Get The App

વિશ્વનો નકશો બદલનાર કચ્છી વહાણવટી કાનજી માલમ

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
વિશ્વનો નકશો બદલનાર કચ્છી વહાણવટી કાનજી માલમ 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- વાસ્કો-દ-ગામાનું વહાણ હંકારનાર કાનજી માલમ અને તેના કચ્છી મદદનીશો હતા. પોર્ટુગીઝ સ્ત્રોતોમાં કાનજી માલમનું વર્ણન 'કાનાકવા' તરીકે કરવામાં આવ્યું છે...

- વાસ્કો-દ-ગામા

ઈ તિહાસકાર એક એવો મરજીવો છે કે જે ભૂતકાળના વિરાટ સાગરમાં ડૂબકી મારીને એકએકથી અદકાં મોતી શોધી લાવે છે. ઈતિહાસની દુનિયામાં શ્રી મકરંદભાઈ મહેતા આવા મરજીવા હતા. એ સમર્થ દીર્ઘદ્રષ્ટા અને વ્યાપક ચિંતન કરનારા ઈતિહાસકાર શ્રી મકરંદભાઈ મહેતાએ વિદાય લીધી, ત્યારે એમણે શોધી આપેલા ગુજરાતના ઈતિહાસના અજાણ્યાં સુવર્ણ પૃષ્ઠોમાંથી એક પૃષ્ઠ છે, કચ્છી વહાણવટી કાનજી માલમનું. એ ગુજરાતના ઈતિહાસનું એમણે આલેખેલું એ ગૌરવભર્યું પ્રકરણ અહીં જોઈએ.

'એ કાનજી માલમ કચ્છના વહાણવટાની અસ્મિતાના મશાલચી હતા. એના પૂર્વજો લોહાણા જ્ઞાાતિના હિંદુ હતા અને તેઓ આફ્રિકા સાથે વેપાર ખેડતા હતા. પંદરમા સૈકામાં ખોજાઓના પીર સદરુદ્દીને કાનજીના પૂર્વજોને ઈસ્લામમાં ધર્માંતર કરાવ્યું હતું. કચ્છ એટલે તો સૂકો રણપ્રદેશ. એણે કચ્છીઓનું ચારિત્ર્યઘડતર કર્યું છે, તેથી કાનજી માલમના રીતરિવાજો હિંદુ ધર્મને અનુરૂપ હતા. કાનજી, રામજી, શિવજી, ઈબજી, રૂપજી અને ધમજી માલમ હિંદુ છે કે મુસ્લિમ તેની કોઈને પણ ખબર ના પડે. હિંદુ વહાણવટીઓ ખારવા હતા જ્યારે મુસ્લિમ વહાણવટીઓ ભડાલા તરીકે ઓળખાતા. કચ્છના હિંદુ અને મુસલમાન નાવિકો એકબીજાનું ખાતાપીતા હતા અને દરિયાપીર, આશાપુરા અને સિકોતરી માતાને શ્રીફળ વધેરીને દરિયાપારની યાત્રાએ નીકળતા હતા. સૌ કચ્છીઓને સાંકળતી ભાષા અને લિપિ કચ્છી હતી અને તે ગુજરાતી કરતાં પણ સિંધી ભાષાને વધારે મળતી આવતી હતી. સૌ કચ્છીઓની આઈડેન્ટિટી કચ્છ સાથે હોવાથી વિદેશોમાં પણ હિંદુ-મુસલમાનો વચ્ચે વ્યાવહારિક ઘરોબો હતો. કાનજી માલમ કચ્છના આવા શૌર્યપ્રેમના સંસ્કારના વાતાવરણમાં ઉછર્યો હતો.'

