તાંત્રિક કૃષ્ણ : શ્રીનાથજીનો તંત્રલોક સાથેનો સંબંધ!

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
તાંત્રિક કૃષ્ણ : શ્રીનાથજીનો તંત્રલોક સાથેનો સંબંધ! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- પ્રેમ સંબંધિત વિષયો માટે તેમજ શ્રીકૃષ્ણ અને રાધાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિશેષત: 'રાધા-કૃષ્ણ તાંત્રિક સાધના'ના વિધિ-વિધાન તંત્રશાસ્ત્રોમાં મળી આવે છે...

મ હર્ષિ વશિષ્ઠે જ્યારે નરકાસુરને શાપ આપ્યો, ત્યારથી તેની અધોગતિ શરૂ થઈ ગઈ. સર્વપ્રથમ તો મા કામાખ્યા સપરિવાર નીલાચાલ ક્ષેત્રમાંથી અદ્રશ્ય થઈ ગયાં. અહંકાર અને સત્તાના નશામાં ચૂર થઈને નરકે પ્રજા સાથે અન્યયા શરૂ કરી દીધો. વધુ પડતો કર લાદી દેવાથી માંડીને નિર્દોષોને માર અને બાળકીઓના બળાત્કાર સહિતની ઘટનાઓ તેના રાજ્યમાં શરૂ થઈ ગઈ. તેની માતા-ભૂદેવી-આ બધું હવે સહન કરી શકે એમ નહોતાં. તેમણે દેવતાઓ સમક્ષ જઈને આજીજીભર્યાં સ્વરે નરકાસુરનો અંત લાવવા વિનંતી કરી. એક પુત્ર જ્યારે પોતાના માર્ગ પરથી ભટકી જાય, ત્યારે સ્વયં તેની જનેતા સ્વધર્મ ખાતર તેના વધની પ્રાર્થના કરે એ ઘટના સનાતન ધર્મમાં અનેક વખત જોવા મળી છે.

પૃથ્વી માતાની પ્રાર્થના પશ્ચાત્ સ્વયં ભગવાન વિષ્ણુ અર્થાત્ એમના પતિ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે દ્વાપરયુગમાં તેઓ શ્રીકૃષ્ણનો અવતાર ધારણ કરીને નરકાસુરનો વધ કરશે! મોટાભાગના લોકોને જાણ છે કે રૂકમણિજી વાસ્તવમાં લક્ષ્મી માતાનો અવતાર હતાં, પરંતુ ઓછી જાણીતી હકીકત એ પણ છે કે શ્રીકૃષ્ણની બીજી પત્ની સત્યભામા એ વાસ્તવમાં ભૂદેવીનો અવતાર હતાં.

નરકાસુરનો ત્રાસ વધતો જોઈને સત્યભામા તરીકે અવતરણ પામેલાં ભૂદેવીએ પોતાના અર્ધાંગને વિનંતી કરી કે તેઓ સેના સાથે નરકાસુરના રાજ્ય ઉપર આક્રમણ કરે અને એમનો વધ કરવામાં આવે. શ્રીકૃષ્ણે સંમતિ આપી અને ગરૂડ ઉપર સત્યભામા સાથે સવાર થઈને તેઓ કામરૂપ દેશ જવા રવાના થયા.

વિભિન્ન અસ્ત્રો-શસ્ત્રો સાથે નરકાસુર અને શ્રીકૃષ્ણ વચ્ચેનું યુદ્ધ આરંભાયું. સત્તાના મોહમાં અંધ નરકાસુરને તો બિલ્કુલ જાણ નહોતી કે તે કોની સામે બાથ ભીડી રહ્યો છે! તે પોતાની મા અને પિતા એમ બંનેમાંથી કોઈનાય અવતારને પારખી ન શક્યો અને અવિતરપણે યુદ્ધ કરતો રહ્યો. એક સમય એવો આવ્યો જ્યારે નરકાસુર અને શ્રીકૃષ્ણ સામસામે આવી ગયા. ખાસ્સો સમય યુદ્ધ કર્યા પછી આખરે નરકાસુરે જ્યારે શ્રીકૃષ્ણ સમક્ષ અંતિમ પ્રહાર કરવા માટે શસ્ત્રો ઉગામ્યા ત્યારે તે આશ્ચર્ય અને આઘાતમાં ગરકાવ થઈ ગયો. તેના હાથ હવામાં જ અદ્ધર રહી ગયા. શરીરમાં લોહી જામી ગયું અને પગ જમીન સાથે ખોડાઈ ગયા.

