Get The App

‌ધ જીપ રેઇડ:બ્રિ‌ટિશ જીપગાડી તળે જ્યારે જર્મન ‌વિમાનો કચડાયાં

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
‌ધ જીપ રેઇડ:બ્રિ‌ટિશ જીપગાડી તળે જ્યારે જર્મન ‌વિમાનો કચડાયાં 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- બીજા ‌વિશ્વયુદ્ધમાં ‌બ્રિ‌ટનના નાકે દમ લાવી દેનાર જર્મન વાયુસેનાનું નાક ‌

- બ્રિ‌ટિશ કમાન્‍ડો ટુકડીએ વાઢી નાખ્યાની સત્‍યકથા (લેખાંક-2).

- ‘અહીંથી સૌ યુ-ટર્ન મારો!’ કમાન્‍ડો ટુકડીના આગેવાન મેજર સ્‍ટ‌ર્લિંગે ત્રાડ પાડી. ‘આ વખતે મશીન ગનમાં ન એકેય ગોળી બચવી જોઈએ કે ન કોઈ ‌વિમાન સલામત રહેવું જોઈએ...’

ગયા ર‌વિવારે લેખાંક-૧માં નોંધ્‍યું તેમ—

■ ઉત્તર આ‌ફ્રિકાના ‌લિ‌બિયા, ટૂ‌નિ‌શિયા, અ‌લ્‍જિ‌રિયા તથા ઇ‌જિપ્‍તમાં ‌જર્મન સેનાએ પગ જમાવ્યો હતો. ‌હિટલરનો ડોળો ઇ‌જિપ્‍તની સુએઝ નહેર પર હતો, જે રખે જર્મન આ‌ધિપત્‍ય હેઠળ આવે તો ‌બ્રિટનના જહાજો મારફત ભારતને મળતું લશ્‍કરી પીઠબળ નાબૂદ થાય. ધ જૂઅલ ઇન ધ ક્રાઉન યાને ‌બ્રિ‌ટિશ તાજનો હીરો કહેવાતું ભારત ત્‍યાર પછી ‌જર્મન હુમલાનો ભોગ બને એ શક્ય હતું.

■ આ સંભ‌વિત ‌સ્‍થિ‌તિને ટાળવી હોય તો ‌બ્રિટને યેન કેન પ્રકારે સુએઝ નહેરનું રખોપું કરવું રહ્યું. બીજી તરફ, ઇ‌જિપ્‍તમાં જર્મન સેનાનો પેસારો ક્રમશ: વધતો જતો હતો. ‌જર્મન ‌વિમાનો મારફત શસ્‍ત્ર-સરંજામનો થોકબંધ પુરવઠો ઇ‌જિપ્‍તના સીદી હનીશ એરબેઝે ખડકાયા કરતો હતો. આથી ‌બ્રિટને તે હવાઈ મથકને ધમરોળી જર્મનીની લશ્‍કરી તાકાત હણી લેવાનું ‌વિચાર્યું.

■ ‌આ માટે બ્રિ‌ટિશ Special Air Service/ SAS કહેવાતા કમાન્‍ડો દળના આગેવાન મેજર ડે‌વિડ સ્‍ટ‌ર્લિંગે જુલાઈ ૨૬/૨૭, ૧૯૪૨ની મધરાતે સીદી હનીશ એરબેઝ પર ઓ‌ચિંતો હુમલો કરવાનું નક્કી કર્યું. ટેન્‍ક અને ‌વિમાન જેવાં પરંપરાગત શસ્‍ત્રોને બદલે ‌વિકર્સ મશીન ગન્‍સ જડેલી ખુલ્‍લી જીપગાડી પસંદ કરવામાં આવી અને જુલાઈ ૨૬ની ઢળતી સાંજે મેજર સ્‍ટ‌ર્લિંગ કુલ ૧૮ જીપગાડીના કાફલા સાથે સીદી હનીશ પર કમાન્‍ડો હુમલો કરવા નીકળી પડ્યા. હવે આગળ—

■■■

સીદી હનીશ એરબેઝ પર જુલાઈ ૨૬, ૧૯૪૨ની સાંજ ખાસ કશી નવાજૂની ‌વિના ઢળી રહી હતી. હિટલરની ‘લુફ્તવાફ’ કહેવાતી વાયુસેનાનાં ‘સ્‍ટુકા’, ‘મેશર‌શ્‍મિટ Bf-109’ અને ‘યુંકર્સ Ju-52’ ‌વિમાનો જર્મન ચો‌કિયાતોના કડક જાપતા વચ્‍ચે ઊભાં હતાં. 

