Get The App

ત્રણ સંતાનની સલાહ.. નવી પેઢીને ગળે ઉતરશે ?

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
ત્રણ સંતાનની સલાહ.. નવી પેઢીને ગળે ઉતરશે ? 1 - image


- હોરાઈઝન - ભવેન કચ્છી

- અગાઉના વર્ષોમાં વસ્તી નિયંત્રણ માટે પુરુષની ફરજિયાત નસબંધીથી માંડી  'હમ દો હમારે દો'નું સૂત્ર ડગલે અને પગલે ભીંત પર જોવા મળતું અને  હવે  'વસ્તી વધારો'ની હાકલ કરવામાં આવી છે

- ગર્ભ નિરોધકોનું રૂ.૮૫૦૦ કરોડનું બજાર.. લગ્ન સંસ્થામાં ઘટતો જતો રસ અને 'લીવ ઈન'ની દુનિયા  ઃ દંપતીઓનો કારકિર્દીલક્ષી અભિગમ અને બાળકના ઉછેર, શિક્ષણ તેમજ ઇતર પ્રવૃત્તિનો તોતિંગ ખર્ચ પણ જન્મદર ઘટવાનું  કારણ

આ ર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે દેશના દંપતીઓને ઓછામાં ઓછા ત્રણ સંતાનોના માતા પિતા બનવાનો મત પ્રગટ કર્યો છે. ચીન, સાઉથ કોરિયા, રશિયા, ઈરાન, ઇટાલી, સ્પેન, ફિનલેન્ડ, હંગેરી જેવા દેશના શાસકોએ દેશની વસ્તી વધારવા દંપતીઓને માત્ર અપીલ જ નથી કરી પણ વસ્તી વધે એટલે કે પતિ પત્ની વધુને વધુ સમય એકલા સાથે સમય વિતાવી શકે  તે માટે નોકરીના સમય અને રજા અંગેના ચિત્ર વિચિત્ર પ્રકારના કાયદાઓ પણ જાહેર કર્યા છે. બાળકના જન્મ સાથે બોનસ રકમ અને તેના શિક્ષણ ખર્ચમાં ડિસ્કાઉન્ટ જેવી આર્થિક પ્રલોભન યોજનાઓ જાહેર કરી છે. યુવા છોકરા છોકરી લગ્ન માટે વિચારતા થાય તે માટે પાર્ટી કલ્ચરને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રવાસ પિકનિક માટે પણ રજા અને તે માટેનું એલાઉન્સ સાઉથ કોરિયા જેવા દેશ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

ભારતમાં વસ્તી વધારવાના કોલની વાત વખતે  યાદ આવે કે સ્વ.ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં તેમણે દેશવ્યાપી કટોકટી લાદી હતી ત્યારે ૧૯૭૫-૭૬માં તેમના પુત્ર સ્વ.સંજય ગાંધીએ ભારતની વસ્તી પર નિયંત્રણ લાવવા સરમુખત્યારને પણ પાશવી વિચાર ન સૂઝે તેમ દેશના પુરુષોની બળજબરીથી નસબંધી કરવા સરકારી તંત્ર ગામડાઓમાં ઉતારી દીધું હતું. જો ગામડાના પુરુષો નસબંધી માટે સંમત ન થાય તો ગામડામાં પાણીના જોડાણ કાપી નાંખવામાં આવતા હતા. પોલીસ  કાચા પાકા   મકાનો, ઝુંપડા પર દરોડા પાડીને ગામડાના પુરુષોને નસબંધી કેમ્પમાં ઢસડી લાવતી હતી. આજની યુવા પેઢીને તો કદાચ ખબર પણ નહીં હોય પણ ગુપ્તાંગ પર નાની સર્જરી કરવા સાથે તે પુરુષ કાયમ માટે સંતાનને જન્મ આપવાની ક્ષમતા ગુમાવી બેસે. જેઓને ઘેર એક કે બે સંતાનો હોય તે પુરુષની જ માત્ર નસબંધી નહોતી કરાતી પણ હજુ સંતાન ન થયું હોય કે લગ્ન જ ન કર્યા હોય તેવા યુવાનોને પણ નસબંધી કરાવી દેવામાં આવતી હતી. વધુ આઘાતજનક વાત એ હતી કે કેન્દ્ર સરકારે વસ્તી નિયંત્રણ માટે આવા કેમ્પ કે મંત્રાલયની અધિકૃત આવી યોજના જાહેર જ નહોતી કરી. સંજય ગાંધી સત્તા હાથમાં લઈને દેશના પોલીસ, ડોકટરો અને ગામના સરપંચોને ફોનથી સૂચના અને નસબંધીના લક્ષ્યાંકો આપતા હતા. પરિણામ ન મેળવે તેવાને બરતરફ કરવામાં આવતા હતા. દેશભરમાં હાહાકાર મચી ગયો હતો પણ કોઈ હરફ સુધ્ધા ઉચ્ચારી શકે તેમ નહોતું. એક અંદાજ પ્રમાણે દોઢ કરોડ પુરુષોની નસબંધી આ રીતે કરવામાં આવી હતી.

