સત્સંગ સભામાં ભગવાન શ્રીકૃષ્ણ અને બ્રહ્મજ્ઞાની ઉદ્ધવજી
- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
- પહેલાં મન વિષયોમાં જાય છે. મન વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે અને ત્યારે વિષયો સૂક્ષ્મરૂપે મનમાં આવે છે...
આ પણી સત્સંગ સભામાં વિભૂતિઓ અને મહાત્માઓએ પ્રશ્નોના આપેલા ઉત્તરો જોયા. એમની વિચારધારાનો અને ઉપદેશોનો અર્ક પામ્યા. આજે આપણી સત્સંગ સભામાં એક અનોખા, વિરલ સંવાદને જોઈએ. આ વિરલ સંવાદ છે ભગવાન શ્રીકૃષ્ણ અને એમની સાથે પરમ આત્મીય સંબંધ ધરાવનાર એવા એમના સલાહકાર, સંદેશવાહક અને રહસ્યમંત્રી ઉદ્ધવજી સાથેનો. આમ તો સંબંધથી કૃષ્ણના કાકાના પુત્ર ઉદ્ધવજી હતા. તેઓ તત્વજ્ઞાની અને બ્રહ્મસંપન્ન હતા.
'શ્રીમદ્ ભાગવત'માં આપણે જોઈએ છીએ કે મથુરા આવેલા શ્રીકૃષ્ણ ગોકુળનું સ્મરણ થતાં ભારે ઉદાસીનતા અનુભવે છે. તેમને ગોકુળના ગોપ-ગોપીઓ, ગોકુળવાસીઓ, ગોકુળની પ્રકૃતિ, એના તોફાન, યમુના - એ સઘળું યાદ આવે છે અને એ વખતે શ્રીકૃષ્ણનાં ચહેરા પરની ગમગીની જોઈને ઉદ્ધવ વ્રજમાં જાય છે અને વ્રજવાસીઓને શ્રીકૃષ્ણનો સંદેશો આપે છે અને એથીયે વિશેષ તો પ્રેમઘેલી ગોપીઓને સમજાવવાનો પ્રયત્ન કરે છે.
આ સમયે ગોપીઓ તો પોતાનો કૃષ્ણ, કનૈયો, આ અમારો માખણચોર, આ અમારો મનમોહક, આ અમારો ઉદ્ધારક, આ અમારો પ્રેમી, આ અમારો સખા એમ કહીને કૃષ્ણને યાદ કરીને આંસુ સારે છે, ત્યારે જ્ઞાની ઉદ્ધવજીને સમજાય છે કે, 'જો ઈશ્વર સાથે પ્રેમનું બંધન હોય તો ભક્તને બીજા કોઈ જ્ઞાનની જરૂર નથી.' ઉદ્ધવ શ્રીકૃષ્ણનો સંદેશો આપવાનું પણ ભૂલી જાય છે અને ગોપીઓનો અગાધ પ્રેમ જોઈને કહે છે કે, 'શ્રીકૃષ્ણનો હું સૌથી મોટો ભક્ત છું એવો મારો ભ્રમ આજે ભાંગી ગયો.' વ્રજનાં ગોપ-ગોપીઓનું રોમેરોમ અંદર અને બહારથી કૃષ્ણમય છે અને બ્રહ્મજ્ઞાની ઉદ્ધવ આવા બ્રહ્મગામી ઉદ્ધવને નિમિત્ત બનાવીને શ્રીકૃષ્ણે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગની સમજ આપી.
