મધર્સ મિલ્ક બેન્ક .
- હોટલાઈન - ભાલચંદ્ર જાની
- નવજાત શિશુને પારકીમાનું ધાવણ આપતી 'માતૃ દૂગ્ધ પેઢી'
- માતૃ દુગ્ધ બેન્કનું સંચાલન જરાય અઘરું નથી. જો કે અમુક ચીવટ અવશ્ય રાખવી પડે. દૂધનો પુરવઠો મેળવવા માટે પ્રસુતા સ્ત્રીઓને વિશ્વાસમાં લેવાની જરૂર પડે
મું બઇના મિલવિસ્તાર લાલબાગમાં રહેતી સવિતાબાઇની કૂખે દીકરો અવતર્યો તોય ચહેરા પર પુત્રજન્મની ખુશીની કોઇ ઝલક જણાતી ન હોતી. ડિલીવર થઇ ગઇ કે તરત જ નર્સે બાળકને અલાયદા વોર્ડમાં ખસેડવું પડયું કારણ કે સવિતાબાઇ સ્તન કેન્સરની બીમારીથી પીડાતી હતી અને એવા સંજોગોમાં સવિતાબાઇ દીકરાને ધવડાવે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું હતું. રાણીકાદેવીને અધૂરે મહિને પ્રસૂતિ થઇ એટલે ડૉક્ટરે તેની બેબીને પણ નિયોનાટોલોજી વિભાગમાં ખસેડવી પડી. માતા બન્યા છતાં રાણીકાદેવીના સ્તનમાંથી માતૃત્વ ઊભરાતું જ ન હોય તો નવજાત પુત્રીને પોષણ ક્યાંથી આપી શકે? મનીષાબહેનને કોલેરા થયાનાં લક્ષણો દેખાયાં એટલે નર્સે તેમની નવી જન્મેલી બેબીને પણ તેમનાથી અળગી કરી દીધી. રખેને માતાનો ચેપ દીકરીને લાગે તો...! મનીષાબહેને ઘણાં વલખાં માર્યા પરંતુ ડૉક્ટર નાઇલાજ હતા. બાળકને બચાવી લેવા આવું કઠણ પગલુંભર્યે જ છૂટકો.
આપણા દેશમાં સવિતાબાઇ, રાણીકાદેવી અને મનીષાબહેન જેવી લાખ્ખો અભાગી માતા પોતાની અદમ્ય ઇચ્છા હોવા છતાં પ્રસુતિ પછી સંતાનને સ્તનપાન કરાવી શકતી નથી. એક યા બીજા કારણસર તબીબો માતાને તેના નવા જન્મેલા બાળકથી અલગ રાખે છે. પ્રસુતિ દરમિયાન ઊભી થયેલી કોઇ ગૂંચને કારણે ધનુર્વા થયો હોય તેથી અથવા બીજી કોઇ બીમારીને લીધે બાળકના જન્મ પછી ટુંકા ગાળામાં માતાએ પ્રાણ ત્યજી દીધા હોય એવા સંજોગોમાં તો એ કમનસીબ સંતાન આજીવન માતાના દૂધથી વંચિત રહી જાય છે. આવા એક યા બીજા કારણસર સ્તનપાનને અભાવે ભારતમાં દર વર્ષે ૫૦ લાખ બાળકો મરણ પામે છે. અસંખ્ય બાળકો કમપોષણના શિકાર બની કાયમ માટે પાંગળા બની જાય છે.
કોઇ કારણસર માતા પોતાના બાળકને સ્તનપાન કરાવી ન શકે તો વિદેશોમાં 'વેટનર્સ' (બીજાના બાળકને ધવડાવતી દાઇ)ની સેવા લેવાની પ્રથા અસ્તિત્વમાં છે. આપણે ત્યાં પણ દાઇ તરીકે બીજી સ્ત્રીનો ઉપયોગ કરવાનું જમાનાઓથી ચાલ્યું આવે છે.
