Get The App

નિર્વાસિત વેઈટલિફ્ટર રામિરો મોરાને એફિલ ટાવર પર ઝળહળવાની આશા

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
નિર્વાસિત વેઈટલિફ્ટર રામિરો મોરાને એફિલ ટાવર પર ઝળહળવાની આશા 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ક્યુુબાની સરમુખત્યારશાહીથી કંટાળીને ઈંગ્લેન્ડમાં રાજકીય શરણ મેળવનારા મોરાએ કમાણી માટે સર્કસમાં પણ કામ કર્યું છે 

જિં દગી દરેકની સામે અવનવા પડકારો ફેંકતી જ રહે છે. એક અદના વ્યક્તિથી લઈને સફળતાના શિખર સુધી પહોંચેલા મહારથીની જિંદગીમાં પડકારો, વિઘ્નો અને મુશ્કેલીઓ તો હોય જ છેે. જોકે, જિંદગીએ ફેંકેલા પડકારને ઝીલવા માટેનો જુસ્સો અને તેમાંથી બહાર આવવાના પ્રયત્નો પર જ સફળતા અને નિષ્ફળતાનો આધાર રહેલો છે. પડકારોથી ભાગવાના કે પછી તેને નજરઅંદાજ કરવાના બદલેે તેના ઉકેલની દિશામાં કરવામાં આવેલા પ્રયાસોમાંથી જ સફળતાની ચાવી મળી જાય છે અને તેની સાથે એક તદ્દન નવો અને અકલ્પનીય ઈતિહાસ આકાર લે છે.

ફ્રાન્સની રાજધાની પેરીસમાં યોજાનારા મહારમતોત્સવ ઓલિમ્પિકમાં ભાગ લેવાની તૈયારી કરી રહેલા ક્યુબાના વેઈટલિફ્ટર રામિરો મોરાને નવો ઈતિહાસ રચવાની આશા છે. ક્યુબાને ઓલિમ્પિક સમિતિની માન્યતા મળી હોવા છતાં રામિરો શરણાર્થીઓની ટીમના પ્રતિનિધિ તરીકે પેરીસ જવાની તૈયારી કરી રહ્યો છે. ક્યુબામાં જન્મેલા રામિરો મોરાની જિંદગી કોઈ રહસ્યરંગી નવલકથાના કથાનક કરતાં જરાય ઉતરતી નથી. ક્યુબાની સરમુખત્યારશાહી સામેના સંઘર્ષ બાદ ઈંગ્લેન્ડ રાજકીય શરણાર્થી તરીકેનું જીવન પસાર કરી રહેલા રામિરોએ તેના વેઈટલિફ્ટર બનવાના સ્વપ્નના દીવાને અનેક તોફાનો છતાં બુઝાવા દીધો નથી. તેનો આ જ સંઘર્ષ અને પ્રયાસો, આખરે તેને પેરીસ ઓલિમ્પિક સુધી દોરી ગયા છે. 

હજુ છ વર્ષ પહેલા જ બ્રિટનમાં આવ્યા બાદ ઈંગ્લેન્ડમાં રાજકીય શરણાર્થી તરીકે વસવાટ કરી રહેલા રામિરો મોરાએ વેઈટલિફ્ટિંગમાં તેની આગવી કમાલ દેખાડી છે. રામિરો વેઈટલિફ્ટિંગની ૮૯, ૯૮ અને ૧૦૨ કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધાઓમાં બ્રિટીશ વિક્રમ ધરાવે છે અને તેણે આ સ્પર્ધાઓમાં ઈંગ્લેન્ડના રાષ્ટ્રીય વિજેતા તરીકેનું સ્થાન પણ હાંસલ કરી લીધું છે. ઈંગ્લેન્ડના વેઈટલિફ્ટિંગમાં આગવી છાપ છોડનારા રામિરો મોરાને આખરે ઓલિમ્પિક રિફ્યુજી ફાઉન્ડેશનનો સહારો મળ્યો. આ ફાઉન્ડેશન વિશ્વભરમાં કાર્યરત છે અને જુદા-જુદા દેશોમાં શરણાર્થી તરીકે રહેતા પ્રતિભાસંપન્ન ખેલાડીઓને ઓલિમ્પિકની તૈયારીઓ માટે મદદરુપ બને છે. તેમની આર્થિક અને તકનિકી સહાયતાને પરિણામે રામિરો મોરા પેરીસ ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાની આગવી સિદ્ધિ મેળવવા માટે થનગની રહ્યો છે. 

