ભર્યા પેટના ચાળા : હાઈ સોસાયટીની આર્ટના તાયફા, માર્કેટિંગના નામે મૂરખાઈના તમાશા!
- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
- ફૂડ, ફિલ્મ ફ્રેશન... બધા જ ક્ષેત્રોમાં ઉચ્ચ થવા થનગનતા ઉલ્લૂઓ માટે કળાના નામે કલદાર પડાવી લેતા ગતકડાં ચાલે છે!
૫૨ કરોડનું એક કેળું !
ના, ના. હીરામોતી ટાંકેલું નક્કર સોના ને હાથીદાંતનું પ્લેટિનમ કેળું નહોતું. નોર્મલ કેળું હતું, રેંકડીમાં રેઢે પીટાય એટલું સાધારણ. પણ સમાચારોમાં વાંચ્યુ હોય તો હરાજીમાં ૫૨ કરોડ જેવી અધધધધધધ કિંમતે વેંચાયું !
મૂળ ઈટાલીનો જરા ભેજાંગેપ આર્ટિસ્ટ માઉરિઝો કેટેલન. કોન્સેપ્ટ આર્ટથી કટાક્ષ કરવાની એની ફિતરત. એક વખત સોનાનું એક ટોયલેટ કોમોડ બનાવી એના પર નામ આપેલું અમેરિકા ! (અમેરિકાને પોતીકું કોઈ ઐતિહાસિક કલ્ચર નથી, પણ બિઝનેસ માઈન્ડથી ઝગારા મારે છે, એ સેન્સમાં). એણે ૨૦૧૯માં 'કોમેડિયન' નામનું એક આર્ટ બનાવેલું. ખોખાં પર મારવાની જે ડકટ ટેપ આવે, એનાથી કેળું જડી દીધેલું હતું. તાજેતરમાં ૨૦ નવેમ્બર ૨૦૨૪ના આ આર્ટપીસ કોમેડિયન ઓલમોસ્ટ ભારતીય ચલણના ૫૨ કરોડમાં વેંચાયું ! આમ તો આર્ટિસ્ટે કેટલી ઉંચાઈએ ટેપનો કેટલો કટકો રાખવો એ પણ ચોકસાઈથી લખેલું. પણ ૬.૨૫ મિલિયન ડોલરમાં આ આર્ટવર્ક ખરીદનાર ક્રિપ્ટોકરન્સી આંતરપ્રાન્યોર જસ્ટીન સને ૨૯ નવેમ્બરના રોજ જાહેરમાં એ કેળું ટેપમાંથી ઉખાડીને હોંગકોંગમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઝાપટી લીધું ! ડકાર મારતા પેટે હાથ ફેરવતાં એણે કહ્યું કે ''હવે આ આર્ટવર્કના રાઈટસ મારી પાસે છે, એટલે હું તો ફરીથી કોઈ કેળું ચોંટાડીને એણે રિક્રિએટ કરી દઈશ. પણ આ પાકેલું કેળું બહુ મીઠું લાગ્યું. મારો હેતુ તો ક્રિપ્ટો પ્રમોશનનો છે. જેમ બીજા સામાન્ય કેળાં કરતાં આ કેળું એની જોડે આર્ટની સ્ટોરી જોડાવાથી કિંમતી થયું, એમ જ ભલે ફિઝિકલ ના હોય પણ વર્ચ્યુઅલી ક્રિપ્ટોની પ્રાઈઝ આસમાની બની શકે છે !'' (હમણાં જ બિટકોઈન ઠેકડા મારતા થોડા મહિના પહેલા ૨૪ લાખ હતો ત્યાંથી ૮૪ લાખ થઈ
ગયેલો ને!)
