Get The App

જોયું મારું વોટ્સએપ કામ લાગ્યું .

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
જોયું મારું વોટ્સએપ કામ લાગ્યું                                 . 1 - image


- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ

- 'પપ્પા, તમને મારા ઘરે બોલાવું છું. આર્યનને એક છોકરી પસંદ આવી છે. બેંગ્લોરમાં તેની સાથે જ જોબ કરે છે. આર્યનને તેની કંપની એક પ્રોજેક્ટ માટે બે વર્ષ અમેરિકા મોકલે છે

મમ્મી, પપ્પા જ્યારથી રિટાયર થયા છે ત્યારથી તેમના વોટ્સએપે કાળો કેર વર્તાવ્યો છે. ભગવાનનો ફોટો, માતાજીનો ફોટો, ગમે તે જૂના ગીતો, ભજનો, મંત્રો, કોમેડી વીડિયો, નાના છોકરાના ફોટો, છેતરપિંડિના સમાચાર, જે કંઈ એમની જોડે આવે તે આપણને મોકલાવે.' - પ્રદીપે કંટાળા સાથે કહ્યું.

'જો બેટા, માણસ રિટાયર થાય એટલે થોડું એવું રહે. તમે જ મોટા ઉપાડે ફોન ગિફ્ટ કર્યો હતો અને તમે જ ભાઈ બહેને જોડે બેસીને બધું શીખવાડયું હતું. હવે તમે એ માણસને દોષ દો તે તો ન ચાલે.' - વનલતાબેને શાંતસ્વરે કહ્યું.

'અરે, મમ્મી પણ કોઈ લિમિટ તો હોય ને. બીજાને જોવું હોય, ન જોવું હોય, પસંદ હોય કે ન પસંદ હોય પણ તેમના મેસેજ આવી જાય. આખો દિવસ મેસેજ, ફોટા, વીડિયો અને સાચા-ખોટા તમામ ન્યૂઝની સતત આપ-લે થતી હોય છે.' - પ્રદીપ હજી અકળાયેલો જ હતો.

'દીકરા એમાં એવું છે કે, આપણને નથી ગમતું તે કંટાળાજનક લાગે અને જે આપણને ગમે છે કે કચરામાં પડયું હોય તો પણ સોનાનું જ લાગે. દરેક વખતે આપણા કોન્ટેક્ટ્સ અને લાગણીઓ જુદા જુદા જ હોય છે. આપણું છોકરું રડતું હોય તો આપણને લાગણી થાય અને પારકું રડતું હોય તો કકળાટ લાગે.' - નવીનચંદ્રએ કહ્યું અને પ્રદીપ તથા વનલતા બેન આશ્ચર્ય સાથે તેમની સામે જોવા લાગ્યા.

'જમાનો બદલાયો છે. આજના છોકરાઓને તમારી વાતો ના ગમે. આપણને પણ આપણા મા-બાપની વાતો ક્યાં ગમતી હતી. જનરેશન વચ્ચે આ ખેંચતાણ તો કળયુગના અંત સુધી ચાલતી જ રહેવાની છે. તમારે આકરા થવાની જરૂર નથી.' - વનલતાબેને સમજાવવા પ્રયાસ કર્યો.

'મમ્મી મને એમની વાતો કે ઉપદેશો સામે કોઈ વાંધો નથી. સૌથી મહત્ત્વની વાત કે આપણા ફેમિલીનું, મામાઓના ફેમિલીનું, સોસાયટીનું જે ગ્રૂપ છે તેમાં પણ આવા બિનજરૂરી મેસેજ ના કર્યા કરે.' - પ્રદીપે હળવા અવાજે કહ્યું.

'મેસેજ આવે તો મોકલાવવો તો પડે ને. મારી પાસે કોઈ માહિતી હોય તો બીજાને આપવી તો પડે ને. કદાચ મને કામ ન લાગે પણ ક્યારેક બીજાને કામ લાગી જાય. અત્યારે વોટ્સએપ છે તો મેસેજ કરી દઈએ છીએ, પહેલાં લોકો સાંજે ગામની ભાગોળે કે ગામના ચોરે ભેગા થતા, શહેરોમાં સોસાયટીઓ અને પોળના ચોકમાં ભેગા થતા. આ રીતે જ બધું સમાજમાં ફેલાતું હતું.' - નવીનચંદ્ર પણ લડી લેવાના મૂડમાં હતા. 

