મંગળ પર માનવ વસાહત .
- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
- એલોન મસ્કે જમીન અને દરિયા પરના પ્લેટફોર્મ પર રોકેટ ગોઠવવાની સિદ્ધિ પહેલાં હાંસલ કરી, જે હવે એમના સ્પેસ શીપને લગભગ પ્લેનની માફક ઉડાડી શકે છે...
અન્ય સહુને અશક્ય લાગે એવી પ્રબળ મહત્ત્વકાંક્ષાને સિદ્ધ કરવા માટે જીદ અને ઝનૂન ધરાવનારાઓએ આ જગતને પોતાની આશ્ચર્યજનક સિદ્ધિથી તાજ્જુબ કરી દીધું છે ! અબજોપતિ એલોન મસ્ક એક એવું વ્યક્તિત્વ ધરાવે છે કે જે અશક્ય પર આંખ માંડે છે અને એને સિદ્ધ કરવા માટે પોતાની સઘળી શક્તિ, સમજ અને સમૃદ્ધિ કામે લગાડે છે. વિખ્યાત વિજ્ઞાાની અને વિદ્યુતના શોધક થોમસ એડિસનની જેમ એ એના ઉત્પાદનો નટ્સ અને બોલ્ટ્સ પર નેવું ટકા સમય વીતાવે છે. તો મોટરકાર ઉત્પાદક હેન્રી ફોર્ડની જેમ એ માત્ર ઉત્પાદનનો જ મહિમા કરતો નથી, પરંતુ ફેક્ટરીનું વિશેષ મહત્ત્વ સમજે છે અને તેથી ઉત્પાદન બનાવવા કરતા નવીન પદ્વતિઓ દ્વારા નવીન ઉત્પાદનો સર્જવાનો આગ્રહ રાખે છે. સ્ટીવ જોબ્સની જેમ એ સતત ભૌતિકશાસ્ત્ર પરના અદ્યતન પાઠો વાંચતો રહે છે.
વળી એમનાં ઉત્પાદનો કોઈ લેબોરેટરી કે ગેરેજમાં રચાયેલા ડિજીટલ કારનામા નથી, પરંતુ કાર, બેટરી અને રોકેટ જહાજો જેવા ભૌતિક ઉત્પાદનોની રચનામાં એલોન મસ્કને રસ છે અને એથી જ વિશ્વને ઈલેક્ટ્રીક કારના યુગમાં એ લઈ ગયો છે અને કાર્બનમુક્ત વીજળીના યુગની શરૂઆત કરી. દક્ષિણ આફ્રિકામાં પોતાની બાલ્યાવસ્થામાં માનસિક અને શારીરિક હિંસા સહન કર્યા પછી કોઈ પણ કાર્યમાં આવનારા જોખમની ગણતરી કરવાની એની પાસે સામાન્ય માનવી કરતા વિશેષ માનસિક ક્ષમતા છે. તો એની સાથે સહન કરવાની ભાવનાત્મક ક્ષમતાઓ પણ વિશેષ છે. એની મહત્ત્વકાંક્ષા છે કે આ ગ્રહ પર માનવજીવન વધુ સ્વસ્થ અને સ્થાયી બનાવવું. પૃથ્વી પરના મનુષ્યને અવકાશયાત્રા કરતી પ્રજાતિમાં ફેરવી નાખવી.
એક સમયે કિશોરાવસ્થામાં કેનેડામાં એક દિવસમાં એક ડોલર પર જીવતા એલોન મસ્ક આજે અબજોપતિ બની ગયા છે. બાળપણમાં અનેક પડકારો ઝીલનાર એલોન મસ્કને દીવાસ્વપ્ન જોવાની ટેવ હતી. એની માતા મેય મસ્કને તો એમ લાગ્યું હતું કે, 'આ છોકરો બહેરો થઈ ગયો છે, કારણ કે ગમે તેટલું કહીએ, છતાં કશું એના મગજમાં ઉતરતું નથી.' હકીકતમાં સમય જતાં ખબર પડી કે એનું મગજ તો કોઈ બીજી દુનિયામાં વિહરે છે, નવા પ્રકારના રોકેટ બનાવવાનાં વિચારો કરે છે અને એ વિચારોને પરિણામે જ મસ્કે આજે અવકાશયાત્રાનો ઈતિહાસ બદલી નાખ્યો છે.
