Get The App

પૃથ્વી પરથી પુરૂષોની પ્રજાતિ 50 લાખ વર્ષમાં ગાયબ થઇ જશે

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
પૃથ્વી પરથી પુરૂષોની પ્રજાતિ 50 લાખ વર્ષમાં ગાયબ થઇ જશે 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- પ્લાસ્ટિકમાંથી સ્ત્રીના હોર્મોન એસ્ટ્રોજન સાથે સામ્ય ધરાવતો પદાર્થ બહાર આવે છે. આ પદાર્થ પુરુષના શરીરમાં જાય તો વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઘટે છે

- કોઈપણ  સ્ત્રીની કુખે દીકરો નહીં અવતરે. જન્મ થશે તો માત્ર દીકરી અને દીકરીનો જ!

તા જેતરમાં એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે ભવિષ્યમાં સ્ત્રીની કુખે માત્ર બાળકીનો જ જન્મ થશે. ગમે તેવી ફળદ્રુપ સ્ત્રી પણ પુત્રને જન્મ આપી શકશે નહીં. બીજા સરળ શબ્દોમાં કહીએ તો સ્ત્રીની કુખે દીકરી જ અવતરશે, દીકરો નહીં જ!

વિજ્ઞાાનીઓ આનું કારણ સમજાવતા કહે છે કે માના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું લિંગ નિશ્ચિત કરતાં વાય ક્રોમોસોમ (રંગસૂત્ર) ધીરે ધીરે ઘટી રહ્યા છે. જેને કારણે પુરુષથી  પેદા થયેલું સંતાન છોકરી જ હશે. છોકરો નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે ગર્ભમાં ઉછરતાં બાળકનું લિંગ નિશ્ચિત કરવામાં, એટલે કે એ બાબો હશે કે બેબી તે વાત એક્સ અને વાય ક્રોમોસોમમાં રહેલા જિન્સ પર નિર્ભર કરે છે. પુરુષોમાં વાય ક્રોમોસોમનો ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. વધુ સ્પષ્ટ કહીએ તો પુરુષના વીર્યમાંથી વાય ક્રોમોસોમ ગાયબ થઈ રહ્યા છે. જે સમયે આ રંગસૂત્ર શુક્રાણુમાંથી બિલકુલ ગાયબ થઈ જશે તે ઘડીથી જગતમાં કોઈ સ્ત્રી પુત્રને જન્મ નહીં આપે. ડિલીવરી તો માત્ર દીકરીઓની જ થશે!

મેડિકલ સાયન્સ પ્રમાણે સ્ત્રીના ગર્ભધારણ પછી બાર અઠવાડિયા બાદ પુરુષના વાય ક્રોમોસોમ પર માસ્ટર જિન એસઆરવાયનું નિરૂપણ થાય છે. આ જિન થકી જ ગર્ભમાં પાંગરી રહેલા ભૂ્રણની જાત (છોકરો કે છોકરી) નક્કી થાય છે. આ એસઆરવાય જિનથી જ બાળકમાં પુરુષ જેવી જનનેન્દ્રિયનો વિકાસ થાય છે.

હવે  આપણે  પાયાની  વાત પર આવીએ...

શું પુરૂષ વગર જગતની કલ્પના થઇ શકે ? કદાચ તમામનો જવાબ 'ના'માં જ આવશે. પરંતુ હવે પુરૂષોના અંતની શરૂઆત થઇ ગઇ છે તેવો દાવો એક ટોચની મહિલા વૈજ્ઞાાનિકે કર્યો છે. હવે પુરૂષોની જાત લુપ્ત થવાની પ્રક્રિયા શરૂ થઇ છે. જોકે તે છતાં આશરે ૫૦ લાખ વર્ષ જેટલો સમય લાગશે. આમ  એ વખતે આ ધરતી પર પુરૂષો જ નહિ રહે.

