બ્રેઈન રૉટ : અમર્યાદ સ્ક્રોલિંગથી દિમાગમાં પેસી જતો સડો!
- ઓક્સફર્ડે 'બ્રેઈન રૉટ'ને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે. સ્ક્રોલ કરીને સતત નબળું કન્ટેન્ટ જોવાથી થતી લાંબાંગાળાની ગંભીર અસરનો અર્થ એ શબ્દમાં છુપાયો છે...
- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
૧૯ ૯૬નું વર્ષ હતું. ટેકનોલોજીના નવા નવા આયામો ખૂલી રહ્યા હતાં. ઈન્ટરનેટનો જમાનો દુનિયાના દરવાજે દસ્તક દેતો હતો. એ સમયે જીનિયસ બિઝનેસમેન બિલ ગેટ્સે એક નિબંધ લખ્યો. જેનું ટાઈટલ હતું : કન્ટેન્ટ ઈઝ ધ કિંગ.
બિલ ગેટ્સે એ લેખમાં અપકમિંગ ટેકનોલોજી પછી જગત કેટલું બદલાશે એની વાત કરી હતી. એમાં તેમણે લખ્યું હતું કે દુનિયામાં કમાણી હવે ઈન્ટરનેટના માધ્યમથી જનરેટ થશે અને એમાં કન્ટેન્ટ ચાવીરૂપ ભૂમિકામાં રહેશે.
કન્ટેન્ટનો સરળ અનુવાદ થાય - સામગ્રી. પરંતુ વાત આટલેથી અટકી જતી નથી. લેખન સામગ્રીથી લઈને ફોટો, વિડીયો એવા કોઈ પણ સ્વરૂપમાં જે સામગ્રી ઉપલબ્ધ છે એને કન્ટેન્ટ કહેવાય. તે હિસાબે બિલ ગેટ્સની વાત સાચી હતી. તેમણે આવનારા સમયને બરાબર પારખી લીધો હતો. કદાચ એટલે જ તેમના એ નિબંધને ટેકનોક્રેટ્સ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધમાં સ્થાન મળે છે.
૨૧મી સદીની સાથે ઈન્ટરનેટનો ઉદય થયો. સ્માર્ટફોન આવ્યાં. ડેટાની ક્રાંતિ થઈ. પરિણામે આખી દુનિયા બદલવા માંડી. સ્ટ્રીમિંગની ક્રાંતિ થઈ. વિડીયો શેરિંગ અને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સ આવ્યા બાદ કન્ટેન્ટની વ્યાખ્યા થોડી બદલાઈ, પરંતુ કન્ટેન્ટ 'કિંગ'ની ભૂમિકામાં જ રહ્યું. કશુંક લખ્યું, કશુંક શેર કર્યું, ફોટો-વિડીયો ઓનલાઈન અપલોડ કર્યો - એ બધું જ કન્ટેન્ટ છે. શોર્ટ વિડીયોનો ટ્રેન્ડ શરૂ થયો પછી તો કન્ટેન્ટનો દબદબો અલગ લેવલે પહોંચી ગયો.
આજે કન્ટેન્ટ ખરેખર જ બિલ ગેટ્સે ૨૮ વર્ષ પહેલાં કરેલી આગાહી પ્રમાણે કમાણીનું સાધન છે. કરોડો લોકો શોર્ટ કે લોંગ વિડીયો, વ્લોગથી લાખો-કરોડો કમાઈ રહ્યાં છે. કન્ટેન્ટ અત્યારે સાચે જ કિંગ છે.
બટ વેઈટ...
અતિ સર્વત્ર વર્જયેત.
સંસ્કૃતની આ ઉક્તિનો ડીપ મીનિંગ નીકળે છે. કોઈ પણ બાબતની મર્યાદા નક્કી થવી જોઈએ. બીજું બધું તો ઠીક, એક હદથી વધારે તો પ્રેમ પણ બોજ બની જતો હોય છે! રાજાનું વર્તન હદ બહાર જાય તો ગમે તેવો રાજા ય અળખામણો બની જાય છે. એક હદ પછી પ્રમાણભાન ન જળવાય તો કશું અગત્યનું રહેતું નથી.