૧૭મી સદીમાં યુરોપના શાહી પરિવારની સ્ત્રીઓ શરીર સૌંદર્યને ખાતર બાળકને ધવડાવવાનું ટાળતી ત્યારે 'વેટનર્સ'નો વ્યવસાય બહુ ચગ્યો હતો. અરે, રાજ પરિવારનો ચિરાગ ગણાતા બાળકને પૂરતું પોષણ મળી રહે અને તેના ઉછેરમાં કોઇ કચાશ ન રહે એ માટે તેમને ધવડાવનારી દાઇઓ વિશે ખાસ નિયમો ઘડી કાઢવામાં આવ્યા હતા, પરંતુ આજના સમયમાં પરાઇ સ્ત્રી કોઇના બાળકને ધવડાવે એવું શક્ય રહ્યું નથી એટલે તેને માટે એક નવી જ વ્યવસ્થા ગોઠવાઇ છે.
રક્તદાતાઓનું લોહી સંઘરી જરૂરતમંદોને રક્ત પૂરું પાડનારી બ્લડ બેન્ક હવે ઠેરઠેર જોવા મળે છે. મૃત વ્યક્તિના દાનમાં મેળવેલા ચક્ષુ જમા કરતી નેત્ર બેન્કોની સંખ્યા પણ દેશમાં વધી રહી છે. હમણાં સુધી વિદેશમાં જોવા મળતી અસ્થિ બેન્ક, ત્વચા બેન્ક અને પુરૂષના વીર્ય સાચવતી સ્પર્મ બેન્ક જેવી સંસ્થા પણ ભારતમાં પાંગરી છે. માનવત્વચાનો સંગ્રહ કરતી દેશની સર્વપ્રથમ સ્કીન બેન્ક મુંબઇમાં ખુલી છે અને ભારતમાં તબીબી ક્ષેત્રે ઓર એક નવો ચીલો પાડતી બેન્ક દાયકાપૂર્વે મુંબઇમાં શરૂ થઇ છે. 'બ્રેસ્ટ મિલ્ક બેન્ક!' આવી જ એક માતૃ દૂગ્ધ બેન્ક વડોદરાની કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખુલી છે.
આનંદની વાત એ છે કે મુંબઇ શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખી હવે એકના બદલે ચાર-ચાર બ્રેસ્ટમિલ્ક બેન્ક શહેરમાં કાર્યરત છે. સાયન હોસ્પિટલ પછી વાડિયા, કે.ઇ.એમ. અને હવે (૧૮ ફેબુ્રઆરીથી) જે.જે. હોસ્પિટલમાં પણ માનવદૂધ સંકલન કેન્દ્ર શરૂ થયું છે.
નામ પ્રમાણે જ આ સંસ્થા સ્ત્રી સ્તનમાંથી પ્રાપ્ત કરાયેલા દૂધનો સંગ્રહ કરી જરૂરતમંદ બાળકોને માનવ દૂધ પૂરું પાડવાની સેવા બજાવે છે. 'માતૃદુગ્ધ પેઢી' આ સંસ્થાનું સંચાલન મુંબઇની લોકમાન્ય ટિળક જનરલ (સાયન) હોસ્પિટલ કરી રહી છે. શૈશવકાળમાં બાળકને માતાના દૂધની અતિ આવશ્યકતા હોય છે, જન્મ પછી ત્રણ મહિના સુધી માતાનું દૂધ જ બાળકનો એક માત્ર પોષક આહાર ગણાય છે.
'જનનીના દૂધની તોલે તો અમૃત પણ ન આવે.' એ ઉક્તિ અનુભવના આધારે પ્રચલિત થઇ છે. સવાસો વરસ પહેલાં ડોક્ટર ઓલિવર વેન્ડલ હોમ્સે લખ્યું હતું કે વિદ્વાન પિતાના મગજના બે અર્ધગોળાર્ધ કરતાં માતાના સ્તનરૂપી બે ગોળાર્ધ બાળક માટે વધુ પોષણ પેદા કરે છે. આ વિધાન પરત્વે લગભગ એક સદી સુધી કોઇએ ગંભીર રીતે વિચાર્યું નહીં. તબીબી શિક્ષણમાં પણ આ હકીકતની ઉપેક્ષા થઇ હતી. પરંતુ પાછલા ત્રણ દાયકામાં બ્રેસ્ટ ફિડિંગના ફાયદા વિષે મેડિકલ સાયન્સે ઘણી જાણકારી પ્રાપ્ત કરી લીધી એટલું જ નહીં, તેનો મહિમા સમજીને સ્તનપાનનો જોરશોરથી પ્રચાર પણ વિદેશોમાં થવા લાગ્યો છે.
