માનવતસ્કરી સામે મોરચો .
- આજકાલ-પ્રીતિ શાહ
- ગુમ થયેલી વ્યક્તિ જ્યારે પરિવારને મળે છે તે સમયનું દ્રશ્ય રાજુ નેપાળીને સૌથી વધારે સુખ અને આનંદ આપે છે
સિ ક્કિમના કેટલાક કિશોરોએ ભેગા મળીને શનિ-રવિની રજામાં સિલિગુડી ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો. બધા ફરીને પાછા આવ્યા, ત્યારે તેમાંનો એક મિત્ર ગુમ થઈ ગયો હતો. પિતાને જાણ થતાં જ તેમણે પોલીસને ફોન કરવાને બદલે રાજુ નેપાળીને ફોન કર્યો. રાજુ નેપાળી 'ડુઅર્સ એક્સપ્રેસ મેલ' નામની એન.જી.ઓ. દ્વારા ગુમ થયેલી વ્યક્તિઓને શોધી આપવાનું કામ કરે છે. રાજુએ તેમને સિક્કિમ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ લખાવવાનું કહ્યું અને પછી ગુમ થયેલા સોળ વર્ષના કિશોરની શોધ આદરી. થોડા દિવસની ભાગદોડને અંતે ખબર પડી કે એક ડ્રગ પેડલર તેને ફોસલાવીને, લાલચ આપીને બિહારના ભાગલપુરમાં લઈ ગયો છે અને ત્યાં તેને માર મારવામાં આવ્યો છે. તેને પાછો મેળવવા માટે એક લાખ રૂપિયાની માગણી કરવામાં આવી, પરંતુ છેવટે એ છોકરો હેમખેમ પોતાના ઘરે પાછો ફર્યો.
ભારતમાં દિનપ્રતિદિન બાળકો ગુમ થવાની ઘટનાઓ વધતી જાય છે. તેમાંથી કેટલાક મળી આવે છે, પરંતુ જે માતા-પિતા પોતાનાં બાળકો ગુમાવી દે છે, તેમનો તો એમના આખાય જીવનમાંથી રસ ઊડી જાય છે. કુટુંબથી વિખૂટા પડી ગયેલાં બાળકોને માતા-પિતા સાથે મેળવી આપવાનું કામ ઘણી એન.જી.ઓ. અને વ્યક્તિઓ કરે છે. એમાંનું એક નામ છે રાજુ નેપાળી. રાજુનું બાળપણ દાર્જિલિંગ અને જલપાઈગુડીમાં વીત્યું. પિતા ચાના બગીચાઓમાં કામ કરતા હતા. પિતાએ રાજુને સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો, પરંતુ તેને અભ્યાસમાં બહુ રસ ન પડયો. સાતમા ધોરણમાં નાપાસ થતાં એણે અભ્યાસને તિલાંજલિ આપી અને કિશોરાવસ્થાથી જ નેપાળ અને પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં આવેલા જિલ્લામાં એક ખ્રિસ્તી મિશનરી સંસ્થા સાથે કામ કરવા લાગ્યો.
૧૯૯૨માં એક વખત નેપાળ જવાનું બન્યું અને ત્યાં તેની મુલાકાત એક યુવતી સાથે થઈ. બંને વચ્ચે અને તેના કુટુંબ સાથે ઘરોબો કેળવાયો. એ યુવતી એને મોટોભાઈ માનવા લાગી અને સગાઈ વખતે નિમંત્રણ પણ પાઠવ્યું. રાજુ તેની સગાઈમાં ગયો, ત્યારે તેણે લગ્નનું નિમંત્રણ પણ આપ્યું, પરંતુ કામની વ્યસ્તતાને કારણે લગ્નમાં જઈ ન શક્યો. એકાદ વાર તેના માતા-પિતાને મળવાનું બન્યું, પરંતુ માતા-પિતાએ એને જણાવ્યું કે લગ્ન થયા પછી તેના કોઈ સમાચાર નથી. તેમની ચિંતા અને વ્યાકુળતા જોઈને રાજુએ તેમને પોલીસમાં ફરિયાદ લખાવવા માટે સૂચન કર્યું, પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું નહીં.