જે કામાખ્યા માતાને પામવા માટે તેણે વર્ષો સુધી તપ કર્યું, મહર્ષિ વશિષ્ઠના શાપથી માની બ્રહ્માંડયોનિ નીલાંચલ ક્ષેત્રમાંથી અદ્રશ્ય થઈ, એ જ મા કામાખ્યા તેની સામે પ્રગટ થયાં. જે શ્રીકૃષ્ણને અત્યાર સુધી તે એક સામાન્ય રાજા સમજતો હતો, એ જ કૃષ્ણ અને કામાખ્યા બંને એકબીજામાં એકાકાર થઈ ગયાં. આ ક્ષણે નરકાસુરને સમજાયું કે શ્રીકૃષ્ણ અને કામાખ્યા બંને ભિન્ન નથી! અંતે, મા કામાખ્યાએ જ નરકાસુરનો વધ કરીને તેના મોક્ષનો માર્ગ ખોલી આપ્યો.

આ ઘટનાના ઊંડાણમાં ડોકિયું કરીએ તો સમજાય કે મા કામાખ્યાનો બીજમંત્ર 'ક્લીં' છે અને કૃષ્ણનો પણ! જેવી રીતે ભગવાન વિષ્ણુના ૨૪ અવતારો છે, એવી જ રીતે મહાવિદ્યાઓ પણ મૂળે તો ૨૪ જ છે. દશાવતાર પ્રધાન અવતાર, એવી જ રીતે દશ મહાવિદ્યાઓને પ્રમુખ માનવામાં આવી! કાલી, કૃષ્ણ અને કામાખ્યામાં અનેકાનેક સામ્યતાઓ મળી આવે છે.

કૃષ્ણની અનેક તાંત્રિક સાધનાઓ તંત્રશાસ્ત્રોમાં આપવામાં આવી છે. પ્રેમ સંબંધિત વિષયો માટે તેમજ શ્રીકૃષ્ણ અને રાધાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિશેષત: 'રાધા-કૃષ્ણ તાંત્રિક સાધના'ના વિધિ-વિધાન તંત્રશાસ્ત્રોમાં મળી આવે છે. ભારતના તંત્રસમ્રાટ નાગાબાબાએ પણ શ્રીકૃષ્ણની એક તાંત્રિક સાધના વૃંદાવન ખાતે કરી હતી. ભક્તિમાર્ગના ગુરૂ દ્વારા એમને તો દીક્ષા પણ આપવામાં આવી હતી. કૃષ્ણનો તાંત્રિક મંત્ર છે :

ओम क्लीं कृष्णाय नमः।।

શાસ્ત્રોમાં કૃષ્ણ ભગવાને કરેલી તંત્રસાધનાઓનું વર્ણન પણ મળી આવે છે, જેમાં જાંબવન સામે યુદ્ધ લડવા જતાં પહેલાં એમણે નવાર્ણ મંત્રની સાધના કરી હોવાની ઘટના અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલું જ નહીં, એમના જન્મ સમયે નંદબાબાને ત્યાં અવતરણ પામેલી યોગમાયા એ વાસ્તવમાં તાંત્રિક મહાવિદ્યા મા લલિતા મહાત્રિપુરસુંદરી હતાં એવું પણ શાસ્ત્રો જણાવે છે.


Google NewsGoogle News