Get The App

ભારતીય હોકીમાં નવો પ્રકાશ રેલાવી રહેલી દીપિકા સેહરાવત

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
ભારતીય હોકીમાં નવો પ્રકાશ રેલાવી રહેલી દીપિકા સેહરાવત 1 - image


- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

- એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુવર્ણ જીતનારી ટીમમાં સામેલ દીપિકા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ૧૦ કે વધુ ગોલ ફટકારનારી ભારતીય મહિલા હોકીના ઈતિહાસની માત્ર છઠ્ઠી ખેલાડી છે

કો ઈ લક્ષ્યને હાંસલ કરવા માટે સખત મહેનત અને એકાગ્રતાની સાથે ખુલ્લા મનથી પ્રયાસ કરવો જરુરી છે. સફળતાની તલાશમાં ક્યારેક ગુરુની શબ્દરુપી દોરવણીનું અનુસરણ કરવાથી જે ઊંચાઈ હાંસલ કરી શકાય છે, તે કલ્પનાતીત હોય છે. સોનામાં ત્યારે જ સુગંધ ભળે કે જ્યારે પુરુષાર્થની સાથે ગુરુ-વચનમાં મુકેલો આરુણીમય વિશ્વાસ પણ ઊમેરાય છે. 

ઓલિમ્પિક જેવા મહાકુંભમાં પ્રવેશવાની લાયકાતના માપદંડ પર ઊણી ઊતરેલી ભારતીય મહિલા હોકીએ પુનઃઉત્થાન માટેનો પ્રયાસ અને પ્રવાસ શરુ કરી દીધા છે અને તેના પરિણામોની દુનિયાએ નોંધ લેવા માંડી છે. પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન પણ ન મેળવી શકનારી ભારતની મહિલા હોકી ટીમે ઘરઆગણે યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મુકાબલો ગુમાવ્યા વિના જ ટાઈટલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતીય મહિલા હોકીમાં પ્રગટેલા આ નવી ઉષાના અજવાળામાં ઘણી યુવા પ્રતિભાઓનું તેજ સમાયેલું છે અને તેમાં ય ઉડીને આંખે વળગે તેવી પ્રતિભા એટલે ૨૦ વર્ષની દીપિકા સેહરાવત. ભારતીય મહિલા હોકી ટીમમાં ગોલ મશીન તરીકેની ઓળખ ઉભી કરનારી દીપિકા સેહરાવતે તાજેતરમાં ઘરઆંગણે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ટાઈટલ સુધીની વિજયકૂચમાં પાયાની ભૂમિકા ભજવતા ૧૧ ગોલ ફટકારીને સનસનાટી મચાવી દિધી છે. આધુનિક હોકીમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવતા ડ્રેગ-ફ્લિકરનું મહત્વ વધ્યું છે, ત્યારે દીપિકાની કુશળતાનો અંદાજ તેણે ફટકારેલા ગોલનો આંકડો જોઈને કોઈને પણ આવ્યા વિના ન રહે ! 

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં દીપિકાએ ૧૧ ગોલ ફટકારવાની સાથે ભારતીય મહિલા હોકીમા આગવો ઈતિહાસ રચી દીધો છે. તે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ૧૦ કે વધુ ગોલ ફટકારનારી ભારતીય મહિલા હોકીના ઈતિહાસની માત્ર છઠ્ઠી ખેલાડી બની છે. એક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ ફટકારવાનો ભારતીય મહિલા હોકીનો રેકોર્ડ રાજબીર કૌરના નામે છે, જેમણે ૧૯૮૨ની નવી દિલ્હી એશિયન ગેમ્સમાં ૧૬ ગોલ ફટકારીને સનસનાટી મચાવી હતી. આ પછી સુરીન્દર કૌરે ૨૦૦૭ના હોંગ કોંગ એશિયા કપમાં ૧૩ ગોલ નોંધાવીને ઈતિહાસ રચ્યો હતો.

