Get The App

સરદારના પાડા : ગણિત, ગમ્મત અને ગેરસમજ

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
સરદારના પાડા : ગણિત, ગમ્મત અને ગેરસમજ 1 - image


- સરદાર @ 150 - હસિત મહેતા

-  'મારા પિતાજી મને ખેતરે લઈ જતા, રસ્તામાં ગણિતના પાડા પાકા કરાવતા'

- સંખ્યાના ગણિતમાં કાચા પડેલા સરદારે છેવટે જીવનના ગણિતમાં એવા અટપટાં દાખલા ગણી બતાવેલાં કે જે જોઈને દુનિયા આખી છક્ક થઈ ગયેલી

બા ળપણનો ઉછેર કોઈપણ સામાન્ય જણને માટે પણ જો મહત્ત્વનો હોય, તો મહામાનવ માટે તો એનું ઘડતરપ્રકરણ સમાજ અને સમયનો મહામૂલો દસ્તાવેજ બની રહેતાં હોય છે. સરદાર પટેલનો ઉછેર અને ઘડતર પણ આવા અનેક આશ્ચર્યજનક વળાંકો, ગેરસમજો અને ઉપેક્ષાઓથી ભર્યુ ભર્યું છે. એવાં તો કાંઈ કેટલાય દાખલાઓ, ઘટનાઓ અને સાંભળેલી (કદાચ બનાવેલી પણ) વાતો છે કે જે નાનકડા વલ્લભભાઈ માટે મહાનાયક વલ્લભભાઈની તાલીમશાળા બની હતી. એક્તાનું મહત્ત્વ અને એક્તાનો અભાવ સરદારને નાનપણે જાણવા મળેલો, કિશોરવયે સમજાયેલો અને મોટપણે તે જીવનમંત્ર બનેલો. તેનો દાખલો બાળ સરદારની જીવનલીલા સાથે સહજ રીતે વણાયો, લખાયો અને ચર્ચાયેલો છે.

એ વાત જાણે એમ છે કે વલ્લભભાઈને એમના પિતા પાસેથી જે કાંઈ વારસામાં મળ્યું, તેમાં ખેતરોના રઝળપાટ વખતની વાતો લાંબી અસર કરનારી અને ગળથૂંથીના સંસ્કાર આપનારી હતી. એમણે પોતે લખેલુ છે કે ''મારા પિતાને મને ભણાવવાનો શોખ બહું. રોજ સવારના પહોરમાં તેઓ (મને) ખેતરે લઈ જાય. ખેતરમાં કામ કરવા નહીં, પણ આવતાં જતાં રસ્તે પાડા બોલાવવા અને પલાખાં ગોખાવવા.'' સરદારના આ વાક્યોમાંથી મળતી બે મહત્ત્વની વાત, એક તો પિતાને પોતાના આ બાળકને ભણાવવાનો બહુ શોખ હતો તે અને બીજું પાડા-પલાખાં ગોખાવવાની વાત, આ બંને રસપ્રદ વાતો તો આપણે આગળ ઉપર કરીશું, પરંતુ પિતા ઝવેરભાઈ ખેતરની લટાર વખતે પોતાના બાળકને કેવું શિક્ષણ કે શેના સંસ્કાર આપતા હતા તે પહેલાં જાણીએ.

એ વાત તો જગજાહેર છે કે ઝવેરભાઈ પણ એક સાચા રાષ્ટ્રવાદી પાટીદાર હતા અને તેમણે ૧૮૫૭ના વિપ્લવમાં ઝંપલાવ્યું હતું. જો કે આ વાતની વધુ સાબિતીઓ કે અંકોડા મળતા નથી, છતાં ખેતરકામની વચ્ચે-વચ્ચે વલ્લભભાઈને પિતા ઝવેરભાઈએ ૧૮૫૭નો પ્રથમ સંગ્રામ નિષ્ફળ કેમ ગયો, તે સમજાવ્યું હતું એટલું તો ખરું જ છે. આથી બાળ વલ્લભભાઈના મનમાં ભારતના ઈતિહાસનું એક કડવું સત્ય કાચી વયે જ વસી ગયું હતું અને ૫૭ની એ નિષ્ફળતા પાછળ એક્તાનો અભાવ તથા અંદર-અંદરની ફાટફૂટ જ જવાબદાર હતી, એવું એમના મનમાં ઠસી ગયું હતું.

