Get The App

પૈસો આવવાથી માણસ બદલાઈ જાય તે કેટલું સાચું?

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
પૈસો આવવાથી માણસ બદલાઈ જાય તે કેટલું સાચું? 1 - image


- 'યાર, પહેલા અમે એક સ્કુટર પર સાથે ફરતા હતા પણ હવે મોટો માણસ થઈ ગયો એટલે મારી સામે જોતો પણ નથી' પૈસાદારો માટેની નકારાત્મક છાપ કેટલી નક્કર

- હોરાઈઝન-ભવેન કચ્છી

- હેનરી ફોર્ડ કહે છે કે પૈસાદાર તો બનજો જ, સમાજ શ્રીમંતોથી ઉન્નત બનતો હોય છે ..અને તે પણ યાદ રાખજો કે પૈસો તમને સુધારી કે બગાડી નથી શકતો .. તમે જેવા છો તે ચરિત્રને પૈસો વધુ બહાર લાવે છે

થો ડા દિવસો પહેલા એકાદ મિનિટની વિડિઓ ક્લીપીંગ જોઈ જે આપણી પરંપરાગત સોચને નવી જ દિશામાં લઇ જવા  પ્રેરિત કરતી હતી.

આપણી નજર સામે કેટલાક પરિચિતો અને મિત્રો સાવ સામાન્ય સ્થિતિમાંથી આગળ આવીને વર્ષો બાદ શ્રીમંત બને છે. આપણામાંના મોટાભાગનાની તે વખતે એવી પ્રતિક્રિયા હોય છે કે 'હજુ થોડા વર્ષો પહેલા તો આ મિત્ર કે પરિચિત જોડે સ્કુટર પર બેસીને રખડતા હતા. અડધી ચા સાથે મસ્તી કરતા હતા પણ હવે આ મિત્ર પૈસાદાર બન્યો છે તે સાથે જ બદલાઈ ગયો છે. તેની પાસે એક જાણીતા વૃદ્ધાશ્રમ માટે દાનની નાની અમથી રકમ માંગવા ગયો ત્યારે તેણે ઘસીને ના પાડી દીધી હતી કે  'હું આવા બધા દાન ધર્માદામાં માનતો નથી.' તેને ઘેર ગયો ત્યારે જુના સંસ્મરણોની વાત છેડી ત્યારે મોબાઈલ ફોનને જ વળગી રહી મારી વાતમાં કોઈ રસ ન બતાવ્યો. ચા કે કોફીનું પૂછવાનું તો ઠીક નોકર પાણીનો પ્યાલો આપી ગયો. તેણે મારી ભારોભાર ઉપેક્ષા કરી. પૈસો આવતા જ તેના વર્તનમાં તુમાખી આવી ગઈ છે અને  તે વધુને વધુ કંજૂસ બનતો જાય છે,'

મધ્યમ વર્ગમાંથી શ્રીમંત કે ગર્ભશ્રીમંત બનેલાના વર્તન અને પ્રકૃતિની અનેક   વાતો કાનમાં અથડાતી હોય છે. કેટલાકને તો સ્વાનુભવ પણ હશે. એક ભાઈએ તેનો અનુભવ એક વખત કહેલો કે 'અમે અમારા પરિચિતનું હોંશ અને આદર સાથે  અમારા ઘેર સ્વાગત કરતા. તેને ચા નાસ્તો કે ભોજન વગર પરત ન જવા દઈએ, તેઓના પ્રસંગે કંઇક સારો વ્યવહાર પણ કરીએ પણ જ્યારે અમે તે મિત્રને  ઘેર જઈએ  ત્યારે વધુ નહી તો કમ સે કમ  અમે જે કર્યું હોય  તેટલો તો સત્કાર કરવાની જગ્યાએ શરમને નેવે મુકીને ઠંડો પ્રતિસાદ આપતા હોય છે.. અમારે ઘેર ખીલી ઉઠીને વાતો કરશે પણ તેમને ઘેર અમે વધુ સમય વિતાવીએ નહી તે રીતે જ વાતોનો દોર અને મૂડ  મિજાજ  ચુસ્ત રાખે. તે અમારા કરતા ધનિક હોય તો પણ વ્યવહારમાં પણ અમને વિશેષ દરજ્જો ન જ આપે. વ્યક્તિ કે પરિવાર આવા કેમ હશે. બધું મેળવે પામે પણ વળતી નરી કંજુસાઈ જ જોવા મળે. જેમ આર્થિક સ્થિતિ વધુ સારી થઈ ત્યારે મજા કરવી અને કરાવવી જોઈએ તેની જગ્યાએ આ સ્નેહી વધુને વધુ એકતરફી થતા જાય છે. જાણે શરમ નેવે મૂકી દીધી હોય તેવું લાગે.'