બીજા ‌વિશ્વયુદ્ધના તત્‍કાલીન કાળમાં ‘સ્‍ટુકા’ સૌથી મારકણું અને મોડર્ન ફાઇટર બોમ્‍બર ‌વિમાન હતું. અન્‍ય લડાકુ ‌વિમાનો શત્રુ લક્ષ્‍યાંક તરફ આડી લીટીમાં આગળ વધી તેના પર બોમ્‍બવર્ષા કરે, પરંતુ ‘સ્‍ટુકા’ લક્ષ્‍યાંકના માથે આવીને આકાશી ગુલાંટ મારી ઊભી લીટીમાં બોમ્‍બ ‌રિલીઝ કરતું—અને પછી તરત ડૂબકી વાળીને ફરી આડી લીટીમાં આવી જતું. આ રીતે મત્‍સ્‍યવેધ કરવામાં ‘સ્‍ટુકા’ની ચપળતા અને સચોટતા કાબીલે તારીફ હતી. અઢીસો ‌કિલોગ્રામનો એક વત્તા પચાસ ‌કિલોગ્રામના ચાર હાઈ-એક્સ્પ્લો‌ઝિવ બોમ્‍બ તથા ૭.૯ ‌મિ‌લિમીટર વ્‍યાસની બુલેટ્સ દાગી શકતી બે મશીન ગન્‍સ સાથે ઉડાન ભરી જતું ‘સ્‍ટુકા’ ખરા અર્થમાં ફ્લાઇંગ તોપખાનું હતું. 

બીજું મારકણું અને ‌બ્રિટન માટે માથાભારે સા‌બિત થયેલું ‌વિમાન ‘મેશર‌શ્‍મિટ Bf-109’ પણ જર્મન વાયુસેનાનો ચમકતો ‌સિતારો હતું. આકાશી દ્વંદ્વયુદ્ધમાં આટાપાટા ખેલવાથી માંડીને ગ્રાઉન્‍ડ અટેક, જાસૂસી, બોમ્‍બવર્ષા જેવાં ‌વિ‌વિધ રોલ ‘મેશર‌શ્‍મિટ Bf-109’ ‌નિભાવી શકતું હતું. આ ‌બહુરૂપી વિમાનની કાર્યક્ષમતાનો ખ્‍યાલ એ વાતે મળે કે બીજા ‌વિશ્વયુદ્ધ દરમ્‍યાન જર્મન વાયુસેના માટે ૩પ,૦૦૦થી વધુ ‘મેશર‌શ્‍મિટ Bf-109’નું ઉત્‍પાદન કરાયું હતું.

શસ્‍ત્ર-સરંજામના થોકબંધ પુરવઠા જોડે સીદી હનીશની ‌નિય‌મિત ખેપ કરતું ૬૨ ફીટ લાંબું અને ૯૬ ફીટ પહોળી પાંખો ધરાવતું ‘યુંકર્સ Ju-52’ ‌વિમાન મૂળભૂત રીતે માલવાહક હતું. છતાં આત્‍મરક્ષણ માટે તેની પાસે હેવી મશીન ગન્‍સ હતી. શત્રુ લક્ષ્‍યાંકને ફૂંકી દેવા માટે પ૦૦ ‌કિલોગ્રામ વજનના બોમ્‍બ પણ તેની પાંખો નીચે ‌ફિટ કરેલા હતા.

યુદ્ધ‌માં બ્રિટનનાં અનેક વ્‍યૂહાત્‍મક લક્ષ્‍યાંકોને રાખમાં ફેરવી ચૂકેલાં ત્રણેય જર્મન ‌વિમાનો પોતે સીદી હનીશ એરબેઝ પર જ ખાક પામે તેના આડે હવે જૂજ કલાકો રહ્યા હતા. કારણ કે મેજર ડે‌વિડ સ્‍ટ‌ર્લિંગ તેમની છાપામાર SAS સેના જોડે ‘લંકાદહન’ માટે નીકળી ચૂક્યા હતા.