જ્યારે વંદના કટારિયાએ ૨૦૧૫ની હોકી વર્લ્ડ લીગમાં અને ગુરજીત કૌરે ૨૦૧૯ની આંતરરાષ્ટ્રીય હોકી સિરીઝ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ૧૧-૧૧ ગોલ ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. દીપિકાએ પણ આ એલિટ યાદીમાં ત્રીજા ક્રમે વંદના અને ગુરજીતની હરોળમાં સ્થાન મેળવી લીધું છે. માત્ર ૨૦ વર્ષની વયે દીપિકાએ જે પ્રકારે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવવાની કુશળતા હાંસલ કરી લીધી છે, તેેનાથી હોકી જગતના દિગ્ગજો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. માત્ર બે જ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં દીપિકાએ ૪૯ મેચમાં ૨૪ ગોલ ફટકારી દીધા છે અને તેની ગોલની સરેરાશ દર બે મેચમાં એક ગોલ જેટલી છે, જે ભારતીય મહિલા હોકીના ઉજ્જવળ ભવિષ્ય તરફ દિશાનિર્દેશ કરે છે.

સામાન્ય રીતે ડ્રેગ ફ્લિકર તરીકે એવા જ ખેલાડીની પસંદગી કરવામાં આવે છે કે, જે શારીરિક રીતે વધુુ તાકાતવર હોય અને આ મામલે મોટાભાગે આક્રમણ કે મધ્ય પંક્તિના ખેલાડીઓ કરતાં સંરક્ષણ પંક્તિના ખેલાડી વધુ ચઢિયાતા હોય છે. આ જ કારણે મોટાભાગના ડ્રેગ ફ્લિકર સંરક્ષણપંક્તિમાંથી જ આવે છે. ભારતની પુરુષ હોકી ટીમના ડ્રેગફ્લિકર તરીકેની જવાબદારી હાલનો કેપ્ટન હરમનપ્રીત સિંઘ સંભાળે છે, જે પણ રક્ષા પંક્તિનો જ ખેલાડી છે. જોકે દીપિકા એવા અપવાદરુપ ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે કે, જે આક્રમણ પંક્તિમાં રમતી હોવાની સાથે સાથે ડ્રેગ-ફ્લિકર છે. આ બાબત તેને અન્ય ડ્રેગ ફ્લિકર કરતાં ચઢિયાતી બનાવે છે. રક્ષા પંક્તિના ખેલાડીઓનું કામ હરિફોના આક્રમણ નિષ્ફળ બનાવવાનું અને ગોલ થતો અટકાવવાનું હોય છે. આવી સ્થિતિમાં ગોલ ફટકારવા માટે તેમને અલગથી મિજાજ અને કૌશલ્યનો વિકાસ કરવો પડે છે. જ્યારે દીપિકા આક્રમણ પંક્તિની ખેલાડી હોવાથી હંમેશા બોલને ગોલમાં કેમ મોકલી આપવો તેના વિશે જ વિચારતી - તૈયારી કરતી રહી છે એટલે તેને આ બાબતમા ફાયદો મળે છે.

કરેલું કામ અને મહેનત ક્યારેય એળે જતાં નથી. એક કેે બીજા સ્વરુપે તેનો ફાયદો આગળ મળતો જ હોય છે. દીપિકાની ડ્રેગ-ફ્લિકર તરીકેની કારકિર્દીમાં તેણે અગાઉ પહેલવાની કરવા માટે કરેલી મહેનત ઉપયોગી નીવડી હતી. ભારતીય કુસ્તીના કેન્દ્રબિંદુ સમાન હરિયાણાના હિસારમાં જન્મેલી દીપિકાનો મોટો ભાઈ પહેલવાનીની પ્રેક્ટિસ કરવા માટે દરરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટરમાં જતો. તેની સાથે સાથે નાનકડી દીપિકા પણ કુસ્તીમાં જોડાઈ હતી.

છોકરીઓની પ્રેક્ટિસ વહેલી પુરી થઈ જતી. આ કારણે જ્યાં સુધી ભાઈની પ્રેક્ટિસ પુરી ન થાય, ત્યાં સુધી દીપિકાને સેન્ટરમાં જ સમય પસાર કરવો પડતો. તે કુસ્તીની બાજુમાં જ આવેલા હોકીના મેદાનમાં છોકરીને પ્રેક્ટિસ કરતી જોઈ રહેતી. આ નાનકડી છોકરી પર કોચ આઝાદ સિંઘ મલિકની નજર પડી. આઝાદ સિંઘના માર્ગદર્શનમા ભારતની ટોચની મહિલા ખેલાડીઓ સવિતા પુનિયા તેમજ સોનિકા સહિતની ખેલાડીઓ તૈયાર થઈ ચૂકી છે. તેમણે નાનકડી દીપિકાને પણ હોકીની રમતમાં જોડવાની ઓફર કરી. નાનકડી દીપિકાએ ક્યારેય હોકી ખેલાડી બનવા વિશે વિચાર્યુ નહતુ, પણ તે અન્ય છોકરીઓની પ્રેક્ટિસ જોઈને તેે તરફ આકર્ષાઈ અને તેણે કોચ આઝાદના માર્ગદર્શનાં તાલીમ લેવાનું શરુ કર્યું.