આમ આપણી સામાન્ય છાપ એવી જ છે કે 'વ્યક્તિ શ્રીમંત કે આર્થિક રીતે વધુ  સ્વસ્થ બને તે પછી વધુ નિમ્ન સ્તરે જઈને કંજૂસ અને અભિમાની બની જાય છે. પણ થોભો , આવી આપણી જડ થઇ ગયેલી વિચારસરણી  વચ્ચે આપણે એવા સમાચાર પણ મીડિયામાં જોતા જ હોઈએ છીએ કે 'સાવ ગરીબીમાં ઉછેર પામેલ ભાઈ વિદેશમાં જઈને શ્રીમંત બન્યા અને હવે તેમના વતનમાં શિક્ષણ સંસ્થાઓ તેમણે સ્થાપી.' એક રીતે જોઈએ તો ભારતમાં અને તેના કરતા પણ વિશેષ વિદેશમાં તો જે અગ્રણી યુનિવર્સિટી કે હોસ્પિટલ છે તે ધનકુબેરોના દાનથી જ શક્ય બની છે. મોટાભાગના તબીબી સંશોધન અનુદાનને લીધે શક્ય બન્યા છે. કોઈ શ્રીમંત તેના વતનમાં પુસ્તકાલય તો કોઈ કોમ્પ્યુટર સેન્ટર માટે લાખોની સખાવત કરતા જ હોય છે. ભારતમાં પણ જુદી જુદી સેવા સંસ્થાઓ દાન થકી જ  વધુ વિકસી છે અને વધુને વધુ આશ્રીતોને સમાવી શકે છે. કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે પણ આવા  શ્રીમંતો દાનની ટહેલ નાંખવાની રાહ નથી જોતા. ત્યારે આપણને એમ વિચાર પણ આવવો જ જોઈએ કે વ્યક્તિ શ્રીમંત બનતા બદલાઈ જાય છે તેવી આપણી માન્યતા તો  છે જ્યારે સમાજમાં જે માનવતા અને કરુણા જોવા મળે છે તે તો શ્રીમંતોના દાનને લીધે શક્ય બન્યું છે. તમે પણ તમારા ગામ કે શહેરમાં નજર નાખશો તો જોઈ શકાશે કે ઉચ્ચ સ્તરની શૈક્ષણિક સંસ્થાઓ કોઈ શ્રેષ્ઠીએ કરોડો રૂપિયાની જમીન દાનમાં આપવા ઉપરાંત અદ્યતન  ઈમારત બને તે માટે પણ મોટી રકમ એમ જ ટ્રસ્ટ બનાવીને આપી દીધી હોય છે.

ભારતમાં કે વિદેશમાં આવા શ્રીમંતો વર્તનમાં તો નમ્ર અને નિરાભિમાની હોય છે પણ તેઓની અંગત જીંદગીમાં પોતે સાવ સાદગીથી રહેતા હોય છે. તેઓ પાસે બે ત્રણ જોડી  કપડાં અને નાની કાર હોય છે. તેઓ જરાપણ ઉડાઉ કે વૈભવી જીવન વ્યતીત નથી કરતા.

આમ આપણે શ્રીમંતોમાં બે અંતિમ ધ્રુવ જોઈએ છીએ. શ્રીમંતનો એક વર્ગ એવો છે જે કંજુસ અને ઘમંડી છે. આવા શ્રીમંતોને જોઈને જ આપણે એવી છાપ ઉભી કરી છે કે વ્યક્તિ શ્રીમંત બનતા બદલાઈ જાય છે. સામે છેડે બીજો ધ્રુવ એવો છે કે જેઓના હૃદયની અનુકંપા અને સમાજને પરત આપીએ તેવી ભાવનાને લીધે જ શિક્ષણ, જ્ઞાન, હોસ્પિટલ, સંશોધન, સ્કોલરશીપનો પ્રસાર થાય છે. વિશ્વ જે તે દેશની સરકારથી નહીં પણ આવા ભામાશાઓની ઉદારતાથી ચાલે છે તેમ કહેવાનું મન થાય. તો શા માટે અઢળક પૈસા હાથમાં આવવા છતાં આ લોકો બદલાયા નહીં?  અને હા ..આ બંને ધ્રુવો વચ્ચે ત્રીજો વચ્ચેનો પણ શ્રીમંતોનો એક વર્ગ છે જેઓ શ્રીમંત બનતા માત્ર પોતાના કે બહુ તો પોતાના પરિવાર માટે બેફામ પૈસા ઉડાવે છે. તે કેસીનો અને જુગારમાં મોટી બેગ ભરીને પૈસા હોડમાં મુકશે. પોશ હોટલ અને પ્રવાસોમાં પૈસાનો ધુમાડો કરશે. તેમાંના ઘણા તો સેક્સના રવાડે ચઢી જશે, મોંઘા દારૂની મહેફિલ માંડશે. આવા શ્રીમંતો પાસે દાન કે મદદ માંગવા જશો તો એક પાવતી પણ નહીં ફડાવે. સ્વકેન્દ્રી અને સ્વાર્થી બનીને પોતાના માટે તેઓ ઉડાઉની હદે ઉદાર હશે. તેઓને પોતાના માટે પૈસાનો નર્યો વેડફાટ કરતી વખતે કાળજું નથી કાંપતું પણ બીજાને નાની અમથી રકમની સહાય કરતા જીવ કપાય છે.

