Get The App

સૌબત ઐસી કિજીએ .

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
સૌબત ઐસી કિજીએ                                          . 1 - image


- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ

- માણસ અને પશુ, માણસ અને પંખી સાથેની મૈત્રી પણ સંભવી શકે માણસ અને વનસ્પતિ સાથે પણ મૈત્રી હોઈ શકે શકુંતલા એનું ઉત્તમ દ્રષ્ટાંત છે...

મૈ ત્રી એ હૃદયમાં થતી એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાંથી આપણા સ્વભાવને અનુરૂપ સમભાવ તરફનું અદીઠ આકર્ષણ જન્મે છે. એ સાહજિક આકર્ષણના કારણોમાં મૈત્રીનાં અંકુરો હાથ લાગે છે. મૈત્રી એટલે એવું રસાયણ કે જેમાં પાત્રો ઓગળી જાય - તદાકાર થઈ જાય, કોઈ સેવ્ય નહિ, કોઈ સેવક નહિ ખુદ ઈશ્વર પણ સેવ્ય નહિ, સેવક નહિ... પરસ્પર કેવળ સભ્યભાવનો સેતુ રચાય એ મૈત્રી. મૈત્રી ફૂલ નથી, સુવાસ છે. સુવાસને કોઈ સ્વાર્થ હોતો નથી એને તો ગંધ ઢોળી રાજી રહેવાનું જ ગમે છે. મૈત્રીમાં પણ કંઈક એવું છે. એવાં કોઈ વળગણોથી, સ્વાર્થસભર તંતુથી જોડાયેલી મૈત્રીનું સ્વરૂપ કાળના પર ઉપર ખવાઈ જાય, ઘસાઈ જાય કે નબળું પડી જાય, જ્યારે એમાં સઘનતા આવે છે ત્યારે એ ઊર્ધ્વ પ્રકારની મૈત્રી બને છે. 'માતા' 'પિતા' ઉત્તમ મિત્રો કહી શકાય કારણ કે તેમના સ્નેહમાં કોઈ સ્વાર્થની બૂ આવતી નથી. માની મૈત્રીની તુલનામાં બીજી મૈત્રી ભલે ન આવે પણ એ કક્ષાની મૈત્રી અવશ્ય હોઈ શકે. ભગવદ્ગીતામાં અર્જુને કૃષ્ણ ભગવાનની ક્ષમાયાચના કરતાં સખા કહ્યા છે. અહીં 'સખા' શબ્દથી બંને હૃદયો વચ્ચે જે અભેદ રચાયો છે તેના તરફ નિર્દેશ છે. શાસ્ત્રોમાં પણ દુઃખમાં, દુકાળમાં અને રાજદ્વારે સહાય થવું એ મિત્રના ત્રણ ગુણો 

કહ્યા છે.

આપણે ત્યાં મૈત્રીના નામે ભળતા સંબંધો વિકસે છે ત્યારે મૈત્રીને લાંછન લાગે છે. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને મિત્રનાં લક્ષણોમાં જો દુરિત તત્વ દેખાય તો ત્યાગ કરવો એટલે જ કહ્યું છે એ દુરિત તત્વોમાં લોભ, ક્રૂરતા, કપટ, શઠતા, પાપ, શંકા, આળસ, નિંદા, નિર્લજ્જતા, નાસ્તિક્તા, લંપટતા, ચાડી ખાવાની ટેવ, જુઠ્ઠુ બોલવાની કુટેવ, બુદ્ધુ, કારણ વગર વિરોધ કરનાર, દંભી મિત્રો વગેરે તત્વો જ્યાં, જ્યારે નજરે પડે ત્યાંથી મિત્રતાનો નાશ કરવો જોઈએ તેના સામે પક્ષે કુળવાન, વચનબદ્ધ, જ્ઞાન-વિજ્ઞાનના જ્ઞાત, ગુણવાન, લાલચરહિત, શ્રમ અને સત્યને સાથે રાખતા હોય એવા મિત્રો રાખવા માટે ભલામણ કરી છે.