વસ્તી નિયંત્રણની ભારતને ચોક્કસ અનિવાર્યતા હતી કેમ કે વધતી વસ્તી કુટુંબ અને દેશના વિકાસ અને તંદુરસ્ત સમાજની રીતે  બાધારૂપ મનાતી હતી. કટોકટી પછી સ્વેચ્છાએ સરકાર દ્વારા કુટુંબ નિયોજનની જાગૃતિ દેશભરમાં ફેલાઈ હતી. ઇમારતોની ભીંત પર કે ફિલ્મમાં 'હમ દો હમારે દો', 'છોટા પરિવાર સુખી પરિવાર', 'પહેલા બચ્ચા અભી નહીં, દૂસરા કભી નહીં'ના સૂત્રો દ્વારા રાષ્ટ્રીય ઝુંબેશ જેવું વાતાવરણ બન્યું હતું.

આજની યુવા પેઢીને કોન્ડોમનું  હિન્દી નામ નિરોધ કહેવાય તે ખબર નહીં હોય તેમ તે જમાનાની યુવા પેઢીને નિરોધને અંગ્રેજીમાં કોન્ડોમ કહેવાય તે ખબર નહોતી. નામની વાત બાજુએ મૂકો, કદાચ આઝાદી પછીના વીસ પચ્ચીસ વર્ષ સુધી તો દેશના મહત્તમ પરણિત પુરુષોને નિરોધની જરૂર જ નહોતી પડી. તે પછી વસ્તી નિયંત્રણની ઝુંબેશ શરૂ થઈ અને નિરોધ શું છે તેની વ્યાપક સમજ કેળવાઈ હતી. રેડિયોમાં નિરોધની જાહેરાત આવતી ત્યારે પરિવારના વયસ્ક સભ્યો અને સમજણા છોકરા છોકરી આંખો ચૂરાવી આઘા પાછા થઈ જતા હતા.

જમાનો બદલાયો. કોન્ડોમનો પ્રચાર કુટુંબ નિયોજનની જગ્યાએ  સેકસ વખતે  એઇડ્સથી બચવા માટે થવા માંડયો. ગર્ભ ન રહી જાય તેની સાવચેતી તરીકે લગ્ન અગાઉના કે લગ્નેતર સેકસ સંબંધો માટે જ જાણે કોન્ડોમ હોય તેમ બજાર જામ્યું. જાહેરાતો પણ તેવી જ થાય છે.

'વન નાઇટ સ્ટેન્ડ', કોલ ગર્લ જેવા સંબંધો સહજ બનવાને લીધે યુવક અને યુવતી પોતાના ખિસ્સામાં કે પર્સમાં કોન્ડોમ રાખતા થયા છે. આજે તો ભારતમાં ૮૬ કરોડ ડોલરનું કોન્ડોમ માર્કેટ છે જે વર્ષે ૧૧ ટકાની વૃદ્ધિ સાથે ૨૦૩૦માં ૧.૮ અબજ ડોલર (અંદાજે રૂ.૧૩,૦૦૦ કરોડ) થઈ જવાનું છે. વસ્તી નિયંત્રણની જગ્યાએ સલામત સેક્સનો પ્રચાર દેશ વિદેશમાં ફરી વળ્યો. અગાઉ જે પાશવી, વિકૃત કે અનૈતિક મનાતું હતું તે હવે માનવ હક્ક અંતર્ગતનું આંદોલન બન્યું છે. સેકસ શિરસ્તા કે ફેશન તરીકે જોવાય છે. 'મારું શરીર છે, હું ઈચ્છું તેમ કરું'તે ધોરણે વર્તવું તે તો આઝાદીની અભિવ્યક્તિ હેઠળ આવી ગયેલું સૂત્ર બની ગયું છે.