'અરે યાર, આ માણસ નહીં માને. પપ્પા મને માફ કરો. તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો. બીજી એક રિક્વેસ્ટ છે. તમે ફેસબુક ઉપર જે પણ ફોટા મુકો તેમાં મને અને અપર્ણા દીદીને ટેગ કરવાનું બંધ કરો. તમારા સિનિયર સિટીઝનની એક્ટિવિટીમાં પણ તમે અમને ટેગ કરી દો છો. પ્લીઝ. આ બધા સામે જ મને વાંધો છે.' - પ્રદીપ આટલું કહીને અકળાઈને જતો રહ્યો. નવીનચંદ્ર અને વનલતા બેન હસી પડયા.

'સારું ચાલ હવે સરસ મજાની ચા પીવડાવી દે પછી હું તૈયાર થઈ જાઉં. આજે અમારે સિનિયર સિટીઝન ગેંગનો મુવી જોવા જવાનો પ્લાન છે. તારે આવવું હોય તો ચાલ.' - નવીનચંદ્ર બોલ્યા અને ત્યાં જ તેમનો ફોન રણક્યો. 

'અરે વાહ અપુ, સવાર સવારમાં ફોન કર્યો. બધું બરાબર તો છે ને. અમદાવાદ આવું છું કે પછી અમને ત્યાં બોલાવું છું.' - નવીનચંદ્રએ ફોન ઉપાડતાની સાથે જ કહ્યું.

'પપ્પા, તમને મારા ઘરે બોલાવું છું. આર્યનને એક છોકરી પસંદ આવી છે. બેંગ્લોરમાં તેની સાથે જ જોબ કરે છે. આર્યનને તેની કંપની એક પ્રોજેક્ટ માટે બે વર્ષ અમેરિકા મોકલે છે. તે પહેલાં બંનેની સગાઈ કરવાની ઈચ્છા છે. હું તમને છોકરીનો ફોટો મોકલાવું છું. છોકરીનું નામ અનામિકા છે. પંદર દિવસ પછી આર્યનના પપ્પાના જન્મ દિવસે જ સગાઈ રાખી છે. તમે લોકો ઝડપથી આવી જજો.' - અપર્ણાએ કહ્યું અને તેની વાત સાંભળીને વનલતા બેન પણ ખુરશીમાં પાછા ગોઠવાઈ ગયા. તેમના ચહેરા ઉપર સ્મિત દોડી આવ્યું.

'તું ચિંતા ના કરીશ અમે વહેલાં જ આવી જઈશું. જમાઈને યાદ આપજો. મારા લાલાને વ્હાલ કહેજે.' - વનલતાબેન બોલ્યા અને ફોન કપાઈ ગયો.

નવીનચંદ્ર, વનલતાબેન અને પ્રદીપ નક્કી કરેલા દિવસે મુંબઈ પહોંચી ગયા. દીકરીના ઘરે પ્રસંગ હોવાથી બે દિવસ વહેલાં ગયા હતા. ત્યાં દીકરીના સાસરીયાઓને મળ્યા, અન્ય પરિચિતો અને સમાજના લોકોને મળ્યા. આર્યનની ધામધૂમથી સગાઈ પણ થઈ ગઈ. બધા ખુશ  ખુશ થઈ ગયા હતા.

નવીનચંદ્રએ સગાઈના અને મુંબઈ પ્રવાસના ફોટા ફેસબુકમાં  મુક્યા હતા. ફોટો ઉપર ઘણી લાઈક અને કોમેન્ટ આવ્યા હતા. લોકોએ ખોબલે ખોબલે અભિનંદન આપ્યા હતા. તેના કારણે નવીનચંદ્ર વધારે હરખાઈ ગયા હતા. 

'નવીનભાઈ, તમારા ભાણીયાની જેની સાથે સગાઈ થઈ તે છોકરીને ક્યાંક જોયેલી હોય એમ લાગે છે. ચહેરો પરિચિત છે.' - સદભાવ સોસાયટીના બાકડે સિનિયર સિટીઝન પરિષદમાંથી કેશવભાઈ બોલ્યા.

'ફેસબુક ઉપર જોઈ હશે. તમે પણ અપર્ણા અને આર્યન તથા જમાઈ સાથે ફેસબુકમાં જોડાયેલા જ છે. તેના કારણે કદાચ વહેલી જોઈ હશે.' - નવીનચંદ્રએ હળવાશથી કહ્યું. 

'મેં જોયેલી તો એવે જ ક્યાંક છે પણ યાદ નથી. ફેસબુક અથવા વોટ્સએપમાં એનો ફોટો જોયો હોય એવું લાગે છે. એ છોકરીનો પરિવાર ક્યાં રહે છે.' - કેશવભાઈ ફરી બોલ્યા. 