દસેક વર્ષ પછી મિશનરીના એક સંમેલનમાં ભાગ લેવા પૂણે ગયો હતો. પૂણેના એક ધાબામાં જમવા ગયો, ત્યારે તે બેઠો હતો અને પાછળથી તેના ખભા પર કોઈએ હાથ મૂક્યો. તેણે ફરીને જોયું પણ એ સ્ત્રીને ઓળખી ન શક્યો. મુખ પર મૌન અને આંખમાં આંસુ સાથે થોડો સંવાદ થયો. એ સ્ત્રીએ રાજુને યાદ કરાવ્યું અને પછી તેણે જણાવ્યું કે તેના પતિએ લગ્ન કરીને તેની સાથે કેવી છેતરપિંડી કરી અને પૂણેમાં વેચી દીધી. તે યુવતીના શણગાર પરથી રાજુને પરિસ્થિતિ સમજતાં વાર ન લાગી. એની લાચાર આંખો રાજુને કહી રહી હતી કે આ નરકમાંથી તેને બહાર કાઢો. રાજુએ કોઈને ખ્યાલ ન આવે તે રીતે સરનામું લીધું અને બહુ ઝડપથી ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. રાજુએ જીવનમાં પહેલીવાર માનવ તસ્કરી વિશે સાંભળ્યું અને વાસ્તવિક અનુભવ કર્યો. તે યુવતીને રેડ લાઇટ એરિયામાંથી બહાર કાઢવાનું કામ સરળ નહોતું. સૌથી પહેલાં તો એણે મુંબઈથી બાગડોગરાની ફ્લાઇટનું બુકિંગ કરાવ્યું. ગ્રાહક બનીને તે યુવતીને જાનના જોખમે બાગડોગરા પહોંચાડી, પરંતુ કમનસીબી એ કે માતા-પિતા તેને સ્વીકારવા તૈયાર નહોતા. તેને એઇડ્સ થયો હતો અને થોડા મહિનામાં જ તે મૃત્યુ પામી.
આ ઘટનાએ રાજુના જીવનની દિશા બદલી. તેણે ગુમ થયેલા બાળકોને અને સ્ત્રીઓને બચાવવાનું નક્કી કર્યું. આ પ્રકારનું કામ કરતી સંસ્થાઓ અને વ્યક્તિઓને મળ્યો. કામની સમજ મેળવી. ત્યારબાદ મિશનરીની નોકરીમાં રાજીનામું આપીને ૨૦૦૭માં 'ડુઅર્સ એક્સ્પ્રેસ મેલ' નામની સંસ્થાની સ્થાપના કરી. એણે જોયું કે નોકરી કે લગ્નના બહાને ગરીબ યુવતીઓ માનવ તસ્કરીની જાળમાં ફસાય છે અને બે-ત્રણ હજાર રૂપિયાના લોભમાં સ્થાનિક લોકો આવું કામ કરી આપે છે. રાજુ નેપાળીએ પોતાની ટીમ બનાવી અને નેપાળ તથા ઉત્તર બંગાળમાં ગામેગામ ફરીને ગરીબ પરિવારોને આવા સ્થાનિક એજન્ટો અને માનવ તસ્કરી પ્રત્યે જાગૃત કર્યા. પોલીસોને મળ્યા. માતા-પિતાઓનું કાઉન્સેલિંગ કર્યું. તેને મદદ કરવા અનેક સંસ્થાઓએ સહયોગ આપ્યો. ૨૦૧૫માં એણે 'સ્ટૉપ ઈફ યુ કેન' નામનું વોટ્સઅપ ગ્રૂપ શરૂ કર્યું. જેમાં અઢીસોથી વધારે પત્રકારો, પોલીસ, વકીલો અને સામાજિક કાર્યકર્તાઓ છે. ભારત ઉપરાંત ભૂતાન, નેપાળ અને બાંગ્લાદેશના લોકો જોડાયેલા છે. એક વખત લોકેશન મળી જાય પછી ગુમ થયેલ વ્યક્તિને બચાવવામાં વાંધો આવતો નથી. અત્યાર સુધીમાં દોઢ હજાર વ્યક્તિઓનો પરિવાર સાથે મેળાપ કરાવી આપ્યો છે. ગુમ થયેલી વ્યક્તિ જ્યારે પરિવારને મળે છે તે સમયનું દ્રશ્ય રાજુ નેપાળીને સૌથી વધારે સુખ અને આનંદ આપે છે.
