Get The App

આપણે એકલા હોઈએ ત્યારે પણ વિચારોનો ઘોંઘાટ ચાલતો રહે છે

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
આપણે એકલા હોઈએ ત્યારે પણ વિચારોનો ઘોંઘાટ ચાલતો રહે છે 1 - image


- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ

'નિરપેક્ષ મૌન તો સ્વપ્ન જ છે. આપણે એકલા હોઈએ ત્યારે પણ આપણા  હૃદયના ધબકાર, શ્વાસની આવનજાવન, રક્તનો સરસરાટ અને વિચારોનો ઘોંઘાટ તો સંભળાય જ છે. પછી તે ઉત્તર ધ્રુવ હોય કે એવરેસ્ટ..'

આ દિવડાં જેવા શબ્દો છે અરલીન્ગ કાગ્ગેના.. વરસો પહેલા, એક શિયાળાના હિમાલય પ્રવાસમાં તેને મેં વાંચેલો. આ શિયાળામાં તેનું હૂંફાળું સ્મરણ થયું.

અરલીન્ગનો જન્મ ઓસ્લો નોર્વેમાં (૧૫.૦૧.૧૯૬૩) જબરજસ્ત ખોજી અને સાહસિક, સારો લેખક પણ ખરો અને ફિલસુફ જેવી દ્રષ્ટિ પણ ખરી. વિશ્વનો પ્રથમ વ્યક્તિ જેણે ત્રણ ધ્રુવો સર કર્યા છે ઃ- ઉત્તર-દક્ષિણ ધ્રુવ અને માઉન્ટ એવરેસ્ટ. બોર્જ આઉસલેન્ડ સાથે (અન્ય કોઈ મદદ વિના) ૫૮ દિવસમાં ૮૦૦ કિ.મી સ્કી-સ્લેજથી તેઓ ઈ.સ ૧૯૯૦માં ઉત્તર ધ્રુવ પહોંચ્યા. ત્યારબાદ ઈ.સ. ૧૯૯૨-૯૩માં તે સાવ એકલો, કોઈ મદદ વિના, અરે રેડીઓ સંપર્ક પણ ન હતો. તે ૧૩૧૦ કિ.મી.માત્ર ૫૦ દિવસમાં પસાર કરે છે અને દક્ષીણ ધ્રુવ સર કરે છે. આની વિશેષતા તે હતી કે રઝળપાટમાં સંપર્ક, સંવાદ, સહાય ન હતી. અને છેલ્લે ઈ.સ ૧૯૯૪ તેણે  એવરેસ્ટ પણ સર કર્યું. તેના શિખર પર પહોંચીને પાંચમી મિનિટે તેને વિચાર આવેલો કે 'અરે, પાછા તે નર્કમાં જવાનું ?' એમ લાગે છે કે આ સુપર હ્યુમન સાહસો દરમ્યાન તેને એકાંત-મૌન નામનો અદ્દભુત અલૌકિક વ્યાધિ લાગુ 

પડયો હશે.

આમ તો માનવજીવન એટલે જાતની શક્યતાઓ, ક્ષમતાઓ અને સંભાવનાઓનો સાક્ષાત્કાર કરવો. કમનસીબે, જાત સાથે-સામે બેસીને તેને સંભાળવી, સમજવી અને પામવી એ એવરેસ્ટને સર કરવાથી પણ વધારે  દુર્લભ સિદ્ધિ છે. બ્લેઝ પાસ્કલ કહેતા માનવ જાતની બધી સમસ્યાઓનો પ્રારંભ તેમના અંગત ખંડમાં મૌન બેસવાની નબળાઈથી થાય છે. કદાચ, બ્રહ્માંડના સત્યો મૌનમાં છુપાયેલા છે. માનવીય મન જ્યારે સંદેહો અને સવાલો, મહત્વકાંક્ષા અને શુદ્રાકાંક્ષાથી ઉભરાય છે ત્યારે જરૂર હોય છે એવરેસ્ટ જેવી જાજરમાન  સ્થિરતા અને ધુ્રવ જેવા અસીમ અને પ્રગાઢ  મૌનમાં જઈને જાત સાથે બેસવાની. અરલીન્ગ તો કહે છે, 'એકની સામે બીજું ચરણ મૂકો, એક ઉપાડીને બીજું મુકો, એટલે દક્ષિણ કે ઉત્તર ધુ્રવ ! ત્યાં બધું સમાવી લેતી નિઃસ્તબ્ધતા. ત્યાંના અવકાશનો ધ્વનિ ડરામણો કે ધમકીભર્યો નથી પણ  શાતાદાયક છે. ત્યાં ચાલવું એ શારીરિક નથી પણ માઈન્ડ ગેમ છે. તે ઉંદર કોળીએ, કોળીએ હાથીને ખાઈ જાય તેવો ઘાટ છે. તેણે આ સાહસોમાં અંદર અને બહારનું મૌન, આકાશ અને ક્ષિતિજની વાતો સાંભળી છે, જીવન અને મૃત્યુની દોસ્તી જોઈ છે. ન્યૂયોર્ક ટાઈમ તેને 'ફિલોસોફીકલ એડવેન્ચરર અને એડવેન્ચરસ ફિલોસોફર' કહે છે. ચાલો, આપણે પણ ક્યાંક જીવન, આસ્થા અને વિસ્મય લઈને ઘોંઘાટથી દૂર નીકળી પડીએ  

આપણો બધો જ ઃ  

રઘવાટ છોડીને સ્થિર થઈએ.

કલબલાટ છોડીને શાંત થઈએ. 

તલસાટ છોડીને સ્વસ્થ થઈએ.


Google NewsGoogle News