દુનિયામાં મૃત્યુદંડની સજામાં 31 ટકાનો વધારો, છતાં અપરાધ ઘટતા નથી
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- પશ્વિમ બંગાળની સરકારે રેપ-મર્ડરના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરી એ પછી દેશભરમાં મહિલાઓ સાથે થતાં ગંભીર ક્રાઈમ રોકવા આવી જોગવાઈની માગણી ઉઠી છે
'આ કરી સજા આપવાથી ગુનાખોરી અટકે છે.'
'આકરી સજા આપવાથી ગુનાખોરી વકરે છે.'
ગુનાખોરી અને સજાની વાત નીકળે ત્યારે આ બંને તર્ક આપવામાં આવે છે. બંને પાસે પોત-પોતાની દલીલો છે. બંને પાસે ઈતિહાસના પીળા પાનામાંથી ઉપસી આવતા ઉદાહરણો છે. ક્યાંક મૃત્યુદંડ જેવી આકરી સજાની જોગવાઈથી ગુનાખોરી અટકી ગયાના પુરાવા મળે છે. ક્યાંક આકરી સજાની જોગવાઈ હોવા છતાં ગુનાખોરી અટકી ન હોવાના કિસ્સા મળે છે. કદાચ એટલે જ અમુક દેશોમાં ગંભીર ગુના બદલ અસંખ્ય ગુનેગારોને ફાંસીએ લટકાવી દેવામાં આવે છે તે છતાં દર વર્ષે ફાંસીની સજા મેળવનારા અપરાધીઓ વધતા જાય છે.
બંનેમાંથી કોઈ એક થિયરી ગુનાખોરી રોકવા સચોટ ઉપાય હોવાનું કહી શકાય તેમ નથી. સમયે સમયે બંને કારગત નીવડી છે. ક્યારેક મૃત્યુદંડના ડરથી ગુનાખોરી કાબૂમાં આવે છે. ક્યારેક એનાથી પરિણામ મળતું નથી.
પ્રાચીન સભ્યતાઓમાં જ્યારે અપરાધના બદલામાં સજા આપવાની જરૂરિયાત ઉભી થઈ હશે ત્યારે સૌથી પહેલો વિચાર મૃત્યુદંડનો જ થયો હશે. માણસ પાસે સૌથી મૂલ્યવાન કંઈ હોય તો એ જીવન છે. જીવન નથી તો બીજું કશું નથી. જાત છે તો જગત છે એ ન્યાયે તે જમાનામાં મૃત્યુદંડ આપીને ન્યાય તોળાતો. જીવન લઈ લેવું એ સૌથી મોટી સજા ગણાતી.
પછી સભ્યતાઓનો વિકાસ થયો. ન્યાયનો ખયાલ વિકસ્યો, જીવનદર્શન વિકસ્યું એટલે સજાની પદ્ધતિઓમાં પણ પરિવર્તન આવતું ગયું. કારાવાસની સજાથી લઈને ગુના પ્રમાણે અંગો કાપી નાખીને ન્યાય તોળવામાં આવતો. એ બધામાં સૌથી ગંભીર ગુના માટે તો મૃત્યુદંડ જ અપાતો.
હા, મૃત્યુની સજા બહુ જ દર્દનાક રહેતી. ગુનેગારોને ધગધગતા તેલમાં નાખવાથી લઈને જીવતા સળગાવી દેવા, ફાંસીએ લટકાવી દેવા, ચામડી ઉતરડી લેવી, મૃત્યુ ન પામે ત્યાં સુધી કોરડા વિંઝવા, હાથ-પગમાં ખીલા ઠોકીને લોહી વહી જાય ત્યાં સુધી ગુનેગારો પર ટોર્ચર કરવું, તલવારથી શિરચ્છેદ કરવો, છાતીમાં કે પેટમાં ભાલાના વારથી મોત આપવું, ગોળી મારી દેવી - જેવા અનેકાનેક પ્રકારોથી મૃત્યુદંડ મળતો.
