Get The App

ઈસ તરહ સે હમને જીના આસાન કર દિયા કિસી સે માફી માંગ લી, કિસી કો માફ કર દિયા!

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ઈસ તરહ સે હમને જીના આસાન કર દિયા કિસી સે માફી માંગ લી, કિસી કો માફ કર દિયા! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- પ્રેમ અને ક્ષમાનો વિસ્તાર વધે તો નફરત ને હિંસા-વેર-ધિક્કારનો ઘટે. જીવન ટૂંકુ છે, તો નકામી વાતોમાં વેડફવું નહિ!

અ મેરિકામાં વસેલા ભારતીયોમાં વિશ્વવિખ્યાત નામ ડૉ. સિદ્ધાર્થ મુખર્જીનું છે. પોતે કેન્સરના સુપરસ્પેશ્યાલિસ્ટ. અમેરિકન પ્રોફેસર પત્ની સારાહ પણ જાણીતા આર્ટિસ્ટ. ૨૦૧૦માં મુખર્જી સાહેબે એક બેસ્ટસેલર પુસ્તક લખ્યું : 'એમ્પરર ઓફ ઓલ માલાડીઝ : બાયોગ્રાફી ઓફ કેન્સર.' કેન્સરની અથથી ઇતિ વર્ણવતું રિસર્ચ સાથેનું અદ્ભુત પુસ્તક. 'તમામ તકલીફો/ રોગોનો સમ્રાટ' એવો અનુવાદ થાય એવી આ કિતાબને પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ સહિત ઘણાં એવોર્ડસ મળ્યા છે. હજુ કેન્સર પર આ લેવલનું બીજું પુસ્તક દુનિયામાં ક્યાંય લખાયું નથી.

તો જગવિખ્યાત ડોક્ટરસાહેબને કેન્સર પેશન્ટસ સાથે કાયમનો પનારો. આ રોગ એવો ઘાતક, મરણતોલ પણ સાવ પળવારમાં ખલાસ ન કરે. થોડો કે ઘણો સમય આપે ટર્મિનલ સ્ટેજમાં પણ વિદાયવેળાનો. એટલે વિશ્વના પચરંગી દર્દીઓના આખરી સમયના સાક્ષી બનવાનું મુખરજી સાહેબના ફાળે આવે. તાજેતરમાં એક સ્પીચમાં એમણે વાત કરી કે કોઈ પણ બેકગ્રાઉન્ડના દર્દી હોય, છેલ્લા શ્વાસો ચાલતા હોય કે મોત દરવાજે ટકોરા મારે, એમ જિંદગી ડામાડોળ હોય ત્યારે માણસો મોટા ભાગે ચાર બાબતો પર વાત કરતા હોય છે :

(૧) મારે આને કહેવું છે કે હું એને કેટલો પ્રેમ કરું છું. (૨) તું મને ખરેખર ચાહે છે ને ? (૩) મારે જણાવવું છે કે મેં તમને માફ કર્યા (૪) હું ભૂતકાળથી પસ્તાઈને દિલથી તમારી માફી માંગુ છું!

પેન્સિલવાનિયા યુનિ.ની સ્પીચમાં ડોક્ટર સિદ્ધાર્થે જે ચાર વાતો જીવનને નજર સામે કડડભૂસ થતા જોઈને દર્દીઓના મનમાં ઉઠતી કહી, એનો સાર બે જ શબ્દોમાં છે : પ્રેમ અને ક્ષમા. જીવનની સમી સાંજે કાં તો જખ્મોની યાદી સ્મરણમાં આવે, કાં મલમોની ! ન મજાઓ ન મિલકતો, ન પૈસા, ના પ્રવાસો. જસ્ટ લવ એન્ડ ફરગિવનેસ.

માણસમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ નથી, પણ નેચરલ ઇમોશન્સ છે. એટલે જ એ માણસ છે. અંતે તો બધા લાગણીના બનેલા છીએ, લોહીમાંસ અસ્થિત્વચાનું તો શરીર છે. જૈન સંવત્સરી પૂર્ણ થાય ત્યારે ખમાવવામાં આવે છે. - 'મિચ્છામી દુક્કડમ્.' હવે એ એક ગુ્રપ ફોરવર્ડ મેસેજ થઈ ગયો છે, સાલ મુબારક/ હેપી ન્યુ ઇયર જેવો. પર્સનલાઇઝ્ડ હોય એ કોમ્યુનિકેશન જનરલાઇઝ્ડ થઈ ગયું છે. સામસામા વાટકી વહેવારની જેમ કોલ કે મેસેજ થાયછે. સોરી, ઇટ્સ નોટ ધ રિયલ સ્પિરિટ. વર્ષ દરમિયાન વાણી વર્તન વિચાર વ્યવહારથી કોઈને દૂભવ્યા હોય ને એ વાત બીજાને ખબર પણ ન હોય, છતાં આપણને અંદરથી કચવાટ બનીને ખૂંચતી હોય એના નિવારણ માટે જે- તે વ્યક્તિને આ કહેવાનું છે. બ્યુટીફૂલ કોન્સેપ્ટ. સામાનો જવાબ શું આવશે એ પછીની વાત, આવું કહેવાથી આપણી ભીતરનો ભાર હળવો થતો હોય છે.

માફી માંગવા અને માફ કરવા બેઉ ઘટના માટે પૂર્વશરત છે, અહંકારને ઓગાળીને ઝૂકવું. એટલે આ આખી માનસિક કસરત એક પ્રકારનું આધ્યાત્મિક તપ છે. શક્ય હોય તો ફોર્મલ રહેવાને બદલે જે વાત કહેવી હોય એની વિગતે રજૂઆત (પણ ખૂંચે એવી કડવાશ કે થકવી દે એવા લંબાણ વિના) કરી ક્ષમા મંાગવાની હોય છે. પછી સામી વ્યક્તિ ધારો કે, એ ના આપે તો પણ વિચારતી ચોક્કસ થાય, એના પૂર્વગ્રહો કે ગુસ્સો કદાચ જરાતરા પીગળતો થાય. અને જેને પરમ ચૈતન્ય કે અસ્તિત્વ કહીએ છીએ, એમાં આપણી છાપ જરા ચોખ્ખી થાય. કર્મબંધનથી થોડા મુક્ત થવાય, એ ભાવ રહેવો જોઈએ.

થાય છે એવું કે જ્યાં ખોટાઓને મુકવાના હોય, ભ્રષ્ટાચાર, અપરાધ કે અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનો હોય, સંબંધમાં પણ મક્કમ થઈ દંભ કરી છૂપાવવાને બદલે સત્ય સંભળાવવાનું હોય - ત્યાં આપણે મોટે ભાગે કજીયાનું મોં કાળું કરીને લળીલળીને વારંવાર સોરી કહીએ છીએ ને જ્યાં ખરેખર પશ્ચાત્તાપ કરીને સુધરવાનું હોય ત્યાં જીભ કે આંગળી ઉપડતી નથી, વ્યક્ત થવા માટે ! એ ગાંઠ પછી ગાઢ બનતી જાય છે એક તબક્કે કોઈપણ કોમ્યુનિકેશનની અસર ના રહે એવી.

એટલે સચ્ચાઈના રણકા માટે માફી માંગતા એપોલોજેટિક નહિ, પણ મક્કમ થવાનું હોય. સ્પષ્ટ વાત ક્લીયરલી કરવાને લીધે કોઈનો ઈગો હર્ટ થઈ જાય તો થાય. સૂરજની ગરમી ઓછી કરવા જાવ તો પ્રકાશ પણ ઘટી જાય. એવાઓને કંઈ માફામાફી કરી ખમાવવા જવાનું ના હોય. ભૂલ એમની હોય તો માંગે એ માફી. અને ખાલી સોરી કઈને છટકી જવું એ તો વ્યવહાર છે. આદર્શ રીતે તો સુધાર થવો જોઈએ આપણામાં. એની એ હરકત કે ભૂલ બંધ થવી જોઈએ કે ક્રમશ: ઘટવી જોઈએ ! તો ક્ષમાથી હૃદય પરિવર્તન થાય.