ક્યુબાના સાધારણ પરિવારમાં જન્મેલા રામિરોને તેની માતા રમતગમતમાં વિશેષ ધ્યાન આપવા માટે પ્રેરણા પૂરી પાડતી. તેણે ઘણી વખત રામિરોને જુદી-જુદી રમતોની તાલીમમાં મૂકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે તે કોઈ રમતમાં લાંબુ ટકી શક્યો નહી. આખરે જ્યારે તે કિશોરાવસ્થામાં પ્રવેશ્યો, ત્યારે તેણે તેના દોસ્તોની સાથે શરીરને કસવા માટે જીમ્નેશિયમમાં જવાનો નિર્ણય લીધો. મિત્રના મજબુત સ્નાયુઓથી પ્રભાવિત થયેલા રામિરોએ જીમમાં પુષ્કળ પરસેવો પાડીને ખડતલ શરીર બનાવ્યું અને આ દરમિયાન જ સ્પોર્ટ્સ સ્કૂલ માટે તેની પસંદગી કરી લેવામાં આવી. જ્યાં તેને કોચની પાસેથી પદ્ધતિસરની તાલીમ મળવાની શરુ થઈ.

કિશોરાવસ્થામાં જ વેઈટલિફ્ટિંગમાં આગવી મહારત હાંસલ કરનારા રામિરોએ જુનિયર સ્તરની રાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ હાંસલ કરી. યુવા વયે જ ક્યુબાની આંતરરાષ્ટ્રીય ટીમની સાથે જોડાઈ ચૂકેલા રામિરોની વિશિષ્ટ પ્રતિભા તેને વિશ્વ વિજેતા બનવા સુધી લઈ જશે, તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી. જોકે, ખુલ્લા આકાશમાં ઉડવાનો સ્વભાવ ધરાવતા રામિરોને ક્યુબાના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે સરમુખત્યાર સરકારે બનાવેલું સોનાનું પિંજરુ મંજૂર નહતુ. 

રામિરો ખુદ કહે છે કે, મને અમારા દેશની સરમુખ્તયારશાહી પસંદ નહતી. આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીર થાવ એટલે તમારે દેશની એકમાત્ર માન્યતા ધરાવતા પક્ષમાં જોડાવું ફરજીયાત બની જાય. પછી તમે તે પક્ષના અને સત્તાધીશના ગુલામ બની જાવ. તેઓને તમારી કારકિર્દીની કોઈ પરવા નહતી. તેમને જુદી-જુદી એવી પ્રવૃત્તિઓમાં જોડી દે કે પછી રમતવીર ખુદ તેની રમત જ ભુલી જાય. મારે તેવા નહતું બનવું. વળી, મારા સ્વતંત્ર વિચારો અમારી ટીમના રાષ્ટ્રીય કોચને અનુકૂળ ન આવ્યા. મને હંમેશા ટાર્ગેટ કરવામાં આવતો અને મારી હાંસી ઉડાવાતી. આ બધાથી કંટાળીને મેં વેઈટલિફ્ટિંગ છોડી દીધું.

વેઈટલિફ્ટિંગ છોડી દીધા બાદ રામિરો  ગુજરાન ચલાવવા માટે સર્કસમા જોડાયો અને ત્યાં જોકરની ભૂમિકા ભજવતા બધાને હસાવતો. જોકે તેની અંગત જિંદગી ખુબ જ કરુણ રસમાં ડુબેલી હતી. તેના પિતાનું અવસાન તો ઘણા સમય પહેેલા થઈ ગયું હતું. સર્કસમાં બધાને હસાવતા-હસાવતા રામિરો આ મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો શોધતો રહેતો. સર્કસમાં તે ટ્રમ્પોલીન જમ્પર તરીકે પણ કામ કરતો. આ દરમિયાન જ તેેને ઈંગ્લેન્ડના બ્લેકપૂલ શહેરમાં યોજાનારા સર્કસમાં કામ કરવાનો ત્રણ વર્ષનો કરાર ઓફર થયો. 

રામિરો માટે જાણે કુદરતે નવો રસ્તો ઉઘાડી દીધો અને તેણે તરત જ આ કોન્ટ્રાક્ટ સ્વીકારી લીધો. ઈંગ્લેન્ડમા તેણે ત્રણ વર્ષ વર્ક પરમીટ આપવામાં આવી હતી અને તેના માટે આ અનુભવ નવો હતો. જોકેે થોડા સમય પછી તેેની માતાને કેન્સરનું નિદાન થતાં તેને ક્યુબા પાછા ફરવું પડયું હતુ. ક્યુબાની બેેહાલ હોસ્પિટલો જોઈને રામિરો અકળાઈ ઉઠયો. તેની માતાને ત્યાં યોગ્ય સારવાર પણ મળી ના શકી. આ દરમિયાન ફેલાયેલી કોરોના મહામારીએ આતંક મચાવ્યો. આ દરમિયાન જ રામિરોની માતાની હાલત વધુ કથળી અને આખરે તેમનું મૃત્યું થયું. આ પછી તે ઈંગ્લેન્ડ પાછો ફર્યો. 