સમય બદલાયો એમ મૃત્યુદંડની પદ્ધતિમાં પણ પરિવર્તન આવ્યું. હ્મુમન રાઈટ્સની વિભાવના પછી મૃત્યુદંડની ઓછી દર્દનાક પદ્ધતિઓ અમલમાં આવી. એમાં ઝેરી ઈન્જેક્શન આપવા સહિતના મૃત્યુદંડના અમલો પ્રચલિત બન્યા છે. હવે તો મૃત્યુદંડ આપવો ન જોઈએ એવીય એક ઝુંબેશ ચાલે છે. ઘણાં સંગઠનો મૃત્યુદંડને બદલે આજીવન કારાવાસની ભલામણ કરે છે. સંખ્યાબંધ દેશોમાં મૃત્યુદંડ આપવા પર પ્રતિબંધ મૂકાયો છે, છતાં આજેય ગંભીર ગુનાખોરી રોકવા મૃત્યુદંડને અસરકારક ગણવામાં આવે છે.
માનવ અધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે દુનિયામાં મૃત્યુદંડમાં ૩૧ ટકાનો વધારો થયો છે. ૨૦૨૨માં દુનિયાભરમાં ૮૮૩ ગુનેગારોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ૨૦૨૩માં ૧૧૫૩ ક્રિમિનલ્સને મોતની સજા મળી હતી. ૨૦૧૫ પછી પહેલી વખત મૃત્યુદંડની સજામાં આટલો વધારો થયો હતો. ૨૦૧૫માં ૧૬૩૪ અપરાધીઓને મૃત્યુદંડ અપાયો હતો. એ પછી આટલી મોટી સંખ્યામાં ૨૦૨૩માં મોતની સજા અપાઈ છે.
૨૦૨૨માં વર્લ્ડવાઈડ જેટલા લોકોને મોતની સજા મળી હતી એટલા લોકોને તો ૨૦૨૩માં ઈરાને જ મૃત્યુદંડ આપ્યો છે. એક વર્ષમાં ઈરાનમાં ૮૫૩ ગુનેગારોને ફાંસીએ લટકાવી દેવાયા હતા. વૈશ્વિક માનવાધિકાર સંગઠનો તો માને છે કે મૃત્યુદંડની બાબતમાં ઈરાન કરતાં પણ ચીન વધારે ક્રૂર છે, પરંતુ ચીનના આંકડાં ક્યારેય જાહેર થતાં નથી એટલે ગ્લોબલ ડેથ પેનલ્ટીનો આંકડો ઘણો મોટો હોવાની શક્યતા છે.
ચીન, ઈરાન, સાઉદી અરબ, સોમાલિયા અને અમેરિકા - આ પાંચ દેશોમાં સૌથી વધુ મૃત્યુદંડ આપવામાં આવે છે. ચીન, સાઉદી, ઈરાન અને સોમાલિયા તો બરાબર પણ અમેરિકા આ લિસ્ટમાં શું કરે છે એવો સવાલ થાય તો એ જાણવું રસપ્રદ થઈ પડશે કે અમેરિકામાં વર્ષે સરેરાશ ૨૦-૨૫ લોકોને મૃત્યુદંડ આપવામાં આવે છે. અમેરિકામાં ગુનેગારને ફાંસી આપવામાં આવતી નથી, મોતનું ઈન્જેક્શન આપવામાં આવે છે.
જોકે, આજેય ફાંસીએ લટકાવીને મૃત્યુદંડનો અમલ વધારે દેશોમાં પ્રચલિત છે. ૧૧૦૦થી વધુ ગુનેગારોને મૃત્યુદંડ અપાયો એમાં ૮૦૦ જેટલાને ફાંસીએ લટકાવાયા હતા. સાઉદી અરબમાં તો મોતની સજા માટે આજેય શિરચ્છેદ કરવામાં આવે છે. ઘણાં દેશોમાં ગોળી મારીને મોતની સજા અમલી બનાવાય છે.
મૃત્યુદંડ આપવાનું પ્રમાણ ભલે વધ્યુ હોય, પરંતુ સંશોધનો કહે છે કે મૃત્યુદંડથી ગુનાખોરી ઘટતી નથી.
સંયુક્ત રાષ્ટ્રસંઘે મૃત્યુદંડ અને ગુનાખોરીને લગતો એક સ્ટડી કર્યો હતો. એના તારણોમાં સ્પષ્ટ કહેવાયું હતું કે મૃત્યુદંડ ગુનાખોરી રોકવામાં કારગત નથી. જે દેશોએ સજામાં મૃત્યુદંડની જોગવાઈ હજુય રાખી છે ત્યાં એવી વ્યાપક માન્યતા છે કે મોતની સજાથી ક્રાઈમ અટકે છે, ઓછા થાય છે. હકીકતે એવું થતું નથી. જે દેશોમાં વધારે મૃત્યુદંડ ફટકારવામાં આવે છે એ દેશોમાં જ ગુનાખોરી પણ વધુ છે!
