Get The App

સુનિતા-વિલમોરને પાછા લાવવા નાસા ડ્રેગનના ભરોસે .

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
સુનિતા-વિલમોરને પાછા લાવવા નાસા ડ્રેગનના ભરોસે                                     . 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

ના સાએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ફસાઈ ગયેલ સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર ફેબુ્રઆરી મહિનામાં પૃથ્વી ઉપર પાછા લાવવામાં આવશે. ગયા જૂન મહિનામાં પાંચ તારીખે તેઓ, બોઈંગ કંપનીના સ્ટાર-લાઈનર વેહિકલ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચ્યા હતા. સ્ટાર-લાઈનર અંતરીક્ષયાનમાં ટેકનિકલ ખામી પેદા થતા, તેઓ નિયત આયોજન મુજબ પૃથ્વી ઉપર પાછા ફરી શકે તેમ નથી. તેમને નિર્ધારિત સમય કરતા વધારે સમય માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર રોકાણ કરવાની ફરજ પડી હતી. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને એક પ્રેસ કોન્ફરન્સમાં કહે છે કે 'કોઈપણ નવાં વેહીકલની શરૂઆતની ટેસ્ટ ફ્લાઈટ ન તો સલામત હોય છે, કે ન આયોજન મુજબ કામ કરતી હોય છે'. જોકે નાસાએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે બોઇંગ કંપનીના કોઈ જ પ્રતિનિધિ હાજર રહ્યા ન હતાં.  બોઇંગ માટે સ્ટાર લાઈનર પણ શરૂઆતની ટેસ્ટ ફ્લાઈટ છે. જે પ્રથમ વાર અંતરિક્ષયાત્રીઓને લઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ગઈ હતી. સ્ટાર લાઈનરમાં સમસ્યા સર્જાતા, સમગ્ર મિશન જટીલ બની ગયુ છે. 

જોકે બંને આંતરિક યાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર મોકલવાના હતા, તેની શરૂઆતથી જ, બોઇંગનાં સ્ટાર લાઈનરમાં સમસ્યાઓ ઊભી થતી આવી હતી. જેના કારણે લોન્ચિંગ કેટલાક દિવસ માટે મુલતવી રાખવું પડયું હતું. લોન્ચિંગ થયા બાદ બંને  અંતરિક્ષયાત્રીઓ નાની મોટી સમસ્યા વચ્ચે પણ,  સલામત રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. ફ્લાઇટ દરમિયાન તેમને હીલિયમ લીક અને થ્રસ્ટર રોકેટની સમસ્યા નડી હતી. નાસા સાથે સામાન્ય માનવીને પણ સવાલ થાય કે 'આવા અસલામત અને શંકાસ્પદ વાતાવરણમાં, નાસા બંને અંતરિક્ષયાત્રી પૃથ્વી ઉપર સલામત કેવી રીતે લાવશે?

નાસાને મોટી સમસ્યા નડી 

હાલના તબક્કે નાસાને ખાનગી કંપનીઓ ઉપર આધાર રાખવો પડે છે. જેમાં ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સનું ડ્રેગન વેહિકલ સૌથી વધુ ભરોસાપાત્ર છે. નાસા તેનાં હાઈ પ્રોફાઈલ સાયન્સ મિશનનું લોન્ચિંગ, અનેક વાર  ડ્રેગન વ્હીકલ દ્વારા કરી ચુકી છે. ભવિષ્યમાં નાસા તેનાં મૂન મિશન માટે, સ્પેસ-એક્સનો સહારો લેવાની છે. તાજેતરની નિષ્ફળતાના કારણે, બોઈંગ કંપનીની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી છે. નાસા ઇચ્છતી હતી કે તેની પાસે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જવા માટે ઓછામાં ઓછા બે વિકલ્પ હોવા જોઈએ. જેમાંનો પ્રથમ ભરોસાપાત્ર વિકલ્પ સ્પેસ એક્સનું ડ્રેગન વ્હીકલ છે. બીજો વિકલ્પ ચકાસવા માટે તેમણે બોઈંગ કંપનીનું સ્ટાર લાઈનર પસંદ કરી સ્પેસ સ્ટેશન તરફ રવાના કર્યું હતું. ૧૯૮૬માં નાસાના ચેલેન્જર સ્પેસ શટલ અને ૨૦૦૩માં કોલંબિયા સ્પેસ શટલને અકસ્માત નડયા પછી, નાસા માટે અંતરિક્ષયાત્રીઓની સલામતી પ્રથમ પ્રાથમિકતા બની ગયું છે. આ કારણે નાસા હવે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા માગતું નથી. 