દિશાએ બતાવી નવી દિશા
દિવ્યાંગ વ્યક્તિની ક્ષમતાને નજરઅંદાજ કરવાથી તે નિરુત્સાહ થઈ જશે. ચામડીના રંગ કે શરીરની સાઈઝ પરથી કોઈની ક્ષમતા જાણી શકાય નહીં
મું બઈમાં રહેતી દિશા પંડયાએ શિક્ષણ પૂરું કર્યા પછી અનેક જગ્યાએ નોકરી માટે અરજી કરી અને ઇન્ટરવ્યૂ આપ્યા. તેની ક્ષમતા અને હોંશિયારી હોવા છતાં તેને નોકરી મળતી નહોતી. તેનું કારણ એની દિવ્યાંગતા હતી. 'એકૉન્ડ્રોપ્લાસિયા ડ્વાર્ફિઝમ' સાથે જન્મેલી દિશાની ઊંચાઈ ચાર ફૂટ બે ઈંચ છે. એકોન્ડ્રોપ્લાસિયા ડ્વાર્ફિઝમ એવી સમસ્યા છે કે જેમાં શરીરનું કદ નાનું રહે છે અને માથું મોટું હોય છે. આને કારણે દિશાને એક વાર કે બે વાર નહીં, પરંતુ સત્તર વખત તેને નોકરી માટે નામંજૂર કરવામાં આવી. એક કંપનીએ તો એને કહ્યું કે, 'બધું બરાબર છે, પરંતુ તમે થોડા અલગ દેખાઓ છો. તમને નોકરી પર રાખી શકીએ પણ અમારા અન્ય કર્મચારી સાથે તમે સહજતા નહીં અનુભવી શકો.'
તેના પિતાને પણ આવી સમસ્યા હતી અને ઘણું સહન કરવું પડેલું. પિતાએ જ દિશાને સલાહ આપેલી કે, 'તારી સૌથી મોટી દિવ્યાંગતા લોકો શું વિચારે છે તે છે. તું એમના વિચારથી ચાલીશ તો કાયમ દિવ્યાંગ જ રહીશ. જ્યારે તારા વિચારોથી ચાલીશ તો કામયાબ થઈશ. એ વિચારોથી બહાર નીકળીશ તો તું બધું જ કરી શકીશ.' છેલ્લાં બાર વર્ષથી તે સફળતાપૂર્વક નોકરી કરે છે. સૌપ્રથમ આઈ.સી.આઈ.સી.આઈ.માં હોમલોન વિભાગમાં નોકરી મળી. તે પછી એચ.ડી.એફ.સી. બેંક અને બિસલેરી જેવી કંપનીમાં કામ કર્યું. અત્યારે તે ગ્રાફિક ડિઝાઇનર તરીકે રીચ ઇન્ડિયામાં ક્રિયેટીવ હેડની જવાબદારી સંભાળી રહી છે.
દિશા પંડયાએ પોતાના જેવા અનેક લોકોને મુશ્કેલી ન પડે અને નોકરી મેળવવામાં તેમજ અન્ય સમસ્યાઓમાં મદદ મળી રહે તે માટે ધ લિટલ પીપલ ઑફ ઇન્ડિયાની ૨૦૧૮માં સ્થાપના કરી. પેરાલિમ્પિક એથ્લેટ માર્ક ધર્માઈ સાથે મુલાકાત થઈ. તે દિશાના કોચ, માર્ગદર્શક અને મિત્ર બની રહ્યા. દિશાએ ક્યારેય રમત વિશે વિચાર નહોતો કર્યો, પરંતુ તેણે બેડમિંગ્ટન, શોટપુટ, ડિસ્કસ થ્રો અને જેવલીન થ્રોમાં ભાગ લીધો. મેડલ મળ્યા, તેનાથી ગૌરવ મળ્યું અને ભાવનાત્મક રીતે મજબૂત બની. ધ લિટલ પીપલ ઑફ ઇન્ડિયામાં શરૂઆતમાં સાત વ્યક્તિ હતી. આજે વોટ્સએપ અને ફેસબુક પર મળીને સાડા છસો વ્યક્તિઓ છે. દિશાએ આ લોકોને પ્રથમવાર એક પ્લેટફોર્મ આપ્યું. જ્યાં તેઓ પોતાની વાત કરી શકે, પરસ્પર સંવાદ સાધી શકે, લગ્ન, નોકરી અને શિક્ષણ જેવી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે.