સોમાલિયા, સાઉદી, ઈરાન જેવા દેશોમાં જે ગુના માટે મૃત્યુદંડ આપવામાં આવે છે એ જ પ્રકારનો ગુનો ફરી ફરીને થાય છે. દાખલો બેસાડવા મૃત્યુદંડ ફટકારવામાં આવે છે, પણ એવા પ્રકારના ગુનામાં ફરીથી મૃત્યુદંડ મળ્યો હોય એવા ૫૯ કિસ્સા એકલા ઈરાનમાં નોંધાયા હતા.
૧૯૮૮માં સંયુક્ત રાષ્ટ્રસંઘે મોતની સજા અને હત્યાના ગુના અંગે એક સર્વેક્ષણ કર્યું હતું. હત્યા અટકાવવા ગુનેગારોને મૃત્યુદંડ અપાયા પછી હત્યાના કિસ્સા ઘટયા એવું એ સર્વેક્ષણમાં સાબિત ન થયું. આજીવન કારાવાસ અને મૃત્યુદંડ બેમાંથી કઈ સજા આપવાથી હત્યાના બનાવો ઘટયા એની તુલના થઈ તો એમાં આજીવન કારાવાસને વધુ અસરકારક સજા ગણાવાઈ.
મૃત્યુ સુધી કારાવાસ, આજીવન કારાવાસ કે મૃત્યુદંડ જેવી આકરી સજા છતાં ગુનાખોરી કેમ ઘટતી નથી એ પાછળના કારણો જાણવા ઘણાં સંશોધનો થયા, પરંતુ કોઈ ચોક્કસ નિષ્કર્ષ આવ્યો નથી. એ પાછળ સામાજિક કારણો ઉપરાંત મનોવૈજ્ઞાાનિક કારણો પણ જવાબદાર છે. ઘણાં મનોવૈજ્ઞાાનિકો કહે છે કે કોઈ સજા બહુ કોમન થઈ જાય પછી ગુનેગારોમાંથી એનો ભય નીકળી જાય છે. ગુનેગારો મૃત્યુદંડ માટે માનસિક રીતે તૈયાર હોય છે. ખબર હોય કે એ સજા માટે મૃત્યુદંડ મળશે છતાં એવા ગુના આચરે છે. સમાજશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાાનિકો માટે ક્રિમિનલ્સનું દિમાગ કાયમ અકળ રહ્યું છે.
ભારતમાં ઈરાન-અમેરિકાની જેમ દર વર્ષે-બે વર્ષે મૃત્યુદંડનો અમલ નથી થતો. છેલ્લે ચાર વર્ષ પહેલાં ૨૦૨૦માં નિર્ભયા કેસના ગુનેગારોને ફાંસીની સજા થઈ હતી. ઘણાં ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ છે. નીચલી કોર્ટમાંથી ફાંસીની સજા ફટકારવામાં આવે છે, પછી ઉપલી કોર્ટમાંથી ઘણી વખત ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલી જાય છે. ઘણી વખત વર્ષો સુધી મૃત્યુદંડનો અમલ પેન્ડિંગ રહે છે.
પશ્વિમ બંગાળની સરકારે ટ્રેઈની મહિલા ડોક્ટર પર રેપ બાદ મર્ડરની ઘટના પછી વિધાનસભામાં અપરાજિતા બિલ પસાર કર્યું. પોક્સોમાં પણ મૃત્યુદંડની જોગવાઈ છે જ, પરંતુ પશ્વિમ બંગાળના નવા કાયદાની જોગવાઈ એવી છે કે ૨૧ દિવસમાં ટ્રાયલ ચલાવીને રેપ-મર્ડર, ગેંગરેપ કે વારંવાર બળાત્કારનો ગુનો કરનારા ગુનેગારને ફાંસીની સજા આપવી.
