શું સાગર નદીને મળવા જઈ શકે? .
- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- ''અમાનત, તારા પપ્પાજી આગળ તેં લીધેલા નિર્ણયનું પાલન આપણે બન્નેએ કરવું જોઈએ. તપ્યા વગર જે સુખ મળે, એમાં મજા શી? પ્રવંચનાથી ક્ષણિક સુખ મળી જાય...''
'અ માનત, તપ્યા વગર જે સુખ મળે તેમાં મજા શી ? પ્રવંચનાથી ક્ષણિક સુખ મળી જાય, પણ સાચા આનંદ માટે તો તપસ્યા કરવી જ પડે ! વડીલો સામે બંડ પોકારવું એ સમજાવટના તમામ માર્ગો બંધ થઈ ગયા પછી ન છૂટકે કરવાનું પાપ છે' - અમૂલ્યનું જીવનદર્શન
અમૂલ્ય અને અમાનત એક જ કોલેજમાં સાથે અભ્યાસ કરતાં હતાં. અમાનત અમીર પરિવારની દીકરી હતી, જ્યારે અમૂલ્ય એક મધ્યમવર્ગીય પરિવારનો દીકરો હતો.
અમૂલ્યની નિષ્પાપ આંખો, માસૂમ ચહેરો... ઓછાબોલો એકાંત પ્રિય સ્વભાવ, છ ફૂટની ઊંચાઈ, ગૌરવર્ણ વિશાળ લલાટ, જોતાંની સાથે જ વહાલું લાગે તેવું વ્યક્તિત્વ... અને અમાનત પણ રૂપ રૂપનો અંબાર હતી. શાંત, સંસ્કારી અને સહિષ્ણુતાની મૂર્તિ હતી. સાદગી, નમ્રતા, પરોપકાર વૃત્તિ, કુટુંબપ્રેમ અને લોક કલ્યાણની ભાવના. શ્રીમંત પિતાની પુત્રી હોવા છતાં શ્રીમંતાઈ સહજ દૂષણો તેને સ્પર્શ્યા નહોતાં. અમાનત અડોશપડોશમાં સૌ સાથે મીઠો મહોબ્બતભર્યો સંબંધ રાખે... સૌની મુશ્કેલીઓમાં પડખે ઊભી રહે, મદદ માટે છૂટા હાથે ખર્ચો કરે અને તેથી જ અમાનતમાં મમ્મી-પપ્પા ઈશ્વરને એક જ પ્રાર્થના કરતાં હતાં... 'પ્રભુ, અમારી આ બિનકળિયુગી દીકરીને તેને લાયક પતિ આપજે.'
અમૂલ્યની સરળતા જ અમાનત જેવી અમીર પરિવારની યુવતીનું દિલ જીતવામાં નિમિત્ત બની. અમૂલ્ય અને અમાનતનો પરિચય દિન-પ્રતિદિન પ્રગાઢ બની રહ્યો છે એ વાત જાણ થતાં અમાનતને ઘરની બહાર પગ નહીં મૂકવા દેવાનો તેના પિતા અનૂપરાયે નિર્ણય કર્યો હતો. અને અમાનતને કહ્યું હતું : ''બેટા અમાનત, તું સાવ ભોળી છે. આ પ્રપંચી દુનિયાની અટપટી ચાલથી સાવ અજાણ. એક મધ્યમ વર્ગના યુવકને પસંદ કરીને તું પસ્તાઈશ. એના મનમાં ખરેખર તારા માટે પ્રેમ છે કે આપણી દોલતમાં તેને રસ છે. એ વિષે તો તું જાણતી નથી. બસ, તું મારું કહ્યું માન. હું એક એકથી ચઢિયાતા યુવકો તને બતાવીશ. તારી પસંદગીથી જ તારા લગ્ન થશે. પણ આપણા મોભાને શોભે તેવા વેવાઈ જોઈએ.''
ત્યારે અમાનતે કહ્યું હતું : ''પપ્પાજી, નદીને કોઈ વહેતાં રોકી શક્યું છે ? સાગર તો પોતાને સ્થાને જ હોય છે, સંગમ માટે નદીએ સાગર ભણી પ્રયાણ આદરવું પડે છે. અને મેં એ સંગમ માટે પ્રયાણ આદર્યું છે, મને મનગમતા સાગર સાથે ભળી જવા માટે મારી ઈચ્છા વિરૂદ્ધ કોઈ સાગરને મારી આગળ ઢસડી લાવવાની જરૂર નથી. તમારે આંગણે છું એટલે તમારી આણ માનીશ. તમને છેતરીને અમૂલ્યને મળવા નહીં જાઉં. તમારા નિર્ણય પરિવર્તનની હું પ્રતીક્ષા કરીશ.''
