મારું ગામ, મારી સ્કૂલ .

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
મારું ગામ, મારી સ્કૂલ                                     . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તેવી ઇચ્છા રાખનાર ભારતના અગ્રણી ડૉ. પ્રદીપ સેઠીનું અન્ય વિસ્તારોમાં પણ સ્કૂલ શરૂ કરવાનું સ્વપ્ન છે 

સ ળગતો સવાલ એ છે કે પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી મેળવ્યા પછી પણ મનગમતી કે સારી ગણાતી કાલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે કે નહીં ? લાખો રૂપિયાની ફી ખર્ચ્યા પછી પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે કે કેમ ? આવા અનેક મૂંઝવતા પ્રશ્નો વચ્ચે આજના માતા-પિતા અને વિદ્યાર્થીઓ અટવાઈ રહ્યા છે. જ્યારે ઓડિશાના બેરુનપદી ગામમાં અત્યંત ગરીબ વિદ્યાર્થીને આવી કોઈ ચિંતા સતાવતી નથી. તેની પાછળનું કારણ એ છે કે તેમને પ્રદીપ સેઠી જેવા ડૉક્ટર મળ્યા છે, જે પોતાના વતનના ગરીબ બાળકોને ભારતના આધ્યાત્મિક મૂલ્યો સાથે પશ્ચિમના દેશો જેવું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનો સર્વાંગી વિકાસ સાધવા ઇચ્છે છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી દોઢસો કિમી. દૂર બેરુનપદી ગામ આવેલું છે. આ ગામમાં અત્યંત ગરીબ કુટુંબમાં પ્રદીપ સેઠીનો ૧૯૮૦ની ૧૩મી માર્ચે જન્મ થયો હતો. તે સમયે તો બેરુનપદીમાં સડક, વીજળી, હોસ્પિટલ, પીવાનું સ્વચ્છ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ હતો.

આ ગામમાં રહેતા મોટાભાગના પરિવારો મજૂરી કરીને માંડ બે ટંકનું ભોજન પામતા હતા. પ્રદીપના પરિવારની પરિસ્થિતિ પણ એવી જ હતી. પિતાએ અત્યંત ગરીબાઈની વચ્ચે પણ પ્રદીપને અભ્યાસ કરતાં રોક્યો નહીં. આમ છતાં ઘણીવાર સ્કૂલે જવાને બદલે પિતા કહે, તો ગાયને ચરાવવા લઈ જવી પડતી અથવા તો ખેતરમાં કામ કરવા જવું પડતું.બાર વર્ષની ઉંમરે એણે જે સરકારી સ્કૂલમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો તે હિંદી-અંગ્રેજી માધ્યમની સ્કૂલ હતી. ઉડિયા માધ્યમમાં ભણેલા પ્રદીપને શરૂઆતમાં મુશ્કેલી પડી, પરંતુ પછી ધીમે ધીમે ફાવટ આવવા લાગી. પ્રદીપ અભ્યાસમાં તેજસ્વી હતો, તેથી શિક્ષકોએ એને ઘણું પ્રોત્સાહન આપ્યું. દસમા અને બારમા ધોરણમાં ખૂબ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થયો.  એના મનમાં ડૉક્ટર બનવાની ઇચ્છા આકાર લેવા માંડી, પરંતુ મેડિકલના અભ્યાસ માટેનો ખર્ચ પરિવાર ઉપાડી શકે તેમ નહોતો. પિતાએ પુત્રની અભ્યાસની લગન અને તેજસ્વિતા જોઈને મેડિકલની ફી માટે પોતાની પાસે જે જમીન હતી તે વેચીને થોડા પૈસા મેળવ્યા. પ્રદીપ પણ અભ્યાસની સાથે સાથે સમય મળે ત્યારે મજૂરી કરતો હતો. આ બધા પ્રયત્નો કર્યા પછી પણ મેડિકલનો અભ્યાસ કરવો મુશ્કેલ હતો, પરંતુ ગામના કેટલાક લોકોએ તેને મદદ કરી અને દર મહિને તેર સો રૂપિયા તેને મળવા લાગ્યા, જેમાંથી તે પુસ્તકો ખરીદતો અને હોસ્ટેલના મૅસની ફી ભરતો. હવે તેનું લક્ષ્ય એક જ હતું - ડૉક્ટર બનવાનું. ૨૦૦૪માં એમ.બી.બી.એસ.માં ઉત્તીર્ણ થઈને દેશની પ્રતિતિ એઇમ્સમાં માસ્ટર્સ કોર્સ માટે પ્રવેશ મેળવ્યો. ૨૦૦૮માં હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં માસ્ટર કરીને ડર્મેટોલોજિસ્ટ બન્યા. આ ક્ષેત્ર સંશોધન અથવા સૌંદર્ય સાથે જોડાયેલું હતું. ઋષિકેશમાં પ્રેક્ટિસ શરૂ કરી. તે સમયે એમણે પરમહંસ યોગાનંદની આત્મકથા 'ઓટોબાયોગ્રાફી આફ યોગી' વાંચી અને તેનો તેમના પર ઊંડો પ્રભાવ પડયો. ડૉ. પ્રદીપ સેઠીની થોડા જ સમયમાં સફળ અને અગ્રણી ડૉક્ટરોમાં ગણના થવા લાગી. દુબઈમાં ક્લિનિક શરૂ કરવા માટેનો પ્રસ્તાવ મળ્યો, પરંતુ તે સમયે તેમના આધ્યાત્મિક ગુરુ પરમહંસ યોગાનંદજીનું વાક્ય યાદ આવ્યું કે, 'દરેક મનુષ્યના જીવનમાં એક મોટું લક્ષ્ય હોવું જોઈએ.'