બંગાળ સરકારના આ બિલ પછી અન્ય રાજ્યોમાં પણ એવી આકરી જોગવાઈ કરવાની માગણી ઉઠી છે. બરાબર એ જ સમયે મૃત્યુદંડથી ગુનાખોરી ઘટશે કે નહીં એની ચર્ચા પણ ચાલી છે.
મૃત્યુદંડની જોગવાઈ સદીઓથી વાદ-વિવાદનો વિષય છે. કેટલાક માનવાધિકાર સંગઠનો, એક્ટિવિસ્ટ્સ એને ક્રાઈમ અગેઈન્સ્ટ હ્મુમેનિટી ગણાવે છે. તો ઘણાં તેને ગંભીર ગુનાખોરી વિરૂદ્ધ યોગ્ય ન્યાય કહે છે.
વેલ, મૃત્યુદંડ આપવાથી ગુનાખોરી અટકે છે કે સજાનો ડર ખતમ થઈ જતાં ગુનાખોરી વકરે છે - એનો સ્પષ્ટ જવાબ તો પહેલાંય કોઈ પાસે ન હતો, આજેય નથી.
112 દેશોમાં મૃત્યુદંડની સજા નાબુદ થઈ છે
મૃત્યુદંડની સજાના અમલમાં ભલે દુનિયામાં વધારો થયો હોય, પરંતુ મૃત્યુદંડની સજા નાબુદ કરનારા દેશોમાં પણ વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે મૃત્યુદંડની સજા અનિવાર્ય ન હોય તો ન આપવાની ભલામણ કરી એ પછી ૧૯૯૧માં ૪૮ દેશોએ માનવ અધિકારને ધ્યાનમાં રાખીને મૃત્યુદંડની સજા ફટકારવાનું બંધ કર્યું હતું. હવે એ આંકડો વધીને ૧૧૨ થયો છે. આજની તારીખે ૧૧૨ દેશો એવા છે કે જ્યાં ગંભીરમાં ગંભીર ગુના વખતે પણ મૃત્યુદંડ આપવામાં આવતો નથી. ૧૧૨ સિવાયના ૯ દેશો એવાય છે કે જ્યાં અતિ ગંભીર ગુનામાં જ અનિવાર્ય હોય તો મૃત્યુદંડની સજા થાય છે. બે ડઝન દેશોમાં ગંભીર અપરાધ માટે મૃત્યુદંડની કાયદાકીય જોગવાઈ છે ખરી, પરંતુ છેલ્લાં એક દશકા એકેય ગુનેગારને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો નથી.
ભારતમાં 561 અપરાધીઓની ફાંસીની સજા પેન્ડિંગ
બ્રિટિશ શાસનમાં છેક ૧૮૯૮માં હત્યાના બદલામાં હત્યાના ન્યાયનો અમલ કરવા માટે ડેથ પેનલ્ટીનો કાયદો ઘડાયો હતો. પછી બ્રિટિશ સરકારે ભારતના ક્રાંતિકારીઓ સામે મૃત્યુદંડના કાયદાનો વર્ષો સુધી દુરુપયોગ કર્યો. દેશને આઝાદી મળી પછી ગંભીર ગુનામાં મૃત્યુદંડની જોગવાઈ યથાવત રખાઈ. ભારતીય ન્યાય સંહિતામાં સંખ્યાબંધ ગુના માટે મૃત્યુદંડની સજા ફટકારવાની જોગવાઈ છે. મૃત્યુદંડની સજા થવાની શક્યતા હોય એવા અસંખ્ય ગુનેગારો અંડર ટ્રાયલ છે, પરંતુ એ સિવાય જેમને ઓલરેડી મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હોય એવા ૫૬૧ અપરાધીઓ જેલમાં બંધ છે. છેલ્લે સરકારે જાહેર કરેલા આંકડાં પ્રમાણે ૧૨૦ ગુનેગારોને ૨૦૨૩માં નીચલી કોર્ટોએ મૃત્યુદંડ ફટકાર્યો છે. તે સિવાયના ૩૦૩ ગુનેગારોના કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. ૧૯ વર્ષ પછી ફાંસીની સજા પામેલા ગુનેગારોનો આંકડો ૫૬૦ને પાર પહોંચ્યો છે. છેલ્લે ૨૦૦૪માં ફાંસીની સજાના અપરાધીઓનો આંકડો ૫૬૩ થયો હતો.