અને દસ દિવસ સુધી અમાનતે ઘર બહાર પગ નહોતો મૂક્યો... પણ અંતે તેની ધીરજ ખૂટી હતી. અને તેણે પોતાની સહેલી સાથે અમૂલ્યને એક પત્ર મોકલ્યો હતો, અને સાંજે મળવાની ઈચ્છા દર્શાવી હતી.
પરંતુ અમૂલ્યએ અમાનતના પત્રનો ઉત્તર આપતાં લખ્યું હતું : ''અમાનત, તારા પપ્પાજી આગળ તેં લીધેલા નિર્ણયનું પાલન આપણે બન્નેએ કરવું જોઈએ. તપ્યા વગર જે સુખ મળે, એમાં મજા શી ? પ્રવંચનાથી ક્ષણિક સુખ મળી જાય, પણ સાચા આનંદ માટે તો તપસ્યા કરવી પડે. તારા પપ્પાને મારા માટે નફરત નહીં હોય, પણ મારું સાચું સ્વરૂપ તેઓ સમજે એટલી પ્રતીક્ષા તો આપણે કરવી જ પડે. વડીલો પ્રત્યે બંડ પોકારવું એ સમજાવટના તમામ માર્ગો બંધ થયા પછી નાછૂટકે લેવાનો આખરી ઉપાય છે. ઉતાવળ, આવેશ અને દુરાગ્રહને પોષવા માટે વડીલો સાથે ટકરાવાનું મને ઉચિત નથી લાગતું અને દરેક માતા-પિતાએ પોતાના સંતાનના ભવિષ્ય માટે ચિંતા કરવી એ તેમનો હક છે. તને મળતાં પહેલાં હું તારા પપ્પાને એકવાર મળી લેવાનું યોગ્ય માનું છું. ત્યાં સુધી હું તને ન મળું તો માફ કરજે.''
અને અમૂલ્યનો આ પત્ર અમાનતના પિતા અનુપરાયના હાથમાં આવી ગયો હતો. અમૂલ્યના સંસ્કાર જોઈ અનુપરાય તેન પર રીઝી ગયા હતા અને અમાનત તથા અમૂલ્યના સંબંધને વધાવી લઈને એમણે બન્નેનાં વાજતે-ગાજતે લગ્ન કરાવી આપ્યાં હતાં.
લગ્નોત્સવ સાદગીથી અને ભારતીય વાતાવરણમાં ઊજવાયો હતો. અમૂલ્યને સુરવાલ, ઝભ્ભો અને ફેંટામાં જોઈને અમાનતના મમ્મી-પપ્પા પણ ખુશખુશાલ થઈ ગયાં હતાં. 'જોયું ને, અમારા જમાઈરાજને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કેટલો બધો પ્રેમ છે ! ભોજન પણ તેમને ભારતીય ઢબનું જ પસંદ છે. તેમના શબ્દેશબ્દમાં નમ્રતા, વિનય અને સંસ્કારિતા પ્રગટ થાય છે. અમારી દીકરી અમાનતને સમજી શકે એવો પતિ મળ્યો, એટલે અમારું તો ઘડપણ સુધરી ગયું' - અમાનતના પપ્પા અનૂપરાય અમૂલ્યના વખાણ કરતાં થાકતા નહોતા.
અમૂલ્ય મધ્યમ વર્ગનો હોવા છતાં અમાનતને તેના પિતાના ઘરેથી બે જોડ વસ્ત્રો સિવાય કશું જ નહોતું લેવા દીધું. પોતાના શ્વસુર પાસેથી પણ અમૂલ્યએ લગ્ન નિમિત્તે એક પૈસો કે ભેટ સોગાટ પણ સ્વીકાર્યાં નહોતાં. અમૂલ્યની સમજ અને ખાનદાની જોઈને સૌને તેના તરફ અત્યંત માન ઉપજ્યુ હતું.
અમૂલ્ય ઈચ્છે તો અમાનતના પિતા અનૂપરાય તેને પોતાના જ બિઝનેસમાં ઊંચા પગારથી નોકરી આપવા તૈયાર હતા. પણ અમાનતે નમ્રતાપૂર્વક કહ્યું હતું : 'વડીલ સંબંધની મીઠાશ પ્રગટાવવા માટે લેવાની વૃત્તિ ઓછી અને અર્પવાની વૃત્તિ વધુ રાખવી જોઈએ અને પુત્રી જેવું અનમોલ ધન મને અર્પિત કરવાનું આપે જે ઔદાર્ય દેખાડયું છે, એનાથી મોટો પુરસ્કાર કે પ્રદાન હું ઝંખી પણ શું શકું ?''
