પ્રેતાત્મા પ્રિય વ્યક્તિઓ પાસે આવી મનગમતી પ્રવૃત્તિ કરે છે !
- અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- 'હું આ હોટલની કર્મચારી છું. વર્ષો પહેલાં હતી અને અત્યારે પણ છું. મને આ હોટલ ગમે છે. એમાં પણ આ રૂમ તો ખાસ ગમે છે. એની સાથે મારા ભૂતકાળના સુખદ સંસ્મરણો છે'
'અવિનાશી તુ તદ્વિ દ્વિ યેન સર્વમિદં તતમ્ ।
વિનાશ મત્યંયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હતિ ।।'
જેના વડે આ સઘળું જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ. એ અવ્યય (અવિનાશી)નો વિનાશ કરવા કોઈ સમર્થ નથી.
'અચ્છેદ્યોડયમદાહ્યોડયમક્લેદ્યોડશોષ્ય એવ ચ !'
નિત્યઃ સર્વગતઃ સ્થાણુચ્ચલોડયં સનાતનઃ ।।
આ આત્મા છે વો અશક્ય, બાળવો અશક્ય,
ભીંજવવો અશક્ય અને સૂકવવો અશક્ય જ છે
અને આ આત્મ નિત્ય, બધે વ્યાપ્ત, સ્થિર,
અચળ અને સદા કાળ રહેનારો સનાતન છે.'
- શ્રીમદ્ ભગવદ્ ગીતા
(શ્લોક ૧૭/૨૪)
આપણા સનાતન ધર્મમાં આત્માને અવિનાશી કહેવામાં આવ્યો છે. મૃતાત્મા ફરી જન્મ લે એ પૂર્વે મરણોત્તર દશામાં પ્રેતાત્મા જગતમાં રહેતો હોય છે. આ આત્મા એની અંતકાળ વખતની કોઈ ઈચ્છા કે ક્રિયા અધૂરી રહી ગઈ હોય તો તે પૂરી કરવાનો પ્રયત્ન કરતો હોય છે. એને પોતાની મનગમતી જગ્યા, પ્રિય વ્યક્તિઓ અને હર્ષોલ્લાસ અનુભવ કરાવતી પ્રવૃત્તિઓ પરત્વે લગાવ રહેતો હોવાથી ત્યાં પ્રેતરૂપે આવે છે.
બ્રિટનમાં રહેનારા જ્હોન રોબિન્સ લંડનથી ઓક્ષ્ફર્ડ જતા હતા ત્યારે વેસ્ટ વાઈકોમ્બ નામની હોટલમાં ઉતર્યા હતા. ત્યાં તેમને એક સુંદર, આકર્ષક યુવતીનો ભેટો થતો. તેમણે તેને પહેલી વાર જોઈ તે દિવસથી જ તેના તરફ એક અજબ પ્રકારનું આકર્ષણ અનુભવતા. રોબિન્સ તેના પ્રત્યુત્તરમાં હૂંફાળું, પ્રેમાળ સ્મિત કરતા. હોટલમાંથી બહાર નીકળતા હોય ત્યારે પણ તે સામેથી તેમની તરફ આવતી દેખાતી. દર વખતે તે તેમને આકર્ષવાનો અને તેમનું દિલ જીતી લેવાનો કોઈને કોઈ અલગ પ્રકારનો પ્રયાસ કરતા, એમની નજીકથી પસાર થતી હોય ત્યારે કોઈ વાર તેમના હાથમાં ગુલાબનું ફૂલ મૂકી દેતી કે પછી કોઈ નાની એવી સુંદર વસ્તુ ભેટ રૂપે મૂકી દેતી.
એક દિવસ તો માન્યામાં ન આવે એવી વિચિત્ર ઘટના બની. રોબિન્સ સવારના સમયે એમના રૂમના બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર આવ્યા તો એકદમ ચોંકી ઉઠયા કેમ કે પેલી સુંદર યુવતી ડ્રેસિંગ ટેબલ આગળ ઊભી રહીને દર્પણમાં જોઈને એના વાળ ઓળી રહી હતી ! તેને પોતાના રૂમમાં આ રીતે ઊભેલી અને ડ્રેસિંગ ટેબલ પરની વસ્તુઓથી સાજ-સજાવટ કરતી અને વાળ ઓળતી જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલાં તો તેમને આશ્ચર્ય એ વાતનું થયું કે તેમનો રૂમ અંદરથી લોક કરેલો હતો તો તે યુવતી અંદર આવી કેવી રીતે ? શું તેમનાથી બારણું લોક કરવાનું રહી ગયું હશે કે પછી તેણે કોઈક રીતે ડુપ્લિકેટ ચાવી મેળવીને તેનાથી તે ખોલીને અંદર આવી ગઈ હશે ? આ તો શિષ્ટતા અને સૌજન્યનો અભાવ કહેવાય. કોઈનાં રૂમમાં એની પરવાનગી વગર પ્રવેશવું એ નિયમનો ભંગ કહેવાય. તે કાયદાકીય રીતે પણ ગુનો બને. એમણે તેમણે તેને આ વિશે પણ પૃચ્છા કરી.