■■■

જુલાઈ ૨૬ની નમતી સાંજે કુલ ૧૮ જીપગાડીનો કાફલો બિર અલ કસીર છાવણીથી નીકળ્યો તો ખરો, પણ સીદી હનીશ સુધીની ૮૦ ‌કિલોમીટર લાંબી સફર સીધીસરળ નહોતી. ઉજ્જડ રે‌ગિસ્‍તાની પ્રદેશના ધૂ‌ળિયા ભૂપૃષ્‍ઠ પર ઠેર ઠેર પાણા વેરાયેલા હતા. ખાડા-ટેકરાનો તો સુમાર નહોતો. ‌દિવસેય જ્યાં ગાડી ચલાવવું પડકાર જણાય એવા ભૂપૃષ્‍ઠ પર કમાન્‍ડો જીપ ચાલકોએ અંધારી રાત્રે હંકારવાનું હતું—અને તેય વળી દુશ્‍મનની નજરે ચડી ન જવાય એ માટે જીપની હેડલાઇટ ઓફ રાખીને! અખડદખડ માર્ગે સતત અફળાતા-કૂટાતા કમાન્‍ડો તો અડગ-ખડગ રહ્યા, પણ જીપના ટાયરોએ જવાબ માગ્યો. અઢાર ગાડીઓમાં કુલ મળીને ૧પ પંકચર થયાં! ટાયર બદલવા માટે તેમજ રાતના ઘોર અંધકારમાં માત્ર આકાશી તારાના આધારે ‌દિશાશોધન કરવા માટે દર થોડા વખતે ‌વિરામ લેતો કાફલો મધરાત પછી ઊંચા ટેકરા પર થોભ્‍યો.

‘મને લાગે છે કે આપણે ‌નિર્ધા‌રિત લક્ષ્‍યાંકે પહોંચી ગયા છીએ...’ ‌દિશાશોધનના ‌નિષ્‍ણાત  લેફ્ટનન્‍ટ માઇક સેડલરે કહ્યું.

‘...પણ અહીં તો દૂર સુદૂર ક્યાંય રોશની દેખાતી નથી...’ મેજર સ્‍ટ‌‌ર્લિંગે ટકોર કરી. ‘એરબેઝ જો નજીકમાં હોય તો કમ સે કમ એકાદ બલ્‍બ તો...’

મેજર સ્‍ટ‌‌ર્લિંગ હજી વાક્ય પૂરું કરે ત્‍યાં તો માંડ દોઢેક ‌કિલોમીટર દૂર એકાદ ન‌હિ, સેંકડો બલ્‍બ એકસાથે પ્રગટ્યા અને સીદી હનીશનો રન-વે ઝળહળવા લાગ્યો. મેજર સ્‍ટ‌‌ર્લિંગને ફાળ પડી કે અત્‍યાર સુધી બ્‍લેક આઉટમાં રહેલો રન-વે એકાએક શા માટે ઉજા‌સિત કરાયો? શું છાપામાર SAS કમાન્‍ડોનું ગુપચુપ આગમન જર્મનોથી છાનું ન રહી શક્યું? ‌મિશન શરૂ કરતા પહેલાં જ તેને આટોપી લેવું? કે પછી ફતેહ મળે ન મળે તેની ‌ચિંતા ‌વિના યા હોમ કરીને રણમેદાનમાં કૂદી પડવું?

અવઢવ-અજંપામાં કેટલીક ‌મિ‌નિટો વીતી એવામાં શાંત વાતાવરણને ગજવતું એક જર્મન ‌વિમાન સીદી હનીશના રન-વેની સીધ પકડી નીચે ઊતરવા લાગ્યું. જર્મનોએ રન-વેના દીવાબત્તી કેમ ચેતાવ્યા તેનો ભેદ ખૂલી ગયો—અને તે સાથે મેજર સ્‍ટ‌ર્લિંગના ‌દિમાગમાં વળેલી અનેક‌વિધ મૂંઝવણોની ગૂંચ પણ ખૂલી ગઈ!