કન્ટેન્ટની બાબતમાં અદ્લ આવું જ થયું. પ્રમાણભાન ન જળવાયું. રોજના સેંકડો વિડીયો અપલોડ થવા માંડયા. દર મિનિટે અસંખ્ય ફોટો શેર થવા માંડયા. શોર્ટ વિડીયો શેરિંગ પ્લોટફોર્મમાં વિડીયો અપલોડ કરવાનું સરળ બન્યું ત્યારથી કન્ટેન્ટની ગુણવત્તા કથળી ગઈ. ટિકટોકથી શરૂ થયેલી શોર્ટ વિડીયો સર્વિસ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટયૂબ સુધી પહોંચી પછી કન્ટેન્ટમાં ગુણવત્તાનો વિચાર ઝાંખો પડી ગયો. યુટયૂબમાં શરૂઆતમાં લાંબાં વિડીયોમાં પણ નબળું કન્ટેન્ટ હતું જ, પરંતુ લોંગ વિડીયોમાં અલ્ગોરિધમ જુદી રીતે કામ કરતું હતું. એમાં આપણે જે જોઈએ એ જ આપણાં સજેશન્સમાં બતાવે. એના બદલે શોર્ટ વિડીયોમાં વાયરલ કન્ટેન્ટને સજેશન્સ બનાવીને વધુ ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે અલ્ગોરિધમ સેટ થાય છે એટલે જે વાયરલ બને છે એવું જ કન્ટેન્ટ ચાલશે એમ માનીને સતત એ જ પ્રકારના વિડીયો-ફોટો શેર થતાં રહે છે અને એમાં ગુણવત્તાનો ભોગ લેવાયો.
પરિણામ? બ્રેઈન રૉટ.
અમેરિકન નિબંધલેખક, પ્રકૃતિપ્રેમી રહસ્યવાદી ચિંતક હેનરી ડેવિડ થોરોનું વાલ્ડન પુસ્તક ૧૮૫૪માં પબ્લિશ થયું હતું. એમાં પ્રકૃતિનિરીક્ષણો લખતી વખતે થોરોએ માનવોની બદલાતી પ્રકૃતિ અને ચિંતનના સ્તરના સંદર્ભમાં એક શબ્દપ્રયોગ કર્યો - બ્રેઈન રૉટ. જેનો અર્થ થતો હતો - દિમાગમાં પેસી જતો સડો. ૧૮૪૦માં યુરોપમાં પોટેટો રૉટ નામે ઓળખાતી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં સેંકડો બટાટામાં સડો પેસી ગયો હોવાથી કેટલાક વિસ્તારોમાં ભૂખમરાની સ્થિતિ આવી ગઈ હતી. એનાથી પ્રેરિત થઈને થોરોએ 'બ્રેઈન રૉટ' શબ્દ લખ્યો હતો, પરંતુ દુનિયાને એની ખરી જરૂર પડી ૨૧મી સદીમાં.
૨૧મી સદીનો પહેલો દશકો મધ્યાહને હતો ત્યારે ૨૦૦૪-૦૫માં અંગ્રેજી ભાષામાં ઓનલાઈન કન્ટેન્ટનો ટ્રેન્ડ આવી ગયો હતો. બીજી ભાષાઓની સામગ્રી હજુ એટલી ઓનલાઈન થઈ ન હતી, પણ અંગ્રેજીની ઘણી વેબસાઈટ બની ચૂકી હતી. સર્ચ એન્જિન ગૂગલ અને યાહૂના કારણે બધી સામગ્રી એક ક્લિકથી મળવા માંડી હતી. એમાં સારીની સાથે નબળી સામગ્રી પણ ઓનલાઈન ચડતી હતી. એડલ્ટ સામગ્રીનો ધોધ શરૂ થયો હતો અને વિડીયો ગેમ્સ વગેરે મનોરંજનના કારણે ઓનલાઈન રહેવાનું પ્રમાણ વધવા લાગ્યું હતું.