સાયન હોસ્પિટલ ખાતેની 'માતૃ દૂધ પેઢી' હજુ તો તેમની પોતાની જરૂરિયાતને પણ પહોંચી વળે તેમ નથી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં દર વર્ષે અંદાજે ૧૦થી ૧૨ હજાર ડિલીવરી થાય છે. આ હોસ્પિટલના પાંચ વર્ષમાં ૧૦,૦૦૦થી વધુ નવજાત શિશુઓને દુગ્ધદાનનો લાભ મળ્યો છે.
વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ના પાંચ વર્ષના ગાળામાં ૪૩,૪૧૨ માતાઓએ દૂધ દાન કર્યું હતું. જેના પ્રતાપે લગભગ ૪૧૮૪ લીટર દૂધ આ બેન્કમાં જમા થયું હતું. જેનો લાભ ૧૦, ૫૨૩ નવજાત શિશુઓને મળ્યો હતો. સુધરાઈની ઈસ્પિતાલ હોવાને નાતે રુગ્ણાલયમાં પ્રસુતિ માટે આવનારી મોટા ભાગની સ્ત્રીઓ સમાજના નીચલા ગરીબ, મજૂર વર્ગમાંથી આવે છે. પોષણના અભાવે આ કમજોર સ્ત્રીઓમાંથી ૪૦ ટકા પ્રસુતિ પછી નવજાત શિશુને સ્તનપાન કરાવવાની સ્થિતિમાં હોતી નથી. તેમાં પ્રિમેચ્યોર (અધૂરા મહિને જન્મતી) બેબીની સંખ્યા વિશેષ હોય છે. આવાં બાળકને ઉગારી લેવા માટે માતાના દૂધ સિવ્ય બીજો કોઈ પર્યાય નથી. જો એક યા બીજી સ્ત્રીનું દૂધ બાળકને આપી ન શકાય તો બીજી સારવાર થકી બાળક મહિનાથી વધુ સમય જીવિત રહી શકતું નથી.
વિદેશોમાં વ્યાપક પ્રચાર તથા તબીબોના અથાગ પ્રયાસને કારણે બ્રેસ્ટ મિલ્ક બેન્કોની સંખ્યા અને દૂધનો પુરવઠો સતત વધતો રહ્યો છે. સ્તનપાન ન કરાવવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે તેવું જાણ્યા પછી તો સુધરેલા દેશોની સુગાળવી સ્ત્રીઓમાં એવી ફડક પેસી ગઇ છે કે એકવાર આધુનિકતાને બહાને લુપ્ત થઇ ગયેલી બ્રેસ્ટ ફિડિંગની ફેશન ફરીથી પ્રચલિત થઇ છે એટલું જ નહીં પોતાના શિશુને સ્તનપાન કરાવ્યા પછી સ્ત્રીઓ હવે વધારાનું દૂધ માતૃ દુગ્ધ પેઢીને દાન કરવા લાગી છે. ન્યુયોર્કની 'મધર્સ મિલ્ક બેન્ક'ના સંચાલક કહે છે. 'અમારે ત્યાં દૂધની આવક વધી ગઇ તેની સામે જાવક ઓછી થઇ. કારણ કે વધુ ને વધુ સ્ત્રીઓ હવે સ્તનપાનનું મહત્વ સમજી બાળકને ધવડાવવા લાગી છે. એટલે જ મિલ્ક બેન્કમાંથી પોતાના સંતાન માટે દૂધ લઇ જતી સ્ત્રીઓનું પ્રમાણ ઘટયું. જ્યારે દૂધ આપવા આવતી મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે.