'છોકરી વિશે વધારે તો વિગત ખબર નથી પણ આ લોકો મૂળ રાજસ્થાનના છે. નાથદ્વારા પાસે ક્યાંક ગામડું છે તે તેમનું મૂળ વતન છે. તેઓ વર્ષથી બેંગ્લોર જ રહે છે. આર્યન પણ તેને બેંગ્લોરમાં જ મળ્યો હતો.' - નવીનચંદ્ર બોલ્યા.

'હશે તો કદાચ મારો ભ્રમ હશે. મેં બીજી કોઈ છોકરી જોઈ હશે.' - કેશવભાઈ બોલ્યા અને બધા બીજી વાતોએ વળગ્યા.

આ વાતને બે મહિના જેટલો સમય વિતી ગયો. આર્યન અમેરિકા જતો રહ્યો. બધા પોતાના રૂટિનમાં વ્યસ્ત થઈ ગયા. દિવાળી વખતે અપર્ણા અને જિગ્નેશ કુમાર અમદાવાદ આવ્યા હતા. ભાઈબીજના બીજા જ દિવસે સવાર-સવારમાં કેશવભાઈ નવીનચંદ્રના ઘરે આવ્યા.

'નવીનભાઈ જય શ્રી કૃષ્ણ. ગઈકાલે રાતનો તમને યાદ કરતો હતો. આજે સવારે તમારી ચા પીવી છે અને એક જોરદાર ન્યૂઝ આપવા છે. ઝડપથી ચા પીવડાવો.' - કેશવભાઈએ સોફા ઉપર ગોઠવાતા કહ્યું. નવીનચંદ્રએ ઈશારો કર્યો અને વનલતા બેન રસોડામાં ગયા. પ્રદીપ, અપર્ણા અને જિગ્નેશકુમાર પણ કેશવભાઈને અચાનક આવેલા જોઈને મળવા માટે બહાર આવ્યા.

'નવીન ભાઈ તમારો ફોન ક્યાં છે. બે મહિના પહેલાં મેં તમને એક સમાચાર મોકલ્યા હતા તે જૂઓ. તારીખ ૨૭ ઓગસ્ટ છે.' - પ્રદીપભાઈએ કહ્યું અને નવીનચંદ્રએ અપર્ણાને ફોન આપવા ઈશારો કર્યો. અપર્ણાએ ટીવી પાસેથી ફોન નવીનચંદ્રને લાવી આપ્યો. તેમણે વોટ્સએપ ખોલીને પ્રદીપભાઈનો મેસેજ શોધવાનું ચાલું કર્યું. પાંચ મિનિટમાં જ તેઓ ૨૭ ઓગસ્ટે પહોંચી ગયા. તે સમાચાર જોઈને તેમના હાથ જાણે કે થીજી ગયા.

'શું સમાચાર છે પપ્પા. કેમ આમ ચિંતામાં આવી ગયા.' - અપર્ણાએ હિંમત કરીને પૂછયું. નવીનભાઈએ ફોન અપર્ણા અને જિગ્નેશકુમાર તરફ ફેરવ્યો.

'લુંટેરી દુલ્હનનો વધુ એક શિકાર. કનિકા નામની એક યુવતી અત્યાર સુધીમાં સાત લોકો સાથે લગ્ન કરીને તેમના ઘરે લૂંટ ચલાવીને ભાગી ગઈ છે. આ યુવતી સાથે આધેડ વયના સ્ત્રી અને પુરુષ છે જેઓ પોતાને કનિકાના માતા-પિતા ગણાવે છે. તેઓ સમૃદ્ધ પરિવારના યુવાનોને ફસાવીને ઘરમાં ઘુસે છે અને દુલ્હન બનીને લુંટે છે. આ યુવતીએ અમેરિકાના સિટીઝન યુવક અને તેના પરિવારને પણ છેતરીને લુંટયો હતો.' - અપર્ણાએ સમાચાર વાંચ્યા અને તસવીરમાં રહેલા લોકોને જોયા અને ડઘાઈ ગઈ. પ્રદીપ અને જિગ્નેશકુમારના માથે પણ પરસેવો વળ્યો.

'જોયું મારું વોટ્સએપ આજે કામ લાગ્યું ને. તમારે ડોશાના નક્કામા મેસેજ વિશે કશું કહેવું છે.' - નવીનચંદ્રએ કહ્યું અને ત્રણેય લોકો મોઢું નીચું કરી ગયા.


Google NewsGoogle News