નીમાનું નૂતન સ્વપ્ન .
- આજકાલ - પ્રીતિ શાહ
- મારો સમુદાય હંમેશાં બીજાની છાયામાં રહ્યો. દુનિયામાં કોઈ આંતરરાષ્ટ્રીય એથલીટને જુઓ તો ખ્યાલ આવશે કે એમાં કોઈ શેરપા નથી
આ જના યુવાનો પોતાની કારકિર્દીનું ક્ષેત્ર પોતાની જાતે પસંદ કરે છે અને તેમાં પહેલાં જેવું રહ્યું નથી કે પોતાના વડીલો જે ક્ષેત્રમાં વ્યવસાય કરતા હોય, તે વ્યવસાયને આગળ ધપાવે. પારંપરિક વ્યવસાય જાળવી રાખનારા સમુદાયોમાં નવી પેઢીનો એક ખ્યાલ એવો છે કે માત્ર આ કામથી જીવનનિર્વાહ થઈ શકશે નહીં, પરંતુ કાઠમંડુમાં ૨૦૦૬માં જન્મેલા નીમા રિંજી શેરપાની વાત કંઈક અલગ છે. પિતા તાશી લકપા શેરપા અને માતા લીમા શેરપા બંને પર્વતારોહી રહી ચૂક્યા છે. નીમાના પિતા તાશી લકપા પૂર્વી નેપાળના મકાલૂ નામના ગામમાં જન્મેલા. સોળ વર્ષની ઉંમરે કામની શોધમાં કાઠમંડુ આવ્યા. તેમના બે ભાઈઓ પર્વતારોહણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તાશી લકપા શેરપા ઓગણીસ વર્ષની ઉંમરે ઑક્સિજન વિના માઉન્ટ એવરેસ્ટ પર ચડયા અને તેમનું નામ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું. નીમાના બંને કાકાના નામે પણ આવા ઘણા વિશ્વરેકોર્ડ નોંધાયેલા છે.
નીમાના પિતા અને બંને કાકાએ બે કંપની સ્થાપી, જે વિદેશી પર્વતારોહીઓ માટે પર્વતારોહણ અભિયાનનું આયોજન કરે છે, આથી નીમાને નાનપણમાં કોઈ સંઘર્ષ કરવો પડયો નથી. માતા-પિતા ઇચ્છતા હતા કે નીમા પોતાની ઇચ્છા પ્રમાણે કારકિર્દી ઘડે. નીમાએ નાનપણથી જ ફૂટબોલર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું, પરંતુ મોટા થયા પછી તેનામાં ફોટોગ્રાફી પ્રત્યે આકર્ષણ વધ્યું. પર્વતારોહણ અભિયાનમાં પર્વતારોહી પોતાની સાથે શેરપા સહાયકોને રાખે છે, જે એમને માર્ગ દર્શાવે, સામાન ઉપાડે અને તેમની પાસે તસવીરો પડાવે. નીમા અમેરિકન એથ્લેટ અને પર્વતારોહી જિમી ચિનથી ઘણો પ્રભાવિત હતો કે જે નિર્જન પહાડોની તસવીરો દ્વારા નવી નવી જાણકારી દુનિયાને આપતો. આ બધાથી પ્રેરાઈને નીમાએ પરિવારના વ્યવસાયમાં જ કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું.
કિશોર વયનો નીમા પર્વતારોહી સાથે ફોટોગ્રાફર તરીકે જોડાયો. એ અત્યંત ઉત્સાહિત હતો, પરંતુ જેમ પર્વત ચડતો ગયો તેમ તેને કંઈક અલગ અનુભૂતિ થઈ. જાણે શિખરો એને કહી ન રહ્યા હોય કે, 'તું બીજા પર્વતારોહીઓની તસવીરો પાડવા માટે નહીં, પરંતુ શેરપા તરીકે તેં જન્મ લીધો છે. તારો પોતાનો કીર્તિધ્વજ લહેરાવવા માટે તું જન્મ્યો છે. આગળ વધ અને શેરપાનો નવો ઇતિહાસ રચ.' તે જ ક્ષણે નીમાએ નક્કી કર્યું કે તે પહેલા પર્વતારોહી બનશે અને પછી ફોટોગ્રાફર! એણે જોયું કે શેરપાને લોકો સહાયકના રૂપે જુએ છે. પશ્ચિમી ગાઈડ અને શેરપા ગાઈડને મળતા પૈસામાં ઘણો તફાવત હોય છે. પાંચ હજાર મીટરની ઊંચાઈ સુધી ચાળીસ-પચાસ કિલો વજન ઉપાડનારા કુલીઓ પાસે સારા પ્રકારના પગરખાં નથી. આ બધામાંથી તેમને બહાર કાઢવાનો નિર્ધાર કર્યો.