વિશાળ ક્રેન ધીરજથી રાહ જોતી હતી, કારણ કે એક છેડે સળગતું વિશાળ રોકેટ બુસ્ટર આકાશમાં ધસી આવ્યું હતું અને જાણે એના પર ઠંડું પાણી રેડવામાં આવ્યું હતું. એને શાંત કરવામાં આવ્યું અને તે યાંત્રિક હાથોમાં સમાઈ ગયું હતું. એલોન મસ્ક અને એની કંપની સ્પેસ એક્સે અવકાશી સફરની શક્યતાને સાકાર કરી, તેનું આ આજનું ચરણ છે. એને માટે આ કાર્ય બેધારી તલવાર જેવું હતું. જો એ નિષ્ફળતા મેળવે તો માનવીની અવકાશી સફરમાં અવરોધ ઊભો થાય અને એને ભારોભાર ટીકાઓનો સામનો કરવો પડે, પણ સ્પેસ ઠ એનાં ધ્યેયો સિદ્ધ કરવામાં સફળતા મેળવી.
એના સ્ટારશીપની સફળતાએ જગતને નવી વિચારધારા આપી. બુસ્ટર સ્પેસ એક્સના સૌથી મોટા જહાજ સ્ટાર શીપને એક પરીક્ષણમાં ભ્રમણકક્ષાની સફરમાં અવકાશમાં ધકેલીને પરત મેળવ્યું હતું અને એ સમયે મસ્કે પોતાની ભાવિ આકાંક્ષા પ્રગટ કરતા કહ્યું કે, 'સ્ટારશીપ એકાદ વર્ષમાં તો મંગળના ગ્રહમાં પહોંચી જશે. પહેલા એ માનવરહિત જશે પછી એ માનવસહિત અવકાશયાત્રા કરશે અને સમય જતાં મંગળમાં પોતે એક કોલોની સ્થાપશે.' આમ તો આજે આ વાતને સ્વીકારવી થોડી મુશ્કેલી લાગે, પરંતુ મંગળમાં વસાહત સ્થાપવાના એના ખ્યાલને માટે એણે અત્યાર સુધીમાં એક તૃતિયાંશ રસ્તો તો પસાર કરી દીધો છે. વળી હવામાં જ વેગ આપીને અને તેને બરાબર ગોઠવીને સ્પેસ એક્સ દ્વારા સ્ટારશીપ મોકલવાનો ખર્ચ ઓછો થશે અને એ વારંવાર મોકલી શકાશે.
બિલ ગેટ્સ અને જૈફ બેઝોસની જેમ એલોન મસ્ક પાસે કાર્ય કરવાનું ઝનૂન છે, જે એને અને એના સાથીદારોને પાગલ બનાવતું રહે છે અને અશક્ય લાગતી વસ્તુઓ શક્ય બનાવવા માટે પ્રેરિત કરે છે. બીજા અર્થમાં તો બેન્જામિન ફ્રેન્કલિન અને લીયોનાર્ડો દ વિન્ચીની જેમ એની પાસે એક રમતિયાળ જિજ્ઞાાસા છે, જેને એ અશક્ય લાગતી વસ્તુઓ માટે પ્રેરિત કરે છે અને તેથી જ એ નવા નવા 'પેટર્ન' સર્જે છે અને તેનું એકલે હાથે પરીક્ષણ પણ કરે છે અને એ રીતે પોતાની દરેક મહત્ત્વાકાંક્ષાને એના લક્ષ્ય પ્રતિ એક એક પગલું આગળ ધપાવે છે.