શ્રીકૃષ્ણ નિજધામમાં જવા તૈયાર થયા, ત્યારે વ્યાકુળ ઉદ્ધવને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરે છે અને ઉદ્ધવજીની જિજ્ઞાસાનાં પ્રશ્નોનું નિરાકરણ કરે છે. આ સંદર્ભમાં એક વાર શિષ્ય એકનાથજી એમના ગુરૂ જનાર્દન સ્વામી સાથે ચંદ્રભટ નામના તપોનિષ્ઠ બ્રાહ્મણને ત્યાં રોકાયા હતા. રાત્રે ફળાહાર પછી ચંદ્રભટે ચતુઃશ્લોકી ભાગવતનું સુંદર નિરૂપણ કર્યું. આ સમયે જનાર્દન સ્વામીએ પોતાના શિષ્ય એકનાથજીને કહ્યું કે, 'આ ગ્રંથનું જ્ઞાન માત્ર સંસ્કૃત જાણનારા લોકો પૂરતું મર્યાદિત રાખવા યોગ્ય નથી. તું આ ચતુઃશ્લોકી ભાગવત પર મરાઠી ભાષામાં ટીકા લખ. આ ચતુઃશ્લોકી ભાગવત એ શ્રીમદ્ ભાગવતના કલ્પતરૂના બીજ સમાન છે. જેમાં પરમાત્મ તત્વ અર્થાત્ બ્રહ્મતત્વ, માયાતત્વ, જગતતત્વ અને આત્મતત્વનું નિરૂપણ છે.'
પોતાના ગુરૂના આદેશને શિરોધાર્ય કરીને સંત એકનાથે મરાઠી ભાષામાં પંદરસો ઓવિઓમાં 'એકનાથી ભાગવત'ની રચના કરી. છ મહિનાનાં લેખન બાદ વિ. સં. ૧૬૨૮ના કારતક સુદ ૧૫ને સોમવારે ગ્રંથ પૂર્ણ થયો અને તેમાં મળતા શ્રીકૃષ્ણનો ઉદ્ધવજી સાથેનો સંવાદ એ આજના વર્તમાન વિશ્વને પણ માર્ગદર્શક છે.
સૌ પ્રથમ જે જિજ્ઞાસા પ્રગટ કરવામાં આવે છે, તે એ છે કે માનવીને એના જીવનમાં પૂર્ણ શાંતિનો અનુભવ કેવી રીતે અને ક્યારે થાય ? આજે જગતમાં સહુ કોઈ શાંતિ શોધે છે. મોટાભાગની વ્યક્તિઓનું જીવન અશાંતિથી પારાવાર પીડાઈ રહ્યું છે અને ત્યારે બ્રહ્મજ્ઞાની ઉદ્ધવને શ્રીકૃષ્ણએ આપેલો ઉત્તર જોઈએ.
શ્રીકૃષ્ણ કહે છે કે, 'દુઃખનો નાશ કરવા માટે મનને વશ કરવું આવશ્યક છે. મન સિવાય આ જગતમાં બીજું કોઈ દુઃખદાયક નથી. મન અતિશય ચંચળ છે. તે સહેજમાં નિશ્ચળ નહીં થાય. મનને વિવેકની બેડીથી અહર્નિશ બાંધેલું રાખવું. મન વિકલ્પ કરે કે મનને શિક્ષા કરનાર વિવેક સાથે જ જઈને તેનો વિકલ્પ છોડાવે. મન અધર્મમાં પ્રવૃત્ત થાય કે વિવેક તેને અટકાવે. મન કામ-ક્રોધની પાસે જાય કે વિવેક તેને પકડી રાખે. મન નિંદા કરે કે વિવેક તેને સીધું દોર કરે. મન વિષયમાં દોડે કે વિવેક એના પર વૈરાગ્યરૂપ લાકડીથી પ્રહાર કરે. પછી મનનો ઝઘડો સદ્ગુરૂ પાસે આવતા સદ્ગુરૂ તેને અદ્વૈતરૂપ વાડામાં પૂરે છે. તે જગ્યા જેણે જોઈ તેનો સ્વભાવ નષ્ટ થાય છે. દેહભાવ જતો રહે છે ને બ્રહ્મસ્વરૂપ થઈ રહે છે. સોનાના નાગની ફેણ, પૂંછડી વગેરે સોનાની જ છે, તેમ પૂર્ણ બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન થયા પછી મનનું મનપણું રહેતું નથી; એવી વિવેકરૂપ યુક્તિથી મારામાં મનને પ્રવેશ કરાવીને ત્યાંથી ચલાયમાન ન થવા દેવું તેનું નામ મનોનિગ્રહ છે. મનોનિગ્રહ કરી લેવાથી, ઉત્પન્ન થયેલી ભેદબુદ્ધિનો ભ્રમ દૂર થાય છે અને અદ્વૈતભાવમાં સ્થિતિ કરે છે. આમ યોગસંગ્રહથી પૂર્ણશાંતિ હસ્તગત થવાથી, સુખદુઃખાદિ દ્વંદ્વોનાં બંધન રહેતાં નથી.