પણ આ સમાચાર ગાજ્યા એમાં બાંગ્લાદેશથી અમેરિકા પેટિયું રળવા આવેલા ૭૪ વર્ષના શાહઆલમની આંખમાં આંસુ આવી ગયા. હાઈસોસાયટી માટેના પોશ એરિયા મેનહટનમાં એ ફ્રુટ વેંચે છે. એણે આ કેળું ૩૫ સેન્ટમાં વેંચ્યું હતું ! (મેનહટન અને ડોલર એક્સચેન્જ રેટના ભાવ વધી જાય બાકી સાદી સમજ ગણો તો આપણા પાંચેક રૂપિયાના ભાવે !) જેમાંથી આર્ટિસ્ટ અને એજન્ટે ૫૨ કરોડ મેળવ્યા ને ક્રિપ્ટોમાંથી ચિક્કાર કમાતા જસ્ટીને એટલો રીતસર પાણીની જેમ ખર્ચી પણ નાખ્યા !
એઝ ઓલ્વેઝ, કોઈ સમાજસેવક તો તમે પૈસા ખર્ચો ત્યારે ફેણ ચડાવીને 'આના કરતા તો આમ કર્યું હોત'ની મફત સલાહો ચરકવા આવે જ. અમેરિકાના ફીડ ફાઉન્ડેશને આટલા રૂપિયામાંથી કેટલા ભૂખ્યાને જમાડી શકાત એનો હિસાબ આપ્યો ! જોકે, પ્રચંડ જાહેરાતોથી સુપરરિચ સામે જે પ્રોડક્ટનું બ્રાન્ડિંગ થાય, એમાં આવી ગણતરીઓ કોઈ કરતું નથી. ભવ્યાતિભવ્ય મહાલયો, હવેલીઓ, બંગલાઓ આવી તો અનેક અસામાન્ય કિંમતે વેચાતા શોભાના ગાંઠિયા જેવી કળાકૃતિઓથી સુશોભિત છે. ૨૯૪૦ કરોડમાં સાઉદીના ક્રાઉન પ્રિન્સે ખરીદેલા લિઆનાર્દો દ વિન્ચીના જીસસના ચિત્ર 'સાલ્વાડોર મુંડી'ની એટલી કિંમત તો ખુદ વિન્ચીએ પણ કવોટ ના કરી હોત ! છે ગરીબોની કબર પર તેલ ટીપું દોહલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે, એ બળાપો કવિ કરસનદાસ અમસ્તા કરી ગયેલા ?
સંવેદનાની અભિવ્યક્તિ તરીકે કળાને જુઓ તો માનવતાવાદી અભિગમ કલાકારનો ના હોવો જોઈએ બીજાથી વિશેષ ? પણ ખભા ઉલાળતા આ બનાના આર્ટવર્ક બનાવનાર કેટેલાને પોતે પ્રતિભાવ આપ્યો કે ''ફ્રૂટવાળાએ જે પ્રતિભાવ આપ્યો, એ પણ હું કળાની ગહેરી અસર તરીકે લઉં છું. કલા અણધારી અસર ઉપજાવે છે. આમાંથી મને નવા સર્જનની પ્રેરણા મળી છે. પણ આર્ટ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે નથી. એ કામ પોલિટિક્સનું છે !''
અલબત્ત, સાધારણ ચીજોની અસાધારણ કિંમત કોઈ નવીનવાઈ નથી. મલ્ટીપ્લેક્સમાં હોંશે હોંશે સાડા ચારસોની પોપકોર્ન ખરીદનારા પણ આ વાંચતા હશે. પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ એરપોર્ટ પર છસ્સો રૂપિયા જેટલી કિંમતે કોફી મળતી જોઈને છળી ગયા હતા! લગ્નગાળામાં ફાલાઈટ ટિકિટસ પણ ત્રણમાંથી ત્રીસ હજાર થઈ જાય છે. હેલ્ધી ચેવડો કોઈ વાયબ્રન્ટ લિવિંગ કંપનીએ સાડા અગિયારસો રૂપિયામાં અઢીસો ગ્રામ પેશ કર્યો છે, તબિયત સુધારવા! અમુક ફિલ્મોના બજેટ સાંભળો ને પછી ફિલ્મ જુઓ તો આટલા પૈસા સર્જકોએ કઈ ગાડી ફેરવવા ને ક્યો દારૂ પીવામાં વાપર્યા હશે એવા સવાલ થાય! એ (કાર, શરાબ વગેરે)માં પણ અમુક લેવલ એટલે ગગનચુંબી કિંમત! સાવ ચીંથરા જેવી ફેશનના કરોડો ઉઘરાવાય છે, એના પર પણ અગાઉ લખેલું જ છે.