સોળ વર્ષની વયથી તે હિંદુ અને મુસ્લિમ ખારવાઓ, વાઘેરો, ટંડેલો, સારંગો, નાખૂદાઓ અને ભડાલાઓના કાફલા સાથે દરિયાઈ સફર કરતો અને અવારનવાર મસ્કત, એડન, ઝાંઝીબાર, કિલ્વા, મોગાદીસુ, સોફાલા, દારેસલામ અને મોમ્બાસા જેવાં આરબ અને આફ્રિકી બંદરોમાં ઘૂમતો. એ કચ્છનાં ધાબળા, કાપડ, ગળી, સૂડી ચપ્પુ, તલવાર, ઢાલ, ભરતકામથી ભરેલાં રેશમી અને સુતરાઉ વસ્ત્રો તથા મરીમસાલા લઈને રવાના થતો. તે દૂરદેશાવરોમાં વેચતો અને આફ્રિકી અને આરબ દેશોમાંથી હાથીદાંત, ખજૂર, ચામડું, લવિંગ, મીણ અને વિદેશોમાં વપરાતા ચલણી સિક્કાઓ કચ્છમાં લઈ આવતો. હાથીદાંતમાંથી કચ્છીઓ ચૂડા જેવાં ઘરેણાં બનાવતા અને તેનું વિદેશોમાં વેચાણ કરતા. કેટલાયે કચ્છી વેપારીઓ તે સમયે મસ્કત, એડન, ઝાંઝીબાર, કિલ્વા, મલિન્દી અને કંપાલા તથા જીંજા જેવાં બંદરોમાં વસાહતો કરીને રહેતા હતા. આફ્રિકા ખંડ તે સમયે 'કાલીય દ્વીપ' તરીકે ઓળખાતો હતો.

માત્ર યુરોપનાં ચશ્માંથી દુનિયા જોનારને હજારો વર્ષ જૂની ગુજરાતની વ્યાપારી અને વહાણવટાની પરંપરાઓ અને સિદ્ધિઓનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. આજે પણ આપણે બાર્થોલોમ્યુ ડાયઝ, વાસ્કો-દ-ગામા, ક્રિસ્ટોફર કોલંબસ, અમેરીગો વેસ્પુસી, ફ્રાન્સિસ ડ્રેક અને જ્હોન કેબોટ જેવા પોર્ટુગીઝ, સ્પેનિશ અને બ્રિટિશ વહાણવટીઓને જેટલું મહત્વ આપીએ છીએ, એટલું મહત્ત્વ કાનજી માલમ, મલિક અયાઝ, રામસિંહ માલમ અને વીરજી માલમ જેવા 'દેશી વહાણવટીઓને' આપતા નથી. પણ હકીકત એ છે કે પોર્ટુગીઝ વહાણવટી વાસ્કો-દ-ગામાને (૧૪૬૦-૧૫૨૪) પૂર્વ આફ્રિકાના કેન્યામાં આવેલા મલિન્દી બંદરથી કેરાલાના મલબાર કિનારે આવેલા કાલિકટ બંદરમાં પહોંચાડનાર કચ્છી વહાવણટી કાનજી માલમ (૧૪૬૯-૧૫૨૫) હતા. આ કાંઈ નવાઈરૂપ ઘટના નહોતી. વિક્ટોરિયા નાન્ઝયાના શોધક જોન હોનિંગ સ્પેકે ૧૮૫૩માં લખ્યું હતું, 'પ્રાચીન સમયથી હિંદુ વહાણવટીઓ અને વેપારીઓ આફ્રિકામાં આવેલા સાંકોત્રા ટાપુને 'સુખાદ્રાદ્વીપ' તરીકે ઓળખે છે અને 'સિકોતરી' માતાની પૂજા કરે છે.' આ અંગ્રેજ શોધકે લખ્યું છે :

'હું જ્યારે નાઈલ નદીના મૂળની ખોજ કરતો હતો તે સમયે મારા હાથમાં પૌરાણિક ગ્રંથો આવ્યા. પુરાણોમાં કિલિમાંજારોને 'મંદાર પર્વત' તરીકે અને નાઈલ નદીને નીલ અને શ્વેતગંગા તરીકે વર્ણવવામાં આવી છે. પ્રાચીન હિંદુઓ સુમાત્રાને સુવર્ણદ્ધીપ તરીકે, એલેક્ઝાન્ડ્રિયાને યવનદ્ધીપ તરીકે અને વિક્ટોરિયા ન્યાઝા અને તેની આસપાસના વિસ્તારોને અમર સરોવર તરીકે ઓળખતા હતા. મારું જ્ઞાાન અને શોધ પ્રાચીન હિંદુઓનાં લખાણોને આભારી છે. મને આ વાત નાઈલ નદીની આસપાસ રહેતા ધર્મગુરુઓએ કહી હતી.'

