શિવજીનું નિત્ય સ્મરણ ભક્તો માટે કલ્યાણકારી
- સુભાષિત-સાર-ડૉ.કુલીનચંદ્ર પો. યાજ્ઞિક
- ક્યારેક વેદના આપણને પરિપકવ કરે છે, પરિશુદ્ધ કરે છે. આત્મવાન વેદનાનો અંધકાર અંતત: ઊજાસ ભણી દોરી જતો હોય છે
(शिखरिणी)
श्मशानेष्वाक्रीडा
स्मरहर पिशाचाः सहचराः
चिता-भस्मालेप:
स्रगपि नृकरोटी-परिकरः
अमंगल्यं शीलं
तव भवतु नामैवमखिलं ।
तथापि स्मृर्तृणां
वरद परमं मंगलमसि
સનાતન ધર્મના સિદ્ધાંત અનુસાર આ અખિલ જગતની રચના સર્વ શક્તિશાળી જગદીશ્વર પરમાત્માએ કરી છે. તેનું તંત્ર બરાબર ચાલે તે માટેની જવાબદારી ત્રણ ક્ષેત્રોમાં ત્રણ દેવોને સોંપાયેલી છે. સર્જન માટે બ્રહ્મા, જગતના પાલનપોષણ અને રક્ષણ માટે શ્રી વિષ્ણુ અને અંતમાં જગતનું વિસર્જન પ્રલય સ્વરૂપમાં કરવા માટે - સૃષ્ટિના સંહાર માટે - શ્રી શંકર અથવા શિવજીને જવાબદારી સોંપાઈ છે. તેમાંય વિશેષ કરીને શ્રી વિષ્ણુને સમસ્ત લોકના લાલનપાલન, સંરક્ષણ અને સંવર્ધન, આનંદપ્રમોદ, કલાઓ, પુષ્ટિ અને તુષ્ટિ, આરોગ્ય વગેરે સંભાળવાનું કામ છે, તો છેલ્લા ક્ષેત્રમાં પ્રલય અને સૃષ્ટિ સંહાર જેવી હિંસક અને વિનાશક પ્રવૃત્તિઓ આવે છે. છેલ્લાં બે ક્ષેત્રો સૌથી અગત્યનાં હોવાથી તેમના આરાધકો અને ભક્તો પણ છે, મહત્વના અને ઘણા છે. તેમનાં સ્વરૂપો પણ નોખાં નોખાં છે. શ્રી વિષ્ણુના જીવનમાં આનંદપ્રમોદ વગેરે છે તો તે મુજબ તેમના ભક્તોનાં જીવનમાં તેનું અનુકરણ પણ છે. તો શિવજીના જીવનમાં આકરા વિગ્રહનો, લડાઈઓ અને સંગ્રામો અને ભયાનક લોહિયાળ યુદ્ધો.
પણ આ બધામાં પરસ્પર વિરુદ્ધના ગુણો પણ જોવા મળે છે. એક બાજુ ક્રૂર અને ભયાનક પ્રસંગો છે, તો બીજી બાજુ શિવજીમાં જ અત્યંત દયા, માયાળુતા, ઉદારતા, લોકકલ્યાણની લાગણી દેખાય છે. શ્રી વિષ્ણુમાં શાંતિ, દયા અને કરુણા દેખાય છે તો બીજી બાજુ જણાય છે તે ભયંકર, હિંસક, વિનાશક, રૂક્ષ વગેરે પણ દેખાય છે.
શ્રી વિષ્ણુ અને શિવજીમાં વિસ્તારવાળાં પણ સુંદર અને દયા, કૃપા, પરોપકાર જેવા સદગુણો બતાવતાં સ્તોત્રો છે. ઉપરોકત દેવતાઓનાં સુંદર, મંગળ ભાવનાઓ વાળાં પ્રાર્થના, શ્લોકો પણ છે. વિષ્ણુ માટે વિષ્ણુસહસ્ત્રનામ તો શિવજી માટે શિવમહિમ્ન સ્તોત્ર છે, જે તેમની મંગળ સ્તુતિઓ ગાઈને ભક્તો ધન્યતા અનુભવે છે.
આજનો પ્રસ્તુત શ્લોક શિવજીના અતિ પ્રસિદ્ધ શિવમહિમ્ન સ્તોત્રનો છે. તેના ઉદાહરણ ઉપરથી શિવજીનાં અણગમતાં, નિર્દય જણાતાં, અપ્રિય અને અમંગળ લાગે તેવાં લક્ષણો તેમાં બતાવ્યાં છે : જેવાં કે સ્મશાનોમાં વાસ અને ક્રીડા, પિશાચોનો સંગાથ અને સહકાર, ચિતાની ભસ્મનો શરીર ઉપર લેપ, ગળામાં માનવ મુંડની ભયંકર માળા - આ અને બીજાં અમંગળ મનાતાં લક્ષણો શિવજીમાં જણાય છે, જે તેમના અમંગળ, અરુચિકર શીલને સ્પષ્ટ બતાવે છે - અને બીજી બાજુ, ખરેખર, તે ગમે તેમ દેખાય પણ સાચે તો તેમનું નિત્ય સ્મરણ કરતા તેમના ભક્તો માટે તો તે ઉદાર વરદાન આપનાર, પરમ લોકહિતકારી, મંગળ મૂર્તિ દેવતા છે.