આ વર્ષે જ કુવૈતમાં સાદા બાથરૂમ સ્લીપર વ્હાઇટ તળિયા ને બ્લ્યુ પટ્ટીવાળા એક લાખની કિંમતમાં વેંચાતા હતા! લકઝરી બ્રાન્ડ 'બેલેન્સિયાગા' એ તો સફેદ કાગળની બેગના એક લાખ ૮૦ હજાર તોડયા હતા! એ જ બ્રાન્ડે ઘસાયેલા, તૂટેલા, કાણાવાળા શૂઝ અડધા લાખમાં ફટકાર્યા હતા ! ફાટેલા જીન્સની ને કાણાવાળા શણિયા જેવા ટોપની ફેશન બાદ લૂગડાની થેલી ફેન્ફી બ્રાન્ડે એક લાખ દસ હજારમાં વેંચવા કાઢેલી. ગુચ્ચીએ સ્ત્રીઓ માટેના સાથળ સુધીના સ્ટોકિંગ્સ નેટવાળા કરેલા એ ફાટેલા પંદર હજારમાં લોન્ચ કરેલા. જુઓ તો ઉંદર કાતરી ગયા હોય એવું લાગે ! 'પ્રાડા'એ ચીઝ જેવા પીળા રંગનું એવા જ મોટા બાકોરાંવાળું સ્વેટર નેવું હજારમાં ઝીંક્યું હતું. આ તો જસ્ટ ઉદાહરણો છે. બાકી હેન્ડમેઇડ ને ઓર્ગેનિક ને સસ્ટેઈનેબલના નામે સાબુથી સ્કાર્ફ સુધીની વસ્તુઓ પ્રીમિયમ લોકો અલ્ટ્રાપ્રીમિયમ ભાવે ખરીદે છે, કારણ કે એથી ઓછું ખર્ચવું તો એમની શાનમાં તૌહીન ગણાય ને!
આવું જ ફૂડમાં છે. લંડનમાં વચ્ચે મોંઘોદાટ ગોલ્ડ આઈસ્ક્રીમ પીરસાતો હતો શુદ્ધ સોનાના વરખવાળો, દુબઈમાં એક લાખનો એક કપ એવી ચા મળે છે. તિબેટ-ભૂતાનના અને જાપાનના અમુક મશરૂમ ચપટીકના લાખો બોલાય છે. કેવિયાર સી ફૂૂડનો મોંઘો ભાવ તો સમજ્યા પણ સિવેટ નામના પ્રાણી ઠળિયા ખાય પછી કોફીદાણા એની હગારમાં આવે એની કોફી આઠેક હજારમાં એક કપ પડે નામે કોફી લુવાક ! આવી તો યાદી અલાયદી કરવી પડે પણ કંઈક નામાંકિત (કે નામચીન રેસ્ટોરાં)માં શેફ ફેમસ હોય તો સહેજે એકાદ લાખનું ડિનર કે લંચ પડે એ તો સગી આંખે જોયું છે !
બસ, એમાંથી જ જોઈ ત્યારની દિમાગમાં જડાઈ ગયેલી અને અગાઉ વેકેશનલિસ્ટમાં ગયા વર્ષે જોવાની ભલામણ કરેલી હોઈને સ્પોઈલર સાથે ચર્ચા કરી શકાય એવી હાલ ડિઝની હોસ્ટાર પર રહેલી બ્રિટિશ ડાયરેક્ટર માર્ક ફલોયડની રાલ્ફફિનેસ અને આના ટેલર જોય અભિનિત ફિલ્મ 'ધ મેન્યુ' યાદ આવી ગઈ! ચાલો, એના હોરર કોમેડીના ફોર્મટમાં ફૂડને માધ્યમ બનાવીને કરાયેલી વ્યંગવ્યથાની વાત માંડીએ.