આ રીતે 'એકનાથી ભાગવત'માં ઉદ્ધવજીને શ્રીકૃષ્ણ મનની ચંચળતાની વાત કરે છે અને એના દ્વારા જ માનવીનું જીવન દુઃખમય બને છે, એનામાં ભેદબુદ્ધિ જાગે છે અને એનો વિવેક નાશ પામે છે. આ ઉત્તરના અનુસંધાનમાં શ્રીકૃષ્ણને જ્ઞાની ઉદ્ધવજી વળતો સવાલ કરે છે કે, 'મન વિષયોમાં જાય છે કે વિષયો મનમાં જાય છે ?' કોણ પહેલું ક્યાં જાય છે તેનો એમને તાગ મેળવવો છે અને એના ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે.
'પહેલાં મન વિષયોમાં જાય છે. મન વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે અને ત્યારે વિષયો સૂક્ષ્મરૂપે મનમાં આવે છે. ઉદ્ધવ ! વિષયો મનમાં આવે એ જ બંધન કરે છે. ઉદ્ધવ ! તારા મનને તું સાચવજે. વાણી ઉપર તું અંકુશ રાખજે. સંસારનું ધ્યાન કરવાથી જે મન બગડયું છે તે મન પરમાત્માનું ધ્યાન કરે તો
સુધરે છે.'
હવે એ પછીની જિજ્ઞાસા. આ જગતમાં આપણે ગરીબ કોને કહીએ છીએ ? જે નિર્ધન હોય તેને ગરીબ કહેવામાં આવે છે. જેની પાસે જીવન જીવવાની જરૂરિયાતોનો અભાવ હોય એને ગરીબ કે દરિદ્ર ગણવામાં આવે છે, ત્યારે અહીં ઉદ્ધવજીએ ધાર્મિક રીતે શ્રીકૃષ્ણને પૂછયું કે, 'દરિદ્રનું લક્ષણ શું છે ?' અને શ્રીકૃષ્ણ એનો માર્મિક ઉત્તર આપે છે કે,
'જે અસંતુષ્ટ છે તે જ દરિદ્ર છે. જે અજિતેન્દ્રિય છે તે કૃષ્ણ છે. ગાંઠમાં કોટિ ધન હોવા છતાં જેને સંતોષ નથી, તે મહાદરિદ્રી છે. જે પેટ પૂરતું ખાતો નથી અને સદા લોભવૃત્તિ રાખે છે તે પણ દરિદ્રી છે. જેની પાસે ધન નથી છતાં નિરંતર સંતોષથી રહે છે તે ખરેખરો સંપન્ન છે. રાજાના નોકરની માફક જે ઈન્દ્રિયોનો દાસ થાય છે તે કૃપણ છે.'
આવી જ રીતે એક બીજો મજાનો પ્રશ્ન જ્ઞાની ઉદ્ધવજી શ્રીકૃષ્ણને પૂછે છે કે, 'આ જગતમાં કોઈ પંડિત જોવા મળે છે અને કોઈ મૂર્ખ જોવા મળે છે, કોઈ સુખી જોવા મળે છે તો કોઈ દુઃખી જોવા મળે છે. તો ખરેખર આપની દ્રષ્ટિએ સુખી કોણ અને દુઃખી કોણ ? પંડિત કોણ અને મૂર્ખ કોણ ?' એના ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે કે,
'સકળ સામ્રાજ્યનો વૈભવ મળે કે ચૌદ ભુવનના વિલાસ મળે, તેમ છતાં તે તરફ જુએ નહીં એવી નિરપેક્ષતા તે જ ખરી લક્ષ્મી છે. સુખ અને દુઃખ બંનેની ગાળી સ્વાનંદ તે જ ભોગવે છે, તેનું નામ જ સુખ છે. તેને ઈન્દ્રિયો અને વિષયોની ગરજ નથી. તે બંનેની અપેક્ષા રાખ્યા સિવાય સુખ ભોગવે છે, બંધ તથા મોક્ષને માત્ર અનુમાનથી નહીં, પણ અલૌકિકપણે જાણનાર પંડિત છે. જેને શાંતિ સમાધાન અને બંધ - મોક્ષનું યથાર્થ જ્ઞાન છે, તે પંડિત છે, માત્ર શબ્દજ્ઞાની પંડિત નથી. લોકમાં વેદ ન જાણનાર મૂર્ખ કહેવાય, પણ નશ્વર દેહમાં અહંબુદ્ધિ જેને છે, તે જ ખરો મૂર્ખ છે. દેહની ઉત્પત્તિ અને બુદ્ધિ મલિન પદાર્થથી થઈ છે. વિષ્ટા, મૂત્ર, અસ્થિ અને ચર્મ વગેરેેથી બનેલા દેહને પોતાનું સ્વરૂપ માની પ્રસન્ન થનાર મૂર્ખ છે.'
