રોટલો .
વિન્ડો સીટ - ઉદયન ઠક્કર
'સૂ રજ માથે આવે અને બધા રોટલા ભેગા થાય. ફળિયામાંથી ભાથું ભેગો કરતો- કરતો ભથવારો વાડીએ આવે. જેવું ભથાયણું ખૂલે કે દરેક આદમી માત્ર મોંકળા જોઈને જ કળી જાય કે કયો રોટલો કોને ઓટલેથી આવ્યો છે. આ તે કેવા રોટલાકળા(પારખુ) અને આ તે કેવી રોટલાકળા?' અમેરિકાના મેકડોનાલ્ડમાંથી બહાર નીકળીનેય આ રોટલાની અંગાખરી ગંધ ક્યાંકથી આવીને દેશીમાડુના નાકમાં પરાણે પેસી જાય અને આંખને પાછી પલાળતી ય જાય... 'હાવ ગ્રીન વોઝ માય વેલી!'... ગોબરિયાળી ગંધે ગૂંદાયેલો અને લીંપેલા-ગૂંપેલા ચૂલે ચડેલો રોટલો તો નિરાળો જ. તડતડતા અંગારે ખરો થયેલો આ જ ખરો અંગાખરો!.. રસ્તાની એક કોરે પડાવ નાખીને બેઠેલી વણજારણે ત્રણ ઢેખાળા પર ઠીકરું મૂકીને સાંઠીકડાના તાપે ચડાવેલો રોટલો તો મોડી રાતે જામતી મહેફિલની રંગત લઈને આવે.'
અરુણા જાડેજાના લલિત નિબંધ 'રોટલો' નો આરંભ આમ થાય છે. પછીનું વર્ણન એવું છે કે સ્વાદેન્દ્રિય સળવળી ઊઠે. 'રોટલો..જ્યાં જાય ત્યાં ભળી જાય. એકલા મીઠા સાથે પણ ચાલે, બેકલાં ડુંગળી-મરચાં સાથે તો દોડે. લાડ લડાવો તો ઔર ખીલે, ચારેકોર લદબદતા ઘી સાથે કે લસલસતા માખણ સાથે, શેડકઢા દૂધ સાથે કે ઘાટી-રોડ છાશ સાથ... ધૂંવારેલા ભડથા સાથે ખાઓ કે પછી ગાંઠિયાના ખાટા શાક સાથે ખાઓ. -શાક મસાલે જરા ચડિયાતું જોઈએ. બટકે ખાઓ કે ચોળીને, વહાલો લાગ્યા વિના ન રહે. રોટલાની સંગતે, વલોણાનાં તાજાં છાશ- માખણની તોલે કોઈ ન બેસી શકે ગોળ-રોટલાની જોડી તો ભલભલી મીઠાઈયુંને પણ પછાડ... લીંપણકળાની જેમ ટીપણકળામાંયે આવડત તો ખરી જ. રોટલો અને ચોટલો બન્નેમાં હાથનો કસબ સમાયો છે... ચૂલે ચડી બેસવાથી કે કેટલીય સાત ઉતાવળ કરવાથી રોટલા ન ઘડાય. સાત પાણીનો રોટલો અને એક પાણીની ખીચડી.. બહાર બેઠેલા પરોણા રોટલાનું બટકું તોડતાંની વારમાં પારખી લે કે અંદર બેઠેલાં ઘરવાળાંનાં કાંડામાં કેટલું જોર છે. ભમરો ઊઠે તો સાસુમા મમરો મૂકેઃ ભમરાળી વહુને રોટલે ભમરો જ ને!'
'કચ્છ-કાઠિયાવાડમાં ખાસ જોવા મળતો ભાતીલો રોટલો... રોટલાના પડ પર કાણાવાળી કૂંચીથી ઝીણી-ઝીણી નકશી ઉપસાવવામાં આવે.. આ નાના-નાના ખાડામાં ઊનું-ઊનું ઘી .. ચોપડીને ખાધે જ રાખો... લસણના ટોપિંગ્સવાળો ડિઝાઇનર્સ એમ્બોસ્ડ રોટલો ખાઈ જુઓ. સ્વર્ગ વેંત છેટું જ લાગશે.. રોટલો સાવ અલગારી... બે વાનાં, મીઠું અને પાણી. જમનારને ભાવતું અને કરનારને ફાવતું... બંદોબસ્ત પતાવીને મોડી રાતે ઘરે પાછા ફરનારા નિશાચરો માટે હાથવગી રસોઈ એક જ, રોટલા... રોટલો ગુજરાતમાં વેસણ-રોટલાના રૂપે, મહારાષ્ટ્રમાં ઝૂણકા- ભાકરના રૂપે કે પંજાબમાં મક્કી કી રોટી..રૂપે સમાયેલો છે.'