ધ મેન્યુનું મુખ્ય પાત્ર (એન્ટી હીરો?) છે એક ગંભીર મુખમુદ્રા ધરાવતો કડક અનુશાસન આગ્રહી આચાર્ય જેવો શેફ યાને સન્માનિત મુખ્ય રસોઈઓ સ્લોવિક. એક ટાપુ પર એનું ફેમસ રેસ્ટોરાં છે. માત્ર આમંત્રિત મહેમાનો જ જઈ શકે એવું ! પ્રાઇવેટ બોટ સિવાય ત્યાં જઈ શકાતું નથી ને ત્યાંનું આમંત્રણ મળવું એ પણ મોટી ઘટના ગણાય ને સકર્લમાં પ્રસિદ્ધિ મળે એવી વાત છે. શેફ અવનવી વાનગીઓની અવનવી બનાવટ ને આકર્ષક રજૂઆત માટે ખ્યાતનામ છે. એમના ધર્મગુરૂના અંધચેલાચેલી જેવી વફાદાર ટીમ છે. એક ખાસ ઈવનિંગ સેલિબ્રેશનમાં ત્યાં ડિનર માટે જૂજ ડઝનેક વ્યક્તિઓને નિમંત્રણ છે. એક ભલભલા રેસ્ટોરાંને રિવ્યૂ લખીને પાડી દે કે ચગાવી દે એવી ઘમંડી ક્રિટિક અને એને થાબડભાણા કરનાર એડિટર, એક પ્રૌઢ ધનકુબેર મુગલ, ડિજીટલ સાઈબરવર્લ્ડમાં કમાઈને કાચી ઉંમરે ઈન્વેસ્ટર થઈ ગયેલા જુવાનિયાઓનું જૂથ, સોશ્યલ મીડિયા ઈન્ફલ્યુઅન્સર બનીને સમજણ વગર કોઈની પાછળ ઘેલો થઈ જતો ને વટ પાડવા એસ્કોર્ટ યાને પ્રોફેશનલ કોલગર્લની કંપની ખરીદીને જતો ચીબાવલો યુવક એક નિષ્ફળ અભિનેતાને એની નવી ગર્લફ્રેન્ડ વગેરે નિમંત્રિત છે.
રહસ્યમય સાંજ છે ટાપુ પર. કુટિલ સ્મિત સિવાય તદ્દન નિઃસ્પૃહ શેફ સ્લોવિક એકદમ પધ્ધતિસર બધું ગોઠવે છે. એક ચમચી પણ આડીઅવળી થાય એ એને પસંદ નથી. રમૂજ એવી છે કે પેકેજડ મીટ જોઈને પૂછાતા એક સવાલનો જવાબ મળે છે કે આ ટાપુ પરના જાનવરનું જ માંસ છે. બરાબર ૧૫૨ દિવસ ચાલે, પછીના દિવસે ઝેરી થઈ જાય તો ફેંકી દેવાનું! (એકદમ લેબલને વળગી એકસ્પાયરી ડેટ આવતાવેંત બધું કચરામાં પધરાવી દેતા 'સંભ્રાત' ભટ્ટલોક પરનો કટાક્ષ છે!) વાનગીઓ પણ વિશિષ્ટ છે. બે-ચાર પાંદડા આર્ટિસ્ટિક રીતે ગોઠવ્યા હોય કે ત્રણ પથરાં મૂકી એની પાછળ કોઈ કહાની રચી હોય ઈમ્પ્રેસ કરવા, એવું બધું! ટોટલ સ્નોબ યાને નકચઢી હાઈસોસાયટીનો દંભ મેન્યુ મુજબ કોર્સ પીરસાય એમાં ઉભરાય છે! આર્ટિસ્ટ (શેફ) પણ કૃત્રિમ જગતમાં જીવે છે ને કન્ઝ્યુમર્સ (ગેસ્ટસ) પણ!
