબેનને અર્પણ કરીએ છીએ. અમારી ઇચ્છા છે કે, તમે ભારતીબેનને લઇને તેના અનાવરણમાં આવો.'- જયંતભાઈ બોલ્યા અને કિશોરભાઈ તથા હાર્દિકના ચહેરા ઉપર આનંદશ્ચર્ય છવાયા. પાણીના ગ્લાસની ટ્રે લઇને ઊભેલા ઇન્દુબેન પણ રાજીના રેડ થઇ ગયા.
'ભાઈ તમે આ સમાચાર તમારા જ મોઢે બા ને આપો. હું તેમને લઇને આવું છું.'- ઇન્દુબેન પાણીની ટ્રે ત્યાં જ સેન્ટર ટેબલ ઉપર મૂકીને ભારતીબાને લેવા પાસેના રૂમમાં ગયા.
ભારતી બાને જ્યારે તેઓ લઇને આવ્યા તો આવેલા ત્રણેય મહેમાનો ઊભા થઇને ભારતીબેનને પગે લાગ્યા. ભારતીબા તેમને ઓળખી ન શક્યા ત્યારે ત્રણેયે તેમની ઓળખ આપી અને ભારતીબાની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે આવવાનું કારણ જણાવ્યું ત્યારે ભારતીબાની આંખો ભરાઈ આવી. તેમણે આમંત્રણ સ્વીકારીને નક્કી કરેલી તારીખે આવવાની હા પાડી દીધી.
ત્રણેય મહેમાનો અને ભારતીબાએ અલકમલકની વાતો કરી. પાટીદાર કેળવણી મંડળની પહેલી હાઈસ્કુલ, ભારતીબેનની જિંદગીની પહેલી નોકરી, તે સમયની સ્થિતિ, છોકરાઓ અને બીજું ઘણું. કિશોરભાઈ અહોભાવ સાથે અને હાર્દિક આશ્ચર્ય સાથે બધુ સાંભળતા હતા. નાસ્તો, ચા-પાણી થયા અને મહેમાનોએ વિદાય લીધી. કિશોરભાઈ પોતાની માતા ભારતીબાને તેમના રૂમમાં લઇ ગયા અને હાર્દિક સીડીઓ ચડીને ઉપરના માળે ગયો.
બીજા દિવસે હાર્દિકે પ્રિન્સિપલને લેખિત ફરિયાદ કરી અને ક્રિશનું અપમાન થયાની જાણ કરી. કિશોરભાઈ તેનાથી ખૂબ જ નારાજ થયા. પેલા શિક્ષકને અઠવાડિયા માટે સસ્પેન્ડ કરાયા એ વાત જાણ્યા બાદ કિશોરભાઈ અને હાર્દિક વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. ઇન્દુબેન વચ્ચે પડવાનું સાહસ કર્યું પણ સફળ થયા નહીં. આખરે ઘરમાં તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું જે ઘણા દિવસો ચાલ્યું. કિશોરભાઈ ખરેખર ખૂબ જ નારાજ હતા અને હાર્દિક પોતાના પગલાંને સાચુ સમજીને અડગ હતો. ઘરમાં બંને એકબીજાને બોલાવતા નહોતા. ભારતીબાને આ વાતની જાણ થઇ. તેમણે કિશોરભાઈને બોલાવ્યા અને વાત જતી કરવા કહ્યું. કિશોરભાઈએ દલીલો કરી ત્યારે ભારતીબાએ તેમને સમજાવ્યા અને તેઓ માની ગયા. ઘરમાં સ્થિતિ સહેજ સામાન્ય થઇ ત્યાં જ તે લોકોનો વહેલાલ જવાનો દિવસ આવી ગયો.
કિશોરભાઈ, ઇન્દુબેન, ભારતીબા, હાર્દિક અને તેની પત્ની કિન્નરી અને દીકરો ક્રિશ બધા જ સજ્જ થઇને વહેલાલ ખાતે જણાવેલા સરનામો પહોંચી ગયા. વિશાળ કેમ્પસ અને વ્યવસ્થાઓ જોઇને તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. બધા આગળ વધ્યા ત્યાં જ્યંતીભાઈ અને અન્ય કેટલાક લોકો તેમને આવકારવા માટે સજ્જ ઊભા હતા. ગાડી પાર્ક કરાવીને તમામ લોકો ભારતીબા અને તેમના પરિવારને હોલમાં લઇ ગયા. જીવતરની સદી પૂરી કરવા સુધી પહોંચેલા ભારતીબા હવે વધારે બોલી શકે કે પછી બેસી શકે તે સ્થિતિમાં નહોતા છતાં લોકોના પ્રેમ અને સ્નેહના કારણે ખેંચાઈ આવ્યા હતા.
થોડી વારમાં સમગ્ર હોલ ખચોખચ ભરાઈ ગયો અને કાર્યક્રમ શરૂ થયો. મહેમાનોના ભાષણ અને યુવાનોની પ્રાર્થના, વંદના અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક બાદ યજમાન એવા જ્યંતીભાઈ પટેલે માઇક સંભાળ્યું. પોડિયમ પાસે આવીને તેમણે બોલવાની શરૂઆત કરી અને સમગ્ર હોલમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠયો.
