Get The App

સુમિત અંતિલ : એક પગે વિશ્વવિક્રમોની વણઝાર સર્જી રહેલો ભારતીય એથ્લીટ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
સુમિત અંતિલ : એક પગે વિશ્વવિક્રમોની વણઝાર સર્જી રહેલો ભારતીય એથ્લીટ 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- એક અકસ્માતે સુમિતનું પહેલવાન બનવાનું સ્વપ્ન રોળી નાંખ્યું છતાં તેને છ વિશ્વવિક્રમ સર્જવા સાથે બેવડા પેરાલિમ્પિક્સ સુવર્ણચંદ્રક જીતતો કોઈ અટકાવી ન શક્યું !

કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય; વણ તુટેલે તાંતણે ઉપર ચડવા જાય - અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઉદયમાન પ્રભાતના પુષ્પ સમાન કવિ દલપતરામની કાવ્યપંક્તિમાં ઉદ્યમનું નિરુપણ તો કરવામાં આવ્યું જ છે, પણ તેની સાથે સાથે એ વિશેષતા પણ દર્શાવાઈ છે કે, આશાના એકમાત્ર તંતુને પકડીને ઊંચે જવાનો પ્રયાસ કરતો કરોળિયો તેના જ સહારે વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી શકે છે. દલપતરામના શબ્દોમાં ગુંથાયેલું ચિરંતન સત્ય પેઢીઓની પેઢીઓને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડતું રહ્યું છે. દરેક નિષ્ફળતા એ સફળતાની નવી રાહ સુધી પહોંચવાનો એક નવો પડકાર બનીને આવે છે, જેઓ તેને ઝીલી લે છે, તેઓને નવી રાહ મળી જ જાય છે. પેરિસમાં હાલમાં ચાલી રહેલા દિવ્યાંગોના મહારમતોત્સવ- પેરાલિમ્પિકમાં ભારતના ભાલા ફેંકના એથ્લીટ સુમિત અંતિલે સતત બીજી ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતવાની સાથે ભારતીય પેરા એથ્લેટિક્સના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે પોતાનું નામ અંકિત કરાવી દીધું છે.

૨૬ વર્ષનો સુમિત અંતિલે ટોકિયો પેરાલિમ્પિકમાં જીતેલો સુવર્ણ ચંદ્રક ત્રણ વર્ષ બાદ પેરિસમાં યોજાઈ રહેલા પેરાલિમ્પિકમાં જાળવી રાખવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે તે સતત બે પેરાલિમ્પિક્સમાં સુવર્ણચંદ્રક જાળવનારો ભારતનો સૌપ્રથમ પેરા એથ્લીટ બની ગયો છે. કુદરતી રીતે કે પછી અકસ્માતે દિવ્યાંગતાને પ્રાપ્ત થયેલા વ્યક્તિઓ જ્યારે પોતાની મર્યાદામાં રહીને શ્રેષ્ઠતાને હાંસલ કરવા માટે કમર કસે છે, ત્યારે આગવો ઈતિહાસ રચાય છે અને સુમિત અંતિલે પેરિસમાં આવી જ ભારતીય રમતજગત માટે અસાધારણ કહી શકાય તેવી સિદ્ધિ હાંસલ કરી છે.

આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સમાં છેલ્લા છ વર્ષથી સુમિતનું નામ ગાજતું રહ્યું છે. સુમિતે સતત બે પેરાલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતવાની સાથે વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપમાં પણ બે સુવર્ણ અને એક રજત તેમજ એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવાની વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ બધાની સાથે સાથે તેના નામે છ વિશ્વવિક્રમો પણ નોંધાયેલા છે, જેમાંથી પાંચ વખત તો તેણે પોતાના જ વિશ્વવિક્રમને તોડવામાં સફળતા મેળવી છે, જે દર્શાવે છે કે, સુમિત હાલમાં વિશ્વના અન્ય કોઈ પેરા એથ્લીટ સાથે નહીં, પણ ખુદ પોતાની જાત સાથે સ્પર્ધા કરી રહ્યો છે. વૈશ્વિક સ્તરે સુવર્ણચંદ્રકો અને વિશ્વવિક્રમોની વણઝાર સુમિતે તેના એક પગની મદદથી સર્જી છે, જે તેની પ્રતિભા અને અપ્રતીમ સાહસનું પ્રતીક છે.