ઓસ્ટ્રેલિયાના સૌથી પ્રતિષ્ઠિત અને વગદાર વૈજ્ઞાાનિકોમાંથી એક એવા પ્રોફેસર ગ્રેવ્સ માને છે કે મહિલાઓ સેક્સની આ જંગમાં પુરૂષોને માત કરી દેશે. આ કોઇ ગપગોળા નથી. એકદમ સાચી વાત છે તેવો દાવો તેમણે કર્યો છે.

વધુમાં તેમનું કહેવું છે કે પુરૂષના સેક્સના ક્રોમોઝોમ (રંગસૂત્ર) 'વાય'નું ઝડપથી ધોવાણ થઇ રહ્યું હોવાને કારણે પુરૂષની જાતિને અસર થઇ રહી હોવાનું કહી શકાય. પ્રોફેસર ગ્રેવ્સની આગાહી પુરૂષ અને મહિલાના સેક્સ ક્રોમોઝોમ્સના જીન અંગેની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવી છે.

મહિલાનાં 'એક્સ' ક્રોમોઝોમમાં ૧,૦૦૦ કે તેના જેટલા સ્વસ્થ જીન હોય છે. તેથી તેઓ પુરૂષોની સરખામણીમાં વધુ મજબૂત છે તેમ કહી શકાય. વધુમાં મહિલાઓમાં બે 'એક્સ' ક્રોમોઝોમ્સ હોય છે જ્યારે પુરૂષોમાં માત્ર એક વિમ્પી 'વાય' ક્રોમોઝોમ હોવાથી તેને વધુ અસર થાય છે.

મહિલાઓમાં જોડિયામાં ક્રોમોઝોમ્સ હોવાને કારણે તે નુકસાન પામે તો રિપેર થવાની શક્યતા વધુ હોય છે, જ્યારે પુરૂષોમાં તે નાશ પામે છે.   દરેક પુરૂષો માટે આ અત્યંત ખરાબ સમાચાર છે. 

જોકે અન્ય નિષ્ણાતો કહે છે કે પુરૂષોને આનાથી ગભરાવવાની જરૂર નથી. એક સેક્સ ક્રોમોઝોમ નિષ્ણાત પ્રોફેસર રોબિન લોવેલનું કહેવું છે કે 'વાય ' ક્રોમોઝોમે ઓછામાં ઓછા છેલ્લાં ૨૫ લાખ વર્ષમાં કોઇ જીન ગુમાવ્યા નથી. એટલા માટે હું કહીશ કે આ મામલે ચિંતાની જરૂર નથી. જો ભવિષ્યમાં એમ થાય તો તેનું ધોવાણ અટકાવવા માટે દવાઓ પણ બની જશે. ત્યાં સુધીમાં મેડિકલ સાયન્સને પ્રગતિ કરવા માટે પૂરતો સમય મળી જશે અને તે આ દિશામાં આગળ વધી જશે. તેથી આ વિશે ચિંતાની જરૂર નથી.

એક  રિસર્ચ એમ પણ કહે છે કે ઉંદરોની  એક પ્રજાતિએ વાય  ક્રોમોસોમ  સાવ જ ઘટી જાય  તે પહેલાં જ  એક નવો ક્રોમોસોમ વિકસાવી લીધો હતો.   જેના થકી નર ઉંદર જન્મી શકે.

પૃથ્વી પરથી  પુરુષોની પ્રજાતિ સાવ ગાયબ થઈ જવાની વાત તો બહુ દૂરની છે પરંતુ એ વાત સો ટકા સાચી છે કે  પુરુષોના  વીર્યની ક્વૉલિટી અને  ક્વોન્ટીટી  સતત  ઘટી રહી છે.

 ભારતમાં પહેલીવાર 'હેલ્પિંગ ફેમિલીઝ' નામની સંસ્થાએ કરેલા દેશનાં નવ મોટાં શહેરોના ૩૧ થી ૪૦ વર્ષની વય જૂથનાં શહેરી તેમજ ગ્રામીણ ૨૫૬૨ દંપતીઓની પ્રજનનક્ષમતાના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ૪૬ ટકા યુગલો વંધ્યત્વ કે નપુંસકતાનો ભોગ બન્યાં છે.

