ભૂખ્યા રહીને મરવું બહેતર છે ! .
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- કેટકેટલી ક્ષમા માગશો આ જીવોની અથવા તો ક્યારે વિચારીશું કે આ જીવો સાથે આવું વર્તન કરીને આપણે આપણા પૃથ્વીના ગ્રહને અને આ માનવજાતને જેટલું નુકશાન કરીએ છીએ
એ ક બાજુ આજે હિંસાનો પ્રસાર વધી રહ્યો છે, સૌંદર્ય પ્રસાધનોમાં, આહારમાં મનોરંજનમાં અને વૈજ્ઞાાનિક પ્રયોગોમાં પ્રાણીઓનો દયાહીન બનીને નાશ કરવામાં આવે છે. હકીકતમાં અહિંસા એ માત્ર આચારની નહીં, પરંતુ માનવીના જીવનસમગ્રને આકાર આપતી જીવનશૈલી છે. એ જશે તો જીવનમાંથી સંવેદના, સમભાવ અને સમાનતા દૂર થશે.
'સર્વ જીવોને ક્ષમા આપવી એ જ મારો શુદ્ધાત્માનો સ્વભાવ છે અને ક્ષમા નહીં આપીને જીવંત રખાતો વેરભાવ એ આત્માનો રિપુ-શત્રુ ગણાય.'
આચાર્ય ઉમાસ્વાતિજીએ લખેલી 'તત્ત્વાર્થસૂત્ર'ની પહેલી ગાથા 'પરસ્પરોપગ્રહો જીવાનામ્'ની મહત્તાનો તમને ત્યારે જ ખ્યાલ આવે જ્યારે આજના પર્યાવરણ-વિજ્ઞાાનનો ઊંડો અભ્યાસ કર્યો હોય.
ઇંગ્લેન્ડના બકિંગહામ પેલેસમાં ૧૯૯૦ની ૨૩ મી ઓક્ટોબરે ડયૂક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપને પાંચ ખંડોનું જૈન પ્રતિનિધિ મંડળે જૈન ધર્મમાં પર્યાવરણ વિશેનું પુસ્તક આપ્યું એ પછી જૈન ધર્મની પર્યાવરણની વિભાવનાની વાત કરી. 'વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર'ના અધ્યક્ષ પ્રિન્સ ફિલિપને અપાર આશ્ચર્ય થયું કે હજારો વર્ષ પહેલાં જૈનદર્શનને કઈ રીતે ખ્યાલ આવ્યો કે વનસ્પતિમાં જીવ છે ? ત્યારે અમે કહ્યું કે, For us, Ecology is religion and religion is ecology. (અમારે માટે પર્યાવરણ એ જ ધર્મ છે અને ધર્મ એ જ પર્યાવરણ છે.) મેં (કુમારપાળ દેસાઈ) કહ્યું કે, આપણે જૈનદર્શનની જયણાની ભાવના જોઈએ, એટલે આપણને સઘળું સમજાઈ જશે.
ઇ.સ.૧૯૫૯માં ચાર્લ્સ ડાર્વિને On he Origin Species નામનો જગતની વિચારધારામાં ક્રાંતિ સર્જતો ગ્રંથ લખ્યો. એમાં એણે મનુષ્યજાતિના પ્રારંભની વાત કરતાં એમ કહ્યું કે બધી જાતિઓ એક 'ફેમિલી ટ્રી' સાથે જોડાયેલી છે. જ્યારે વિખ્યાત અંગ્રેજ નાટયકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ બહુ માર્મિક રીતે કહ્યું કે 'મારું પેટ એ કોઈ પ્રાણીઓનું કબ્રસ્તાન નથી.' હકીકત એ છે કે આજે વિશ્વમાં નીતિશાસ્ત્રને બદલે ભોજનશાસ્ત્ર નિર્ણાયક બની ચૂક્યું છે. કોઈ પણ પ્રજાનું આરોગ્ય, જીવનશૈલી અને વૈચારિક સંસ્કૃતિમાં એની ભોજનશૈલી નિર્ણાયક બને છે. પ્રજાનો નાશ કરવાનો સૌથી સરળ અને ગળચટો લાગતો ઉપાય એ એની ભોજનશૈલીને નષ્ટ્ર-ભ્રષ્ટ કરી નાખવાનો છે.
આજથી એક્સો ચોવીસ વર્ષ પૂર્વે અમેરિકાનો પ્રવાસ કરનાર વીરચંદ ગાંધીએ ભારતીય ભોજન અને પીણાં વિશે અમેરિકાના શ્રોતાજનોને 'જીબૈીહબી ર્ક ઈચૌહયદ વિશે સાચી સમજ આપતું પ્રવચન આપ્યું હતું.