ડૉ. પ્રદીપ સેઠીનું લક્ષ્ય પૈસા મેળવવાનું નહોતું. આ અંગે તેઓ વિચારવા લાગ્યા અને પોતાના વતનમાં પરત ફર્યા. કૅન્સરગ્રસ્ત પિતાની ઇચ્છા હતી કે ગામમાં તેમનું પોતાનું ઘર હોય. ઘર બંધાયા પછી પાંચ મહિનામાં જ પિતાનું મૃત્યુ થયું. તે સુમસામ ઘરમાં ૨૦૧૬માં એમણે ગરીબ બાળકો માટે અંગ્રેજી અને ગણિતના કોચિંગ ક્લાસ શરૂ કર્યાં. કોચિંગ ક્લાસની સફળતાએ તેમને સ્કૂલ શરૂ કરવાની પ્રેરણા આપી. તેમણે ગામમાં ગરીબ બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ નિ:શુલ્ક મળે તેવી સ્કૂલ સ્થાપવાનું નક્કી કર્યું. ગામમાં જે જમીન પર એમણે મજૂરી કરી હતી તે જમીન પર સ્કૂલ બનાવવાની શરૂઆત કરી. ઘણા ગામલોકોએ તેને માટે પોતાની જમીન દાનમાં આપી. ૨૦૨૩નાં એપ્રિલ માસમાં દસ એકર જમીન પર ઉત્કલ ગૌરવ ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ થઈ. આ સ્કૂલમાં અઢી હજાર બાળકો અભ્યાસ કરી શકે તેવી ક્ષમતા છે, પરંતુ અત્યારે સાડા ચારસો બાળકો અભ્યાસ કરે છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ બનાવવા માટે એમને અદર પૂનાવાલા, રાજીવ બજાજ, પુનિત ગોયેન્કા જેવા અનેક ઉદ્યોગપતિઓએ સહાય કરી છે. અત્યાર સુધીમાં તેમણે ત્રણ હજારથી વધુ વ્યક્તિઓની હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી છે, જેમાં ફિલ્મઉદ્યોગ, ક્રિકેટર અને કોર્પોરેટ જગતની અનેક વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સી.બી.એસ.ઈ. સાથે જોડાયેલી આ સ્કૂલમાં અભ્યાસ ઉપરાંત નૃત્ય, યોગ, થિયેટર અને સ્પોર્ટ્સ શીખવવામાં આવે છે. કૃષિ, વ્યવસાય, ઉદ્યોગો તથા માનવીય મૂલ્યોના વર્ગો લેવામાં આવે છે. ઑક્સફર્ડ, યુ.એસ.એસ., યુ.કે. અને જાપાનના પ્રોફેસરો ઑનલાઇન કોચિંગ આપે છે. શરીર, મન અને બુદ્ધિ - ત્રણેય દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તેવી ઇચ્છા રાખનાર ભારતના અગ્રણી ડૉ. પ્રદીપ સેઠીનું અન્ય વિસ્તારોમાં પણ સ્કૂલ શરૂ કરવાનું સ્વપ્ન છે. 