નાનકડી દીપિકાનું હોકી પ્રત્યેનુ આકર્ષણ અને ઉત્સાહ જોઈને કોચ આઝાદે જ તેને હોકી સ્ટીકની સાથે અન્ય સાધન-સરંજામ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી આપી. ૯ વર્ષની વયથી દીપિકાની હોકી ખેલાડી તરીકેની સફર શરુ થઈ. કોચ આઝાદ સિંઘે કોચીંગની સાથે સાથે એ બાબતનું પણ વિશેષ ધ્યાન રાખ્યું કે, નાણાંના અભાવમાં તેની તાલીમનો સિલસિલો અચાનક અટકી ન પડે. પહેલવાનોના પરિવારમાંથી આવતી દીપિકા અન્ય ખેલાડીઓ કરતા વધુુ મજબુત હતી અને તેના કાંડામાં જબરજસ્ત પાવર હતો. આ જ કારણે આઝાદ સિંઘે તેને આક્રમણ પંક્તિના ખેલાડીની તાલીમની સાથે સાથે ડ્રેગ-ફ્લિકર બનાવવા માટે કમર કસી. કોચની સલાહને દીપિકાએ જરા પણ અચકાયા વિના સ્વીકારી લીધી અને નવો પડકાર ઝીલી લીધો.

ડ્રેગ-ફ્લિકરની ભૂમિકામા દીપિકાની રમત ખીલી ઉઠી. તેણે ૨૦૧૮ની સબ જુનિયર નેશનલમાં ૧૫થી વધુ ગોલ ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું. રાષ્ટ્રીય સ્તરની સફળતામાં સફળતા મેળવનારી  દીપિકાએ જુનિયર મહિલા હોકી ટીમ તરફથી યુથ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં અને ચિલીના પ્રવાસમાં નોંધપાત્ર દેખાવ કર્યો. આ પછી  ભારતની જુનિયર ગર્લ્સ વર્લ્ડ કપ ૨૦૨૧ માટેની ટીમમાં સ્થાન આપવામા આવ્યું, જ્યાં ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલ સુધીની સફર ખેડી અને તેઓ પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડ સામે હારતાં ચોથા ક્રમે રહ્યા. દીપિકાની રમત અને કૌશલ્યને જોતા તેને ભારતની 

સીનિયર ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યુ.

ભારતીય હોકી ટીમના રાષ્ટ્રીય કોચીસના માર્ગદર્શન અને તાલીમને કારણે તેની રમતમાં જબરજસ્ત સુધારો થયો. તેણે ભારતને જુનિયર મહિલા હોકી એશિયા કપમાં સુવર્ણચંદ્રક અપાવવામાં પાયારુપ ભૂમિકા ભજવી હતી અને તે જ વર્ષે તે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતની મહિલા ટીમમાં પણ સામેલ હતી. સિનિયરોની હાજરીને કારણે આ ટુર્નામેન્ટમાં દીપિકાને ખાસ તક મળી નહતી, પણ તેણે બે ગોલ પોતાના નામે કર્યા હતા. આ પછી ઓલિમ્પિકમા પ્રવેશવામાં મળેલી નિષ્ફળતાને પગલે ભારતીય હોકી ટીમમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા અને દીપિકાએ બિહારના રાજગીરમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ સર્જતાં શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ હાંસલ કરી લીધો.

માત્ર ૨૦ વર્ષની વયે દીપિકાએ તેની પ્રતિભાનો જે ચમકારો દેખાડયો છે, તે ભારતની મહિલા હોકીના આગામી સ્વર્ણિમ દિવસોની એક ઝલક સમાન જ છે. ભારતીય મહિલા હોકી ટીમને આ યુવા ડ્રેગ ફ્લિકર નવી ઊંચાઈએ પહોંચાડશે તે નિશ્ચિત મનાય છે.


Google NewsGoogle News