એમણે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાની અને જમતાં પૂર્વે હાથ ધોવાની ભારતીય પધ્ધતિની વૈજ્ઞાાનિકતા બતાવી. અમેરિકામાં રહીને અમેરિકાને એની રાંધવાની પધ્ધતિના દોષો સમજાવ્યા અને કહ્યું,'માત્ર કેલિફોર્નિયા રાજ્યમાંથી જ આખા અમેરિકાને પૂરતું અનાજ મળી શકે તેમ છે. એને માંસાહાર કરવાની કશી જરૂર નથી.'
આ સંદર્ભમાં તેઓ કહે છે, 'માણસ એ મૂળભૂત રીતે માંસાહારી પ્રાણી નથી. એનિમલ ફૂડથી માણસમાં એનિમલ નેચર જાગે છે અને એનાથી અનેક પ્રકારના રોગો થાય છે. કેન્સર જેવા રોગમાં પણ આ ખોરાક કારણભૂત છે અને વળી માંસાહારી ખોરાક સાથે ઉત્તેજનાત્મક પીણું માગે છે. કોઈ કહે છે કે મારે ભૂખ્યા રહીને મરી જવું કે પછી માંસ આરોગવું ? તો વીરચંદ ગાંધી ઉત્તર આપે છે કે તો ભૂખ્યા રહીને મરવું બહેતર છે.'
એમણે કહ્યું કે ભારતમાં બ્રિટિશ રાજ્ય આવ્યું તે પહેલાં ચાનો પણ પ્રચાર ન હતો. ભારતમાં સૌથી મોટું પીણું તે પાણી છે. એમણે એ આશ્ચર્ય પ્રગટ કર્યું કે જર્મન લોકોને પીવા માટે પાણી પૂરતું નથી, માટે બિયર પીએ છે. જ્યારે ભારતમાં કોઈ બિયરને અડે તો સ્નાન કરે છે. ભારતની ભોજન-પદ્ધતિ વૈજ્ઞાાનિક છે.
જૈન ધર્મના ધાર્મિક અભ્યાસમાં જીવવિચાર શીખવવામાં આવે છે અને તેમાં દેખાતા અને નહીં દેખાતા જીવો વિશે વિચારણા કરવામાં આવી છે.
કલ્લાણકોડિજણણી, દુરંતદુરિયાવરિવગ્ગણિઠ્ઠવણી ।
સંસારજલહિતરણી, એકચ્ચિય હોઈ જીવદયા ।।
'કરોડો કલ્યાણને જન્મ આપનાર, વિવિધ પ્રકારના દારુણ દુ:ખોને નાશ કરનાર અને સંસારસમુદ્રને તારનાર એક જીવદયા જ છે.
અઢાર પાપસ્થાનકોમાં પ્રાણાતિપાતને પહેલે સ્થાને મૂક્યું છે. પ્રાણાતિપાત એટલે પ્રાણનો અતિપાત જીવહિંસા. પોતાનું હિત ઇચ્છનારે જીવહિંસા છોડવી જોઈએ. જીવહિંસાની સાથે અભયદાનનો મહિમા કરીને પોઝિટિવ બાજુ બતાવે છે. આ જગતમાં જીવોને જે સમૂહ વ્યાપેલો છે તેને જીવરાશિ કહેવાય છ. હવે જે જીવરાશિના સ્વરૂપનું જ જ્ઞાાન ન હોય, તો જીવોની દયા કઈ રીતે પાળી શકાય ?
પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, કીડા, જંતુ, પશુ, મનુષ્ય વગેરેને જીવ માનવાનો અને તેના આરંભ-સમારંભથી દૂર રહેવાનો વિચાર કરવામાં આવે છે. આચાર્યશ્રી શાંતિસૂરિજી મહારાજે આને વિશે ખૂબ વ્યાપક વિચારણા કરી છે. આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ કહ્યું કે જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલી શકે છે અને એનું એક ઉત્તમ ઉદાહરણ મોરેશિયસ ટાપુમાં એક સમયે જોવા મળતું આપણા બતક જેવું ડોડો નામનું પક્ષી છે. આજે તો માત્ર એનું ચિત્ર જોઈને સંતોષ માનવો પડે છે !