સુમિતને ઘુંટણની નીચેનો ડાબો પગ જ નથી અને તે કૃત્રિમ પગની મદદથી ચાલવા અને દોડવા સાથેની તમામ ક્રિયાઓ સાધારણ વ્યક્તિની જેમ જ કરે છે. સુમિત આ જ કારણે પગની દિવ્યાંગતા ધરાવતા એથ્લીટ્સ માટેની ટી-૬૪ કેટેગરીમાં સ્પર્ધા કરે છે. આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિએ દિવ્યાંગો માટેના મહારમતોત્સવમાં જુદી-જુદી કેટેગરી નકકી કરી છે, જેના કારણે શારીરિક રીતે લગભગ સમાન મર્યાદા ધરાવતા ખેલાડીઓને તેમની બરોબરીના હરિફો સાથે સ્પર્ધામાં ઉતરવાની તક મળે અને તેમની વચ્ચે શ્રેષ્ઠતા માટેની હોડ જામે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં સુમિતે આગવો દબદબો સર્જતાં ચાર સુવર્ણ ચંદ્રકો જીતી બતાવ્યા છે.

રામ કુમાર અને નિર્મલા દેવીના પરિવારમાં ૭મી જુન ૧૯૯૮ના રોજ સુમિતનો જન્મ થયો હતો. હરિયાણાના સોનીપતમાં રહેતા અંતિલ પરિવારમાં કિરણ, સુશીલા અને રેણુની સાથે સુમિત એમ ચારેય બાળકોને જુદી-જુદી રમતોનો શોખ. સુમિતાના પિતા રામ કુમાર ભારતીય વાયુ સેનામાં જુનિયર વોરંટ ઓફિસર હતા અને તેઓ જામનગર સહિતના દેશના જુદા-જુદા એરફોર્સ સ્ટેશનોમાં મિકેનિક તરીકે અસરકારક ભૂમિકા ભજવી ચૂૂક્યા હતા. અલબત્ત, રામ કુમારનું કેન્સરની બીમારી બાદ અવસાન થયું ત્યારે સુમિત ખુબ જ નાનો હતો. તેની માતા નિર્મલાએ પરિવારના અન્ય સભ્યોની મદદથી બાળકોનો મક્કમતાથી ઉછેર કર્યો.

સુમિત હરિયાણાના અન્ય છોકરાઓની જેમ તે પણ પહેલવાની કરવા તરફ વળ્યો. આ કારણે તેણે બાળપણથી જ પોતાના શરીરને કસવામાં કોઈ કસર છોડી નહતી. હરિયાણાના યોગેશ્વર દત્ત સહિતના પહેલવાનોની સફળતાને પગલે સુમિત પણ ઓલિમ્પિકમાં ભાગ લેવાનું સ્વપ્ન સેવતો. જોકે, એક વખત ટયૂશન ક્લાસમાંથી પરત ફરતાં સુમિતના બાઈકને બેફામ ઝડપે આવતી ટ્રકે અડફેટે લીધું અને આ ગમખ્વાર અકસ્માતમાં તેને ડાબો પગ ઘુંટણની નીચેથી ગુમાવવો પડયો.  સુમિતનું મનોબળ એટલું મક્કમ હતુુ કે, અકસ્માત બાદ ઘાયલ અવસ્થામાં તેણે જાતે જ ે ફોન કરીને એમ્બ્યુલન્સન બોલાવી. નિર્મલા દેવી માટે આ અકસ્માત તેેના પરિવાર પર આવેલા બીજા વજ્રાઘાત સમાન હતો. સુમિતને પણ વાસ્તવિકતાને સ્વીકારતાં થોડો સમય લાગ્યો.