'અમારા પ્રિય અને આદરણીય બેન... આજે પણ તમારી સોટીના સોળ અને તમારા લાફામાં રહેલી લાગણીઓ અમને અનુભવાય છે. તમારી વઢમાં રહેલું વ્હાલ અને અમારા ભવિષ્યની ચિંતા આજે અમને તમારા ઋણી બનાવીને રાખે છે. બેન તમે અમારી નવી સ્કુલમાં આવેલા અંગ્રેજીના પહેલા શિક્ષક હતા. બેન બધા સાહેબો કરતાં તમારી બીક અમને વધારે લાગતી હતી.'
'અમને ગામડીયાઓને અંગ્રેજી આવડે નહીં અને તમે દરરોજ સોટીઓ મારીને અંગ્રેજી ભણાવો, બીજા વિષયોનું ઘરકામ કરી લાવવા દબાણ કરો. અમને જાતભાતની વાતો કરીને પ્રોત્સાહન આપો. અમારા પરિવારની સાથે જોડાઈને અમારા ભણતર અને વિકાસની ચિંતા કરો. બેન તમે જે અરસામાં અમારી સ્કુલમાં આવ્યા તે સમય ખૂબ જ સાધારણ હતો. શહેરમાંથી આવીને ગામડાની સ્કૂલમાં ભણાવવું જ વિચારતા કરી મુકે તેવું પગલું હતું. તમારી મહેનત, તમારી લાગણી, તમારો ગુસ્સો અને તમારું ભણતર આખરે અમને લેખે લાગી ગયા. અમે જ નહીં અમારી નવી પેઢી પણ તેનાથી તરી ગઈ.
તમે જેટલા વર્ષો આ સ્કુલને આપ્યા તેણે અનેક પરિવાર અને કુટુંબોને શિક્ષિત અને પગભર કર્યા છે. અમારા જેવા ડફોળો અને તમે જે કહેતા હતા તે...ઠોઠડાઓ આજે આ જ શાળાના ટ્રસ્ટી બની શક્યા તે માત્ર તમારા સ્નેહ અને મહેનતનું પરિણામ છે. તમે જો અમે મારી મારીને ભણાવ્યા ન હોત તો અમે પણ અમારા માવતરની જેમ ક્યાંક ખેતરમાં જ મહેનત કરતા હોત. અમારી પેઢી પણ ખેતરમાં જ હોત.'
'અમારા જેવા ખેડૂતોના ગામને શિક્ષિત કરવું અને તેમાંય અંગ્રેજી લખતા, વાંચતા શિખવવું તે તમારા વગર શક્ય ન બન્યું હોત. આજે આ કેમ્પસ અમારા ભારતીબેનના નામે ખોલી રહ્યા છીએ. અમે તમામ લોકોએ નક્કી કરેલું છે કે, આ કેમ્પસમાંથી જે ફી આવે છે અને તેમાંથી જે નફો થશે તેની પચાસ ટકા રકમ અમારી આપણા ગામ તથા આસપાના તમામ ગામમાંથી આવતી દીકરીઓના શિક્ષણ પાછળ ખર્ચવામાં આળશે. અમારી શાળા કે કોલેજમાં દીકરીઓ પાસેથી એકપણ પૈસો ફી પેટે લેવામાં આવશે નહીં.'
'બેન તમે જે રીતે ગામમાં ફરી ફરીને અમને પકડી લાવતા, મેથી પાક આપતા, ધોલાઈ કરતા અને પરાણે ભણાવતા તે આજે ઘણું સારું લાગે છે. તમારી સજામાં રહેલી સંવેદના આજે પણ અમારા મનમાં સ્પંદનોને તાજા કરી દે છે. બેન તમે કડક થઇને અમને ભણાવ્યા ન હોત તો આજે અમે જીવનમાં જે બની શક્યા તે કદાચ શક્ય જ ન બન્યું હોત. અમારા સંતાનો પણ મોટા શહેરોમાં કે વિદેશોમાં ભણવા જવા જેટલા સક્ષમ ન બન્યા હોત. માવતર અને માસ્તર બંને જ અમારા માટે નિ:સ્વાર્થ ભાવના રાખતા હોય છે. તેને કેવી રીતે ભુલાય. તેના કારણે અમે આ કેમ્પસમાં અમારા વહાલા ભારતીબેનની હાથમાં સોટી રાખેલી પ્રતિમા મુકવાના છીએ. આ સોટી જ અમને શિક્ષણ અને સંવેદનાની સમજ પૂરી પાડતી રહેશે.'
જ્યંતીભાઈએ વાત પૂરી કરી અને સ્ટેજ ઉપર ભારતીબેનની હાથમાં સોટી રાખેલી પ્રતિમાની તસવીર રજૂ થઇ. લોકોએ તાળીઓથી ભારતીબેનને વધાવી લીધા. ભારતીબેન અને અન્ય લોકો પ્રતિમાના અનાવરણ માટે બહાર જવા નિકળ્યા અને હાર્દિક પોતાના પિતાના પાસે આવ્યો.
'સોરી પપ્પા, તમારી વાત સાચી છે...મેં ક્રિશ માટે જે કર્યું તે ખોટું હતું. મારી ભુલ હતી. હું કાલે જ એ ભુલ સુધારી લઇશ.'-હાર્દિકે કહ્યું અને કિશોરભાઈએ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો. દૂર ઊભેલા ભારતીબેન તેમને જોઇને મલકાયા અને પ્રતિમા ઉપરનું કપડું ખેંચ્યું અને પોતાની પ્રતિમા જોઇને હસી પડયા.