વર્ષો પહેલાનું મોરેશિયસ ટાપુનું ચિત્ર જુઓ તો એ આખોય ટાપુ અને એનો દરિયાકિનારો પુષ્કળ કેલ્વેરિયા વૃક્ષોથી ભરેલો હતો. આ વૃક્ષો પર બહુ ઓછું ઊંચે ઉડી શક્તાં એવા ડોડો પક્ષી બેસતાં. એ મેદાન પર પોતાનો માળો બાંધતા. પણ બન્યું એવું કે ડોડો પક્ષીના માંસની વાનગી પાછળ ફ્રાન્સની પ્રજા ઘેલી થતાં એનો નિર્દય રીતે સંહાર કરવામાં આવ્યો. બીજી બાજુ ઊંચા તાડ જેવા કેલ્વેરિયા વૃક્ષનું આયુષ્ય ઘણું લાંબુ હતું, પણ અત્યારે માત્ર તેર જ કેલ્વેરિયા વૃક્ષ રહ્યાં છે. કોઈ નવાં વૃક્ષો ઊગતાં નથી. કેલ્વેરિયા વૃક્ષ પર ઉગતા ફળને જમીનમાં નાખવામાં આવ્યું, છતાં કોઈ વૃક્ષ ઊગતું નથી. સમય જતાં ખ્યાલ આવ્યો કે ડોડો પક્ષી આ વૃક્ષ પરનાં ફળ ખાતું અને એ ફળ જ્યાં પડ્તું ત્યાં કેલ્વેરિયા વૃક્ષો ઊગતાં હતાં. આજે હવે આ તેર કેલ્વેરિયા વૃક્ષોને બચાવવાનું અભિયાન ચાલે છે.
કેટકેટલી ક્ષમા માગશો આ જીવોની અથવા તો ક્યારે વિચારીશું કે આ જીવો સાથે આવું વર્તન કરીને આપણે આપણા પૃથ્વીના ગ્રહને અને આ માનવજાતને જેટલું નુકશાન કરીએ છીએ. જો જગતમાં બધે અનાજ ઉગાડવામાં આવે, તો આ જગતમાંથી ભૂખમરો દૂર થાય. આથી તો મહાન માનવતાવાદી આર્લ્બર્ટ સ્વાઇત્ઝરે કહ્યું,'બીજાના જીવનનો આદર નહીં કરનારો કોઈ પણ ધર્મ એ ધર્મ નથી. જ્યાં સુધી એ તમામ જીવોની અને માનવી સુધી એની અનુકંપા નહીં પહોંચાડે ત્યાં સુધી એ શાંતિ પ્રાપ્ત કરી શક્શે નહીં.'
જીવો પ્રત્યે માત્ર ભાવના કે લાગણીથી નહીં, પણ સક્રિય રીતે એમની ખેવના, જયણા, ચિંતા અને જાળવણી કરવાનું જૈન ધર્મ કહે છે. એક સમયે કૂતરા માટે રોટલાઘર રાખવામાં આવતું, ગામડામાં ગાય ને કૂતરાને ખાવા માટે દરેક ગલીમાં ચાટ રાખવામાં આવતી. ઘરની પહેલી રોટલી ગાય-કૂતરાને ખાવા માટે રખાતી અને ઘરની વઘેલી રસોઈ ચાટમાં નંખાતી.
કીડીનાં દર હોય ત્યાં લોટથી કીડિયારું ભરાવતા હતા. તળાવમાં માછલીને લોટની ગોળી આપતા હતા, તળાવ સુકાઈ જાય તો પાણીનું ટેન્કર નખાવતા હતા, જેથી માછલાં મરી ન જાય અને એથીય વિશેષ તો એક સમયે ઘરના મકાનના બહારના ભાગમાં ઊંચે નાની બખોલ રાખવામાં આવતી, જેમાં પોપટ, ચકલી, કાબર વગેરે પંખી માળો કરીને રહી શકે અને એને કૂતરા કે બિલાડાનો ભય રહે નહીં. એ જ રીતે પાણી ગાળીને એમાં ચૂનો રાખવામાં આવતો. અને એમાં જ કપડું ધોવામાં આવતુ, જેથી જીવો મરી જાય નહીં. પચ્ચક્ખાણ, અપરિગ્રહ જેવી ઘણી બાબતો અંતે તો જીવો તરફની સક્રિય અહિંસા માટેનું સોપાન છે.
અદ્યતન વિશ્વમાં જુદાં જુદાં દેશો ભૂતકાળમાં અન્ય દેશ પર કરેલા અત્યાચારોની ક્ષમા માગે છે. અમેરિકાના પ્રમુખે વિશ્વયુદ્ધ સમયે નાગાસાકી-હિરોશિમા જેવાં શહેરો પર વીંઝેલા અણુબોંબથી થયેલા વિનાશ માટે જાપાનની ક્ષમા માગી. લંડનના મેયર સાદિક ખાને અમૃતસરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી કહ્યું કે બ્રિટિશ સરકારે જલિયાનવાલા બાગના હત્યાકાંડ માટે ભારતની માફી માગવી જોઈએ. આ ભાવને વધુ વ્યાપક બનાવીને અને માનવહૃદયને વધુ સંવેદનશીલ અને સમજદાર બનાવીને 'સવ્વે જીવા ખમંતુ મે'ની ભાવના વિશ્વમાં ફેલાવવી જોઈએ.
આજે જગત હિંસાની ટોચ પર બેઠું છે, ત્યારે આ સૂત્ર જગતને માટે લાંબા ગાળાની વિશ્વશાંતિ, માનવઅસ્તિત્વનો આધાર અને વ્યાપક કલ્યાણની આધારશિલા બની રહે તેમ છે.