રીડરબિરાદર રિદ્ધિશ વોરાએ એકવાર લખેલું કે, 'દેખાય એટલી સરળતાથી મનના મેલ ધોઈ શકાતા નથી. ઘણીવાર માફી માંગવાનું અંદરથી મન હોવા છતાં, સામી વ્યક્તિ સંવેદનશીલ કે સમજદાર ન હોય, પણ એટિટયુડવાળી હોય તો ઉલટું માફીને હડધૂત કરી વધુ વાયડાઈ કે આડોડાઈ પર ઉતરી આવે એવો ડર સતાવતો હોય છે. સાચુંખોટું સાઇડમાં રહી જાય છે, અને અહમ આગળ આવી જાય છે. મનના ઘાવ ઝટ રૂઝાતા નથી. પુત્રને મારનાર ભીમને બાહુપાશમાં જકડીને ભૂક્કો કરવાની ધૃણા ધૃતરાષ્ટ્રને બધું સમાપ્ત થઈ ગયા પછી પણ હતી. માફી માંગવા ને માફ કરવા માટે પણ ખુદના અહંકાર સાથે પહેલા ટક્કર લેવી પડતી હોય છે. માણસને પોતાની ભૂલ દેખાય છે, સમજાય છે. પણ મનોમન, જાહેરમાં એની કબૂલાત હિમાલય હલાવી નાખવા જેવી અઘરી થઈ જાય છે !'

એટલે જ તો જૈન ધર્મમાં ક્ષમાપના પહેલા પ્રતિક્રમણ છે, સ્વનિરીક્ષણ. અંદરથી સ્પષ્ટ સમજાવું જોઈએ કે શું સાચું, શું ખોટું. શું સારું, શું ખરાબ. આપણે પણ ઓવરસ્ટેપિંગ કરી નો બોલ નાખી શકીએ. એક વાર આ શુદ્ધિકરણ મનમાં થઈ જાય, તો જગત પ્રત્યે બેપરવાહ થઈને જાત સાથેનો સંવાદ કરીને માફી માંગવાની હિંમત કેળવી શકાય. બાકી વારંવાર સોરી કહ્યા કરે, ને ફરીફરી એવી જ ગફલત કે માથાકૂટ કર્યા કરે ત્યાં ફરગિવનેસ નથી. ફાઇટ જ છે.

તો આ ગૂંચવાડો સમજાય ત્યારે ખ્યાલ આવે કે ફરગિવનેસ માટે પણ લવ જોઈએ. જો પ્રેમતત્ત્વ પ્રભાવશાળી હોય તો અહમતત્ત્વ ઘટે. પ્યાર હોય ત્યાં નમતું જોખવામાં પણ મજા આવે. સોરી બોલવામાં શરમાવું ન પડે. પ્રેમ હળવા કરે, પ્રેમ પ્રસન્ન કરે, પ્રેમ નિર્મળ કરે. જેને લીધે માફી માંગવી તો ખરી, આપવી પણ સહેલી પડે. રેચક પાચન માટે લિસ્સું કેળું ખાવાથી રાહત થાય. એમ પ્રેમથી છૂટકારો સહેલો થાય ક્ષમાનો. માફી માગ્યે કોઈ 'આઇ એમ સોરી' કહીને તો એનો જવાબ થોડો 'આઇ એમ સોરી' હોય. માંગનાર મુદ્દાસર ખુલાસો કરે તો મન હોય ત્યારે પોઇન્ટ ટુ પોઇન્ટ વાત કરાય. બાકી પણ એના સ્વીકાર, અસ્વીકારની વાત તિરસ્કાર વિના કરવી પડે. ઉદારતા એમાં છે કે, 'હશે, જવા દો- છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની' કહી દો. ચેપ્ટર એન્ડ કરો કે ઘૂટન હોય મનમાં તો 'યુ બેટર બી સોરી' કહીને સ્પષ્ટતાથી વ્યક્ત કરીને અંતે 'હવે વાત અહીં પૂરી, ભવિષ્યમાં ધ્યાન રાખજો.' કહીને જતું કરો.