ઉપરાંત આ સર્વેક્ષણનું બીજું મહત્ત્વનું તારણ એ છે કે દિલ્હીમાં આ વયજૂથનાં ૪૦ ટકા દંપતીઓ પ્રજનનક્ષમતારહિત (ઈન્ફર્ટાઈલ) છે. જ્યારે તેની સરખામણીમાં મુંબઈ મહાનગરમાં આવાં ૫૧ ટકા યુગલો પ્રજનનક્ષમતાથી વંચિત છે. ૩૧ થી ૪૦ ના વયજૂથનાં ૪૯ ટકા યુગલોએ આઈ.વી.એફ. (ઈન્ટ્રા-વિનસ ફર્ટિલાઈઝેશન)ની સારવાર લીધી છે અને બાકીનાં દંપતી આવી ટ્રીટમેન્ટ લેવાનું વિચારી રહ્યાં છે.

સતત વધતી જતી માનસિક તાણ, પ્રદૂષિત પર્યાવરણ, ધૂમ્રપાન કેફીદ્રવ્યોનું સેવન અને સ્વચ્છંદી જાતીય સંબંધો (સ્વૈરવિહાર)ને પરિણામે પુરુષોમાં શુક્રાણુઓની ઊણપથી મોટી સમસ્યા સરજાઈ છે.

'વીસેક વરસ અગાઉ શુક્રાણુઓની નોર્મલ સંખ્યા ચાર કરોડ અને તેનાથી વધુ ગણાતી. પરંતુ હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ તે સંખ્યા ઘટાડીને દોઢ કરોડ શુક્રાણુઓ નોર્મલ ગણાવ્યા છે.'' એમ આઈ.વી.એફ.ના નિષ્ણાત અને  એડવાન્સ્ડ ઈન્ફર્ટિલિટી સેન્ટરના સાયન્ટિફિક ડિરેક્ટરે  જણાવ્યું હતું.

 ઇ.સ. ૧૯૫૦ની સાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ 'વીર્યવાન' પુરુષની વ્યાખ્યા જાહેર કરી એ મુજબ તંદુરસ્ત પુરુષના વીર્યમાં મિલિમિટર દીઠ ૧૧.૩ કરોડ શુક્રાણુઓ હોય એ સામાન્ય વાત ગણાતી હતી. આ  વ્યાખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરવાની વિશ્વ આરોગ્ય સંસ્થાને ફરજ પડી હતી. ઇ.સ. ૨૦૦૯ના અંતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ જે પુરુષના વીર્યમાં મિલિલિટર દીઠ બે કરોડ શુક્રાણુ હોય તેને પણ સામાન્ય નોર્મલ  પુરુષ માની લેવામાં આવે છે.

 મુંબઈમાં દેશની પ્રથમ વીર્ય બેન્કની સ્થાપના કરનાર દંપતી  ડો. અંજલિ માલપાણીના જણાવ્યા મુજબ તેમણે આજથી ચાર દાયકા અગાઉ પોતાની સ્પર્મ બેન્ક શરૂ કરી ત્યારે તેમની પાસે મિલિમિટર દીઠ ૪થી ૬ કરોડ શુક્રાણુઓ ધરાવતા પુરુષો મોટી સંખ્યામાં આવતા હતા પરંતુ આજની તારીખમાં જે પુરુષો સ્વૈચ્છિક વીર્યદાન કરવા આવે છે તેમનું સ્પર્મ કાઉન્ટ ઘટીને ત્રણ કરોડ અને અમુક કિસ્સામાં તો બે કરોડ ઉપર પણ પહોંચી ગયું હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ તેઓ બે કરોડથી ઓછું સ્પર્મ કાઉન્ટ ધરાવતા પુરુષના વીર્યનો સ્વીકાર કરતા નથી.