હકીકતમાં એણે જ્યારે પોતાના અવકાશયાત્રાના વિચારો પોતાના એન્જિનિયર સામે પ્રગટ કર્યા, ત્યારે એ એન્જિનિયરોએ પણ માન્યું કે એલોન મસ્ક 'ક્રેઝી' થઈ ગયા છે. એલોન મસ્કે જમીન અને દરિયા પરના પ્લેટફોર્મ પર રોકેટ ગોઠવવાની સિદ્ધિ પહેલાં હાંસલ કરી, જે હવે એમના સ્પેસ શીપને લગભગ પ્લેનની માફક ઉડાડી શકે છે અને પાછું લાવી શકે છે. એ હકીકત છે કે એલોન મસ્ક પોતાની સિદ્ધિઓને અતિશયોક્તિથી વર્ણવવામાં કાબેલ છે, પણ સાથોસાથ એ મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટેનાં એના પ્રયત્નોએ એના વિરોધીઓને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. એ પહેલા પોતાના સાથીઓ અને કર્મચારીઓ સમક્ષ અશક્ય લક્ષો નક્કી કરે છે અને પછી તેને પ્રાપ્ત કરે છે, તેથી સહુ કોઈ એનો યશ એલોન મસ્કને આપે છે.
આ દ્રષ્ટિએ એલોન મસ્ક સ્ટીવ જોબ્સ જેવો છે, જેણે એપલ દ્વારા પોતાની એક આગવી છબી ઊભી કરી હતી. સંશોધક તરીકે વિશ્વવ્યાપી નામના મેળવી હતી અને પોતાની કંપનીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બનાવી હતી. જોકે સ્ટીવ જોબ્સે પોતાની પ્રતિભાને ઉત્પાદનનાં ક્ષેત્ર સુધી જ મર્યાદિત રાખી હતી. જ્યારે મસ્ક પાસે તો નવાં સંશોધનનાં અનેક આયામો છે. એમની પાસે સ્પેસ એક્સ છે, ઈલેક્ટ્રીક વાહન ઉત્પાદન કંપની ટેસ્લા છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ છે, એની પાસે બીજા પણ એવા સાહસો છે કે જે પરિવહનનાં નવા નવા સ્વરૂપોને વિકાસના માર્ગે લઈ જઈ શકે.
પરિવહનનાં એક નવા રૂપ તરીકે એણે ભૂગર્ભમાં બોર બનાવવાનું સાહસ પણ કર્યું છે અને માણસનું બ્રેઈન વધુ સારી રીતે કામ કરે માટે એના મગજમાં ઈમ્પ્લાન્ટ્સ (પ્રત્યારોપણ) મૂકવાનું કામ કરે છે. પોતાની યુવાનીમાં ઘરે બનાવેલા રોકેટ સાથે મસ્ક ખેલતો હતો અને એણે પોતાની વીડિયો ગેમ કોડેડ કરી હતી, તો બીજી બાજુ કરાટે, જુડો અને કુસ્તી શીખીને પોતાનો બચાવ કેવી રીતે કરવો તે પણ જાણી લીધું હતું. એ વિસ્ફોટકો બનાવતો અને એની માતાને મુખ્યત્વે એ જ ખ્યાલ રાખવો પડતો કે એણે ઘરમાં કોઈ તોડફોડ તો કરી નથી ને ? પોતાનો જાન ગુમાવવો પડે એવી વસ્તુઓ એ કરતો હતો. એકાદ વાર વિસ્ફોટ થયો, થયું કે ભારે ઈજા થઈ હશે, પરંતુ જ્યારે એણે જોયું કે બધું સલામત છે, ત્યારે મસ્કે કહ્યું, 'મને આઘાત લાગ્યો કે મારી પાસે મારી બધી આંગળીઓ હતી.'
પુસ્તકો પાસેથી પ્રાપ્ત થયેલી મહત્ત્વાકાંક્ષાને વેગ આપવા માટે મસ્ક જીવનભર ઝઝૂમ્યો. એના રાજકીય વિચારો અને માનવો પ્રત્યેની સહાનુભૂતિના અભાવને કારણે મસ્કની ટીકા કરવામાં આવે છે, પરંતુ મસ્ક પોતાની સિદ્ધિના આડે કોઈ સહાનુભૂતિ કે લાગણીને લાવતો નથી. યુદ્ધમાં મહાન સેનાપતિઓને વ્યૂહરચના બનાવતી વખતે સૈનિકોનું બલિદાન આપવામાં જરા પણ વાંધો હોતો નથી. એ જ રીતે પોતાના અશક્ય ખ્યાલને શક્ય બનાવવા માટે એ પોતાના સાથીઓને ખૂબ પ્રેરિત કરે છે. એ સહુ જેને અશક્ય લાગે છે, તેને હાંસલ કરવા ઉત્સાહિત કરવા માટે પોતાના પ્રબળ વ્યક્તિત્વનું બળ કામે લગાડે છે.