મુસ્લિમ શાસકોએ સમુદ્રી વ્યાપાર પર પ્રભુત્વ મેળવવાના લેશમાત્ર પ્રયાસો કર્યાં નથી. હિંદની ભૂમિ ઉપર તેઓ શૂરા હતા, પણ અરબી સમુદ્ર ઉપર તેઓ તાકાત જમાવી શક્યા નહોતા. જેવી રીતે ભૌગોલિક શોધો દ્વારા દુનિયામાં રાજકીય અને આર્થિક સત્તા સ્થાપવા પોર્ટુગલ, સ્પેન અને ઈગ્લેન્ડ જેવા દેશોના રાજાઓએ બાર્થોલોમ્યુ ડાયઝ, કોલંબસ, પેડ્રો અલ્વારિસ કેબરલ અને વાસ્કો-દ-ગામા જેવા વહાણવટીઓને ઉત્તેજન આપ્યું તેવું મુહંમદ બેગડા, અકબર, જહાંગીર અને શાહજહાં જેવા ગુજરાતના શાસકોએ આપ્યું નહીં. તેમ છતાં પ્રાચીન સમયની કૌટુંબિક પરંપરાઓને ચાલુ રાખીને હિંદુ ખારવા અને મુસ્લિમ ભડાલા વહાણવટીઓ દરિયાઈ સફર ખેડતા હતા. ૧૬મા સૈકાના પોર્ટુગીઝ સ્ત્રોત મુજબ વાસ્કો-દ-ગામાનું વહાણ હંકારનાર કાનજી માલમ અને તેના કચ્છી મદદનીશો હતા. પોર્ટુગીઝ સ્ત્રોતોમાં કાનજી માલમનું વર્ણન 'કાનાકવા' તરીકે કરવામાં આવ્યું છે.

જસ્ટુસ સ્ટ્રેન્ડ્સ નામના જર્મન ઈતિહાસકાર અને એફ.બી. પિયર્સ નામના અંગ્રેજ ઈતિહાસકારે આનો ઉલ્લેખ કર્યો છે. ઈતિહાસ કહે છે કે વાસ્કો-દ-ગામા પોર્ટુગલના લિસ્બન બંદરથી ૮ જુલાઈ, ૧૪૯૭ના રોજ ચાર વહાણો અને ૧૭૦ નાવિકોના કાફલા સાથે રવાના થયો અને ૨ માર્ચ, ૧૪૯૮ના રોજ મોઝામ્બિક પહોંચ્યો. અહીં અનેક ગુજરાતી વેપારીઓ હતા. આરબો સાથે તેમના સંબંધો ઘણા જૂના હતા. વાસ્કો-દ-ગામા મોઝામ્બિકની તા. ૧૪ એપ્રિલ, ૧૪૯૮ના રોજ મલિન્દી પહોંચ્યો તે સમયે અનેક કચ્છી, ભાટિયા, લોહાણા, જૈન, ખોજા અને વહોરાઓ ત્યાં વસવાટ કરતા હતા. 

કાનજી માલમ ત્યાંના આરબ શાસકનો નૌકાધ્યક્ષ હતો. એ હિંદી મહાસાગરનો ભોમિયો હતો અને હોકાયંત્ર, આલેખો અને નકશાઓ દ્વારા દરિયાઈ સફર માટે જરૂરી દિશાઓની જાણકારી ધરાવતો. મલિન્દીના આરબ રાજાના કહેવાથી કાનજી માલમે વાસ્કો-દ-ગામાના વહાણને ૨૪ એપ્રિલના રોજ હંકાર્યું અને તે દક્ષિણ આફ્રિકાનો કેપ ઓફ ગુડ હોપ ઓળંગીને અને અનેક દરિયાઈ ઝંઝાવાતો અને ચાંચિયાઓનો સામનો કરીને આજનાં કેરાલા રાજ્યમાં આવેલા કાલિકટ બંદરે ૨૦ મે, ૧૪૯૮ના રોજ પહોંચ્યો.