અખંડભારતના આ શિલ્પીને જીવનમાં વેલ્યું ઓફ યુનિટીની આ શિખામણ કરમસદના પાદરે આવેલાં ખેતરના ઢાળિયે મળી ચૂકી હોય, તો પછી ભારતના ઘડતરમાં, સ્વતંત્રતા પછીની એક્તામાં, એક ભારતના સાર્વભૌમત્વમાં સરદાર કદી પાછી પાની કરે નહીં એમાં નવાઈ શું ? આપણે  સમજવાની વાત આ છે - યુનિટીના સ્ટેચ્યુની નહીં, યુનિટીના મૂળ સંસ્કારની. 

વાતની શરૂઆતે સરદારના શબ્દોમાં આપણે જાણ્યું કે એમના પિતાને એમને ભણાવવાનો શોખ ઘણો હતો. પરંતુ સરદારનું શાળાજીવન એ વાતની સાખી પૂરતું નથી. એમને ભણવા માટે કેટલાં ઉધામા થયા, કેટલાં સંઘર્ષો આદર્યા, અને કેટલાં તોફાનો કર્યા એની વાત તો સરદારના શાળાજીવનનો આલેખ આંકીએ ત્યારે નિરાંતે થશે, પણ આજે એમને પિતાજી ખેતરમાં પાડા બોલાવતા એનો રસપ્રદ કિસ્સો જાણીએ. 

આજની પેઢીને જરા પૂછીએ કે પાડા એટલે શું ? તો જવાબની આશા બહુ રખાય તેમ નથી. તેમાં ય વળી પાડો એટલે ભેંસ કે પ્રાણી કે એવું કંઈક તો કોઈકે ય કહી શકે, પરંતુ ગણિતના પાડાનું શું કરીશું ? ગણિતના પાડા હોય ? જી હા, ગણિતના પાડા એટલે અંકના ઘડિયા, એકા, અગિયારા, એકવીસા જેવા આપણે જે ઘડિયા બોલીએ તે જ આ પાડા. એટલે કે ટેબલ્સ. Multiplication Tables.. 

પા ના ઘડિયામાં આવે કે પા એકું પા અને પા દૂની અડધ, પા તીનિ પોણો અને પા ચોથિયું એક. આવા તો પા, અડધા, પોણા, સવાયા, દોઢા અને તેમાં છેલ્લે આવે તે ઊઠા. આ પેલું 'ઊઠા ભણાવ્યા' એટલે કે ઉલ્લુ બનાવવાવાળું ઉઠું નહીં જ. મૂળ સંસ્કૃત અને પ્રાકૃતમાંથી ઉતરી આવેલો છે આ શબ્દ 'ઊઠા'. એક ઊઠે ઊઠુ ને બે ઊઠા સાત, ત્રણ ઊઠે સાડા દશ ને ચાર ઊઠે ચૌદ. સમજાઈ ગયું હશે કે ઊઠા એટલે સાડા ત્રણનું ટેબલ્સ. 

સરદારને એમના પિતાજી ખેતરના કામ વચ્ચે આ ટેબલ્સ ગોખાવતા અને ગણાવતા. જો કે સરદારને એમાં ઝાઝો રસ પડતો નહીં અને તેથી મેટ્રિકના વર્ષોમાં તેમણે ગણિતમાં જ નાપાસ થઈને એક વરસ પણ બગાડયું હતું. પરંતુ આપણે એ જાણીએ છીએ કે સંખ્યાના ગણિતમાં કાચા પડેલા સરદારે છેવટે જીવનના ગણિતમાં એવા અટપટાં દાખલા ગણી બતાવેલાં કે જે જોઈને દુનિયા આખી છક્ક થઈ ગયેલી. દેશની સ્વતંત્રતાને સિદ્ધ કરવાને માટે એમને એક્તાની જે આવશ્યક્તા દેખાઈ એમાં સરદારને તો ભલભલાને અટપટા ઊઠા ભણાવવા પડયા હતા એ આપણે ક્યાં નથી જાણતા. આપણને થાય કે ઝવેરભાઈએ એમને ખેતરના રઝડપાટમાં ઊઠાના પાડા શીખવાડીને આપણી ઉપર કેવડો મોટો ઉપકાર કર્યો છે !


Google NewsGoogle News