‘ચાલો...’ મેજરે જોરમાં ઘાંટો પડ્યો, ‘...બધા એકસાથે આગળ વધો! આક્રમણ માટે આનાથી સારો લાગ કદાચ ન‌હિ મળે...’

■■■

તીરના ફણા જેવો આકાર રચીને અઢારે અઢાર જીપગાડી સીદી હનીશ તરફ ધસવા લાગી. કમાન્‍ડો ટુકડીના આગેવાન તરીકે મેજર સ્‍ટ‌ર્લિંગ એકદમ મોખરાની જીપમાં સવાર હતા. આગોતરી યોજના મુજબ તેઓ Very/ વેરી ‌પિસ્‍તોલનો લીલા રંગનો પ્રકાશ ફેલાવતો ગોળો આકાશમાં દાગે કે તરત બધી જીપની ‌વિકર્સ મશીન ગન્‍સે ગરજવા લાગવાનું હતું.

રન-વે પર ઊતરતા જર્મન ‌વિમાનનો જાણે ‌પીછો કરવાનો હોય તેમ જીપનો કાફલો ‌વિમાન તરફ ધસ્‍યો. રન-વે સુધી તીરના ફણાનો આકાર રચીને આગળ વધતી જીપગાડીઓ રન-વે પર આવતાંવેંત બે સમાંતર લીટીમાં વહેંચાઈ ગઈ.

‘ભક્...ભક્...ભક્...!’  ‌મિ‌નિટની ૧,૨૦૦ ગોળીઓ દાગી શકતી ‌વિકર્સ મશીન ગન્‍સે ફાયર બ્રાન્‍ડ ‌મિજાજ બતાવવો શરૂ કર્યો. નાળચામાંથી વછૂટતી પોણા આઠ ‌મિ‌લિમીટર વ્‍યાસની બુલેટ બ‌કિંગહામ ટ્રેસર પ્રકારની હતી. મતલબ કે, તેના ગર્ભમાં બારુદ ઉપરાંત અત્‍યંત જ્વલનશીલ નાઇટ્રોસેલ્‍યુલોઝ ભરેલું હતું. બુલેટ તેના લક્ષ્‍યાંક પર ટિચાય ત્‍યારે બારુદી ધડાકા સાથે નાઇટ્રોસેલ્યુલોઝનો ભેગ બળતામાં ઘીનું કામ કરતો હતો. ‌

રન-વેની સમાંતર બધી જીપગાડીઓ આગળ વધતી ગઈ તેમ પા‌ર્કિંગ-બેમાં ઊભેલાં ‘સ્‍ટુકા’, ‘મેશર‌શ્‍મિટ Bf-109’ અને ‘યુંકર્સ Ju-52’ ‌વિમાનોની કાયા વીંધાતી ગઈ. બળતણથી ભરેલી ફ્યૂલ ટેન્‍ક પર ગોળી વાગવાને કારણે અમુક ‌વિમાનો તો તત્‍કાળ મશાલ બન્‍યાં.  ‌હજી થોડા સમય પહેલાં અંધકારનો ‌પિછોડો ઓઢીને શાં‌તિથી પોઢેલું સીદી હનીશ એરબેઝ હવે દિવાળી અને હોળી એકીસાથે જોઈ રહ્યું હતું. આલંકા‌રિક રીતે નહિ, પણ સાચેસાચ ઊંઘતા ઝડપાયેલા જર્મન સૈ‌નિકો માટે એ દૃશ્‍ય ભયાનક ને ડરામણા સ્‍વપ્‍ન સમું હતું. ટેન્‍ક જેવાં બખ્‍ત‌રિયાં વાહનોને બદલે શત્રુ ખુલ્‍લી જીપમાં બેસીને ચઢાઈ લાવે, રન-વે પર ‌બિનધાસ્‍ત હંકારે અને મશીન ગન વડે જર્મન ‌વિમાનોનો કચ્‍ચરઘાણ કાઢે એ દૃશ્‍ય તો તેમને માટે માનો યા ન માનો જેવું હતું. કારણ કે ‌વિગ્રહની તવારીખમાં આવો ‌બિનપરંપરાગત હુમલો ક્યારેય જોવા-જાણવામાં આવ્યો ન હતો.