રડવું નહીં, રણનીતિ બદલો

પોતાની ભાષા, સંગીત અને ભરતગૂંથણની કલાને વિશ્વમાં ફેલાવવા માંગે છે. ઉર્દૂમાં 'સુઘર'નો અર્થ થાય છે કુશળ, આત્મવિશ્વાસી મહિલા. 

બ લૂચિસ્તાનની બ્રાહુઈ જનજાતિમાં ખાલિદાનો જન્મ થયો. ૧૯૮૮માં જન્મેલી ખાલિદા બ્રોહી બલૂચિસ્તાનના એક નાના ગામમાં જન્મી અને ઉછરી. તેમની જાતિમાં ચાલતા 'વટ્ટા-સટ્ટા'ના રિવાજ પ્રમાણે ખાલિદાના માતા-પિતાના લગ્ન થયા હતા. વટ્ટા-સટ્ટા એટલે એક્સચેંજ મેરેજ. આજે પણ કેટલીક જગ્યાએ આ પ્રથા ચાલુ છે. તેને કારણે ઘણી વખત પોતાની પુત્રીના લગ્ન જન્મ પહેલાં નક્કી થઈ જતા હોય છે. જે સમાજમાં પુરુષો સ્ત્રીઓને મિલકત સમજે છે તેવી જગ્યાએ બે પરિવારો વચ્ચે મિલકત સંબંધી કે અન્ય વિવાદનો ઉકેલ લાવવા માટે આવા લગ્ન કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં દીકરીઓને ભણાવવાની વાત તો ક્યાં રહી? પરંતુ ખાલિદા નસીબદાર હતી. ખાલિદાના માતા-પિતાના આ પ્રથા પ્રમાણે લગ્ન થયા ત્યારે તેના પિતા સિકંદર બ્રોહીની ઉંમર તેર વર્ષની અને માતાની ઉંમર નવ વર્ષની હતી. લગ્ન પછી ચાર વર્ષમાં જ કિશોર દંપતીએ બે બાળકોને જન્મ આપ્યો હતો. તેઓ બંને આવા કુરિવાજના વિરોધી હતા. તેઓ નહોતા ઇચ્છતા કે તેમના સંતાનો સાથે આવું થાય.

માતા-પિતાની આવી વિચારસરણીને કારણે ખાલિદા ત્રણ વખત આ પરંપરામાં લગ્ન કરવામાંથી ઉગરી ગઈ હતી. હજી એનો જન્મ નહોતો થયો, ત્યારે સિકંદર બ્રોહીના મોટાભાઈએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું, તેની સામે કુટુંબની દીકરી આપવાની વાત આવી, ત્યારે મોટાભાઈએ સિકંદરને કહ્યું કે તારે દીકરી થાય તે સામા પક્ષને આપી દેવી, પરંતુ સિકંદરે ઇન્કાર કર્યો. વારંવાર આવું દબાણ આવતાં ખાલિદાના માતા-પિતા ગામ છોડીને સિંધના હૈદરાબાદ આવીને વસ્યા. અહીં ઝૂંપડપટ્ટીમાં રહેવા લાગ્યા. સિકંદરે પોતાનાં સંતાનોને સ્કૂલે મોકલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સિકંદર આઠ બાળકોના પિતા બન્યા અને કામની શોધમાં કરાંચી આવ્યા. કરાંચીની ઝૂંપડપટ્ટીમાં રહેવા લાગ્યા. ખાલિદા સ્કૂલે જવા લાગી. તે પોતાના ગામની જ નહીં, પણ સમગ્ર બ્રાહુઈ સમુદાયની સ્કૂલે જનારી પ્રથમ છોકરી બની.