એ વખતે ટ્વિટર નવું નવું શરૂ થયેલું અને એમાં નકામી ચર્ચા થતી નથી એવી ઈમેજ બનતી જતી હતી. એ વખતે કોઈએ ઓનલાઈન વધી રહેલા કન્ટેન્ટમાંથી નબળા કન્ટેન્ટના કારણે દિમાગ પર થઈ રહેલી અસર માટે થોરોને ટાંકીને પહેલી વખત 'બ્રેઈન રૉટ' શબ્દ પ્રયોજ્યો. ૨૦૦૭ પછી હેશટેગ સાથે ટ્વિટ કરવાનું શરૂ થયું ત્યારે પોતાને ઈન્ટેલએક્ચ્યુઅલ માનતા ઘણાંએ ઓનલાઈન ઠલવાતા કચરાના કારણે દિમાગ ખરાબ થાય છે એવું કહેવા માટે ટ્વિટ કરે સાથે બ્રેઈન રૉટનું હેશટેગ પણ મૂકવાનું શરૂ કર્યું.
પણ આ શબ્દપ્રયોગનો જમાનો આવવાને હજુ દશકાની વાર હતી...
૨૦૧૫ સુધી એનો છૂટોછવાયો ઉપયોગ થતો હતો. બહુ જ ઓછા લોકો ઓનલાઈન અતિરેકના કારણે થતી દિમાગી હાલત માટે 'બ્રેઈન રૉટ' શબ્દપ્રયોગ લખતા હતા અને ડિજિટલ અવેરનેસના સંદર્ભમાં એનો અર્થ સમજતા હતા. ૨૦૨૩માં અચાનક આ ટર્મનો ઉપયોગ ૨૩૦ ટકા વધી ગયો. જેન ઝેડ અને જેન આલ્ફા યાને ૧૯૯૦ના દશકાથી ૨૦૧૦ પછી જન્મેલી જનરેશનમાં ડિજિટલ હેબિટ્સ જે ઝડપે ચેન્જ થતી હતી અને સતત ઓનલાઈન રહેવાના કારણે એમના દિમાગ પર જે અસરો થતી હતી તે જોઈને એમના માટે 'બ્રેઈન રૉટ' શબ્દ ખૂબ વપરાવા લાગ્યો. સતત સ્ક્રોલિંગથી તેમના દિમાગમાં ગંભીર અસરો થાય છે, જેના કારણે તેમનામાં ધીરજ ખૂટી ગઈ છે ને અજંપો વધ્યો છે એવા સાયન્ટિફિક તારણો રજૂ થવા માંડયા.
સતત ઓનલાઈન રહીને કલાકો સુધી સ્ક્રોલિંગ કરવામાં બે બાબતો સમજવી જરૂરી છે - એક, સતત ઓનલાઈન રહેવાથી ને સ્ક્રોલિંગ કરવાથી આંખો, ગરદન, દિમાગને અસર થાય છે અને તેના કારણે સૂવા-ઉઠવાની સાઈકલ ખોરવાય છે. બે, સ્ક્રોલિંગ કરતી વખતે કન્ટેન્ટનું ધોરણ જળવાતું નથી. એક વિડીયો ઈન્ફર્મેટિવ આવ્યો, બીજો ન્યૂઝનો આવ્યો, ત્રીજો રમૂજનો આવ્યો, ચોથો એડલ્ટ ડાન્સનો આવ્યો.... એમાં ક્યારે સારું કન્ટેન્ટ આવ્યું ને ક્યારે ખરાબ આવ્યું એની કોઈ નોંધ રહેતી નથી. સતત આમ ચાલતું રહે છે અને એમાં જે ન જોવાનું હોય એ પણ જોવાનું શરૂ થાય છે ને તેનાથી દિમાગમાં કચરો એકઠો થાય છે. ધીમે ધીમે રીતસર સડો જ પેસી જાય છે. જે સરવાળે આખા શરીર-મન પર ઘેરી અસર પાડે છે.
અને કરોડો લોકોને આવી ઘેરી અસરો થવા માંડી છે તેને ધ્યાનમાં રાખીને ઓક્સફર્ડ ડિક્શનરીએ 'બ્રેઈન રૉટ'ને ૨૦૨૪ના વર્ષનો વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે. આ શબ્દના અર્થ તરફ લોકો અવેર થાય તે મુખ્ય હેતુ છે.