દસમા ધોરણનું પરિણામ આવ્યા પછી નીમાએ માતા-પિતા પાસે પર્વતારોહી બનવાની મંજૂરી માંગી. તેના મનમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ પર્વતારોહી બનવાનું લક્ષ્ય સ્પષ્ટ હતું. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સોળ વર્ષની ઉંમરે નેપાળમાં હત્યારા પર્વત તરીકે કુખ્યાત વિશ્વનું આઠમું ઊંચું શિખર મનાસ્લૂથી શરૂઆત કરી. વિશ્વમાં આઠ હજાર મીટરથી ઊંચાં ચૌદ શિખરો છે. તે શિખરો એક પછી એક સર કરવા લાગ્યો. માઉન્ટ એવરેસ્ટ, કરાકોરમ, કાંચનજંઘા, લાઓત્સે, મકાલૂ, ચો ઑયૂ, ધૈલાગિરી, નંગા પર્વત, અન્નપૂર્ણા, ગશેરબ્રુમ, ગશેરબ્રુમ-૨, બ્રોડપીક અને છેલ્લે તિબેટના શીશાપાંગમા પર પોતાના મિત્ર પસાંગ નરબૂ શેરપા સાથે ૨૦૨૪ની ૯મી ઑક્ટોબરે ભારતીય સમય સવારે સાડા ત્રણ વાગ્યે ધ્વજ લહેરાવ્યો. અઢાર વર્ષ અને પાંચ મહિનાની ઉંમરે વિશ્વના આઠ હજાર મીટરથી ઊંચા ૧૪ શિખરો પર પહોંચવાની સિદ્ધિ ૭૪૦ દિવસમાં હાંસલ કરી. નાની વયે આ સિદ્ધિ હાંસલ કરવાનો વિક્રમ નીમા રિંજી શેરપાના નામે નોંધાયો.
નીમા રિંજી શેરપા કહે છે કે, 'આ રેકોર્ડ હું હેશટેગ શેરપાપાવરને સમર્પિત કરું છું. આ માત્ર મારી વ્યક્તિગત યાત્રાનો નિષ્કર્ષ નથી, પરંતુ એ શેરપાઓને સમર્પિત છે જેમણે નિર્ધારિત પારંપરિક સીમાઓથી પર જઈને સ્વપ્ન જોવાની હિંમત આપી. પર્વતારોહણ માત્ર શ્રમ નથી, પરંતુ અમારી તાકાત, દ્રઢતા અને ઝનૂનનું પ્રમાણ છે. અમે માત્ર ગાઈડ નથી. મારો સમુદાય હંમેશાં બીજાની છાયામાં રહ્યો. દુનિયામાં કોઈ આંતરરાષ્ટ્રીય એથલીટને જુઓ તો ખ્યાલ આવશે કે એમાં કોઈ શેરપા નથી. અમે હંમેશા એમનો સામાન, ભોજન અને વજન ઉઠાવતા રહ્યા છીએ. દોરડાઓ ઠીક કરતા રહ્યા છીએ. મોસમની સ્થિતિ, તેમની સુરક્ષા અને બચાવ વ્યવસ્થાનું ધ્યાન રાખતા રહ્યા છીએ, પરંતુ અમારું નામ તો ક્યાંય પાછળ રહી જાય છે, તેથી મેં નક્કી કર્યું છે કે હું માત્ર મારા માટે નહીં, પણ મારા સમુદાય માટે પર્વતારોહણ કરીશ. નાની ઉંમરમાં ઘણી વાર મૃત્યુને સામે જોયું છે, તેથી નીમા માને છે કે જીવનમાં કેટલો ઓછો સમય આપણને મળે છે અને તેને પણ આપણે ફરિયાદ કરવામાં, લડાઈ-ઝગડા કરવામાં કે નફરત કરવામાં ખર્ચી નાખીએ છીએ! શેરપાની યુવા પેઢીને તેમનો સંદેશ છે કે તેઓ પર્વતારોહીઓને સહાયક બનવાના પરંપરાગત કામથી ઉપર ઊઠીને કંઈ પણ કરી શકે છે.