 એક તરફ સરોગેસી (કૂખ ભાડે આપવાનું) અને વીર્યદાન મારફત ગર્ભધારણનું ચલણ વધતું જાય છે ત્યારે બીજી બાજુ શહેરની વીર્ય (સ્પર્મ) બેન્કોને વીર્યના સારા સેમ્પલો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ઇન વિટ્રો ફર્ટિલિટી (આઈવીએફ) સ્પેશિયાલિસ્ટો દર દસમાંથી આઠ વીર્યદાતાઓને રિજેક્ટ કરી રહ્યા છે. એની પાછળનું કારણ છે. વીર્યદાન કરવા ઇચ્છુક પુરુષોના વીર્યમાં જોવા મળતી શુક્રાણુઓની ઓછી સંખ્યા. તબીબી ભાષામાં આ ઉણપને ઓલિગોસ્પર્મિયા કહે છે. કેટલાક પુરુષોના વીર્યમાં એક પણ શુક્રાણુ હોતા જ નથી અને એને અઝૂસ્પર્મિક કહે છે.

 પુરુષમાં શુક્રાણુની કમી હોય એવા સંતાનવિહોણા દંપતિઓ સંતાન મેળવવા વીર્યદાતાના સ્પર્મનો વિકલ્પ અજમાવતા દંપતીઓ વીર્યદાતાઓની શૈક્ષણિક પાત્રતા, દેખાવ અને ધાર્મિક તથા સામાજિક બેકગ્રાઉન્ડ વિશે ચિંતિત હોય છે, પરંતુ ડૉક્ટરો એમને ઝાઝી પસંદગી આપી નથી શકતા કારણ કે 'સારા' વીર્યદાતાઓ બહુ મુશ્કેલીથી મળે છે.

ગર્ભધારણ માટેની 'હુ'ની ગાઈડલાઈન્સમાં જણાવ્યા મુજબ પુરુષના વીર્યમાં એમએલ દીઠ બે કરોડ શુક્રાણુઓ હોવા જરૂરી છે, પરંતુ વીર્યદાન (ડોનેશન) વખતે શુક્રાણુઓની સંખ્યા ઓછામાં ઓછી છ કરોડ હોવી જોઈએ. એટલા માટે કે વીર્યબેન્કમાં ડોનેટ કરેલુ વીર્ય ફ્રીઝ કરીને માઈનસ ૧૯૬ ડિગ્રીમાં ક્રાયઓવિલ્રના લિક્વિડ નાઈટ્રોજન સિલિન્ડરોમાં સ્ટોર કરી રખાય છે. છ મહિના બાદ આ સ્પર્મ વાયલ્સને બહાર કઢાય  ત્યારે લગભગ ૫૦ ટકા શુક્રાણુઓ મરી ગયા હોય છે અને એમની સંખ્યા ઘટીને  એમએલ દીઠ ત્રણ કરોડ જેટલી થઈ જાય છે. એટલે ડૉક્ટરો એવો આગ્રહ રાખે છે કે વીર્યદાન વખતે દાતાના શુક્રાણુઓની સંખ્યા કમસેકમ છ કરોડ હોવી જોઈએ.

બ્લડ ડોનેશનથી બિલ્કુલ વિરુદ્ધ ભારતમાં સ્પર્મ ડોનેશન હજુ પણ એક સમસ્યા છે. ધૂમ્રપાન, શરાબ-સેવન અને સ્ટ્રેસ ઉપરાંત ખાનપાનની આદતો તથા પ્રદૂષણને કારણે પુરુષોને વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઘટી જાય છે.'   ડૉક્ટરો ડોનરનું વીર્ય સ્વીકારતા પહેલા એનું બ્લડ ગુ્રપ ચેક કરે છે. ઉપરાંત એનાં પર એચઆઈવી, હેપેટાઈટીસ, ચેપી રોગો અને થેલેસેમીયા જેવા જેનેટિક રોગોનો ટેસ્ટ પણ કરાય છે. આ બધી કસોટી પર ખરા ઉતરે એવા ડોનરોની સંખ્યા પહેલાના વરસો કરતાં ઘણી ઓછી થઈ ગઈ છે.