વેલ, કન્ટેન્ટનો એક અર્થ થાય છે તત્ત્વ. તત્ત્વનો વાઈડ મીનિંગ કંઈક આવો થાય છે - વાસ્તવિક સ્વરૂપ કે રિયાલિટી. જે તે પદાર્થનું અસલ સ્વરૂપ. જોવાની વાત એ છે કે ઓનલાઈન કન્ટેન્ટનું જ અસલ સ્વરૂપ હવે જળવાયું નથી. પરિણામે કન્ટેન્ટ ઈઝ ધ કિંગની આખી વ્યાખ્યા જ બદલાતી જાય છે. બિલ ગેટ્સે જ્યારે કન્ટેન્ટ ઈઝ ધ કિંગ લખ્યું હતું ત્યારે તેમણે ક્વીનની વ્યાખ્યા કરી ન હતી. ક્વીનની વ્યાખ્યા કંઈક આવી છે - એંગેજમેન્ટ ઈઝ ધ ક્વીન.
ઓડિયન્સ પ્લેટફોર્મમાં વ્યસ્ત રહે એ જ મૂળ હેતુ હોય ત્યારે 'બ્રેઈન રૉટ' જ પરિણામ હોય શકે!
- સતત સ્ક્રોલિંગથી દિમાગ સડી જાય તો શું કરવું?
સ્ક્રોલિંગની આદત પડી જવાથી દિમાગને અસર થતી હોય તો એમાંથી બહાર નીકળવા માટે એક્સપર્ટ્સ કેટલીક સલાહો આપે છે.
સ્ક્રોલિંગનો અતિરેક ટાળવો. સવાર-બપોર-સાંજ-રાત એમ બધો વખત જો સ્ક્રોલિંગમાં જતો હોય તો એમાં કોઈ એક સમય નક્કી કરવો. બહુ કલાકો સ્ક્રોલિંગમાં જતો હોય તો પહેલાં એક-બે કલાકનો ઘટાડો કરવો. પછી સોશિયલ મિડીયામાં વધી વધીને એક કલાક અને ટોટલ મોબાઈલ સ્ક્રીન ટાઈમ ત્રણ કલાકથી ન વધે એ સૌથી સારી સ્થિતિ છે.
સતત સ્ક્રોલિંગમાં અમુક પ્રકારનું જ કન્ટેન્ટ આવતું હોય તો સર્ચમાં અન્ય કીવર્ડ્સ નાખતા રહીને અલ્ગોરિધમ ચેન્જ કરવાથી નવું અને જાણવા જેવું કન્ટેન્ટ દેખાવા માંડશે. એનાથી એક જ પ્રકારના ચોક્કસ કન્ટેન્ટમાંથી મુક્તિ મળશે અને દિમાગ પર તેની પોઝિટિવ અસર થશે.
- ૨૦૨૪નું વર્ષ આ શબ્દોના નામે રહ્યું
બ્રેઈન રૉટ ઉપરાંત જુદી જુદી ડિક્શનરીએ અલગ અલગ શબ્દોને 'વર્ડ ઓફ ધ યર' જાહેર કર્યા છે. કોલિન્સે બ્રાટ શબ્દ પર પસંદગી ઢોળી છે. એનો તોફાની બાળકોના સંદર્ભમાં અર્થ કરવામાં આવ્યો છે. એવા બાળકો જેમનો સ્વભાવ બંડખોર અને આક્રમક છે. કેમ્બ્રિજ ડિક્શનરીએ મેનિફેસ્ટને વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો છે. એનો મતલબ થાય છે - સ્પષ્ટ.
ડિક્શનરી ડોટ કોમે ડેમ્યૂર શબ્દને આ વર્ષનો શબ્દ બનાવ્યો છે. એના ઘણાં અર્થો થાય છે, પણ ડિક્શનરીએ જે સંદર્ભમાં એનો મતલબ આપ્યો છે એ પ્રતિષ્ઠિત કે મોભાદાર છે. કપડાં પહેરવાના સંદર્ભમાં આ શબ્દ કહેવાયો છે. ખાસ તો મહિલાઓ મોડેસ્ટ કપડાં પહેરે એવો એનો અર્થ થાય છે. એ વિચારને લઈને વિવાદ પણ થતો રહે છે.