નવાઈની વાત એ છે કે વાસ્કો-દ-ગામાને હિંદનો દરિયાઈ માર્ગ બતાવનાર કાનજી માલમ હોવા છતાં આજ દિન સુધી તેનું નામ ઈતિહાસની તવારીખમાં નોંધાયું નથી. ખુદ ગુજરાતની શાળા-કોલેજોનાં પાઠયપુસ્તકોમાંથી પણ વાસ્કો-દ-ગામાનું નામ જ પ્રાપ્ત થાય છે. પણ જો વૈશ્વિક વહાણવટાની દ્રષ્ટિએ જોઈએ તો કાનજી માલમ ભૌગોલિક શોધનો મોટો પ્રવાહક હતો. જો સ્પેન, પોર્ટુગલ, ઈગ્લેન્ડ અને હોલેન્ડના રાજાઓની જેમ ગુજરાતના સુલતાનો અને મુઘલ બાદશાહોએ ગુજરાતી વહાણવટીઓ અને વેપારીઓને ઉત્તેજન આપ્યું હોત, તો હિંદનો ઈતિહાસ જુદો જ હોત અને વાસ્કો-દ-ગામાને બદલે કાનજી માલમ આજે વિશ્વના નકશામાં હોત. પણ હિંદના કમનસીબે શાસકો દરિયાઈ સત્તા પ્રાપ્ત કરવાની દ્રષ્ટિએ કાયર સાબિત થયા.

ગમે તેમ પણ કાનજી માલમ એક વૈશ્વિક કક્ષાનો વહાણવટી હતો. વાસ્કો-દ-ગામાને કેપ ઓફ ગુડ હોપ થઈને કાલિકટ લાવનાર કાનજી હતો. સિન્થિયા સલ્વાડોરી નામના ઈટાલિયન ઈતિહાસકારે આ ક્ષેત્રમાં ઝીણવટપૂર્વક સંશોધન કરીને તેમના ગ્રંથ We Came in Dhoves  (૧૯૯૬)માં લખ્યું છે કે તેઓ જ્યારે ૧૯૮૦નાં દાયકામાં મોમ્બાસા ગયા ત્યારે ત્યાં યાકુબ અબ્બાસ કાના અને ઈશાક અબ્બાસ કાનાને મળ્યા હતા. તેમણે સિન્થિયા સલ્વાડોરીને જૂના નકશા, ચાર્ટ્સ, મેરિનર્સ કંપાસ ઉપરાંત વંશાવળી દર્શાવીને કહ્યું હતું કે, 'અમે કાનજી માલમના વંશજો છીએ અને કાનજી માલમનું લોહી અમારી નસોમાંથી વહે છે.' તેમણે ઉમેર્યું હતું,‘The Sea is in our Blood. (દરિયો અમારા લોહીમાં વહે છે.)'

અનેક સ્ત્રોતો ઉપરથી એ વાત સાબિત થાય છે કે મધ્ય યુગમાં વિશ્વનો દરિયાઈ  નકશો બદલનાર કચ્છી વહાણવટી કાનજી માલમ હતો.

મનઝરૂખો

૧૯૨૨માં જાપાન સરકારના નિમંત્રણથી વિખ્યાત વિજ્ઞાાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન પ્રવાસે ગયા. સ્ટીમરમાંથી આઈન્સ્ટાઈન જાપાનના દરિયાકિનારે ઊતર્યા, ત્યારે એમનું ભવ્ય બહુમાન થયું.

જાપાન સરકારે આ મહાન વિજ્ઞાાનીના આગમનના દિવસે રજા જાહેર કરી હતી અને આઈન્સ્ટાઈનના સ્વાગત માટે સ્વયં સમ્રાજ્ઞાી પધાર્યાં હતા.

વિશાળ વ્યાખ્યાન ખંડમાં જાપાનીઝ લોકો વચ્ચે આઈન્સ્ટાઈને એમના વક્તવ્યનો પ્રારંભ કર્યો. જાપાનના એ શહેરમાં ચારેક કલાક સુધી વક્તવ્ય આપ્યું. એ પછી એમને મનોમન થયું કે તેઓ બહુ લાંબું બોલ્યા.

આટલું લાંબુ ભાષણ આપવું જોઈએ નહીં. પરિણામે એ પછીના શહેરમાં આઈન્સ્ટાઈને માત્ર બે કલાકમાં પોતાનું ભાષણ સમેટી લીધું. એમને લાગ્યું કે એ આ વખતે લાંબું બોલ્યા નથી, તેથી શ્રોતાઓને અનુકુળ રહ્યું હશે. પણ વાત સાવ વિપરીત બની. નગરજનોએ આવીને આઈન્સ્ટાઈનને ફરિયાદ કરી કે અગાઉના નગરમાં તમે ચાર કલાક બોલ્યા હતા અને અમને માત્ર બે કલાકનો જ સમય કેમ આપ્યો ? આમાં અમારો કંઈ વાંકગુનો ખરો ?