કલામાં પ્રગટયો પ્રાણીપ્રેમ!
- મૌલી કહે છે કે આ સમગ્ર કામમાં સૌથી મુશ્કેલ કામ ફંડિંગનું છે. અત્યારે તેઓ ૨૮૦ કૂતરાઓની સંભાળ લઈ રહ્યા છે અને ઘણા સ્વયંસેવકો કામ કરે છે
સ માજમાં આપણી આસપાસ ઘણા લોકો પોતાનો પ્રાણીપ્રેમ અનેક રીતે દર્શાવતા હોય છે. કોઈ પ્રાણી અધિકારો માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. કોઈ વ્યાપક સ્તર પર પ્રાણીકલ્યાણનું કામ કરે છે, પરંતુ જ્યારે કોઈ કલાકાર પોતાનો પ્રાણીપ્રેમ કલા સાથે જોડે, ત્યારે તે અનોખી દ્રષ્ટિથી કામ કરે છે. લખનઉમાં રહેતી કલાકાર મૌલી મેહરોત્રા પોતાની આસપાસ રહેતા કૂતરાઓને ખાવાનું આપતી અને તેની સંભાળ લેતી. ૨૩ વર્ષની મૌલી એક વર્ષ સુધી આશરે બસો જેટલા કૂતરાઓની સંભાળ લેવા લાગી, પરંતુ ધીમે ધીમે તેને ખ્યાલ આવ્યો કે આ કામ કોઈ એક વ્યક્તિનું નથી. તેને લાગ્યું કે એને બહારગામ જવાનું થાય તો આ કૂતરાઓનું શું થાય? તેણે પોતાના આ કામને એક સંગઠનનું રૂપ આપવાનો વિચાર કર્યો. એણે આસપાસના લોકોનો સહયોગ મેળવ્યો. એણે જ્યારે સંગઠનની સ્થાપના કરવાનો વિચાર કર્યો, ત્યારે તેને આ અંગે કોઈ માહિતી નહોતી કે એને સોસાયટી બનાવવી છે, ટ્રસ્ટ બનાવવું છે કે સેક્શન આઠ અંતર્ગત સૂચિબદ્ધ કરવું છે, પરંતુ ધીમે ધીમે તે શીખતી ગઈ અને તેમાંથી ધ કાઈન્ડ અવર ફાઉન્ડેશનનો જન્મ થયો.
મૌલી કહે છે કે કલાકાર હોવાથી એક અસ્થિર કાર્યક્ષેત્રમાંથી એવા જ બીજા કાર્યક્ષેત્રમાં તેને જવાનું હતું. હૈદરાબાદની નેશનલ ઍકેડેમી ઑફ લિગલ સ્ટડીઝ ઍન્ડ રીસર્ચ અર્થત્ નાલસાર યુનિવર્સિટીમાંથી પશુ સંરક્ષણ કાનૂનમાં માસ્ટર ડિગ્રી મેળવી. આ અભ્યાસથી ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રાણીકલ્યાણ આંદોલનોની અમૂલ્ય માહિતી મળી અને આ વિષયમાં ઊંડાણથી સમજ મળી. તે કહે છે કે દરેક પ્રાણી પ્રેમ મેળવવાને પાત્ર છે, પરંતુ કૂતરાઓ આપણા સૌથી નજીકના સાથી છે, તેથી પહેલા તેના પર તેણે ધ્યાન કેન્દ્રિત કર્યું. મુંબઈના ફિલ્મ નિર્માતા અમનની મૌલી સાથે લખનઉમાં મુલાકાત થઈ અને તેણે આ કામમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે મૌલીને કહ્યું કે તેઓ પણ કોઈ એનજીઓ સાથે જોડાઈને આવું કોઈ કામ કરવા માગતા હતા. બંને કલાકાર એક વાત પર સંમત હતા કે કલા દ્વારા પ્રાણીકલ્યાણનું કામ સરસ રીતે કરી શકાય અને તેને માટે મૌલીએ એક અનોખી પદ્ધતિ શોધી. તેણે વિચાર્યું કે સ્ટ્રીટ આર્ટ અભિવ્યક્તિનું એક શક્તિશાળી માધ્યમ છે જેને લોકો સુધી પહોંચાડી શકાય છે. તે દીવાલો પર કૂતરાઓનાં ચિત્રો દોરે છે. મૌલીના સ્ટ્રીટ મ્યૂરલે લખનઉ અને એની આસપાસના વિસ્તારમાં ઘણો પ્રભાવ પાડયો છે. લખનઉની એક પુરાણી સરકારી ઈમારત પર તેણે દોરેલા કૂતરાના ચિત્ર માટે ઘણી સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી. ઋષિકેશમાં હોસ્ટેલમાં ભીંતચિત્ર દોર્યું તેને ચાર વર્ષ થયા. લોકો આજેય તેને પસંદ કરે છે.