વધુ મજા એના ઉતારચઢાવ, સંવાદો ને માહોલની ફિલ્મમાં આવશે. પણ ધીરે ધીરે ખ્યાલ આવે છે કે આ તો બાર જણનું લાસ્ટ સપર છે ! અંતિમ ભોજન. શેફ સ્ટાફ સાથે સ્યુઆઈડલ મિશન પર છે. દરેક ગેસ્ટ પસંદ કરીને બોલાવાયા છે. એમના પાપકર્મો નાચોઝની ચિપ્સ પર પ્રેઝન્ટ થાય છે. એક પછી એક મહેમાનનો અલગ અલગ રીતે કોળિયો થાય છે, યાને મોત! ભાગવા ઈચ્છે એનું પણ. ડિનર એન્જોય કરીને મરી જવાનું સાગમટે નિશ્ચિત છે ! મૂળ વાત એમ છે કે એક સમયે બહુ હોંશથી સપના લઈ આવેલો યુવક શેફ સેલિબ્રિટી થવાની સાથે યંત્રવત જીવન અને સતત અલગ અલગ લોકોના ટેસ્ટને સર્વિસ કરતી ચાકરીથી ગળે આવી ગયો છે. એ ખુદ હાઈસોસાયટીમાં જન્મેલો નથી, પણ સફળ, પ્રતિષ્ઠિત, ધનવાન, નામાંકિત થવા એની રીતરસમોમાં ગૂંગળાતા ફિટ થયો છે. એ જાણે છે કે લોકો એની બ્રાન્ડથી આકર્ષાઈને આવે છે. ખરેખર સ્વાદ માણવામાં કોઈને રસ નથી. બીજાને દેખાડવું છે કે અમને આ પોસાય, અમે તો આ ખાઈએ!
માત્ર કોલગર્લ તરીકે આવેલી યુવતી એના માટે અણધારી છે, કારણ કે એ તો ગેસ્ટ લિસ્ટમાં નથી. એની જેમ એ શેફ ખુદને પણ પ્રોસ્ટીટયુટ ગણે છે. ભલે નામદામ હોય, અંતે તો એણે ખુદની મરજીને બદલે બીજાના ઈશારે જીવવાનું છે. એમનું મન બહેલાવી, એમની મહેરબાની પર પોતે સુખી થવાનું છે. અંદરથી એને આ સોફિસ્ટિકેટેડ વેશ્યાવૃત્તિ લાગે છે (એક્ટર હોય કે રાઇટર, ટકવા માટે સમાધાન કરી આગળ વધતા દરેક આર્ટિસ્ટને ભીતરથી તો આ જ થાય ને!)
અને જેને મોટા માણસો કહેવામાં આવે છે, એમાંના ઘણા તો શ્રીમંત છે, એટીકેટમાં ઉસ્તાદ છે. પણ ખોખલા છે. મોટા ભાગના તો પોતાના જ બચાવ માટે લડી ના શકે એટલા સુંવાળા અને ગભરૂ છે. એમને રૂપિયા ખર્ચી એકથી બીજા વૈભવી અનુભવો લીધા કરવાની આદત છે. કોઈ અઘરી ચેલેન્જ કોઈની મદદ વિના એકલે હાથે ઉકેલી શકતા નથી.
જે માત્ર માધ્યમ હાથવગું હોઈને કોઈ હોમવર્ક, અભ્યાસ કે તાલીમ વિના બીજાની કે એમના સર્જનની સમજવા વગર એલફેલ બકવાસ ટીકા કરનારા પણ એટલા જ તકલાદી છે. વાચાળ હોવાથી વિદ્વાન નથી બનાતું. કેમેરા સામે ચપડ ચપડ બોલો કે અંગ્રેજીમાં અઘરા શબ્દો છાંટીને રિવ્યૂ ઠોકી દો એટલે તક મળે તો તમે ખુદ કશું સર્જન ના કરી શકો ! કોઈ બાબતના જેન્યુઈન ઓપિનિયનને બદલે લાઈક્સ ઉઘરાવવાની રમતમાં પડી જનાર સ્વત્વ ગુમાવી દે.