આજે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થતા અબજોપતિ મસ્કનો પ્રભાવ હવે ઘણો વધી જશે અને મસ્ક સરકારના દંભ અને બિનકાર્યક્ષમતાને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે એ નક્કી છે. સાથોસાથ પોતાના અવકાશી સ્વપ્નને સફળતામાં પરિવર્તિત કરવાની અનુકૂળતા પણ પામશે.
- ક્ષણનો સાક્ષાત્કાર
'કાજી દૂબલે કર્યો ?' તો એનો જવાબ એ છે કે 'સારે ગાંવ કી ફિકર.' હકીકતમાં ઘણા જગતકાજી આવી રીતે ગામ આખાની ફિકર કરતાં 'દૂબળા' થઈ જતા હોય છે. સતત ચિંતાતુર રહેતા કેટલાક લોકો વિચારે છે કે, 'આ દુનિયાનું ભાવિ કેવું ભયાવહ છે ? આવતીકાલ કેવી હશે ?' ઘણાને પોતાને બદલે પારકાની ચિંતા સતત સતાવે છે અને પડોશીની પરિસ્થિતિ એમને ગમગીન બનાવતી હોય છે. કેટલાક આરોપ કરે છે કે, 'નવી પેઢી આચારશૂન્ય અને દિશાવિહીન બની ગઈ છે, તો હવે સમાજનું ભવિષ્ય શું ? સંસ્કારની સુવાસ વગરનાં યુવાનોનાં જીવન કેવા બહેકી જશે ? કોઈને પોતાના પસંદગીના રાજકીય પક્ષની પરિસ્થિતિની ચિંતા હોય છે અને વિચારે છે કે, 'મને ગમતા આ પક્ષનું ભાવિ કેવું હશે?' તો વળી કોઈ પોતાના પ્રિય નેતાનું પ્રતિભાગાન કરવા માટે પાછું વાળીને જોતા નથી અને જો કોઈ સામે વિરોધી દલીલ કરે તો એને એક ક્ષણમાં એની વાતને તોડી પાડે છે. ગપાટાબાજ મિત્રો ગામ આખાની ફિકર કરતા હોય છે અને સાંજે બગીચામાં બેઠેલી વૃદ્ધોની મંડળી ક્યાં તો પોતાના ગુજર ગયા જમાનાની સાથે આજના જમાનાની તુલના કરતા હોય છે અથવા તો કોઈ પોતાના જીવનનાં ભવ્ય ભૂતકાળની વાત વાગોળતા હોય છે.'
કેટલાક મિથ્યાભિમાનનો શિકાર બનતા હોય છે, તો કોઈ વિવેકશૂન્યતાનો ભોગ બનતા હોય છે. બીજાની નિંદા એ નવરા લોકોનો ખોરાક છે, અન્યની ટીકા કરવી એ એમને શ્રીખંડ કે રસગુલ્લાથી ય મીઠી લાગે છે અને પારકી પંચાતમાં તો એ એવા લીન બની જાય છે કે એનું એમને પ્રમાણભાન પણ રહેતું નથી. નિરાંતે લગાવાતાં ગપ્પાં એ એમને ભજિયાથી પણ વધુ ભાવે છે. આમ પોતાના જીવનની વાસ્તવિક પરિસ્થિતિ ભૂલીને ગામ આખાની ચિંતા કરનાર સુકાઈ જતા હોય છે અને વિવેકશૂન્યતાને લીધે આખું જીવન પારકાની ચિંતામાં ગળાડૂબ બનીને ગાળતા હોય છે.