જાપાનમાં પર્વતના ઢાળ પર કે સાંકડી ગલીમાં માણસ ઠેલા-ગાડીમાં જતો હતો. સહુએ આઈન્સ્ટાઈનને કહ્યું કે 'તમે આ રિક્ષામાં બેસો' અને ત્યારે આઈન્સ્ટાઈને સ્પષ્ટ ઉત્તર આપ્યો,

'બીજા કોઈ માનવીને પ્રાણી તરીકે વાપરવાની અને મને ખેંચવાની પરવાનગી હું કદી આપું નહીં.'

અને આઈન્સ્ટાઈન ચાલીને જાપાનની સાંકડી ગલીઓમાં ઘૂમતા રહ્યા અને પર્વતના ઢાળ ઉપર ચડતા રહ્યા.

ક્ષણનો સાક્ષાત્કાર

વિશાળ વાડીમાં મ્હોરેલા હસતા આંબાના વૃક્ષે ક્યારેય એવો ગર્વ કર્યો નથી કે માનવજાતને મધુરતા આપનારો તો એકમાત્ર હું જ ! ક્યારેય ઊંચા ઊંચા તાડને એમ કહેતા સાંભળ્યું નથી કે, 'મારી પર્સનાલિટી આગળ તમે બીજા બધાં તો ઠીંગુજી લાગો છો !' વડના વૃક્ષે ક્યારેય પોતાનો સતત વધતો વિસ્તાર  બતાવીને એના હર્યાભર્યા કુટુંબનું ગૌરવગાન કર્યું નથી. લીમડાએ ક્યારેય કહ્યું નથી કે, 'માનવજાત પર સૌથી વધુ ઉપકાર કરનારો તો હું. વાતાવરણમાંથી કાર્બનડાયોક્સાઈડ ગ્રહણ કરીને દુનિયાને વિનામૂલ્યે પ્રાણવાયુ (ઓક્સિજન) આપું છું.' ક્યારેય કોઈ સભામાં તુલસીના છોડે એની પવિત્રતાનો શંખનાદ કર્યો નથી. હકીકતમાં એ બધા પાસ પાસે રહે છે, સદા સાથે રહે છે અને છતાં એમની વચ્ચે ક્યારેય સ્પર્ધા થતી નથી. શ્રેષ્ઠ હોવાનો વિવાદ થતો નથી. દરેક પોતિકી મોજભરી રીતે જીવે છે.

માનવીએ વૃક્ષોની વાડી પાસેથી ભિન્નતા સાથે જીવવા શીખવું જોઈએ. જેમ ગુલાબનું ફૂલ જાસુદના ફુલ કરતાં જૂદું છે એ રીતે જુદાઈ સાથે જીવતા શીખવું જોઈએ, પણ બને છે એવું કે માણસને ચડિયાતાપણાની લાલસા છે. પોતાની પર્સનાલિટી બતાવવાની ખેવના છે અને પોતાની પવિત્રતાનું રણશિંગુ સતત ફૂંકતા રહેવાની બુરી આદત છે. આ વૃક્ષો પાસેથી માનવીએ ભિન્નતા સાથે સ્નેહભાવથી જીવતા શીખવું જોઈએ એમ તેમને લાગતું નથી ?

વળી દરેક વૃક્ષ પાસે જેમ આગવી ક્ષમતા છે, એ રીતે દરેક માણસ પાસે આગવી આવડત હોય છે, પણ માણસે એની આગવી ક્ષમતાનું અભિમાન કરવું જોઈએ નહીં. કોઈની પાસે સત્તા હોય તો કોઈની પાસે સંપત્તિ હોય, કોઈની પાસે ક્ષમતા હોય તો કોઈની પાસે સહયોગ હોય - આ બધાએ એકબીજા સાથે સહિયારાપણાથી રહેવાનું વૃક્ષો અને પુષ્પો પાસેથી શીખવું જોઈએ.


Google NewsGoogle News