સેક્સનો આશય જ સંતાન ન થાય તે રીતે માત્ર મજા માણવાનો થયો તેમાં કોન્ડોમ સાથે ગર્ભ નિરોધક ગોળીઓનું બજાર ભારતમાં ૩૪ કરોડ ડોલર જેટલું પહોંચી ગયું.

પશ્ચિમના દેશોના રવાડે ચઢતી ભારતની યુવા પેઢીમાં સેકસ છોછ, કલંક કે દોષની લાગણી નથી રહ્યું.

આમ ભારતમાં સેકસ બેફામ થાય છે પણ બાળક ન થાય તેની તકેદારી સાથે.

જો કે વસ્તી વધારાનો દર ભારત સહિત વિશ્વમાં ઘટી રહ્યો છે તેના કારણોમાં એક લગ્ન સંસ્થામાં નવી પેઢીનો રસ ઉડતો જાય છે તે પણ ખરો. લગ્ન એક બંધન અને જવાબદારી તરીકે જોવાય છે. જીવનને મુક્ત રીતે માણવું હોય અથવા તો કારકિર્દી, બિઝનેસ, સર્જનાત્મક દુનિયામાં પ્રગતિ કરવી હોય તો લગ્ન બાધારૂપ બને છે તેવી માન્યતા પ્રચલિત બનતી જાય છે. 'લીવ ઈન રિલેશનશીપ' પણ ટ્રેન્ડ બનતી જાય છે.

યુવા પેઢીનો એક વર્ગ એવો પણ છે જેઓ લગ્ન કરતી વખતે જ એવી સમજૂતી કરે છે કે આપણે એકપણ સંતાનને જન્મ નહીં આપીએ કે પછી એક જ સંતાન રાખીશું

જો કે વસ્તી નહીં વધવાનું સૌથી મોટું અને અતિ ચિંતાજનક કારણ એ બહાર આવ્યું છે કે તનાવ, વ્યસન, જંક ફૂડ કલ્ચર, યુવાનીમાં જ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારી, નોકરી - ધંધાની તીવ્ર હરીફાઇ અને પરિવારની કાળજી લેવાનો બોજ, કામના કલાકો અને કામનું દબાણ, ટાર્ગેટ પાર પડવા માટે અને ઓછી આવકથી ઘૂંટાયા કરતું મન અને પ્રદૂષણ જેવા પરિબળોને લીધે પરણિત યુવા પેઢીની સંતાનને જન્મ આપવાની જૈવિક રીતે જ ક્ષમતા ઘટી ગઈ છે. 

 કારકિર્દી ઘડતરને પ્રાધાન્ય આપવાને લીધે હવે લગ્ન પણ મોડી વયે થાય છે અને લગ્ન પછીના અમુક વર્ષો સંતાન નહીં તેવા અભિગમને લીધે પછીથી સંતાન વંચિત પણ રહેવું પડે છે. પ્રજનન શક્તિ કે ફર્ટિલીટી દર પણ ભયજનક  રીતે ઘટી રહ્યો છે. જો એક સંતાન આ રીતે મોડી વયે થાય તે પછી તેનો ઉછેર કરવો એક નવો પડકાર હોય છે કેમ કે બંને પાત્ર નોકરી કરતા હોય છે.