મૌલી અને અમન બાળકોને કલા દ્વારા પ્રાણીઓ વિશે, તેની ભાવનાઓ અને તેમના દર્દ વિશે શીખવે છે. તે અંગેનો અભ્યાસક્રમ, અભ્યાસ માટેની સામગ્રી અને વાર્તાઓ બનાવીને તેમને સમજાવે છે કે તેઓની પણ માનવી જેવી અનુભૂતિ હોય છે અને પ્રાણી કલ્યાણ અંગે શીખવે છે. તેઓ સ્કૂલમાં આ અંગે વર્કશોપ કરે છે. એક સ્કૂલમાં તેની દીવાલ પર ચિત્ર દોર્યું અને બાળકોને તેમાં સામેલ કર્યા. લિટલ મિલેનીયમ સ્કૂલમાં પાંચ વર્ષના બાળકો સાથે એક મહિનો ઘણી મોજમસ્તીવાળી અને અન્ય પ્રવૃત્તિઓ કરાવી. પ્રાણીઓ અને માનવીઓ એકબીજા સાથે ખુશીથી કેવી રીતે રહી શકે તેનું નાટક બનાવ્યું અને સ્કૂલના વાષકોત્સવમાં બાળકોએ માતા-પિતા સમક્ષ ભજવ્યું. અતિશય ઠંડીમાં તેઓ કૂતરાઓ માટે એક હજાર બોરી બેડ બનાવે છે અને દસ બેડના એક હજાર રૂપિયાના દાન માટે અપીલ કરે છે. અતિશય ગરમીમાં ઠેર ઠેર પાણીના મોટા કૂંડા મૂકે છે. બી કાઈન્ડ નામના બુક માર્ક
બનાવે છે.
ધ કાઈન્ડ અવર ફાઉન્ડેશન માત્ર પ્રાણીઓને બચાવે છે અને તેની સંભાળ લે છે એટલું જ નહીં પરંતુ તેના કાયમી ઉકેલ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ કહે છે કે જો પ્રત્યેક વ્યક્તિ એક રખડતાં કૂતરાની સંભાળ લે તો આશ્રયસ્થાનની જરૂર ન રહે. ફાઉન્ડેશન સ્થાનિક સમુદાયો સાથે મળીને રસ્તા પર રહેતા પ્રાણીઓની જવાબદારી લેવાનું પ્રોત્સાહન આપે છે. તો સ્થાનિક પશુચિકિત્સક સાથે મળીને ભોજન અને તેની સારવાર કરાવે છે. આ પ્રાણીઓમાં ટયૂમર અને લકવા જેવા રોગમાં લાંબી સારવાર કરવી પડે છે. મૌલી કહે છે કે આ સમગ્ર કામમાં સૌથી મુશ્કેલ કામ ફંડિંગનું છે. અત્યારે તેઓ ૨૮૦ કૂતરાઓની સંભાળ લઈ રહ્યા છે અને ઘણા સ્વયંસેવકો કામ કરે છે. તેઓ સ્કૂલો, કોર્પોરેશન, પોલીસ અધિકારીઓ, કલ્યાણ સંઘો સાથે શૈક્ષણિક વર્કશોપનું આયોજન કરે છે. દરેક પ્રાણીને શાંતિથી જીવવાનો અને પ્રેમ પામવાનો અધિકાર છે, એમ માનનારી મૌલી પોતાની કલા દ્વારા પ્રાણીકલ્યાણનું કામ કરે છે. જાણીતા કલાકાર અર્નેસ્ટનું માનવું છે કે સ્ટ્રીટકલા આર્ટ ગેલેરીમાંથી બહાર નીકળીને લોકોના રોજિંદા જીવનમાં પ્રવેશે છે. જેને સહુ કોઈ જોઈ શકે છે અને અનુભવ કરી શકે છે.