Get The App

સંકટ સમયે ચેતના સૂક્ષ્મ શરીરથી સહાય કરે છે .

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
સંકટ સમયે ચેતના સૂક્ષ્મ શરીરથી સહાય કરે છે                      . 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- માનવીના સ્થૂળ શરીરની જેમ સૂક્ષ્મ શરીર પણ અસ્તિત્વ ધરાવે છે. એસ્ટ્રલ પ્રોજેક્શન (સૂક્ષ્મ શરીર પ્રક્ષેપણ) પ્રવિધિથી એને સ્થૂળ શરીરથી છુટ્ટુ પાડી બીજે મોકલી શકાય છે...

પે રાનોર્મલ રિસર્ચર, સાઇકિક ઇન્વેસ્ટિમેટર, લેખક, હેરેવાર્ડ કેરિંગ્ટન અમેરિકન સોસાયટી ફોર સાઇકિકલ રિસર્ચના મેમ્બર હતા. તેમણે અનેકવિધ ચૈતસિક શક્તિઓ પર સંશોધનો કર્યા હતા. તેમણે સોથી પણ વધારે પુસ્તકો લખ્યા હતા. એસ્ટ્રેલ પ્રોજેક્શન'ના ક્ષેત્રે તેમણે સીલ્વન મુલ્ડૂન સાથે પણ સહલેખન કર્યું હતું. જેમાં ધ પ્રોજેક્શન ઓફ ધ એસ્ટ્રલ બોડી (૧૯૨૯) અને ધ ફિનોમિના ઓફ એસ્ટ્રલ પ્રોજેક્શન (૧૯૫૧) એ બે પુસ્તકો અત્યંત પ્રસિદ્ધ છે. તેમના પોતાના અન્ય અનેક પુસ્તકો જેવા કે ધ ફિઝિકલ ફિનોમિના ઓફ સ્પિરિચ્યુઆલિઝમ,ટ્રુઘોસ્ટ સ્ટોરિઝ, યોર સાઇકિક પાવર્સ એન્ડ હાઉ ટુ ડેવલપ ધેમ, વિમેન્સ લવ લાઇફ, ધ ઇનવિઝબલ વર્લ્ડ, મિસ્ટરિયસ સાઇકિક ફિનોમિના, લાઇફ - ઇટ્સ ઓરિજિન એન્ડ નેચર, યોગા ફિલોસોફી, એન આઉટલાઇન ઓફ ધ સિક્રેટ હિન્દુ ટિચિંગ્સ, ધ હાઇજિનિક વે ઓફ લાઇફ, ફિઝિકલ એન્ડ મેન્ટલ ફેક્ટર્સ ઇન હેલ્થ અને સેવ મોર લાઇફ બાય ફાસ્ટિંગ અત્યંત લોકપ્રિય બનેલા છે.

હેરેવાર્ડ કેરિંગ્ટન (Hereward carrington) ૧૯૧૯માં પ્રગટ થયેલા તેમના પુસ્તક 'મોર્ડન સાઇકિક ફિનોમિના'માં કહે છે - માનવીના સ્થૂળ શરીરની જેમ સૂક્ષ્મ શરીર પણ અસ્તિત્વ ધરાવે છે. એસ્ટ્રલ પ્રોજેક્શન (સૂક્ષ્મ શરીર પ્રક્ષેપણ) પ્રવિધિથી એને સ્થૂળ શરીરથી છુટ્ટુ પાડી બીજે મોકલી શકાય છે. કેટલીવાર અસાધારણ - વિશેષ સંજોગોમાં એ આપ મેળે પણ સ્થૂળ શરીરથી છુટુ પડી પોતાનું કામ કરી આવે છે. આ વિષયના અમેરિકાના અન્ય નિષ્ણાત ગૂઢવિદ્યાવાદી (esotericist) સીલ્વન મુલ્ડ્ને પણ દેહાતીત અનુભૂતિ (out of Body Experience) પર અને એસ્ટ્રલ પ્રોજેકશન પર રિસર્ચ કરી એને લગતા પ્રસંગોનું નિરૂપણ કર્યું છે.