પણ એ અવસ્થા તો આવે જો અંત:કરણ એટલે સોલ શુદ્ધ હોય, પ્યોર હોય. ગણતરીઓ ઓછી, ગુમાન ઓછું પણ સદ્ભાવ ઝાઝો, સ્નેહ ઝાઝો હોય. ખાસ તો કાં મન એકદમ મોજમાં હોય ને ખુશીમાં માથાકૂટ લંબાવવાને બદલે ટાળવી હોય. કે પછી અંદરથી કોઈ પણ મોટો ધક્કો કે આઘાત લાગ્યો હોય અને આંતરખોજ ચાલુ થઈ હોય પોતાના કર્મોના હિસાબના લેખાજોખા કરવાની અને પછી થાય કે જીવતેજીવ પાટી ચોખ્ખી કરી નાખીએ, આ બધા બોજ ને ગૂંચને લઈ મરવું નથી !

થતું હોય છે આવું પણ. મોજમસ્તીની ગાઢ દોસ્તી બાદ ખટરાગ થતા પેલા ચતુર રાજકારણી અમરસિંહ અમિતાભ બચ્ચન માટે એલફેલ આક્ષેપોના બકવાસે ચડી ગયેલા. અમિતાભે એનું ટ્રેડમાર્ક મૌન રાખ્યું. જુની દોસ્તીની કદાચ આમન્યા રાખી, ખુલાસા કરીને જુઠી વાતોને હવા દેવાને બદલે જડબેસલાક મનોબળથી ડિગ્નીટી રાખી. નેચરલી અમરસિંહ ભુલાઈ જાય, બચ્ચન નહિ. કિડનીની બીમારીમાં મરણપથારીએ અમરસિંહે પુરાના યારાના યાદ કરી પોતાની જ બ્રેક વગરના બફાટ (કંઈક સાચુ પણ ધારો કે હોય તો એ સંબંધોનો વિશ્વાસભંગ છે. રિશ્તા ખતમ થવાથી રિસ્પોન્સિબિલિટી ખતમ નથી થતી.) બદલ વિડિયો બનાવીને હૉસ્પિટલના બિછાનેથી માફી માંગી. અમિતાભે એ જ મૌન રાખ્યું !

પણ બે હોશિયાર, ખાનદાન અને વિવેકમાં સમજુ દોસ્તો વચ્ચે ખટરાગને બદલે કોઈ સાચુકલા મુદ્દે અંટસ થાય તો કામ કેમ લેવું એ શીખવાડતી ઘટના અમિતાભની ફિલ્મો લખનારા સલીમ જાવેદની છે!

