Get The App

માનવજાતનો શબ્દ પ્રત્યેનો પ્રેમ પુરાતન છે

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
માનવજાતનો શબ્દ પ્રત્યેનો પ્રેમ પુરાતન છે 1 - image


- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- માણસ વિચિત્ર છે : મેળામાં વનનું મૌન ઝંખે છે અને વનમાં બેસીને માનવ-મેળા માટે ઝૂરે છે. દાયકાઓ એકાંત-મૌનમાં રહે છે અને પછી બહાર નીકળી તેની ઉજવણી નિમિત્તે ટોળા એકઠા કરે છે

મા રે એક નવલકથા મૌન પર લખવી છે. લોકો જે નથી ઉચ્ચારતા તેના પર... વર્જીનીઆ વુલ્ફ

માનવજાતનો શબ્દ પ્રત્યેનો પ્રેમ કે વાસના પુરાતન છે. આપણને પાંચ હજાર વરસમાં વિસ્તરેલ આ માનવીની શબ્દાશક્તિ અનંત રૂપે અને રંગે જોવા મળે છે. આપણું બ્રેઈન હંમેશા પર્ફોર્મન્સ મોડમાં હોય છે. આપણે ગ્રંથાલયમાં તો ઠીક ટોયલેટમાં અખબાર અને રેસ્ટોરન્ટમાં મેનુ વાંચી લઈએ છીએ. પ્રેમ-મૈત્રીમાં હાથમાં હાથ અને આંખમાં આંખ પર્યાપ્ત નથી, ત્યાં પણ આપણને પ્રેમ-પત્ર ગમે છે. આપણને વસંતનું કે વિષાદનું ગીત જોઈએ છીએ અને મૃત્યુમાં સંદેશ લખીએ, વાંચીએ અને સાંભળીએ છીએ. ટૂંકમાં માનવી માટે માત્ર કૃત્ય પર્યાપ્ત નથી- શબ્દો જોઈએ છે. આપણે ઓનલાઈન અને ઓફલાઈન અથાક શબ્દો-ડેટા વચ્ચે જ શ્વાસ લઈએ છીએ. શબ્દો આપણા બ્રેઈનની પ્લાસ્ટિક પ્રોપર્ટી છે. આપણે સ્વયં સાથે એકલા નથી રહી શકતા તેથી શબ્દો, વિચારો, લાગણીઓને ખડકીએ છીએ. આપણે આ બધા થકી જ બન્યા છીએ. તેમાં વળી પસંદગી, નિર્ણયો, આશયો, આકાંક્ષાઓ વગેરે પણ ઉમેરાય છે. આ બધું મિકેનીકલ છે. ક્યારેક એમ લાગે કે આપણી અંદરનું વિશ્વ ન દેખાય તે માટે આપણે બહારનું વિશ્વ જોયા કરીએ છીએ. પ્રો. લિઓ એમ. ચાલૂપાએ તો વરસો પૂર્વે અમેરિકન સરકારને ભલામણ કરેલી કે વરસનો કોઈ એક દિવસ 'અ નેશનલ ડે ઓફ એબ્સોલ્યુટ સોલીટયુડ' રાખો. સુક્ષ્મ અર્થમાં જોઈએ તો મૌન અને એકાંત ટ્વીન્સ છે. માર્ક ટ્વેનની એક કથા છે. એક વખત આખી માનવ જાતે એક નિશ્ચિત દિવસે અને પળે ચીસ પાડવાનું નક્કી કર્યું. આખરે તે દિવસ-પળ આવી પહોંચ્યા. દરેકને થયું કે વિશ્વ આખું એક સાથે ચીસ પાડશે અને જો હું નહીં પાડું તો મને વિશ્વ-ચીસ સાંભળવા મળશે. પરિણામે કોઈએ ચીસ ન પાડી. ચમત્કાર એ થયો કે વિશ્વે એક પળ માટે અપૂર્વ અને અલૌકિક મૌન કે સન્નાટો સાંભળ્યો.

માણસ વિચિત્ર છે : તે મેળામાં વનનું મૌન ઝંખે છે અને વનમાં બેસીને માનવ-મેળા માટે ઝૂરે છે. તે દાયકાઓ એકાંત-મૌનમાં રહે છે અને પછી બહાર નીકળી તેની ઉજવણી નિમિત્તે ટોળા એકઠા કરે છે. સૌથી વધુ મૂલ્યવાન એ છે કે જેમાં વ્યક્તિ સ્વેચ્છાએ- સમજપૂર્વક સમાજનો સંપર્ક-સંવાદ છોડી દે છે. તે પણ કોઈ અભાવ કે કડવાશથી નહીં - વધુ સભરતા માટે. એમ તો અમેરિકાનો આલ્બર્ટ વુડફોક્સ ૪૩ વરસ એકાંતવાસની સજા રૂપે રહેલો. મૌન-એકાંત સજા નથી પણ અલૌકિક અવસર છે. જેમાં આપણે સ્વયંનો સંમગ્ર (સંપૂર્ણ નહીં) તાગ મેળવવા અને ક્યાસ કાઢવા માટે એકાંત અને મૌનમાં રહીએ છીએ. જીવનમાં અવરોધો તો આપણને ચીંધે છે કે અવરોધો-પડકારોથી વધારે બળવાન કશુંક આપણી અંદર છે.

એમીલી ડીકીન્સન (ઈ.સ. ૧૮૩૦ થી ૧૮૮૬) અમેરિકાની સત્વશીલ કવિયત્રી હતી. તેણે તેના એક માર્ગદર્શક ને તે સ્વયં એક સારી કવિયત્રી છે કે નહીં તે જાણવા આમ પૂછેલું 'નાવિક ઉત્તર દિશા ન જોઈ શકે પણ હોકાયંત્રની સોય તે જોઈ શકે છે તે તેને ખબર છે !' આપણે પણ આવા જ નાવિક છીએ. જે ક્યારેક જગતની દોડધામથી દૂર મૌન-એકાંતમાં બેસી જાય છે. તેની અંદરની દિશા-સૂચક સોય શું ચિંધે છે તે પામવા.


Google NewsGoogle News