એક જ પળમાં તેનું પહેલવાન બનવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. હવે સુમિત જલ્દી અભ્યાસ પૂરો કરીને નોકરી મેળવવા ઈચ્છતો હતો, જેથી તે પરિવારને મદદરુપ થઈ શકે. આ દરમિયાન જ તેની મુલાકાત પેરાએથ્લીટ રાજ કુમાર સાથે થઈ. આ એક જ મુલાકાતે સુમિતની જિંદગીની રાહ બદલી નાંખી. રાજ કુમારે તેને  પેરા એથ્લીટ બનવાનો રસ્તો દેખાડયો અને સુમિતની આંખોમાં મુરઝાઈ ગયેલું ખેલાડી બનવાનું સ્વપ્ન જાણે પુન:જીવિત થઈ ઉઠયું. તેણે પરિવારની બચતના નાણાં લઈને પૂણેેમાં જઈને ખાસ પ્રોસ્થેટિક લેગ (કૃત્રિમ પગ) લગાવ્યો અને તેની મદદથી ચાલવાનું શરુ કર્યું. તેણેે પહેલા પેરા શોટપુટર (ગોળા ફેંકના ખેલાડી) વિરેન્દર ધનકરના માર્ગદર્શનમાં તાલીમ શરુ કરી અને આ દરમિયાન વિરેન્દરે જ તેની મુલાકાત ભાલા ફેંકના દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા નવલ સિંઘ સાથે કરાવી.

નવલ સિંઘને સુમિતમાં વિશેષ રસ પડયો. પહેલવાન બનવા માટે સુમિતે કરેલી મહેનત તેને પેરા એથ્લેટિક્સમાં કામ લાગી. વળી, છ ફૂટ અને બે ઈંચની ઊંચાઈનો પણ તેનો ફાયદો મળ્યો. નવલ સિંઘે તેણે ભાલા ફેંકની રમત અપનાવવા માટે મહામહેનતે મનાવી લીધો અને તેની નવી સફરની શરુઆત થઈ. સુમિત માટે કૃત્રિમ પગની સાથે દોડવું આસાન ન હતું. શરુઆતમાં તો તેે પગમાં સખત દુ:ખાવો થતો. ઘણી વખત ડાબા પગમાં જ્યાંથી તેના પગનો ભાગ કૃત્રિમ પગ સાથે જોડાયતોે હતો, તે જગ્યાએ લોહી પણ નીકળતું. જોકે, સુમિતમાં ડગલું ભર્યું કે ના હટવું એ જુસ્સો ભારોભાર ભરેલો હતો. કોઈ પણ મુશ્કેલી કે વિઘ્ન સુમિતને આગળ વધતો અટકાવી ના શક્યો.

સુમિતે કોચ નવલ સિંઘના માર્ગદર્શનમાં અઢી વર્ષ કરેલી સખત મહેનતનું પરિણામ ઝડપી દેખાવા માંડયું. તેણે ઈટાલીમાં યોજાયેલી પેરા ગ્રાન્ડ પ્રિમાં વિશ્વવિક્રમ તોડવાની સાથે પોતાની આગવી પ્રતિભાને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરી દીધી. અલબત્ત, ક્વોલિફાઈંગમાં વિશ્વવિક્રમ સર્જનારા સુમિતને ફાઈનલમાં રજતચંદ્રકથી સંતોષ માનવો પડયો. આ પછી તેણે વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપમાં પણ રજતચંદ્રક હાંસલ કર્યો હતો. સુમિતની પ્રતિભાએ શાનદાર દેખાવ જારી રાખ્યો અને કોરોના સંઘર્ષમય સમય બાદ ટોકિયોમાં ૨૦૨૧માં યોજાયેલા પેેરાલિમ્પિકમાં ધમાકેદાર દેખાવ કરતાં તેના થ્રો દરમિયાન ત્રણ વખત વિશ્વવિક્રમ સર્જતાં સુવર્ણચંદ્રક હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો હતો.

ભારતીય પેરા એથ્લેટિક્સમાં આગવો ઈતિહાસ રચતા સુમિતે હાંગઝોઉ પેરા એશિયન ગેમ્સમાં તેમજ બે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતીને રેકોર્ડબુકમાં સ્થાન હાંસલ કરી લીધું હતુુ. હવે પેરિસ ઓલિમ્પિકમાં પણ તેણે તેની પ્રતિભાનું પ્રમાણ આપી દીધું છે. પોતાના જ વિશ્વવિક્રમોને આગળ ધપાવી રહેલા સુમિતની નજર હવે ૮૦ મીટરનો થ્રો કરનારા તેની કેટેગરીના વિશ્વના સૌપ્રથમ એથ્લીટ બનવા તરફ છે. તેના મક્કમ ઈરાદાને જોતા નવું લક્ષ્ય પણ તેના માટે મુશ્કેલ નથી.


Google NewsGoogle News