 ભારતના પુરુષોની ઘટી રહેલી ફળદ્રુપતા બાબતમાં સંશોધન કરી રહેલા ડો.પી.એમ. ભાર્ગવ કહે છે કે પશ્ચિમમાં પુરુષોના વીર્યમાં શુક્રાણુઓ ઘટી રહ્યા છે, એ વાતનો ખ્યાલ ૧૯૯૦ના દાયકામાં આવ્યો હતો. પશ્ચિમના સંશોધકોના અભ્યાસ મુજબ વાર્ષિક બે ટકાના દરે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થઇ રહ્યો છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહે તો આજથી ૫૦ વર્ષ પછી સ્ત્રીના બીજને ફળાવી શકે એવા પુરુષો જ જોવા નહીં મળે. ડો. ભાર્ગવ એક ચોંકાવનારી વાત કહે છે કે જે પુરુષો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી અથવા ઠંડા પીણાઓ પીએ છે તેમના વીર્યમાં પણ શુક્રાણુઓની સંખ્યા ઘટવાની સંભાવના રહે છે. ડો. ભાર્ગવના જણાવ્યા અનુસાર પ્લાસ્ટિકમાંથી સ્ત્રીના હોર્મોન એસ્ટ્રોજન સાથે સામ્ય ધરાવતો પદાર્થ બહાર આવે છે. આ પદાર્થ પુરુષના શરીરમાં જાય તો તેની અંદર સ્ત્રૈણતા આવે છે અને તેમના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઘટે છે. એક અહેવાલ પ્રમાણે પુરુષના શિશ્નમાં માઈક્રોપ્લાસ્ટિકના ૦.૫ એમએમથી કદના કણના કણ મળી આવ્યા છે.  આવું પ્લાસ્ટિક પ્રદૂષણ વીર્યની ગુણવત્તાને હાન પહોંચાડે છે. 

આજકાલ સ્ત્રીઓ મોટી ઉંમર સુધી કુંવારી રહે છે તેને કારણે પણ તેમની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. મોટી ઉંમરે પરણતી સ્ત્રીઓની ગર્ભધારણ કરવાની ક્ષમતા ઓછી થઇ ગઇ હોય છે. વળી તેઓ લગ્ન કર્યા પછી પણ અમુક વર્ષો સુધી બાળકો ન થાય એ માટે ગર્ભનિરોધક સાધનો વાપરતી હોય છે, જેની વિપરીત અસર તેમની ગર્ભધારણ કરવાની શક્તિ પર પડી શકે છે. આ સ્ત્રીઓ જ્યારે માતા બનવા માંગે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. આ કારણે ફર્ટિલિટી ક્લિનિકોમાં સંચાલકો કહે છે કે જે સ્ત્રીએ માતા બનવું હોય તેણે સમયસર પરણી જવું જોઇએ.

પુરુષોમાં ઘટી રહેલા શુક્રાણુઓ માત્ર વિજ્ઞાાનીઓની જ નહીં પણ સમાજશાસ્ત્રીઓની પણ ચિંતાનો વિષય છે. આપણા સમાજમાં પુરુષની અને સ્ત્રીઓની ભૂમિકામાં જે પરિવર્તન આવ્યું છે તેને કારણે પત્ની નોકરી કરતી હોય ત્યારે પતિએ ઘરના કામો કરવા પડે છે અને બાળકોનું ધ્યાન રાખવું પડે છે. માનસિક રીતે સ્ત્રીની ભૂમિકા ભજવવાને કારણે પણ પુરુષાતન પર પણ અસર થાય છે. આ બાબતમાં હજી સુધી કોઇ વૈજ્ઞાાનિક અભ્યાસ કરવામાં આવ્યો  નથી. મનુષ્ય જાતને ટકાવી રાખવી હશે તો પુરુષાતનને પણ ટકાવી રાખવું અનિવાર્ય છે. આ માટે આપણા આહાર વિહારમાં અને આપણી લાઇફ સ્ટાઇલમાં યોગ્ય પરિવર્તન લાવ્યા સિવાય બીજો કોઇ ઉપાય નથી.


Google NewsGoogle News