વર્ક પરમીટ પુરી થયાં બાદ તેણે સ્વદેશ પરત ફરવાના બદલે લંડનમાં જ રાજકીય શરણની માગ કરી. આ માટે તેણે છ મહિના સુધી સંઘર્ષ કરવો પડયો. જોકે અનિશ્ચિતતા અને સઘર્ષ વચ્ચે તેની આશા રંગ લાવી અને આખરે તેને ઈંગ્લેન્ડમાં રહેવાની પરવાનગી મળી ગઈ. સોશિયલ મીડિયામાં તે ક્યુબામાં ચાલતા સરકાર વિરોધી દેખાવોનું સમર્થન કરતો. ક્યુબાના સત્તાધીશો તેને તો કઈ ન કરી શક્યા, પણ ક્યુબામાં રહેતી તેની બહેનને નોટીસ ફટકારીને જેલમાં ધકેલવાની ધમકી પણ આપી. ઈંગ્લેન્ડમાં પણ તેને મારી નાંખવાની ધમકી આપવામાં આવી. જોકે રામિરોએ તેના પ્રયાસો જારી રાખ્યા. તેની સાથે સાથે લંડનમાં રહીને તેણે ફરી વખત વેઈટલિફિટિંગ શરુ કરવાનો નિર્ણય લીધો.

ઈંગ્લેન્ડમાં સ્થાનિક જિમ્નેશિયનમાં કેટલાક દોસ્તોની સાથે તેણે તેેની વેઈટલિફ્ટર તરીકેની અધુરી રહેલ૩ી સફર ફરી શરુ થઈ. આ માટે તેને ક્યુબામાં રહેતા તેના બાળપણના કોચે પણ ઘણી મદદ કરી અને તેણે એક ટ્રેનિંગ પ્રોગ્રામ તૈયાર કરી આપ્યો. જેેને તે નિયમિત રીતે અનુસરતો. તેની ફિટનેસ અને કુશળતાને જોતા સ્થાનિકોએ પણ તેને સાથ આપ્યો. વેઈટલિફ્ટિંગ અને ફિટનેસની ટ્રેનિંગ માટે તે દરરોજ ૧૫ કિલોમીટર સાઈક્લિંગ કરીને જતો. છ-સાત મહિનાની મહેનત બાદ તેણે વર્ષ ૨૦૨૨માં ઓલ ઈંગ્લેન્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ૮૯ કિગ્રા વજન વર્ગમાં રાષ્ટ્રીય વિક્રમ  સર્જતા જીત હાંસલ કરી. આ પછી તો તેણે જુદી-જુદી બે કેટેગરીમાં પણ રાષ્ટ્રીય રેકોર્ડ તોડવાની સાથે ઈંગ્લેન્ડના ટોચના રમતવીરોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી.

ઈંગ્લેન્ડમાં વેઈટલિફ્ટિંગની નેશનલ ચેમ્પિયનશિપ જીતનારા રામિરોએ ક્યારેય કલ્પના નહતી કરી કે તે પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવામાં સફળ રહેશે. જોકે તેની રમતવીર તરીકેની સફળતા અને ઈંગ્લેન્ડમાં રાજકીય શરણ મેળવવાના સંઘર્ષને પરિણામે હજુ ગત વર્ષના અંતમાં જ તેને ઈંગ્લેન્ડમાં રહેવાની પરવાનગી મળી ગઈ. વળી, શરણાર્થીઓનું ઓલિમ્પિક સ્વપ્ન સાકાર કરવા માટે કામ કરી રહેલા ફાઉન્ડેશનની મદદથી તેણે પેરીસ ગેમ્સમાં પણ સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જ્યાં તે ૧૦૨ કિગ્રા વજન વર્ગની વેઈટલિફ્ટિંગની સ્પર્ધામાં ભાગ લેવાનો છે. 

અસાધારણ અને કલ્પનાતીત સફર ખેડીને હવે ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલો રામિરો કહે છે કે, ક્યારેય પ્રયત્નો કરવાનું ન છોડશો. ઘણી વેળાએ નિષ્ફળતા મળશે અને તેના સહારે જ તમે સફળતાની રાહ સુધી ચોક્કસ પહોંચી શકશો.


Google NewsGoogle News