 હવે આ વાતને આગળ વધારીએ.. લેખની શરૂઆતમાં વિચારપ્રેરક  જે વિડીયો ક્લીપીંગનો ઉલ્લેખ કર્યો છે તેમાં વિદેશી મોટીવેટરને પ્રશ્ન પૂછવામાં આવે છે કે 'શું વ્યક્તિ શ્રીમંત બનતા બદલાઈ જાય છે?' આનો જવાબ મોટીવેટરે  ખૂબ જ સચોટ મનોવિશ્લેષણ કરીને આપ્યો કે 'ના, વ્યક્તિ શ્રીમંત બનતા બદલાઈ નથી જતી પણ તે જે મૂળથી જે સ્વભાવ કે પ્રકૃતિ ધરાવતી હોય છે  તેમાં તેનો વ્યાપ વધારે છે.(Money magnifies who you already are.") બીજી રીતે કહીએ તો ‘Money works like an amplifier.’ તમે જેવા છો તેમાં પૈસો વધુ આવવાથી તે વૃતિ અને સ્વભાવને વેગ મળે છે. જે વ્યક્તિ મૂળથી કંજૂસ હશે તે પૈસો આવવાથી વધુ કંજૂસ બનશે  અને જે ઓછા પૈસા હતા ત્યારે પણ ઉદાર અને પરોપકારની ભાવના ધરાવતો  હશે તે પૈસો વધુ આવતા તેની દાન અને બીજાની મદદ કરવાની પણ હવે ક્ષમતા વધુ હોઈ તેની સખાવતનો વ્યાપ વધારવા પ્રેરાશે. જે વ્યક્તિને મોજશોખ ઐયાશી કરવી છે પણ પૈસા નહીં હોવાથી તેને જે કરવું છે તે ઓછું કરતો હતો તે હવે પૈસા મળતા તે રીતે તેનો વ્યાપ વધારે છે. ફૂટપાથ પર તીનપતી રમનાર કેસીનોમાં જશે. દેશી દારૂની કોથળી પીનાર હવે મોંઘા શરાબનું બાર ઘેર બનાવશે અને ગણિકાઓ પાસે જનાર હવે દેશ વિદેશની કોલગર્લ જોડે સંબંધ બાંધશે.

લોભી વધુ લોભી, ક્રૂર વધુ ક્રૂર, સત્તાની ખેવના ધરાવનાર વધુ સત્તા હડપ કરવાની વૃત્તિ અને શોષણ કરનાર વધુ  શોષણખોર પૈસો આવતા બનશે. આથી જ સમાજમાં શ્રીમંતો બને તે પ્રગતિનો માપદંડ નથી પણ કેવી પ્રકૃતિની વ્યક્તિ શ્રીમંત બને છે તેના પર સમાજના ઉત્કર્ષ અને ગુણવત્તાનો  આધાર છે. હા, એવું નથી કે વ્યક્તિ શ્રીમંત બનવાથી વધુ સુધરે કે બગડે. સમતોલ પ્રકૃતિની વ્યક્તિ ત્યાગમાં પણ માનતો હોય અને વિવેકસભર ભોગવવામાં પણ રુચિ રાખતો હોય. વ્યક્તિનો એક વર્ગ એવો પણ છે જે ત્યાગી પણ નથી શકતો અને ભોગવી પણ નથી શકતો. વધુ એક વર્ગ સ્વકેન્દ્રી એ હદનો હોય છે કે તે ભોગવી તો શકે પણ તે પોતે કે બહુ તો તેના ઘરના સભ્યોને જ તેમાં સામેલ કરે. તે માટે પૈસા ઉડાવે પણ અન્ય પરિચિતને તેની પાસેથી દોકડા જેટલું પણ સુખ ન મળે. હા, આવા લોકો બીજાને ત્યાં મહેફિલ મિજબાનીમાં મસ્તીથી આનંદ લુટે. આમ પૈસો નવી વૃત્તિને જન્મ નથી આપતો પણ જે વૃત્તિ છે તેને જેટલો પૈસો વધે તે દર પ્રમાણે ગુણાકાર કરાવતો રહે છે.