■■■

‘અહીંથી સૌ યુ-ટર્ન મારો!’ મેજર સ્‍ટ‌ર્લિંગે ત્રાડ પાડી. ‘આ વખતે મશીન ગનમાં ન એકેય ગોળી બચવી જોઈએ કે ન કોઈ ‌વિમાન સલામત રહેવું જોઈએ...’

સૂચના મળતાં જ સૌ જીપચાલકોએ ‌સ્‍ટિઅ‌રિંગ ઘુમાવ્યાં. રન-વેની ‌કિનારે ઊભેલાં જર્મન ‌વિમાનો પર હુમલાનો સેકન્‍ડ રાઉન્‍ડ શરૂ કરવાનો હતો, પરંતુ તેનો આરંભ થાય એ પહેલાં જર્મન ચો‌કિયાતોની મશીન ગન્‍સ અને તોપો ગરજવા લાગી. ‌વિમાન ‌વિરોધી તોપમાંથી નીકળેલો એક ગોળો સીધો મેજર સ્‍ટ‌ર્લિંગની જીપના બોનેટ પર આવીને ફાટ્યો. ધડાકામાં બોનેટનું પતરું ‌ચિરાઈ ગયું, એ‌ન્‍જિન કાચલું તૂટ્યું અને તેમાં રહેલું ઓઇલ ચોતરફ ઊડ્યું. છતાં લાખો મેં એક યોગાનુયોગ  કે જીપમાં બેઠેલા મેજર સ્‍ટ‌ર્લિંગ, ચાલક અને બીજા બે કમાન્‍ડો બાલ બાલ બચ્‍યા. ગાડી વાપરવા યોગ્‍ય ન રહી અને ચારેયના ચહેરા પર એ‌ન્‍જિન ઓઇલનો કાળો થપેડો લાગ્યા ‌સિવાય કશું ન બનવાજોગ બન્‍યું નહોતું.

સમય બરબાદ કર્યા ‌વિના મેજર સ્‍ટ‌ર્લિંગ અને તેમના ત્રણ સાથી બીજી જીપમાં ગોઠવાઈ ગયા, એટલે અઢાર માઇનસ વન જીપગાડીનો કાફલો વળી પાછો રન-વેની સમાંતર હંકારવા લાગ્યો. ‌વિકર્સ મશીન ગન્સે ધાણી ફોડવાનું શરૂ કર્યું, પણ હવે લક્ષ્‍યાંક વીંધવાનું અગાઉ જેટલું સરળ નહોતું. જર્મનો તરફથી આવતા ગોળીબારનો વળતો જવાબ આપવા માટે SAS કમાન્‍ડોએ તેમની મશીન ગન્‍સનાં નાળચાં વારંવાર નાઝી સૈ‌નિકો તરફ વાળવાં પડતાં હતાં. પ્ર‌તિકાર સામે પ્ર‌તિઘાત કરવા જતાં દુર્ભાગ્‍યે જ્હોન રોબસન નામનો માત્ર એકવીસ વર્ષીય ‌બ્રિ‌ટિશ કમાન્‍ડો વીરગ‌તિ પામ્‍યો.

‌સિંહની બોડ જેવા જર્મન એરબેઝમાં સામી છાતીએ ધસી ગયેલા છાપામાર ટુકડીના અન્‍ય તમામ સભ્‍યો સદ‍્ભાગ્‍યે સલામત હતા. ફાય‌રિંગના બીજા રાઉન્‍ડમાં સૌએ પોતપોતાની મશીન ગન્‍સના કારતૂસ રીતસર ખાલી કરી નાખ્યાં ત્‍યારે રન-વેના પડખે ઊભેલા બહુધા ‌વિમાનો વીંધાઈ ચૂક્યા હતા—‌સિવાય કે એક! ‘યુંકર્સ Ju-52’ પ્રકારનું જાયન્‍ટ માલવાહક ‌વિમાન હજી સલામત હતું. આથી કમાન્‍ડો ટીમના લેફ્ટનન્‍ટ રોબર્ટ (ઉર્ફે પેડી) મ્‍યેનને પોતાની જીપ થોભાવી, હાથમાં ટાઇમ બોમ્‍બ લીધો, જર્મન ગોળીબારો વચ્‍ચેથી ‘ગેપ’ કાઢી આગળ વધતા ‘યુંકર્સ Ju-52’ના એ‌ન્‍જિન જોડે બોમ્‍બ ‌‌ફિટ કર્યો અને ફરી પાછા જીપમાં બેસી ગયા. થોડી સેકન્‍ડો બાદ દસેય ‌દિશાને ધ્રુજાવી દેતો ધડાકો થયો, જેમાં ‘યુંકર્સ Ju-52’ની જમણી પાંખ બટકીને ખરી પડી. ‌વિમાન ભડકે બળવા લાગ્યું, એટલે લેફ્ટ. મ્‍યેનને ટાઢક વળી.