સેલિબ્રિટીઝ પણ આર્ટ કે રીડિંગના નામે થોડા ગોખેલા-ફાંકા મોટે ભાગે મારે. પણ સાચી પરખ ઓછાને હોય, બાકી તો નાણાના જોરે શોહરત કમાવામાં કિક મેળવે. રૂપિયા હોય એટલે બધું બિકાઉ હોય ને ખરીદીને આંગળી પર નચાવી શકાય એવા એમને ભ્રમ હોય છે. જજમેન્ટસને હથિયાર બનાવી દેનારા લોકો એવું સમજે છે કે એમને લીધે કોઈની કરિઅર બની છે. ટેલન્ટ કે હાર્ડવર્કને બદલે તકદીરના વિધાતા એ લોકો છે. ઘણા તો પોતે સેટિંગ ને ફ્રોડ કરીને ઉપર ઉઠેલા હોય છે, ને ખુદને રઈસની સાથે કલાકાર સમજી લે છે. જીહજૂરી કરનારા એમને પસંદ છે. એ રસ લઈને કશું એપ્રિશિએટ નથી કરતા, ઉલટું એમની સેવા કરનાર પર ભડકીને છણકા કરતા હોય છે ! પૈસા ખર્ચવાની શક્તિ કંઈ ઉત્તમ રૂચિ (બેસ્ટ ટેસ્ટ)નો પર્યાય નથી. ક્વોલિટીની ગતાગમ પણ અમુકને તો નથી હોતી. એ જાણીતા ક્વોટ મુજબ ''બધાની કિંમત જાણે છે, પણ મૂલ્ય સમજી શકતા નથી !''
અને સમાજ. મીડિયોકર લોકોને તરત હાઇપ બને એ ટોળામાં વાજાં વગાડવા ઘૂસી જવું છે. ફેન બની જાય છે પણ જેના ફેન હો એને પણ પૂરા ઓળખવા સમજવાની તકલીફ નથી લેતા ! એકાદ વાર સિનેમા, મ્યુઝિક, સ્પોર્ટસ, માર્કેટ વગેરેમાં કંઈક સારું કામ કરી દેખાડયું હોય, એના જોરે આખી જિંદગી જીવવી હોય છે ઠાઠમાં ! ખરી સ્વતંત્રતા સર્જકને આપવી પચતી નથી. જ્ઞાાતિ, ધર્મ, પક્ષ કે દેશના ચોકઠાં લઈને ક્રિએટીવિટીની પાંખો કાપી નાખવી હોય છે. બસ, જે ટ્રેન્ડમાં હોય એ ફેશન, ફૂડ, ફિલ્મ, સોંગ, સેલિબ્રિટી, મોટીવેશન, ગુરૂ વોટએવર પાછળ ઘેલાઘેટા થઈને દોટ મૂકવી હોય છે. અલગ દેખાવાની લાહયમાં ફાલતું ને અનોખું સમજીને !