અગાઉના જમાનાના પુરુષો અને મહિલાઓ જેવી આજની પેઢીમાં શારીરિક શ્રમ, પોષણ યુક્ત ભોજન બનાવી રસોડામાં સમય આપવાની વૃત્તિ કે સહન કરવાની શક્તિ નથી. પોતાનું સંતાન પણ બોજરૂપ લાગે છે. સંતાનનો ઉછેર અને શિક્ષણ ખર્ચ પણ તોતિંગ થઈ ગયો છે. આવી સ્થિતિમાં બે ત્રણ બાળકો હોય તેવા દંપતી ઘટતા જ જાય છે.

જન્મદર ઓછો થવાનું સૌથી મોટું કારણ એ પણ છે કે સંયુક્ત પરિવારો અને માતા પિતા સાથે રહેતા હોય તેવા પરિવાર તૂટતાં ગયા. હવે દંપતી અને તેનું એકાદ સંતાન આમ ન્યુક્લિયર કુટુંબ આકાર પામવા માંડયા છે. અગાઉના જમાનામાં સંતાનો મોટા પરિવાર અને પાડોશમાં ક્યારે મોટા થઈ જતાં તે ખબર જ નહોતી પડતી. હવે એપાર્ટમેન્ટમાં એક ફ્લોર પર રહેનાર પાડોશી જોડે પણ ખાસ પરિચય કે ઘરોબો નથી કેળવાતો. અરસપરસ સંતાનો મિત્રતા નથી કેળવી શકતા. સમાજમાં પણ એવી વિકૃત ઘટનાઓ બને છે કે હવે કોઈ જોડે બાળકને રમતા મૂકવાનો જીવ નથી ચાલતો.

મોહન ભાગવત વધુ વસ્તી  કદાચ દેશના અર્થતંત્રને માટે ફાયદાકારક હોય  અને પુરુષ - મહિલાના દર વચ્ચે કે બધા ધર્મોના નાગરિકોની સંખ્યામાં સમતુલાનો ધ્યેય રાખવા માંગતા હોય પણ માત્ર ત્રણ બાળકો માટેની સલાહ આપવાથી અટકી જવા કરતા નવી પેઢી શા માટે ન્યૂનતમ સંતાનની યોજના બનાવે છે તે કારણો જાણી તેનો ઉકેલ પણ બતાવવો જોઈએ. કેન્દ્ર સરકારને પણ  ચીમકી આપવી પડે કે શિક્ષણ, તબીબી અને ઉછેર ખર્ચનું માફિયા હદે બજાર થઈ ગયું છે. બાળકોના ઉછેર અને તે યુવાન થાય ત્યારે તે બદલાતી ભાવિ દુનિયામાં કઈ રીતે પગ રાખી શકશે, રોજગારી મળશે કે કેમ  તે વાસ્તવિકતા તરફ પણ નિર્દેશ કરવો જોઈએ.

એક તરફ વ્યક્તિનું આયુષ્ય મેડિકલ વિજ્ઞાાનને લીધે વધતું જાય છે તો બીજી તરફ નવી પેઢી જન્મદર ઘટવાને કારણે ઘટતી જાય છે. દેશનો વિકાસ અને સુરક્ષા આખરે નવી પેઢી કરતી હોય છે પણ વર્તમાનમાં એકાદ જ સંતાન  કરવાની પ્રણાલીને લીધે  ભાવિ  યુવા પેઢી પણ ઓછી માત્રામાં હશે.ત્યારે અર્થતંત્રના પૈડાં કોણ ચલાવશે? તે પ્રશ્ન પણ વિચારવા જેવો ખરો.

..અને છેલ્લે..મોહન ભાગવતે ત્રણ સંતાનો માટે દેશના દંપતીઓને સૂચન કર્યું તે સાથે જ વિરોધ પક્ષ અને મુક્ત અભિગમની મહિલાઓએ તીવ્ર ઝાટકણી કાઢતા કહ્યું કે 'શું તમે મહિલાઓના સ્વાસ્થ્ય, શોષણ અને મુક્તતાની પરવા કર્યા વગર દેશના વિકાસ અને સમતુલા માટે મહિલાને બાળક પેદા કરવાનું મશીન બનાવવા માંગો છો.?'

ભાગવતજી ..દેશ બદલ રહા હૈ..પ્રત્યેક સલાહનો જડબાતોડ જવાબ આપવા એક વર્ગ તૈયાર જ છે. 


Google NewsGoogle News