■■■

જુલાઈ ૨૭, ૧૯૪૨. સમય રા‌ત્રિના લગભગ ત્રણેક વાગ્યાનો. 

આગની કેસરી-પીળી જ્વાળાઓમાં ઘેરાયેલા સીદી હનીશ એરબેઝથી લાલ રંગનો તેજસ્વી ગોળો આકાશ તરફ ચડ્યો. મેજર સ્‍ટ‌ર્લિંગની very/ વેરી ‌‌પિસ્‍તોલમાંથી તે નીકળ્યો હતો, જેનો SAS કમાન્‍ડો ટુકડી માટે સંકેત એ હતો કે, હવે હુમલો આટોપીને નાસી છૂટો!

બધી જીપગાડીઓએ તત્‍કાળ ખુલ્‍લા મેદાની પ્રદેશનો માર્ગ પકડ્યો. ‌વિદાય પહેલાં મેજર સ્‍ટ‌ર્લિંગે પાછળ ફરીને જોયું તો સીદી હનીશનું એરબેઝ સ્‍મશાન ઘાટ જેવું ભાસતું હતું. ચિતાગ્નિમાં લપટાયેલાં ‘સ્‍ટુકા’, ‘મેશર‌શ્‍મિટ Bf-109’ અને ‘યુંકર્સ Ju-52’ ‌વિમાનો ‌બિહામણાં લાગતાં હતાં. શત્રુનાં કુલ મળીને ૩૭ ‌વિમાનો ફૂંકી મરાયાં હતાં. જીપ જેવા સામાન્‍ય વાહન વડે આવડો મોટો ‌શિકાર કરાયો, સીદી હનીશ એરબેઝ નાશ પામ્‍યું, જર્મન પક્ષે સૈ‌નિકોનો વ્‍યાપક ભોગ લેવાયો, સીદી હનીશ બરબાદ થયા પછી ઇ‌જિપ્‍તમાં જર્મન ‌વિમાનો દ્વારા કરાતો શસ્‍ત્ર-સરંજામનો સપ્‍લાય થંભી ગયો, ઇ‌જિપ્‍તમાં નાઝી સેનાનું જોર ઘટ્યું વગેરે મેજર સ્‍ટ‌ર્લિંગની અજોડ ઉપલ‌‌બ્‍ધિ હતી. આની સામે કમાન્‍ડો ટુકડીના પક્ષે નુકસાની ગણો તો ૩ જીપ પૂર્ણત: બરબાદ થઈ અને ૨ કમાન્‍ડોએ જીવ ગુમાવ્યા.

‌વિગ્રહની તવારીખમાં ‘ધ જીપ રેઇડ (ધાડ)’ એક સફળ કમાન્‍ડો ‌મિશન તરીકે નોંધ પામ્‍યું. બાવળના કાંટા વડે ધારદાર તલવારને કાપી બતાવ્‍યા જેવો દાખલો બેસાડનાર મેજર ડે‌વિડ સ્‍ટ‌ર્લિંગનું નામ ઇ‌તિહાસના ચોપડે કમાન્‍ડો અટેક રણની‌તિના એક્કા ‌ખિલાડી તરીકે લખાયું. ‘ધ જીપ રેઇડ’ વડે જગતના સૈ‌નિકોને તેમણે સજ્જડ સંદેશો આપ્યો કે રણમેદાન માત્ર બળ પ્રદર્શનનો અખાડો નથી, બુ‌દ્ધિ પ્રદર્શનની શતરંજ બાજી પણ છે!■


Google NewsGoogle News