અમાનતની માતા આરતીદેવીને પણ એ વાતનું દુ:ખ હતું કે પોતાના અન્ય જમાઈઓની સરખામણીમાં અમૂલ્ય આર્થિક દ્રષ્ટિએ નબળો છે. એટલે એને ટેકો થાય તો સારું. પણ અમૂલ્યની દલીલો આગળ તેમની એક પણ દલીલ કરી શકતી નહોતી. અમાનતના પિતાની તબિયત જ્યારથી બગડી, ત્યારથી અમાનતની બાકીની બન્ને બહેનો અને બનેવીઓએ સેવા કરવાને બહાને અડિંગા લગાવી દીધા હતા. અનૂપરાયને ત્રણ દીકરીઓ હતી. પુત્ર નહીં હોવાને કારણે બન્ને જમાઈઓની નજર તેમની સંપત્તિ પર હતી. અને સૌ એ ખ્વાબમાં રાચતાં હતાં કે સસરાજીના મૃત્યુ પહેલાં તેઓ સૌને ઠીક ઠીક મોટી રકમ દાનમાં આપશે. એટલે અનૂપરાયની તેઓ રાત-દિવસ ચાકરી કરતા હતા.
અમાનત પોતાનાં મમ્મી-પપ્પાના ઘર પર બોજ બનવા નહોતી માગતી. એટલે અમાનત અને અમૂલ્ય સવાર-સાંજ ખબર જોવા આવતાં, પણ પિતાને ત્યાં ભોજન સુદ્ધાંય નહોતાં કરતાં.
જ્યારે અમીર પરિવારના બાકીના બે જમાઈઓને અમૂલ્યના વર્તનમાં વેવલારા લાગતી હતી. શ્રીમંત સસરાજીના ઘરે ભોજન લેવાથી શું ખૂટી જવાનું હતું ? અમૂલ્યકુમાર આવી શો બાજી કરીને શું સાબિત કરવા માગે છે ? એમ બાકીના બધાને લાગતું હતું. અમૂલ્ય આવે ત્યારે બધાંને 'જય શ્રી કૃષ્ણ' કહેતો. એટલે બાકીના બધાંને તેનું વર્તન 'કન્ટ્રીટાઈપ' લાગતું હતું અને અમાનત તો હતી અમૂલ્ય જેવી જ. ખટપટી દુનિયાની અટપટી ચાલથી સાવ અજાણ. તેની બન્ને બહેનો અને બન્ને જીજાજી - બધાં પોતાને પપ્પાજી અને મમ્મીજીની નજરમાં ઉત્તમ સાબિત કરવા મથે છે... અને અમૂલ્ય તથા અમાનતને ખોટાં ચિતરવાના ભરપૂર પ્રયત્ન કરે છે... આ બધાંની સાવ અજાણ હતી અમાનત.
અને એકાએક અમાનત પિતાજી અનૂપરાયની તબિયતે ઊથલો ખાધો. ધીરે ધીરે તેઓ હોશ ગુમાવી રહ્યા હતા. પપ્પાજી ઈચ્છે તો લખીને વકીલ સાથે કોઈ વાતચીત કરી નાખે, એવા આશયથી બન્ને બહેનો અને જમાઈએ બિઝનેસના એડવોકેટને પણ બોલાવી લીધા હતા. પરંતુ અનૂપરાય પુન: હોશમાં આવી ગયા હતા અને એડવોકેટ સાથે ઔપચારિક વાત કરીને તેમને જવાનું કહ્યું હતું, ત્યારે સૌના ચહેરા ઝંખવાઈ ગયા હતા.