હવે સવાલ એ થાય કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ગયેલ બોઈંગ કંપનીના સ્ટાર લાઈનર યાનનું શું થશે? હાલની પરિસ્થિતિ જોતા, આવનારા દિવસોમાં બોઈંગ કંપનીનું સ્ટાર લાઈનર, અંતરિક્ષયાત્રી કે સામાન લીધા વિના ખાલી અવસ્થામાં પૃથ્વી તરફ પાછું ફરશે. નાસા અને બોઈંગ સાથે મળીને વળતી મુસાફરીનો પ્રવાસ નક્કી કરશે. સપ્ટેમ્બર મહિનામાં બોઈંગ કંપનીની સ્ટાર લાઈનર એટલેકે ખાલી કેપ્સુલ સાથે ન્યુ મેક્સિકોના રણમાં ઉતરવાની શક્યતા છે. અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે, સ્પેસ એક્સનું ડ્રેગનનું બિીુ-૮ અભિયાન (ડ્રેગન વ્હીકલ) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલું છે. જો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર, કોઈ મોટી કટોકટી સર્જાશે તો, હંગામી ધોરણે ડ્રેગન બિીુ-૮નું કન્ફીગ્રેશન બદલીને છ અંતરિક્ષયાત્રીઓ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાલી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પરિસ્થિતિ સામાન્ય રહેશે તો, સપ્ટેમ્બર મહિનાના અંત ભાગ સુધીમાં નાસા, સ્પેસ એક્સનું Crew-9 મિશન અંતરીક્ષમાં લોન્ચ કરશે. 

 બોઈંગ કંપની માટે દાયકાની સૌથી મોટી મુસીબત 

બોઈંગની ખાલી સ્ટાર લાઈનર કેપ્સુલ પૃથ્વી ઉપર પાછી ફરશે ત્યારે, બોઈંગ કંપની માટે છેલ્લા એક દાયકાની સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. કંપનીએ શરૂઆતથી નવો એકડો ઘૂંટવો પડશે અને સ્ટાર લાઈનર વ્હીકલની ડિઝાઇન ચકાસી તેમાં આવતી ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે. નાસા સાથે કરાર કર્યા બાદ પાંચ વર્ષે, ૨૦૧૯માં બોઈંગ કંપની તેનું પ્રથમ માનવ રહિત યાનની ટેસ્ટ ફ્લાઈટ કરવાનું હતું. પરંતુ લોન્ચિંગ પછી થોડા જ સમયમાં અંતરિક્ષયાને પુષ્કળ બળતણ બાળી નાખ્યું હતું. જેથી યાન સ્પેસ સ્ટેશન સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. આ અકસ્માતના અઢી વર્ષ બાદ, મે ૨૦૨૨માં બોઈંગ કંપનીએ ફરિવાર માનવ રહિત ટેસ્ટ ફ્લાઈટ ચકાસી હતી. આ ફ્લાઈટમાં થ્રસ્ટર રોકેટની સમસ્યા નડી હતી.