જ્હોન રોબિન્સે તેને એ પણ પૂછ્યું - 'તું કોણ છે ? તું રોજ મારી આગળ-પાછળ કેમ ફર્યા કરે છે ?' અત્યાર સુધી રોબિન્સે તેનો અવાજ સાંભળ્યો નહોતો. પણ આ પ્રશ્નો પૂછતાં તેણે રૂપેરી ઘંટડીના અવાજ જેવા મીઠા સ્વરે જવાબ આપ્યો - 'હું આ હોટલની કર્મચારી છું. વર્ષો પહેલાં હતી અને અત્યારે પણ છું. મને આ હોટલ ગમે છે. એમાં પણ આ રૂમ તો ખાસ ગમે છે. એની સાથે મારા ભૂતકાળના સુખદ સંસ્મરણો છે. એટલે હું અહીં અવારનવાર આવું છું.' જ્હોન રોબિન્સે કહ્યું - પણ આ રીતે રૂમ બીજાને રહેવા આપ્યો હોય ત્યારે તો તારાથી ના જ અવાય ને ! ડુપ્લિકેટ ચાવીથી રૂમ ખોલીને બીજાના રૂમમાં આવવું એ ગુનો કહેવાય એની સજા થાય. કોઈની વસ્તુ ચોરાઈ જાય તો ? કોઈ ફરિયાદ કરે તો તારી નોકરી પણ જતી રહે એની તને ખબર નથી શું ? તેણે એકદમ હસીને કહ્યું - 'ના એવું બની શકે જ નહીં. મને અહીંથી કોઈ કાઢી ના શકે. આ હોટલમાં રહેવા આવતી વ્યક્તિઓમાં કેટલીક વ્યક્તિ મને ગમી જાય છે. એટલે હું એમની આસપાસ ફરું છું. તમે પણ મને ગમી ગયા છો. તમારામાં કંઈક એવું છે જે મને મારા મિત્રની યાદ અપાવે એવું છે. હું તમને ફરી મળવા આવીશ.' આટલું બોલીને તે બારણું ખોલીને બહાર નીકળી ગઈ.
થોડીવાર પછી જ્હોન રોબિન્સે રિસેપ્શન પર આવી હોટલના મેનેજર જ્હોન બુલને બોલાવ્યા અને પેલી યુવતીની વિચિત્ર હરકતો વિશે ફરિયાદ કરી. જ્હોન બુલે તેમને કહ્યું - તમારી વાત સાંભળી મને જરાય આશ્ચર્ય થતું નથી. અમે તો આવું સાંભળવાથી ટેવાયેલા છીએ. હોટલમાં પહેલાં રહી ચૂકેલા અને અત્યારે પણ રહેનારા અનેક લોકોએ એ યુવતી વિશે ફરિયાદ કરી છે. રોબિન્સે વિસ્મયપૂર્વક કહ્યું - 'ઓહ, તો પછી તમે તેને આવું કરતાં રોકતા કેમ નથી ? એને નોકરીમાંથી બરતરફ કરી દેવી જોઈએ.' જ્હોન બુલે જે જવાબ આપ્યો અને તેના અંગે સ્પષ્ટીકરણ કર્યું તે સાંભળી રોબિન્સના શરીરમાંથી કંપારી વછૂટી ગઈ. તેણે કહ્યું - 'કઈ રીતે રોકાય એને ? માણસ હોય તો એને આવતાં બંધ કરી દઈએ ભૂત-પ્રેતને આવતાં કોઈ રોકી શક્યું છે ખરૂં ? એ તો પ્રેતાત્મા છે.'
અમારી હોટલમાં કામ કરતી સુક્કી નામની એક કર્મચારીનો એ પ્રેતાત્મા છે. તેણે અહીં વર્ષો સુધી કામ કર્યું હતું. એનો સ્વભાવ ખૂબ સારો હતો. બધા સાથે હળીમળીને રહે. દેખાવે ખૂબ સુંદર, મોજ-મજા અને મસ્તી કરતી રહે. ખૂબ નખરાળી અને શોખીન પણ ખરી. એને ખૂબ પૈસાદાર થવું હતું. એના સદભાગ્યે અહીં થોડા દિવસ રોકાવા આવેલા એક ધનિક યુવાનને તે ગમી ગઈ અને તેને પણ તે ગમી ગયો. બન્ને મિત્રો બની ગયા અને પ્રેમમાં પડી ગયા. એમણે લગ્ન કરવાનું પણ નક્કી કરી દીધું. પણ એવું કહેવાય છે કે એને પ્રેમ કરતાં કોઈ કર્મચારીએ તેને મારી નાંખી હતી. કોણે તે કાર્યં કર્યું તે ખબર પડી નહોતી. એના મરણને કુદરતી રીતે થયેલું મરણ ગણાવી પોલીસ તપાસ કરાવાઈ નહોતી. સુક્કીને અમારી હોટલમાં કામ કરવું બહુ ગમતું હતું. તમે જે રૂમમાં રોકાયા છો એમાં જ એનો એ મિત્ર બની ગયેલો અને એની સાથે લગ્ન કરવા માંગતો અમારો ગ્રાહક રહેતો હતો એટલે એને એ રૂમ બહુ ગમે છે. તે પ્રેતાત્માના રૂપે અમારી હોટલમાં અને એમાંય આ રૂમમાં આવ્યા કરે છે. એ કોઈને હેરાન કરતી નથી. એના અસલ સ્વભાવ પ્રમાણે બધા સાથે હસી-મજાક-મસ્તી કરતી રહે છે. કેટલાંક કર્મચારીઓ હોટલ છોડીને જતા રહ્યા એમાં એની હત્યા કરનારો પણ જતો રહ્યો હતો એવું મનાય છે.