વલ્લભ વિદ્યાનગરના બી.વી.એમ.ના પ્રાંગણ બહાર શાસ્ત્રી મેદાનના રસ્તા ઉપર બે વૃક્ષ એક થઈને (વડ-શીરિષ) ઊભાં છે. બંને મૂળ-થડમાંથી આશ્લેષાયાં છે. થોડીવાર ઊભા રહી એમનું સખ્ય નિહાળવા જેવું છે. હૃદયમાંથી વ્હેતા ઝરણા જેવું એ સખ્ય હોય છે સખ્યભાવ પવિત્ર હોય છે. તેનું ઉત્તમ દ્રષ્ટાંત કૃષ્ણ-સુદામા છે. 'મને સાંભરે રે' મૈત્રીનો ભાવ વિશુદ્ધ જ હોય તો એનાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે. વિદ્યાનગર પણ એવું વૃક્ષ છે કે જેને છાંયે કેટલીયે મૈત્રીવેલો અમર બની ગઈ છે. એકમેકમાં ભળી જવાની ભાવના મૈત્રીમાં હોય છે. મૈત્રી ફૂલો જેવી હોય છે. આકાશના તારા જેવી હોય છે. એને ઊંચાઈ હોય છે - 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહો.' મિત્રતામાં બંને હૃદયોનું સાધારણીકરણ થાય છે. 'જેમાં સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એક' તેને મિત્ર (સાચો) કહેવામાં આવે છે. 'સખ્ય'પણું બંને પક્ષે મજબૂત હોય ત્યારે તેને મૈત્રી નામ આપી શકાય. મા ત્રાયતે ઈતિ મિત્ર - મુશ્કેલીમાં સહાય કરે તે મિત્ર. માણસની માણસ સાથેની મૈત્રી સ્વાર્થ વગરની હોય ત્યારે ઊંચાઈ પ્રાપ્ત કરે છે. માણસ અને પશુ, માણસ અને પંખી સાથેની મૈત્રી પણ સંભવી શકે માણસ અને વનસ્પતિ સાથે પણ મૈત્રી હોઈ શકે શકુંતલા એનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પ્રાણીઓ ઘણીવાર માલિક સાથે એવાં ઓતપ્રોત થઈ જતાં હોય છે કે તેમની ગેરહાજરી સહી શકતા નથી. એવાં ઘણાં દ્રષ્ટાંતો ભેંસ, બળદ, ગાય, બિલાડી અને કૂતરાનાં છે, જેમાં મનુષ્ય પોતાનું આખું આયખું જોડી દેતો હોય છે. તે પુસ્તક કે ખેતર પણ મિત્ર બની શકે અને ખેતરનાં વૃક્ષો પણ મિત્રનું સ્થાન લઈ શકે. રાજા, વૈદ્ય, ધર્મ પાળનારો, ધર્મ-અધર્મને જાણનારો, કવિ પૈસાપાત્ર, બુદ્ધિશાળી, વિવેકી દાતા આવા નવ મિત્રોની ભલામણ કરી છે. લોકોને સ્વાભાવિક મિત્ર ઉપર અતૂટ વિશ્વાસ હોય છે. મિત્ર ઉપરનો વિશ્વાસ માબાપ, ભાઈબેન કરતાંય વિશેષ હોય છે જે પાપ કર્મમાંથી આપણને વારે-ઉગારે, હિતમાં જોડે, છાની વાત ઢાંકી રાખે, સદ્ગુણોને પ્રગટ કરે, સંકટ સમયે સાથેને સાથે રહે, વખત પડે મદદરૂપ થાય એ સારા મિત્રના લક્ષણો છે. ઉપરાંત પવિત્રતા, ઉદારતા, શૌર્ય, સુખ દુઃખમાં સમાન ભાવ રાખનાર, નિપુણતા - પ્રેમ અને સત્ય વચનો એ મિત્રના સદ્ગુણો છે. મિત્ર અપ્રિય પણ હિતકારક વચન કહેવાનો હક ધરાવે છે. આગળ જતાં તેમણે કહ્યું છે કે વિદેશમાં વિદ્યા મિત્ર છે. ઘરમાં પત્ની મિત્ર છે અને રોગમાં દવા મિત્ર છે અને મરણને ધર્મ મિત્ર છે. મિત્રો વિશે અનેક કહેવતો, સુભાષિતો પણ છે.

શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક

જેમાં સુખદુઃખ વારીએ તે લાખોમાં એક    

મિત્ર ઐસા કીજીએ જો ઢાલ સરીખા હોય    

મિત્રતા અને વેર એ બરાબરિયાથી શોભે.

આમ મૈત્રીનો મહિમા મોટો છે. સુદામા-કૃષ્ણની મૈત્રીનો મહિમા કવિ પ્રેમાનંદે 'સુદામા ચરિત' આખ્યાનમાં ભરપેટ ગાયો છે. જૈન પરંપરામાં આત્મકલ્યાણ ઈચ્છતા મિત્રતે 'કલ્યાણ મિત્ર' કહેવાની રૂઢિ છે. એ જ અર્થમાં જેસલનો ઉદ્ધાર કરનાર તોરલને અને પાનબાઈનાં માર્ગદર્શક ગંગાસતી શ્રેયસખિ ગણી શકીએ. સારા મિત્રો લાંબુ જીવન આપે છે.


Google NewsGoogle News