એંગ્રી યંગ મેન સીરિઝને લીધે સલીમ- જાવેદ ફરી હેડલાઇનમાં છે, ચર્ચામાં છે. અલબત્ત, એમાં નવી કોઈ વાત અઠંગ ચાહકો માટે નથી. જો બધું એમના વિશે ફોરવર્ડેડ ગપ્પા સિવાય વાંચ્યું હોય, એમની મુલાકાતો ને વાતો રસથી અગાઉ પણ સાંભળી હોય તો. ઇનફેક્ટ, બેઉ વચ્ચે 'સ્પિલટ કેમ થયો એની ગુજરાતીમાં પ્રથમવાર વાત કેટલાય વર્ષો પહેલા સલીમ ખાન સાહેબની મુલાકાત થકી આ જ કટારમાં લખેલી. રિપિટેશનમાં મૂળ વાત ભૂલાઈ જશે, પણ ટૂંકસાર એટલો જ કે જાવેદ અખ્તર સ્વતંત્ર કામ કરવા લાગેલા એની ખબર ઉંમર ને અનુભવમાં મોટા, લેખનમાં પણ પ્લોટ લઈ આવતા ને જોડી બનાવવાનું સૂચન કરનાર સલીમ ખાનને બહારથી પડી. એમનું દિલ એ રીતે તૂટયું કે કંઈક મૂંઝવણ કે અસંતોષ કે અકળામણ કે માથાકૂટ હોય તો સાચા સંબંધમાં સામેથી કહેવાય. થર્ડ પાર્ટીના કોઈ ત્રાહિત જાણ કરે એ કેવું?

ઠીક છે. એ બધું જવા દઈએ, 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' ગીત બની રહ્યું. ભાગીદારી, જોડી, દોસ્તી તૂટી ગઈ. કશુંક પણ તૂટે ત્યારે એની તિરાડો, કરચો, દોરાં, ડાઘા તો સાંધ્યા પછી પણ રહી જ જતા હોય છે એમ ઉકળાટ ને ઉચાટ તો થયો જ હોય. પણ ખાનદાની એ કે અંગત વાતચીતમાં ખુલ્યા હશે, જાહેરમાં બેમાંથી કોઈએ મોઢું ના ખોલ્યું. અલવિદા કહીને પૂર્ણવિરામ મૂકી દીધું. કોઈ સનસનાટીનું સ્કૂપ નહિ. ઇન્ટરવ્યૂ નહિ. જાહેર ઝઘડાનો તમાશો નહિ એક જ શહેર ને ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં પણ. બેઉએ અમિતાભ માટે ફિલ્મો લખી અલગ- અલગ પણ એના માટે ય જોડે ના આવ્યા. એ અબોલા કે સરહદ ખેંચાયેલી રહી. જાવેદ અખ્તર વધુ વાચાળ ને કવિ એટલે ત્યારે વધુ લાઇમ લાઇટમાં રહ્યા. પણ સલીમ ખાન સલમાનની સફળતા બાદ મીડિયા/ પબ્લિકના ધ્યાન પર આવ્યા પછી એમની ઉંચાઈ અને ઉંડાઈથી દેશ વધુ પરિચિત થયો.

ખેર, વાત જાણે એમ બની કે સલીમપુત્ર સલમાન એક્ટિંગમાં તો જાવેદપુત્ર ફરહાન ડાયરેક્શનમાં સફળ. ફરહાનને સલમાનના હરીફ ગણાય એવા શાહરૂખને લઈને ડોનની રિમેક બનાવવી હતી. કથા તો સલીમ- જાવેદની સંયુક્ત. ઓફિશ્યલ. જાવેદ તો પિતા તરીકે રાઇટ્સ આપે પણ સલીમખાન ? ફરહાન રૂબરૂ રિક્વેસ્ટ કરવા ગયો. મોટાઓની માથાકૂટમાં બાળકો સાથે 

શું વેર એવા ઉમદા સંસ્કાર ધરાવતા ખાન સાહેબે હસીને રાઇટ્સ આપ્યા. ભલે, નવી ફિલ્મના સ્ક્રીનપ્લે સાથે સહમત ના હોય તો પણ. આમ તો ત્યારે જ જાવેદ અખ્તર માટે ચાન્સ હશે. પણ ઘણીવાર જૂનો જામેલો બરફ ઓગળવામાં થોડી વધુ હૂંફ જોઈએ. શોલે ફિલ્મ થ્રીડીમાં ફરી રિલીઝ થઈને બેઉ દિગ્ગજો રાજીવ મસંદને ઇન્ટરવ્યૂ આપવા ફરજના ભાગરૂપે ભેગા થયા. (યુ ટયુબ પર વિડિયો મોજૂદ છે.) નેચરલી, લોકોને બે જણ ભેગા થાય એનો ઉત્સવ મનાવવા કરતા છૂટા પડે એની ખણખોદમાં વધુ રસ પડે છે. એટલે જોડી તૂટવા બાબત એને સવાલ પૂછાયો.