યુરોપ-અમેરિકામાં તો બ્રેસ્ટ મિલ્ક બેન્કની સેવા નાનાં ગામડાંઓ સુધી વિસ્તરી છે. ભારતમાં આ પ્રકારની સેવા અત્યંત આવશ્યક હોવા છતાં કોણ જાણે કેમ તબીબો દ્વારા કે સરકારી સ્તરે આ દિશામાં હજુ સુધી કોઇ સચોટ પગલાં નથી લેવાયા. અલબત્ત ગુજરાતમાં ગાંધીનગર, ઉપરાંત સૂરત, વડોદરા વલસાડમાં મધર્સ મિલ્ક બેન્ક કાર્યરત છે. ગુજરાતમાં દર વર્ષે અંદાજે ૧૩ લાખ બાળકોનો જન્મ થાય જેમાંથી આશરે સવા લાખ બાળકો સમય કરતાં વહેલા જન્મેલા હોય છે. ૧૮.૫ ટકા નવજાત શિશુ ઓછા વજનવાળા હોય છે. જે માતા બાળકને દૂધ નથી પીવડાવી શકતી તેવાં બાલકો અને જે બાળકો માતાના દૂધને સીધું ગ્રહણ કરવા સક્ષમ નથી હોતાં તેવા બાળકો માટે બીજી મમ્મીઓએ આપેલું દૂધ જીવનરક્ષક બની રહે છે.
'એક ડિપ ફ્રિજ, બે ફ્રિજ તથા અન્ય કેટલાક ઉપકરણ વસાવીને આ પ્રકારની સેવા શરૂ કરવા પચાસ હજાર રૂપિયાનો ખર્ચ માંડ થાય છે.' એવો અંદાજ આપતા એક ડૉક્ટરે ઉમેર્યું કે 'ઇન્ટેન્સિવ કેર યુનિટ સ્થાપવા કરતાં આ પ્રકારની બ્રેસ્ટ મિલ્ક બેન્ક ઘણા ઓછા ખર્ચે શરૂ થઇ શકતી હોવાથી જિલ્લા સ્તરે આખા દેશમાં માતૃ દુગ્ધ બેન્કો સ્થપાય તો બાળ મરણ આંક ઘટાડી શકાય.'
માતૃ દુગ્ધ બેન્કનું સંચાલન જરાય અઘરું કે અટપટું નથી. જો કે અમુક ચીવટ અવશ્ય રાખવી પડે. દૂધનો પુરવઠો મેળવવા માટે પ્રસુતા સ્ત્રીઓને વિશ્વાસમાં લેવાની જરૂર પડે. હોસ્પિટલમાં આ કામ માટે બે-ત્રણ નર્સોને ખાસ તાલીમ અપાય છે. પ્રસુતિ પછી સ્વસ્થ અને ખુશનુમા જણાતી મહિલાઓને સમજાવીને આ નર્સ તેમનું દૂધનું દાન કરવા સમજાવે છે. 'પોતાના ધાવણથી પારકાં બાલકને મોતના મુખમાંથી ઉગારી લેવાશે એ એક જ વાત જો સ્ત્રીને ગળે ઉતારવામાં આવે તોે દૂધ દાન માટે તે સહેલાઈથી તૈયાર થાય છે. એવું જણાવતાં આ બેન્ક સાથે સંકળાયેલી અન્ય એક મહિલા ડોક્ટરે ઉમેર્યું, 'હજુ સુધી તો ધર્મ અને જાતિનાં બંધન અમારી પ્રવૃત્તિને નડયા નથી. હા, કેટલીક સ્ત્રીઓ પોતાનું દૂધ કયા બાળકને પીવડાવાય છે એ જાણવાની ઈચ્છા જરૂર વ્યક્ત કરે છે.
એવી સ્ત્રીઓ પણ મોજૂદ છે જે માત્ર શોખ ખાતર અને પોતાની પવિત્ર ફરજ સમજીને પોતાનું 'ધાવણ' વેચે છે. જેમ કે અમેરિકાના ટેક્સાસમાં રહેતી એલિસા ઑગ્લેટી નામની મહિલાએ છેલ્લાં ૧૪ વર્ષમાં ૨૬૪૬ લીટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૨૦૧૪માં પહેલી ડિલીવરી પછી તેણે વધારાનું બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરવાનું શરૂ કર્યું . ત્યારબાદ બીજી અને ત્રીજી પ્રસુતિ પછી પણ તેણે આ જ રીતે માતૃદુગ્ધ દાનકરવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો.
