પ્રતીક્ષાનું પોટલું ટપાલ .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- જન્મ એ સુખની ટપાલ.. મૃત્યુ એ દુ:ખની ટપાલ!! લગ્ન એ કંકોતરી ઉર્ફે ટપાલ! મૃત્યુ એ કાળોતરી ઉર્ફે ટપાલ!! પાનખર પણ ટપાલ અને વસંત પણ ટપાલ જ!!
ત્યા રે તો ગામડે બે ચાર દિવસે ટપાલ આવતી. ટપાલી ખાખી ડગલો પહેરીને ટપાલ વહેંચતો. મહોલ્લાના નાકેથી બૂમો પાડે, ચાલે. એ ડાહ્યાજી વરવાજી... ચેલાજી મહોતજી અને સૌ વગર કારણે બહાર નીકળી તેને સાંભળવા દોડે. બાળકો જેની ટપાલ હોય તેને ઘરે જઈ આપી આવે આવું કુતૂહલ... એ ટપાલ અભણ ગંગામાની હોય તો ભાંગ્યા તૂટયા શબ્દો ઉકેલી આપે... જો અંગ્રેજીમાં તાર આવે તો ગામના સીતારામ માસ્તર ઉકેલી આપે. ટપાલ એટલે પોસ્ટકાર્ડ, અંતર્દેશીય... અંગત વાત બિનંગત બની જાય. આખા ગામને એક ઘરની ટપાલમાં રસ પડે. ટપાલ આવે જાણે કોઈ ઘટના બની હોય!! ટપાલમાં સારા સમાચાર હોય તો અને માઠા સમાચાર હોય તો પણ ટપાલ માલિકને મળી આવવાનું. હખમાંનો કે દિલસોજી પાઠવવાનાં.. પોસ્ટકાર્ડની કિંમત છ પૈસા ટપાલી ખુશીઓ વહેંચે ક્યારેક મરણના સમાચાર લાવે. એવા કાગળ ઉપર 'લૂગડા ઉતારીને વાંચજો' એવું લખેલું હોય. પાછળનો ભાગ કોરો હોય. ટપાલી પાસે ન્હોતી સાયકલ કે સ્કૂટર પાંચ દસ માઈલ ચાલીને ખેપ કરે. મામા, કાકા, ફોઈ, બેન પરગામ હોય તો કાગળ લખે. દીકરો મુંબઈ કમાવા ગયો હોય તો ડોશીને કાગળ મોકલે. મામાનો કાગળ પાલણપુરથી આવે ત્યારે બા એ કાગળને બચીઓ ભરે. અને એ કાગળને જીવની જેમ સાચવે. વખત મળે એટલે વારે વારે વાંચે-કાગળમાં હોય તો ખુશી મજાના ખબર, પણ બા ને રૂબરૂ ભાઈ મળ્યાનો આનંદ થાય જાણે!! લગ્ન પ્રસંગે કે દિવાળીના દિવસોમાં કંકોતરીઓ આવે. જુદા જુદા ભગવાનના ફોટા હોય. તે વાંચીને બાર સાખમાં કે કબાટનાં ખાનામાં મેલાય... પછી એ કાગળ કાળો પડી જાય ત્યારે ઘરમાંથી હટાવાય. ઘેર 'કંકોતરી આવી' એનો હરખ પાછો જુદો!! એ કંકોતરીમાં ભગવાન હોય તો પૂજાય થાય.
એકધારા ચાલ્યા આવતા જીવન પ્રવાહમાં ટપાલનું કામ ઊંજણ પૂરું પાડવાનું. જીવનની ગતિને પલટી નાખે. ક્યારેક ચિંતા વધારે. ક્યારેક ખુશી વધારે. ક્યારેક બેનનો કાગળ આવે મામેરું કરવાનું છે - આર્થિક માળખું ખોરવાય- બેનને દીકરો જન્મ્યો છે - ગોળ ધાણા વહેંચાય. માંદગી આવી છે. ધાન રઝળે. ટપાલમાં કેવળ ઔપરચારિકતા હોય તો પણ અંદરનો અવાજ હતો. રૂબરૂ મળ્યા તુલ્ય ભાવ હતો. દીકરાના પરિણામની ટપાલ હોય, સગાઈનો જવાબ આવવાની ટપાલ હોય, એ આવે ત્યારે ઘર જ નહિ, આખો મહોલ્લો રાજીના રેડ થઈ જતો. ભાઈ પાસ થયાના સમાચાર જાણી બીજે દિવસે મહોલ્લો બાપા પાસે લાડવા માગે. બાપા સગવડ કરી મહોલ્લો જમાડે પણ ખરા! આ ટપાલનો પ્રતાપ!! ધૂમકેતુની 'પોસ્ટ ઓફિસ' વાર્તામાં પણ ટપાલનો જ મહિમા છે. ટપાલ જ બે પાત્રોને બાંધે છે - સાંધે છે.