ગયા મે મહિનામાં બોઈંગ કંપનીએ સ્ટાર લાઈનરની ચકાસણી કરી હતી, પરંતુ તેમાં પણ વાલ્વની સમસ્યા નડી હતી. છેવટે પાંચ જૂનના રોજ બંને અંતરિક્ષયાત્રીઓ, બોઈંગ કંપનીનાં સ્ટાર લાઈનર વડે કારકિર્દીની ત્રીજી અંતરીક્ષયાત્રા કરવા માટે સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. આ મુસાફરી દરમિયાન બે વાર હિલિયમ લિકની સમસ્યાઓ ઊભી થઈ હતી. પાંચ વાર થ્રસ્ટરને નિષ્ફળતા મળી હતી. ઉપરાંત યાનને ઠંડી રાખતી કુલીંગ સિસ્ટમમાં જરૂર કરતાં વધારે પાણી વપરાઈ રહ્યું હતું. જો કે આવી નાની નાની સમસ્યાઓ યાત્રા દરમિયાન આવતી હોય છે. પરંતુ એક સાથે ઘણી બધી નાની સમસ્યાઓ ભેગી થાય ત્યારે મોટી જોખમ ઊભું થતું હોય છે. અંતરિક્ષ યાત્રીઓ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચ્યા બાદ નાસાએ તેમની રિટર્ન નિલંબિત કરી હતી. આ દરમિયાન કોઈ કંપનીએ સ્ટાર લાઈનરને લગતો સમગ્ર ડેટા એકત્ર કરી તેનો વર્ગીકરણ કરવાની શરૂઆત કરી હતી. જેથી કરીને આ યાનમાં મળેલ નિષ્ફળતાની ચકાસણી કરી શકાય. નાસાના સત્તાવાળાઓ અત્યારે મૂંઝાયેલા છે. વાચકો અને વિજ્ઞાાન જગતને પણ, અહીં સવાલ થશે કે નાસા ફરિવાર બોઈંગ કંપનીના સ્ટાર લાઈનરનો ઉપયોગ કરશે ખરું? 

સ્પેસ એક્સનું Crew-9 મિશન

૨૦૧૪માં નાસાએ બોઈંગ અને સ્પેસ એક્સ કંપનીને વ્યાપારી ધોરણે અંતરિક્ષયાન વિકસાવવા માટે પસંદ કર્યા  હતાં. ૨૦૧૧માં નાસાના પોતાના સ્પેસ શટલ નિવૃત્ત થતા, ૨૦૧૭ સુધીમાં નાસાને બીજો કોઈ વિકલ્પ ન મળતા રશિયા ઉપર આધાર રાખવો પડતો હતો. બદલાતી રાજકીય પરિસ્થિતિને અનુકૂળ બનવા માટે, નાસા લાંબા સમય માટે રશિયા ઉપર આધાર રાખી શકે તેમ ન હતી. 

૨૦૧૭ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. સ્પેસ એક્સ કંપનીએ પોતાની ડ્રેગન કેપ્સુલ વિકસાવી હતી. જેના દ્વારા તેણે સ્પેસ સ્ટેશન ઉપર માલસામાનની સામગ્રી પહોંચાડવા માટેના રી-સપ્લાય મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. ૨૦૨૦માં અંતરિક્ષયાત્રીઓને પણ તેણે સફળતાપૂર્વક સ્પેસ સ્ટેશન ઉપર પહોંચાડયા હતા. સ્પેસ એક્સના સાતમા સ્ટાન્ડર્ડ મિશનમાં અંતરીક્ષ યાત્રીઓને, સ્પેસ સ્ટેશન પહોંચાડવામાં સફળતા મળી હતી. હાલમાં અંતરિક્ષયાત્રીનું આઠમુ અભિયાન એટલે કે ડ્રેગન કેપ્સુલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલું છે. જે થોડા સમયમાં પાછું ફરવાનું છે. 

નાસા તેનાં પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમ મુજબ સ્પેસ એક્સનું Crew-9 સપ્ટેમ્બરમાં પ્રક્ષેપિત થવાનું જ હતું. જેમાં નાસાના અવકાશયાત્રીઓ ઝેના કાર્ડમેન, નિક હેગ અને સ્ટેફની વિલ્સન અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ પ્રસ્થાન કરવાના હતા. સ્ટાર લાઇનરની નિષ્ફળતાના કારણે પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ છે. સુનિતા વિલિયમ્સ અને બચ વીલમોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર હંગામી ધોરણે, વધારે રોકાઈ ગયેલ હોવાથી, હવે સ્પેસ એક્સનાં Crew-9 મિશનમાં ફેરફાર કરવામાં આવ્યોછે. સ્પેસ એક્સનું Crew-9 મિશન ચાર અંતરીક્ષયાત્રીના સ્થાને બે અંતરિક્ષયાત્રીઓને લઈને સ્પેસ સ્ટેશન ઉપર જશે. નિર્ધારિત ચારમાંથી ક્યાં બે અંતરિક્ષયાત્રીઓને મિશનમાંથી પડતા મૂકવામાં આવશે? તે નક્કી કરવામાં આવ્યું નથી. એક અંદાજ મુજબ અમેરિકા તેના પોતાના જ બે અંતરિક્ષયાત્રીઓને પડતા મૂકશે. સંભવત: આગામી ફ્લાઈટમાં ઝેના કાર્ડમેન અને રશિયાના અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ, સ્પેસ સ્ટેશન ઉપર જશે તેવું લાગી રહ્યું છે.