ખાલિદા બ્રોહી ખુશ હતી કે તેને આટલી આઝાદી મળી, પરંતુ તેની સાથે સાથે એને અફસોસ થતો કે એક બાજુ એ સ્કૂલે જઈ રહી છે અને બીજી બાજુ એમના જ પરિવારની પોતાની બહેનોને અને પોતાની નાનપણની સહેલીઓને જબરદસ્તીથી લગ્ન કરાવવામાં આવતા હતા. કેટલીક છોકરીઓ વટ્ટા-સટ્ટાના રિવાજ અંતર્ગત મોટી ઉંમરના પુરુષની પત્ની બની ગઈ છે, તો કોઈ નાની ઉંમરમાં માતા બનતાં મૃત્યુ પામી છે. એમાંય ઑનર કિલિંગના સમાચાર મળતાં તે કાંપી ઊઠતી, કારણ કે તેના હત્યારા પિતા, ભાઈ, મામા કે કાકા જ હોય ! ખાલિદા જ્યારે સોળ વર્ષની હતી ત્યારે એને ખબર પડી કે તેની જ ઉંમરની તેની કાકાની દીકરી બહેનનું 'ઑનર કિલિંગ' કરવામાં આવ્યું છે, કારણ કે તે જે યુવાનને પ્રેમ કરતી હતી તે તેના સમાજનો નહોતો. તે દિવસથી તેણે 'ઑનર કિલિંગ' વિરુદ્ધ સ્ત્રીઓને જાગૃત કરવાનું શરૂ કર્યું.

ખાલિદાનો પરિવાર એક નાનકડા રૂમમાં રહેતો હતો, પરંતુ પિતાએ બાળકોના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે આટલા નાના રૂમમાં એક ખૂણામાં કમ્પ્યૂટર વસાવ્યું હતું. ખાલિદા આ કમ્પ્યૂટરની મદદથી અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં પોતાના જેવી વિચારસરણી ધરાવતા લોકો સાથે મળીને ઑનર કિલિંગની વિરુદ્ધ ચાલતા 'વેક અપ' અભિયાનમાં ૨૦૦૮માં સામેલ થઈ. પાકિસ્તાનમાં કાયદામાં સુધારો કરવા માટે અનેક રેલીઓનું આયોજન કર્યું. ખાલિદાએ અનુભવ્યું કે જે મહિલાઓ અને સમુદાયો ઘરેલું હિંસા અને ઑનર કિલિંગની પ્રથાથી પીડિત છે ત્યાં સુધી આ વાત પહોંચતી નથી, તેથી તેણે યુથ ઍન્ડ જેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો. આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે કટ્ટરપંથીઓ દ્વારા સતત ધમકીઓ મળતી હતી. એના પિતાએ એને કહ્યું, 'રડ નહીં, રણનીતિ બદલ.'

તેણે ખુલ્લી રીતે વિરોધ કરવાને બદલે ખાલિદાએ રણનીતિમાં પરિવર્તન સાધ્યું. સ્ત્રીઓ-પુરુષોને કમ્પ્યૂટર અને કુટિર ઉદ્યોગની તાલીમ આપી. સ્ત્રીઓને ઈસ્લામના કાયદા અને અધિકારો અંગે શિક્ષિત કરી. તેના અનુભવે ૨૦૦૯માં ભાષા, સંગીત અને ભરતગૂંથણની કલાને ફેલાવવા સુઘર ફાઉન્ડેશનની સ્થાપના કરી. ઉર્દૂમાં 'સુઘર'નો અર્થ થાય છે કુશળ, આત્મવિશ્વાસી મહિલા. ખાલિદાએ સુઘર ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ હજારો મહિલાઓને ભરતગૂંથણનું કામ અપાવીને તેમની જિંદગીમાં પરિવર્તન આણ્યું છે. ૨૦૧૩માં ત્રેવીસ કેન્દ્રો ચાલતા હતા. સુઘર દ્વારા નોમેડ્સ નામની આદિવાસી ફેશન બ્રાંડ શરૂ કરવામાં આવી છે. ફોર્બ્સનો સોશિયલ આંત્રપ્રિન્યોર ઍવૉર્ડ, વિમેન ઑફ એક્સલન્સ ઍવૉર્ર્ડ ઉપરાંત પાકિસ્તાન સરકાર દ્વારા પણ ખાલિદાનું સન્માન કરવામાં આવ્યું છે.

ખાલિદા બ્રોહી આજે ડેવિડ બેરન સાથે લગ્ન કરીને અમેરિકામાં રહે છે. બંનેએ એરિઝોનાના સેડોનામાં ચાય સ્પોટ નામે પીસ-બિલ્ડીંગ સોશિયલ એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી છે. ત્યારબાદ મેનહટનમાં પણ ચાય સ્પોટ ચલાવે છે, જેનો ઉદ્દેશ પાકિસ્તાની કલા અને આતિથ્યને પ્રોત્સાહન આપીને પાકિસ્તાનમાં મહિલા અને યુવાનોના વિકાસ માટે અવસર પ્રદાન કરવાનો છે.


Google NewsGoogle News