અમૂલ્યએ પોતાનાં કર્તવ્યોની ગોઠવણ એવી રીતે કરી લીધી હતી કે પોતે અનૂપરાયની સેવા માટે પૂરતો સમય આપી શકે. અમૂલ્યને મન દામ્પત્ય એટલે માત્ર પતિ-પત્ની નહીં, પણ બે પરિવારનું મિલન હતું. અમૂલ્ય પોતાના પપ્પાજીને જેટલું માન અને મહત્વ આપતો હતો તેટલું જ મહત્વ એ અનૂપરાયને આપતો હતો. બન્ને બહેનો અનુપરાયને ફરિયાદ કરતાં કહેતાં કહેતી હતી કે : ''પપ્પાજી તમે અમૂલ્યકુમારનાં બહુ જ વખાણ કરો છો અને અમૂલ્યકુમાર બહુ ફોરવર્ડ છે તેમ કહ્યા કરો છો, પણ અમને તો જરાય એવું લાગતું નથી. અમારી નાની બેન અમાનતના પ્રમાણમાં એને પતિ ન મળ્યો. સંસ્કારની આડમાં તેનો વિકાસ જ થવા દેતા નથી. અમાનતે પણ જમાના પ્રમાણે રહેતાં અને જીવતાં શીખવું જોઈએ. અમૂલ્ય શ્રવણકુમારની જેમ આખો દિવસ મમ્મી-પપ્પાના નામની માળા જપ્યા કરે છે. અને આપણી અમાનત કર્તવ્યોના બોજથી ગૂંગળાઈ મરે છે. કર્તવ્યના નામે એનું શોષણ થાય છે. પણ તેને આ વાત નહીં સમજાય, કારણ કે તે પણ 'ઈન્ડિયન પુત્રવધૂ''' છે. ેદેશી પતિ અને દેશી પત્ની. લાડકોડમાં અમીર પરિવારમાં ઉછરેલી આપણી અમાનત એક સાધારણ ગરીબ ઘરની પુત્રવધૂ નહીં પણ કામવાળી બની ગઈ છે. પપ્પાજી, તમે બિમાર છો છતાં એક દિવસ માટે પણ અહીંયા તમારી સેવા માટે રોકવાની એ બન્નેને ફુરસદ નથી. તમારા બાકીના બે જમાઈઓ જુઓ, કામ ધંધો છોડીને તેઓ અહીંયા તમારી સેવામાં રોકાયેલા છે.
બન્ને બહેનોનો અમૂલ્ય વિષેના અભિપ્રાય સાંભળી અનૂપરાય તો સ્તબ્ધ થઈ ગયાં હતાં. પણ અમાનતની સુખશાંતિ માટે તેમણે મૌન રહેવાનું પસંદ કર્યું હતું.
બીજે દિવસે સવારે સૌ ઊઠયાં, ત્યારે ખબર પડી કે રાત્રે ઊંઘમાં જ અનૂપરાય ચિરનિંદ્રામાં પોઢી ગયા હતા. પલંગમાં ઓશિકા નીચેથી એક દસ્તાવેજ મળ્યો. સૌએ હરખભેર ઊઠાવી લીધો. એ મિલકતનું વસિયતનામું હતું. જેમાં તમામ મિલકત અમૂલ્યના નામે કરી દેવામાં આવી હતી. મનનો રોષ છુપાવીને અમાનતની બે બહેનો તથા તેમના પતિદેવોએ લાખ્ખોની મિલકત મેળવવા બદલ અમૂલ્યને અભિનંદન આપ્યાં હતાં. પરંતુ અમૂલ્યને કહ્યું હતું : 'સ્વર્ગસ્થ સસરાજીએ આ મિલકત મને એટલા માટે આપી છે કે આપણે એનો સદુપયોગ કરીએ. જેને પુત્ર ન હોય, તે વ્યક્તિ સાસરનાં અનેક બાળકોનો પિતા કહેવાય. આ તમામ સંપત્તિ અનાથાલય અને શાળાઓને હું દાનમાં આપીશ. સસરાની મિલકતનો હું માલિક કેવી રીતે બની શકું ? હા, ટ્રસ્ટી ચોક્કસ બનીશ.' અને અમાનતનાં મમ્મી અમૂલ્યના પગમાં મસ્તક ઢાળી છૂટા મોંએ રડી પડયાં હતાં. અમૂલ્યે અનૂપરાયના નામે હોસ્પિટલ શરૂ કરવાનું બિચાર્યું હતું.
અનાથાશ્રમમાં પણ મોટું દાન આપ્યું હતું.
હોસ્પિટલ તૈયાર થઈ જતાં એનો ઉદ્ધાટન પણ કોઈ 'વ્યક્તિવિશેષ'ના હાથે નહીં પણ અનાથાશ્રમના એક દલિત બાળકને હાથે કરાવવાનો અમૂલ્યએ ફેંસલો કર્યો હતો.
ઉદ્ધાટનને દિવસે બન્ને જમાઈઓ અને દીકરીઓ હાજર હતાં. એમને મન હતું કે હોસ્પિટલને અનૂપરાયનું નામ આપવામાં આવશે પણ બધાંના આશ્ચર્ય વચ્ચે બોર્ડમાં લખાણ હતું કે એક સંસ્કારમૂર્તિ પિતાની મુઠ્ઠી ઊંચેરી દીકરી અમાનતને.
પતિની મહાનતા જોઈ અમાનત ગદગદ્ થઈ ગઈ હતી. એણે કહ્યું હતું નદી સાગરને મળવા જાય છે, પણ સાગર સામેથી કોઈ નદીને મળવા જતો નથી. આજે સાગર નદીને મળવા આવ્યો છે. સાગરને મારાં લાખેણાં વંદન.