લેખિકાએ રસોઈની વાનગીઓ વિશે કરેલા સાહિત્યિક નિબંધસંગ્રહમાંથી આ ગદ્યખંડ લેવાયો છે. તેઓ જન્મે મહારાષ્ટ્રી, અને મરાઠીમાં 'બડા ગવૈયા' પરથી 'બડા ખવૈયા' શબ્દ ચલણમાં છે, માટે તેમણે નિબંધસંગ્રહનું નામ રાખ્યુંઃ '(લ) ખવૈયાગીરી.' તેઓ લગ્ન પછી નિષ્ણાત પાકશાસ્ત્રી કેમ બન્યા તે વિશે તેમણે અન્યત્ર લખ્યું છે, '(પતિને) રાતે વાળુમાં ખપે માત્ર દૂધ અને રોટલો, સાથે ન મરચું, ન અથાણું, ન શાક અને હું એમના માટે એક રોટલો ઘડતાં ન શીખી શકું? પછી તો રોટલાની પાછળ એવી તે પડી ગઈ કે ત્રણ જ દિવસમાં એને મારો હેવાયો કરીને જંપી. સાત પાણીનો, કાંડાના જોરે મસળેલો, બે હાથ વચ્ચે ટીપીટીપીને ચાંદામામા જેવો મસમોટો ગોળ, તાવડી પર ચઢીને ખરો થયેલો, ખરો -શેકાયેલો, ફૂલીને ફાળકો થયેલો અસલ રોટલો. હવે એક વાર આ રોટલો મારો હેવાયો થયો, એટલે દૂર બેસીને ક્યારની ખેલ જોતી બેઠેલી પેલી બીજી બધી રસોઈ પણ વારાફરતી આવીને મારી હેવાઈ થઈ રહી... આ બધી મા રસવતીની કૃપા. રસવતી ;રસવઈ ;રસોઈ... હું રોટલો ઘડતી ગઈ અને રોટલો મને ઘડતો ગયો.'
સ્વામી આનંદે એક પુસ્તક કર્યું છે, 'જૂની મૂડી.' એમાં વિસરાતા જતા શબ્દોનો સંગ્રહ કર્યો છે. આ નિબંધમાં પણ શહેરીજનને ઝટ ટપ્પી ન પડે તેવા શબ્દો પ્રયોજાયા છેઃ ઘરેથી ભાથું ખેતરે પહોંચાડે તે 'ભથવારો', ભાથું જેમાં બંધાયું હોય તે કપડાને 'ભથાયણું' કહેવાય, ચૂલાના અંગારા પર ખરો (કડક) થયેલો રોટલો તે 'અંગાખરો.' શબ્દોને ધૂળમાંથી ગોતી, માંજી કરીને સામે ધરે તે સાચો કવિ, એમ રમેશ પારેખે લખ્યું છે. લેખિકા ટૂંકા વાક્યોથી ધાર્યું નિશાન પાડે છે, પ્રાસનો ય લાભ ઉઠાવે છે, 'જમનારને ભાવતું અને કરનારને ફાવતું,' 'લીંપણકળા અને ટીપણકળા,' 'રોટલો અને ચોટલો બન્નેમાં હાથનો કસબ.' આ વાક્ય જુઓ, 'બંદોબસ્ત પતાવીને મોડી રાતે ઘરે પાછા ફરનારા નિશાચરો માટે હાથવગી રસોઈ એક જ, રોટલો.' કોઈને પ્રશ્ન થાય કે બંદોબસ્ત શાનો? શું કામ મોડી રાતે? એનો ખુલાસો એમ કે લેખિકાના પતિ પુલીસ અધિકારી હતા. 'દેશીમાડુ' શબ્દ મુકાયો કારણ કે જાડેજાઓ કચ્છથી ઊતરી આવેલા.
શહેરીકરણ થતું ગયું તેમ રોટલાનું ચલણ ઓછું થયું, માટે ફળિયું, વાડી, ભથવારો, વગેરે સંદર્ભો આપીને લેખિકાએ અતીતરાગને સંકોર્યો છે. 'હાવ ગ્રીન વોઝ માય વેલી' રિચર્ડ લેવેલીનની નવલકથા છે (૧૯૩૯), જેમાં કથાનાયક ખાણમજૂર તરીકે કામ કરતા પોતાના પરિવારજનોનાં સ્મરણો વાગોળે છે. રાંધણકળાનું વિગતે વર્ણન થયું હોય તેવું વિપુલ સાહિત્ય કદાચ આપણે ત્યાં જોવા મળતું નથી. સતીશ વ્યાસના નાટક 'મન મગન હુઆ'નો નાયક બોલે છે, 'આ 'ખાવું' શબ્દ સામે મને ખાસ્સો વાંધો છે. એ જેમતેમ પતાવવાની ક્રિયા નથી... વાનગીને મન ભરીને આરોગવાની, મમળાવવાની, વાગોળવાની, માણવાની..પ્રથમ આંખની મઝા, પછી એને હાથથી સ્પર્શવાની, એનો લિસ્સો, કરકરો કે રુક્ષ સ્પર્શ અનુભવવાનો, ધીમેથી ઘ્રાણેંદ્રિય પાસે લઈ એની સુગંધ લેવાની, બાઇટ કરતી વખતે એનો નાદ સાંભળવાનો.. સ્વાદની કલ્પનામાત્રથી હવે મગજ પણ સક્રિય થઈ ગયું છે.. આરોગવું એટલે બધી ઇન્દ્રિયોથી આરોગવું.. આખેઆખું તનમન એમાં રમમાણ થાય તો જ ભોજનનો આનંદ પ્રાપ્ત થાય.'