ગામમાં ટપાલની પ્રતીક્ષામાં ઝૂરતી કેટલીયે માકોરબાઈઓને જોઈ છે. ટપાલ આવે ત્યારે તેમના કરચલિયાવાળા ચહેરા ઉપર પ્રસન્નતા નિહાળી છે. ટપાલે ઘણાંને હૈયા ધારણ આપી છે. ટપાલે આશ્વાસન આપવાનું કામ ઝાઝું કર્યું છે. 'આંધળી માનો કાગળ' કવિતાને જ નહિ. એની ઘટનાને નિહાળી પણ છે, ત્યારે પ્રત્યેક વૃદ્ધામાં ઈન્દુલાલ ગાંધીની માકોર દેખાઈ. એ કાગળ સંદેશો નથી. માની મમતાનાં, વાસ્તવિકતાનાં અમી ઝરણાં છે - એ અમીઝરણ લઈને ટપાલી આવે છે ટપાલી સંબંધોને નિભાવે છે - ટપાલ સ્નેહને સાચવે છે. ટપાલ જ જીવનને ધબકતું અને મધમધતું રાખે છે.
મેઘ પણ ટપાલ છે. એમાં પણ પ્રેમ છે એટલે એ મેઘદૂત છે. કૃષ્ણ પણ ટપાલી છે આપણે સૌ અર્જુન છીએ. આપણી મનોદશાને બદલવાનું કામ ટપાલ કરે છે. ટપાલ ક્યાં નથી ? આપણે પણ ટપાલી થઈને કોઈક સંદેશ લઈને આવ્યા છીએ, આપણે ભુલી જઈએ તો કોઈ શું કરે ?
ભજન, કવિતા, વાર્તા, નવલકથા, આખરે છે શું ? એક ચેતનાએ મોકલેલી ટપાલ. સગાંની ટપાલની જેમ સર્જકની ટપાલ!! કોયલનો ટૌંકો શું છે ? વસંતની ટપાલ કેસૂડો શું છે ? વાસંતી ટપાલ! મોર ટૌકા શું છે ? - વરસાદની ટપાલ... માનવીને જ્યાં જ્યાંથી સુખ-સંતોષ મળે છે તે બધી વધામણીની ટપાલ જ છે. સંદેશા સુખના પણ હોય અને દુ:ખના પણ હોય!! જન્મ એ સુખની ટપાલ.. મૃત્યુ એ દુ:ખની ટપાલ!! લગ્ન એ કંકોતરી ઉર્ફે ટપાલ! મૃત્યુ એ કાળોતરી ઉર્ફે ટપાલ!! પાનખર પણ ટપાલ અને વસંત પણ ટપાલ જ !! ફુલ ઉગે-ફૂટે એ ધાનના દાણા ફૂટે એ પ્રસન્નતાની ટપાલો જ છે. ફાગણ-વૈશાખના દિવસો પ્રકૃતિના યૌવનની ટપાલ છે. પાનખરમાં પ્રાકૃતિક વિરહનો સંદેશો છે. ઝાકળ એ પ્રકૃતિની પ્રસન્નતાનો રેવન્યૂ સ્ટેમ્પ છે. સૂરજના આનંદના અતિરેકમાં એ ઝાકળ ભળી જાય છે - ટપાલ ઓગળી જાય છે. ટપાલ સર્વત્ર છે. પ્રેમીઓને જોડવાનું કામ ટપાલે વધારે કર્યું છે. પ્રેમનો મહિમા ટપાલે વધાર્યો છે.
પ્રત્યેક આત્માને પોતાનો એક સંદેશો આપવાનો હોય છે તે પરમાત્મા સુધી પહોંચાડવાનો છે જીવન નામની ટપાલ દ્વારા.
'હું તો કાગળિયાં લખી લખી થાકી વાલીડા તારા...' આ પંક્તિઓમાં હૃદયની આરત છે - મૃત્યુ પણ આલોકના જીવને - આત્માને, પરલોકમાં જવા માટેનો સંદેશો છે - કહેણ છે. આમ તો પ્રત્યેક ક્ષણ ટપાલ છે, પશુ પંખીના અવાજો, પવનની ગતિ, નદી સમુદ્રનાં વહેણ અને માનવીની કાયા ઉપરથી ભવિષ્યવેત્તાઓ સાચા ભાવિને પારખી શકે છે - એ ટપાલ ઉકેલવાની શક્તિનો પ્રતાપ નથી તો બીજું છે શં ?
આજે વોટ્સએપ, મોબાઈલે આપણને ટપાલથી વિમુખ કરી દીધા છે - ત્યારે ટપાલ સાથેની સંવેદનાઓને ખોટ ક્યાંથી પુરી શકીશું?