ઘણા લોકો એમ માનીને પૈસો કમાતા ડરે છે કે અત્યારે જે સુખ છે તે માપમાં પૈસો છે તેના લીધે છે. વધુ પૈસા આવશે તો આપણે બદલાઈ જઈશું, આવી સોચ ધરાવનારને એટલું જ કહેવાનું કે જો તમે સ્વભાવગત જો ઉદાર છો, વ્યસન કે દુષણ ભોગવવાની એષણા નથી અને પરોપકારી ભાવના ધરાવો છો તો પૈસાદાર બનજો જ કેમ કે તમારા સિવાય સમાજનો ઉદ્ધાર બીજું કોઈ નહીં કરી શકે. નારાયણ મૂર્તિએ કહ્યું છે ને કે 'પાવર ઓફ મની ઈઝ પાવર ટુ ગીવ' કોઈને આપી શકવાની તાકાત જેની પાસે પૈસો હોય તે જ ધરાવે છે. તમે કેટલાયના જીવનમાં દીપ પ્રગટાવી શકો છો. નિરાધાર કે ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવી શકો છો. પૈસાદાર જ વેપાર ઉદ્યોગ સ્થાપીને હજારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજી આપી શકે છે. આપણે ત્યાં  પૈસો શું ખરીદી નથી શકતો તેની યાદી જાહેર કરતુ  તત્ત્વ જ્ઞાન પ્રચલિત બન્યું છે પણ પૈસાની તાકાતથી તમે શું શું અને કેવું કેવું  હેતુપૂર્ણ કે જીવન સાર્થક કરતુ કરી શકો છો તેને પણ મહત્વ આપવું જ જોઈએ, સંસ્કાર અને સંતોષની ખોટી વ્યાખ્યા બનાવી વાલીઓ સંતાનોને શ્રીમંત બનવા પ્રેરતા નથી. બદલાઈ જઈશ તેમ કહીને બંધિયાર પ્રગતિમાં કેદ કેટલાયે પરિવારો થઇ ગયા છે. સારા માધ્યમથી સખ્ત  મહેનત, કોઈ સર્જનાત્મક કૌશલ, ઉચ્ચ શિક્ષણ, કુનેહ અને નિષ્ઠાથી ઉમદા ભાવના સાથે પૈસાદાર બનવું જ જોઈએ. અમારી આખી પેઢી લક્ષ્મી અને સરસ્વતી સાથે સાથે ન રહે તેમ મિથ્યા ગૌરવ સાથે રહી અને સાધારણ કમાણીથી સંતુષ્ટ રહ્યા પણ હકીકત એવી હતી કે સરસ્વતી હતી પણ સાહસ અને સર્જનાત્મક કૌશલ્યને કમાણીમાં ફેરવવાની આવડત નહોતી તેથી બધું ઉપરોક્ત કહેવતના નામે ચઢાવી ફુલાઈ જતા. ભારત-અમેરિકા સહિત વિશ્વમાં  સરસ્વતી અને લક્ષ્મી સાથે રહે જ છે. ઉદ્યોગપતિઓ અને ટોચના ધન કુબેરોના પરિવારમાં શિક્ષણ જોવા મળે જ છે ને ભારતમાં પણ હવે નવી પેઢી શિક્ષણ, કળા, જ્ઞાન અને સાહસ થકી વધુ સંપત્તિ થાય તે માટે પ્રયત્નશીલ છે અને ઘણા સફળ થયા છે. સંસ્કારી વ્યક્તિ પૈસાદાર બનશે એટલે સામાજિક ઉપદ્રવ પણ નહીં સર્જાય. હા એ પણ યાદ રાખો કે વધુ પૈસો કમાશો એટલે તમે સારી વ્યક્તિ કે સારા ચારિત્ર્યવાન બની જશો તેવા ભ્રમમાં ન રહેતા. પૈસો તેવું કોઈ ઘડતર નથી કરી શકતો.

..અને છેલ્લે ..હેનરી  ફોર્ડનું વાક્ય જોઈએ  ‘Money does not change men ,it merely unmasks them. If a man is naturally selfish or arrogant or greedy ,the money brings that out.’ 


Google NewsGoogle News