જાવેદ કંઈ કહે એ પહેલાં સલીમ ખાને જવાબ શરૂ કર્યો. 'આમ થયું ને તેમ થયું'ના લંબાણને બદલે કહ્યું 'ઉંમર ને અનુભવમાં હું મોટો છું. મારે સિચ્યુએશન વધુ સારી રીતે હેન્ડલ કરવી જોઈતી હતી. એટલે આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી મારી કહેવાય. આઇ ફીલ સોરી.' જાવેદ અખ્તર બાજુમાં બેસી વિઝિબલી ગળગળા થઈ ગયા. બોલ્યા : 'અરે, બે જણ છૂટા પડે એમાં તમે એકલા જ થોડા જવાબદાર કહેવાવ. મારી જવાબદારી પણ છે. મેં ભૂલ કરી...' સલીમખાને કહ્યું : 'મેચ્યોરિટી એ છે કે માણસ પાછલા અનુભવમાંથી શીખે અને એ વર્તન દોહરાવે નહિ. એટલે એનો માનસિક વિકાસ થયો, પરિપકવતા વધી. ત્યારે હું વધુ જોશમાં રહ્યો. આજે કદાચ વધુ વ્યવસ્થિત વાત કરી શકત ત્યારે ઉભો થયો એને બદલે.' જાવેદ અખ્તરે તરત સોરી સાથે પ્રતિસાદ પાડયો 'કોઈ બહુ મોટો, અંદરથી જરાય અસલામતી ન અનુભવતો વિરાટ મનનો માનવી જ આવું કહી શકે. યે ઇનકા (સલીમ ખાન કા) બડપ્પન હૈ.'

સંભવત: ત્યાંથી ફરી પાનખરમાં વસંતનું પાંદડુ બરફ ઓગળ્યા બાદ ખીલ્યું, કદાચ પાછલી (ડોન ફિલ્મ વખતની ઉદારતા પછી) થીજેલી મડાગાંઠને વધુ એક પ્રહારની જરૂર હતી, એ થયો. આજે હયાતીમાં જ જોડી ભેગી બેસતી થઈ. સ્વજનોના મુખેથી વખાણ સાંભળીને રાજીપો અનુભવતી થઈ. ભેગા લખવા ય બેસે, કોને ખબર ?

બે વ્યક્તિ જેન્યુઇન બદ્ધિમાન અને વ્યવહાર ડાહ્યા હોય ને એમાંથી એક પ્રેમપૂર્વક પોતાની ભૂલ ન હોય તો પણ સામેથી બે ડગલા ચાલે તો સામે ચાલીને બીજાને ખુદની ભૂલનો અહેસાસ થઈ શકે છે, એનું આ જીવંત દ્રષ્ટાંત છે. મુખરજી સાહેબે કહ્યું એમ ક્યારેક જવાનું જ છે ત્યારે કયા સવાલો આવશે એ હવે ખબર છે, તો આજે જ કેમ રેણ ન કરવું ? કલ કિસને દેખા ?

ફાસ્ટ ફોરવર્ડ

''કોઈ ક્ષમા માંગે એ પહેલા ક્ષમતા છતાં પણ એને મનોમન માફ કરવામાં ઘરખમ સંસ્કાર જોઈએ !''

(વૉલ ગ્રાફિટી પરથી પ્રેરિત)


Google NewsGoogle News