૭ નવેમ્બર ૧૯૧૮ના રોજ બનેલી એક અદ્ભૂત ઘટના એસ્ટ્રલ પ્રોજેક્શનના સિધ્ધાંતને જડબેસલાક રીતે સાચો પુરવાર કરનારી છે. આ ઘટના બની ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. ટેડ નામના એક ફ્રેન્ચ છોકરો રમતાં રમતાં ચીસો પાડવા લાગ્યો - પિતાજી, સંકટમાં છે. એમનો શ્વાસ રૂંધાઇ રહ્યો છે. તે એક બંધ ચેમ્બરમાં ગુંગળાઇ રહ્યા છે. તેને કશું દેખાતું નથી. તેમને કોઇ બચાવનારું નથી. તે મને યાદ કરી રહ્યાં છે. હું જ તેને બચાવવા જઉં છું.' આટલું બોલીને તે નીચે પડી ગયો અને બેહોશ બની ગયો.

ટેડના પિતા ફ્રાન્સના યુદ્ધ મોરચા પર લડાઇ કરી રહ્યા હતા. ઘરના લોકોને થયું ટેડને તેના પિતાની યાદ આવી હશે, કોઇ દિવા સ્વપ્ન જોયું હશે કે કોઇ અનિચ્છનીય કલ્પના કરવાથી ચિંતિત થઇ ગયો હશે. બધાને તેને મૂર્છામાંથી બહાર લાવવાના પ્રયત્નો કરવા માંડયા. થોડી મિનિટો બાદ તે ભાનમાં આવી ગયો અને પાછો બોલવા લાગ્યો- 'હવે ચિંતા કરવાની જરૂર નથી. હું સમયસર પહોંચી ગયો અને મે પિતાજીને સંક્ટમાંથી ઉગારી લીધા.' ટેડની આવી ઉટપટાંગ વાતોથી ઘરના લોકો ફરી મૂંઝાયા. તેમને થયું કે ટેડને જરૂર કોઇ ચિત્તભ્રમ થયો હશએ કે હજુ તેના પર દુષ્સ્વપ્નની અસર રહી હશે. પછી તે વાત ત્યાં જ અટકી ગઇ અને ભૂલાઇ ગઇ.

પ્રથમ વિશ્વયુદ્ધ ૧૯૧૮ના અગિયારમાં મહિનાની અગિયારમી તારીખએ અગિયાર વાગે પુરું થયું તે પછી ટેડના પિતા ઘેર આવ્યા. ઘરના લોકોએ તેને ટેડની ૭ નવેમ્બરના રોજ બનેલી બેહોશ થઇ જવાની અને અર્થહીન પ્રલાપ કરવાની માહિતી આપી. બેહોશ થતાં પહેલાં અને પછી તે પિતાજી વિશે જે બોલ્યો હતો તે બધી વાત તેમને જણાવી. ટેડના પિતા તો એકદમ અચરજભરી રીતે એમની સામે જોવા લાગ્યા અને બોલી ઉઠયા - '૭ નવેમ્બર ૧૯૧૮નો દિવસ તો મારી જિંદગીમાં કદી ભૂલાય એમ નથી. ટેડની વાતને તમે જરાય ખોટી ના સમજશો.  તેણે કહ્યું તેવું જ મારા જીવનમાં બન્યું હતું. એ દિવસે તો હું મરતાં મરતાં બચ્યો હતો. હું એક ગેસ ચેમ્બરમાં ફસાઇ ગયો હતો. ચેમ્બર બંધ થઇ જવાથી મારો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો અને મને દેખાવાનું પણ બંધ થઇ ગયું હતું ત્યાં જ એકાએક ચેમ્બરનું બારણું ખૂલ્યું. કોઇકે આવી મારો હાથ પકડી મને બહાર ખેંચવા માંડયો હતો. મને દેખાતું નહોતું પણ સ્પર્શ પરથી લાગતું હતું કે કોઇ નાની ઉંમરનો છોકરો છે જે મને બહાર કાઢી રહ્યો છે. મારૂં મન તો મને એ જ કહેતું હતું કે તે મારો દીકરો ટેડ જ છે. હું ચેમ્બરમાં બંધ થઇ ગયો અને મારો શ્વાસ રૂંધાવા લાગ્યો ત્યારે મેં ટેડને જ મનથી યાદ કર્યો હતો. એટલું જ નહીં પણ તેના નામની બૂમો પાડી તેને મદદે આવવા પોકાર કર્યો હતો પછી થયું કે અહીં યુદ્ધના મેદાન પર ટેડ ક્યાંથી મદદ કરવા આવવાનો છે એટલું હું શાંત થઇ ગયો હતો.