આવા ઓલ્સેઝ ખાલી ખોપરી જેવા ટોળા પછી ગમે તે ગિમિકને આર્ટ સમજી લે છે. રૂપિયા આવવાથી અક્કલ વધતી નથી. અભ્યાસ કરવાની તો કોઈ પાસે ફુરસદ નથી. એમના થકી જ તગડો બિઝનેસ છે, એટલે 'પોપ્યુલર મોડલ' થકી ક્રિએટીવ માણસની ટેલન્ટ પણ કરપ્ટ થતી જાય છે. જોડકણાઓ ચાલતા હોય ત્યાં કવિતા લખવાનું બંધ થતું જાય. કોમેડી પ્રહસનો ધૂમ મચાવે ત્યાં વિચારોત્તેજક લેખન સૂકાતું જાય એવું જ. બધું હવે માર્કેટિંગને બ્રાન્ડ બિલ્ડિંગ સાથે જોડી દેવાયું છે. સ્માર્ટ લોકો ટીમ બનાવી તમારા વતી કોમ્યુનિકેશન કરે છે. પલ્બિક ચોઇસના નામે ગમે તે પ્રોડક્ટ માથે મરાય છે. ક્રિએટીવ લિબર્ટીના નામ તદ્દન ફાલતું બોરિંગ ચીજો પણ પ્રમોટ કરાય છે. આમાં શોખ કે જોશ જેવું કશું રહેતું નથી. વાહવાહ કરનારા ટોળાં જોઈએ. ભલે અંદરથી એ પણ ખાલી હોય કે અધૂરિયા વિકૃત હોય. પછી ક્રાફટસ રહે છે, જે બીજાઓ પણ તૈયાર કરી દે. પેશન વિનાની આર્ટ મરી જાય છે, પ્રકાશ વિના મૂરઝાતા છોડની જેમ. સદીઓ પહેલાની પંક્તિઓ, ચિત્રો, શિલ્પો કે વર્ષો જૂના ગીતો કે પાત્રો હાઈટેક નહોતા છતાં આકર્ષે છે. કારણ કે એમાં કશુંક કરવાની 'નેચરલ' ધગશ હતી. સાહજીક રચનાત્મકતા ને એક પ્રકારની પારદર્શક પ્રામાણિકતા હતી. હવે તો શોરૂમના કાચ ને એસી મુજબ પ્રોડક્ટ પ્રાઇઝ એરિયાવાઈઝ નક્કી થાય એવું ધર્મક્ષેત્રે પણ છે, તો બજારમાં એમ જ થાય ને ! શેફ દુર્લભ સામગ્રીથી વિશિષ્ટ વાનગી બનાવે એની રજૂઆત તાળીની ગૂંજ જેવી ધમાકેદાર હોય, પણ એમાં સ્વાદ ના હોય એનું શું?
ફિલ્મમાં એટલે જ મિડલ કલાસ છોકરી 'મને આ બધાથી પેટ નથી ભરાયું' કહીને સાયકો બનેલા આર્ટિસ્ટિક શેફના ઈગો પર પ્રહાર કરી 'ચીઝબર્ગર' માંગે છે ! જે રૂટિન ગણાતી બ્રેડ પણ ન પીરસતા વિખ્યાત રેસ્ટોરાંમાં જઈ સમોસા ચટણી કે પાણીપુરી કે ગાંઠિયામરચાં માંગવા જેવી ગુસ્તાખી ગણાય. આ સરપ્રાઇઝથી ચોંકેલો શેફ દેખાડી દેવા જીવ રેડી મહાન મોંઘી વાનગીને બદલે સાદું ચીઝબર્ગર બનાવે છે. એની ખોવાયેલી યુવાની એમાં એને જડે છે. મોટા રેસ્ટોરાંમાં ટિપ આપી ઉભા થવાનું હોય, ભાવતી ચીજોના પાર્સલ ના મંગાય. પણ એવી બાબતોની પરવા વિના એ છોકરી ડોગીબેગ માંગી પેક કરવાનું કહે છે, ને ચોકલેટ નાખી ચળગાવવાના હત્યાકાંડમાંથી સાંગોપાંગ બર્ગર ખાતી બહાર નીકળી જાય છે ! એ સાચે જ પ્રેમથી બતાવાયેલું છે, દેખાડાનું ડેકોરેશન નથી !
ચીઝબર્ગર તો સિમ્બોલ છે. બેક ટુ બેઝિક્સનો. નખરાંને બદલે નક્કર કામ તરફ જવાનો. ફિલ્મોથી ફેશન સુધી આવા ખેલ ચાલે છે. આઈપીએલના ઓકશનમાં આડેધડ કરોડપતિ ને રોડપતિ બનતા ખેલાડી ના જોયા ? ના લેનારનું ઠેકાણું, ના આપનારનું ગજું. ના સમજાય એને આર્ટ કે ટ્રેન્ડ ગણી રોકડી કરવાની !
ફાસ્ટ ફોરવર્ડ
''આઝાદી કદી શાસકો આપતા નથી, એ તો ગુલામોએ હિંમત કરીને માંગવી પડે છે !'' (ધ મેન્યુનો ડાયલોગ)