દિશા પંડયાએ મુંબઈના 'વિવિધતા' નામના સંગઠન સાથે મળીને નોકરી મેળાનું આયોજન કર્યું. આમાં એલજીબીટી સમુદાયની વ્યક્તિઓ, નોકરી છૂટી ગઈ હોય તેવી મહિલાઓ, સેનાના પૂર્વ અધિકારીઓ તેમજ એસિડ એટેકનો ભોગ બનેલાઓને સામેલ કર્યા. આ નોકરી મેળામાં પાંચસો વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ થયા અને સાથેસાથે પેનલ ચર્ચા અને વર્કશોપનું આયોજન પણ થયું. ડ્વાર્ફિઝમ ધરાવતા બે લોકોને એમેઝોનમાં નોકરી મળી. તે ઉપરાંત બીજા ઘણા લોકોને નોકરી મળી. કેટલાકને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા તો જુદી જુદી કંપનીઓ સુધી તેમના બાયોડેટા પહોંચ્યા. આ સમાચાર અનેક જગ્યાએ પહોંચ્યા. જે કંપનીઓ આવા લોકોને નોકરી નહોતી આપતી તેઓ પણ સામેલ થયા. પુણેમાં રહેતા વિલાસ પાસે એન્જિનિયરીંગની ડિગ્રી હતી, પરંતુ તેને તેના વામન કદને કારણે ઓછા પગારે કામ કરવું પડતું હતું. તેને નોકરી મેળામાં સારી કંપનીમાં પિક-અપ અને ડ્રોપની સુવિધા સાથે નોકરી મળી ગઈ.
દિશા પંડયાને સાત-આઠ વર્ષે તેની દિવ્યાંગતાની ખબર પડી. તે કહે છે કે અપંગ વ્યક્તિ કે પ્રજ્ઞાાચક્ષુ વ્યક્તિ પર કોઈ હસતું નથી, પરંતુ અમારા જેવા વામનકદ ધરાવતાં લોકો પર હસે છે. આવા લોકોને સરકસમાં કે ફિલ્મમાં મજાકનું પાત્ર બતાવવામાં આવે છે. ખરેખર તો માતા-પિતાએ એમનાં બાળકોને શીખવવું જોઈએ કે આવા લોકો પર હસો નહીં. અત્યારે સોશિયલ મીડિયાનો પ્રભાવ છે તો તેના પર જાણીતા અભિનેતા કે ક્રિકેટરોએ આ એક મર્યાદા છે તે સમજાવવું જોઈએ. અમિતાભ બચ્ચન કહે કે હું લાંબો છું, તો કોઈ ફેર પડતો નથી તો કોઈ ઠીંગુ હોય તેથી પણ ફેર ન પડવો જોઈએ તો ઘણો ફેર પડે. ઘણી જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા પણ નડે છે. હાથ-પગ નાના હોવાથી ઊંચાઈ પર રાખેલી વસ્તુ લેવામાં સમસ્યા નડે છે. ખુરશી નીચે નાનું પોડિયમ આપવામાં આવે તો ટ્રેન કે બસમાં લાંબા સમય સુધી પગ લટકતા રહે તે ન રહે અને પગ અકડાઈ ન જાય. સૌથી મોટી તકલીફ ફેશનેબલ કપડાંમાં પડે છે, કારણ શરીરનું કદ સરખું હોય છે, પણ હાથ-પગ નાના હોય છે. સમાનતા માત્ર ધર્મ કે જાતિ પ્રત્યે જ નહીં, દરેક વ્યક્તિ માટે અને દરેક વસ્તુમાં હોવી જોઈએ. દિવ્યાંગ વ્યક્તિની ક્ષમતાને નજરઅંદાજ કરવાથી તે નિરુત્સાહ થઈ જશે. ચામડીના રંગ કે શરીરની સાઈઝ પરથી કોઈની ક્ષમતા જાણી શકાય નહીં. ખરેખર તો જે લોકો જજમેન્ટલ બનીને દિવ્યાંગતાનો ન્યાય ન કરી શકે તેઓ જ ખરેખર તો દિવ્યાંગ હોય છે, પણ તે નજરે જોઈ શકાતું નથી. ગ્રાફિક ડિઝાઈનર અને પેરા એથ્લીટ દિશા પંડયા અનેક લોકોના જીવનમાં આશાનું કિરણ બની રહી છે.