આ સંદર્ભમાં માનવીની અહંબુદ્ધિ એ મમત્વ બુદ્ધિને દર્શાવે છે એટલે કે આ મારો દેહ છે, આ મારું ઘર છે એના વિશે અભિમાન કરનાર મૂર્ખ છે. જ્યારે માત્ર વિદ્વાન હોય તે પંડિત નથી, પરંતુ આનો અર્થ એ છે કે, 'જે બંધનમાંથી મુક્ત થવાનું જાણે છે અથવા તો બંધન અને મોક્ષ બંનેને જાણે છે એ જ સાચો પંડિત છે.'
આમ એ પછી એક વિશેષ જિજ્ઞાસા પ્રગટ કરતા જ્ઞાની ઉદ્ધવજી કહે છે કે, 'સ્થૂળ અને સૂક્ષ્મ દેહથી અળગો એ આત્મા કેવો છે, જેના ઐક્યથી બધાં શરીરોને સમાન સુખ-દુઃખ થાય છે ?' આ સંદર્ભમાં 'એકનાથી ભાગવત'માં શ્રીકૃષ્ણ દ્વારા મુકાયેલી વિચારધારાને જોઈએ. તેઓ કહે છે કે,
'જેમ દાહક અને પ્રકાશક અગ્નિ દાહ્ય અને પ્રકાશ્ય લાકડાથી જુદો છે. તેમ દ્રષ્ટા અને સ્વપ્રકાશ આત્મા દ્રશ્ય અને જડ એવા સૂક્ષ્મ દેહથી વિલક્ષણ છે. એકનાથજી સમજાવે છે, 'અગ્નિ કાષ્ઠ (લાકડા)માં વસે છે, તેથી તે કાષ્ઠ થતો નથી, તેમ આત્મા દેહમાં વસવાથી દેહ થતો નથી. કાષ્ઠની સાથે કાષ્ઠને ઘસવાથી અગ્નિ પ્રગટ થઈ કાષ્ઠને બાળે છે, તેમ બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ થાય છે કે દેહભાવના બળી જાય છે. એક ઠેકાણે હોવા છતાં દાહક અને દાહ્ય ભિન્ન છે, તેમ પ્રકાશ્યથી પ્રકાશનાર ભિન્ન છે. અગ્નિ કાષ્ઠમાં વ્યાપક છે, છતાં કાષ્ઠના યોગે તેને નામરૂપ, જન્મ વગેરે વિકાર પ્રાપ્ત થાય છે, તેમ આત્મા નિત્ય વ્યાપક હોવા છતાં દેહયોગે તેમાં ભ્રમથી વિકાર જણાય છે. આ જ દ્રષ્ટાંતથી આત્માનું નિત્યત્વ, અનાદિત્વ, વિમુકતત્વ, એકત્વ ઈત્યાદિ સિદ્ધ થાય છે તેમ ભગવાન કહે છે.'
આ સત્સંગ સભા અનોખી અને અદ્વિતીય છે, જેમાં બ્રહ્મજ્ઞાની ઉદ્ધવજીની જિજ્ઞાસાનો સ્વયં ભાગવત શ્રીકૃષ્ણને ઉત્તર આપ્યો છે અને સંત એકનાથે પોતાના ભાગવત ગ્રંથમાં એ પ્રગટ કર્યો છે. આવી કેટલીય ગહન જિજ્ઞાસાઓ અને એના ભગવાન શ્રીકૃષ્ણએ આપેલા ઉત્તર વિશે હવે પછી જોઈશું.