હું જેને ટેડ જ સમજ્યો હતો તે છોકરો મને ચેમ્બરમાંથી બહાર કાઢી એકાએક અદ્રશ્ય થઇ ગયો હતો. બરાબર તે જ વખતે મારા યુનિટના સૈનિક સાથીદારોની મારા પર નજર પડી. મારી ગંભીર હાલત જોઇ મને તાબડતોબ હોસ્પિટલમાં લઇ ગયા અને સમયસર ઉત્તમ સારવાર અપાઇ, એનાથી મારી દ્રષ્ટિ પાછી આવી ગઇ અને બીજી રીતે પણ તબિયત સારી થઇ ગઇ. મેં તેમને હું ચેમ્બરમાંથી કેવી રીતે બહાર આવ્યો તે સઘળી હકીકત જણાવી. એક છોકરાએ મારો હાથ પકડી મને બહાર કાઢ્યો તે બાબત જણાવી. મારા સાથીદારોના માનવામાં એ વાત આવી જ નહીં. તેમણે જણાવ્યું - 'તેમને કોઇ છોકરો ત્યાં જોવા મળ્યો જ નહોતો. યુદ્ધ ચાલતું હોય તે સ્થળે કોઇ છોકરો એકાએક કયાંથી આવી જાય ? કદાચ, આવી જાય તો અચાનક પાછો ત્યાંથી ચાલ્યો કેવી રીતે જાય ? તે કોઇને કોઇના જોવામાં તો આવે જ !' મેં તેને જણાવ્યું. - 'આવું કેવી રીતે બન્યું તે મને ખબર નથી, પણ બન્યું હતું તે હકીકત છે ! જે બન્યું તે માટે હું પણ તમારા જેટલો જ વિસ્મિત છું.'

મુલ્ડ્ન અને કેરિંગ્ટન કહે છે કે ટેડના પિતા સંક્ટના સમયે તેને યાદ કરી, મદદ માટે પોકારી રહ્યા હતા ત્યારે તેને દેહાતીત અનુભૂતિ થવા લાગી હતી. તેની ચેતના સ્થૂળ શરીર છોડી સૂક્ષ્મ શરીર પ્રક્ષેપણ (એસ્ટ્રલ પ્રોજેક્શન) થી એના પિતાને મદદ કરવા પહોંચી ગઇ હતી. તેણે ત્યાં સ્થૂળ શરીર ફરી ધારણ કરી ગેસ ચેમ્બરનું બારણું ખોલ્યું હતું અને અંદર જઇને તેમાં પિતાનો હાથ પકડી તેમને બહાર લઇ આવવાનું કામ કર્યું હતું. ત્યારબાદ એ સ્થૂળ શરીર અદ્રશ્ય થઇ ગયું હતું. તેનું સૂક્ષ્મ શરીર અને તેની ચેતના પાછા મૂળ શરીરમાં આવી જતાં તે જાગૃત થઇ ગયો હતો અને જે બન્યું હતું તેનું વર્ણન કર્યું હતું.


Google NewsGoogle News