નાસા સ્ટાર લાઈનરનો ઉપયોગ કરશે?

હાલના તબક્કે બોઈંગ સાથેના કરારના કારણે નાસાને બોઈંગ કંપનીના સ્ટાર લાઈનરનો ઉપયોગ કરવો પડશે, પરંતુ નાસા સ્ટાર લાઇનરમાં કોઈ અંતરિક્ષયાત્રીને મોકલવાનું જોખમ ખેડશે નહીં. ભવિષ્યમાં નાસા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જરૂરી માલસામાન અને ખોરાક સામગ્રીને પહોંચાડવા માટે સ્ટાર લાઈનરનો ઉપયોગ કરી શકે તેમ છે. શનિવારની પ્રેસ કોન્ફરન્સમાં બિલ નેલ્સને જણાવ્યું હતું કે 'દિવસની શરૂઆતમાં, તેણે બોઇંગના સીઇઓ કેલી ઓર્ટબર્ગ સાથે વાત કરી હતી. જેમણે બે અઠવાડિયા કરતાં પણ વધુ સમય પહેલાં પદ સંભાળ્યું હતું.  તેમણે એક ઇરાદો વ્યક્ત કર્યો કે એકવાર સ્ટારલાઇનર સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર પાછું ફરે ત્યારબાદ. તેઓ સ્ટાર લાઈનરની અન્ય સમસ્યાઓ ઉપર કામ કરવાનું ચાલુ રાખશે' નેલ્સને કહ્યું. 

નાસા માટે કોઈ વિકલ્પ બચ્યો નથી ત્યારે, નાસા કટોકટીના સમયમાં રશિયા ઉપર આધાર રાખશે ખરું? હાલના તબક્કે રશિયા પોતે જ તેના અંતરિક્ષયાત્રીઓને સ્ટેશન ઉપર મોકલવાનું કામ નાસાને સોંપી રહી છે. આ સંજોગોમાં નાસા રશિયા ઉપર આધાર રાખે તેવું લાગતું નથી. રશિયાના લોન્ચપેડ, બાયકોનુર કોસ્મોડ્રોમ કઝાકિસ્તાનની અંદર આવેલાં છે. જેનાં કરાર પુરા થવા આવ્યા છે. રશિયાના નવાં રોકેટની ઉંચાઈ વધી હોવાથી, બાયકોનુર કોસ્મોડ્રોમના લોન્ચપેડમાં મોડિફિકેશન કરવા પડે તેમ છે. ઉપરાંત રશિયા હાલ યુદ્ધમાં સંડોવાયેલું હોવાથી પોતાનાં ત્યાં બની રહેલ લોન્ચપેડ ઉપર ઘ્યાન અને નાણાં આપી શકે તેમ નથી.   આ સમસ્યા ઉપર ચર્ચા કરતા સ્કૂલ ઑફ એડવાન્સ્ડ એર એન્ડ સ્પેસ સ્ટડીઝના રાજકીય વૈજ્ઞાાનિક વેન્ડી વ્હિટમેન કોબે અભિપ્રાય આપતા કહ્યું કે 'મહત્વનો મુદ્દો એ બને છે કે બોઈંગ કંપની તેના સ્ટાર લાઈનરમાં કોઈ ફેરફાર કરવા માંગે છે ખરું? સમસ્યા જોતા કંપનીને આવું કરવું જ પડશે. સ્ટાર લાઈનરની કેપ્સુલ અને પ્રણાલીમાં ફેરફાર કરવા પડશે. જો આમ કરવું પડશે તો, તેમાં ધાર્યા કરતા પણ વધારે લાંબો સમય જશે. ટૂંકમાં નજીકના ભવિષ્યમાં (૨-૩ વર્ષમાં) નાસા સ્ટાર લાઈનર વાપરે તેમ નથી.જો કે આવનારા એક બે અઠવાડિયામાં નાસાની વિચારધારા અને અંતરિક્ષયાત્રીના ભવિષ્યને લગતું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.


Google NewsGoogle News