દૂધ આપવા તૈયાર થયેલ મહિલાએ સર્વપ્રથમ તેના સ્તન સ્વચ્છ પાણીથી સાફ કરવાનાં હોય છે. ત્યારબાદ તેને માફક આવે એ રીતે હાથેથી સાદા પમ્પ દ્વારા અથવા ઇલેક્ટ્રિક પમ્પથી સ્તનમાંથી દૂધ લેવાય છે. વીસમી સદીની શરૂઆતમાં વિયેના ખાતે વિશ્વની પ્રથમ માતૃ દૂધ બેન્ક ખૂલી ત્યારે સ્ત્રીઓ હાથેથી નાના વાસણમાં દૂધ કાઢી આપી જાતે બેન્કમાં જમા કરાવતી. ૫૦ વર્ષ પહેલાં બર્મિંગહામ (બ્રિટન)ની સોરેન્ટી મેટરનિટી હોસ્પિટલને પણ નિયમિત ૧૦,૦૦૦ સ્ત્રીઓ દ્વારા માતૃ દૂધ દાનમાં મળતું.
પોતાનું રક્તદાન કરનારા વ્યવસાયી 'બ્લડ ડોનર'ની માફક
દૂધદાન કરનારી સ્ત્રીને તમે કોઇ વળતર આપો છો ખરા? એવા પ્રશ્નના જવાબમાં એક ડૉક્ટરે જણાવ્યું, 'માતૃ દુગ્ધની કોઇ કિંમત આંકી ન શકાય. લાગણી અને માતાના પ્રભાવ હેઠળ જે દૂધ પ્રાપ્ત થતું હોય તેનું મૂલ્યાંકન પૈસામાં થઇ ન શકે.' આમ સાયન કે જે.જે. અથવા વાડિયા હોસ્પિટલની માતૃ દૂધ બેન્ક દૂધના આદાન પ્રદાનમાં પૈસાની કોઇ વહીવટ કરતી નથી. પરંતુ બ્રિટનની સોરેન્ટો મિલ્ક બેન્ક ૧૯૮૩ સુધી ૧૦૦ મિલિલિટર દૂધ દીઠ દાતાને આઠ પેન્સ ચૂકવતી.
બીજી બાજુ પારકી માતાનું દૂધ બીજા બાળકને આપતાં પહેલાં તેનું યોગ્ય પૃથક્કરણ કરવું આવશ્યક છે. માઇક્રો બાયોલોજિકલ ટેસ્ટ કરીને દૂધમાં કોઇ 'રોગિષ્ટ' જીવાણુ નથી ને તેની ખાતરી કરાયા પછી જ બીજા બાળકને પીવડાવી શકાય. કમળો, કોલેરા, ટાઇફોઇડ, કેન્સર, હાઇ બ્લડ પ્રેશર જેવી વ્યાધિથી પીડાતી મહિલાનું દૂધ તો ક્યારેય સ્વીકારાતું નથી. યોગ્ય જણાય તેવી સ્ત્રી પાસેથી દૂધ મેળવ્યા પછી સ્ટીલના નાના ડબા પર બેચ નંબર, ડોનર માતાનું નામ વગેરે વિગતોનું લેબલ મારી ફ્રિજમાં મૂકી દેવાય છે. આજ દૂધનો એક નમૂનો ટેસ્ટ માટે માઇક્રો બાયોલોજિસ્ટ પાસે મોકલાય છે. જો પરિણામ હકારાત્મક આવે તો દૂધને સ્વીકારી જરૂર જણાતાં પેસ્ચ્યુરાઇઝડ કરી ૬ મહિના સુધી સાચવી શકાય છે.
દેશભરના તમામ મોટાં શહેરોમાં, મધ્યમ કદનાં કે નાનાં નગરોમાં તથા ગામડાંના તમામ પ્રસુતિગૃહોને મોટી બ્રેસ્ટ મિલ્ક બેન્કની શાખાઓ વડે સાંકળી લેવા જોઇએ. જો આમ થઇ શકે તો દર વર્ષે કમોતે મરતાં નાના ભૂલકાંઓને આબાદ બચાવી શકાય.
ખરેખર માતૃ દુગ્ધ પેઢી દેવના દીધેલ એવા નાનાં ભૂલકાંનો જાન ઉગારવામાં તેને પોષક આહાર પૂરો પાડવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કેન્દ્ર સરકારે આખા દેશમાં દરેક નગરમાં આવી બ્રેસ્ટ મિલ્ક બેન્ક ખૂલે તેવી ઝુંબેશ હાથ ધરવી જોઇએ.