ફેન્ટાસ્ટિક રોહિત શર્મા! .

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
ફેન્ટાસ્ટિક રોહિત શર્મા!                                 . 1 - image


- પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ

- 'કુટુંબને પરિણામે તમે શાંતિ અનુભવો છો, તમારી જિંદગી તમને સેટલ લાગે છે અને તે કોઈપણ સ્પોર્ટ્સમેનને માટે શ્રેષ્ઠ લાગણી છે.'

પૂ ર્વે ૨૦૧૧ના વર્લ્ડ કપ સમયે ક્રિકેટર રોહિત શર્મા ઊંડો આઘાત પામ્યો અને એ આઘાતમાંથી મક્કમ મનોબળ અને નિશ્ચિત ધ્યેય સાથે બહાર આવીને એણે ૨૦૨૪નો ટી-૨૦ વર્લ્ડ કપમાં યશસ્વી વિજય મેળવ્યો. રોહિત શર્માને આઘાતનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે પસંદગીકારોએ એના નામની ૨૦૧૧ના વર્લ્ડ કપના ખેલાડીઓમાંથી બાદબાકી કરી નાખી હતી. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ૨૦૧૧નીએ ટીમમાં સહેવાગ, ગંભીર, તેંડૂલકર, યુવરાજસિંહ, રૈના અને વિરાટ કોહલી જેવાં બેટ્સમેનોનો સમાવેશ થયો. એ સમયે પણ રૈનાના બદલે રોહિતને લેવો જોઈએ એવી માંગ પણ ઊઠી હતી, કારણ એટલું જ કે સ્વીંગ ગોલંદાજ હોય, સ્પીનર હોય કે સીમ ગોલંદાજી હોય, બધાને રોહિતનું બેટ બરાબર ન્યાય આપી શકતું હતું. જોશભરી રીતે સ્ટ્રોક મારવાની કુશળતા અને આબાદ ટાઈમિંગને કારણે દડો બાઉન્ડ્રી પર ધસી જતો હતો. સિક્સર મારવાની તો એની કાબેલિયત તો એવી કે પુરાણા જમાનાનાં ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ સી. કે. નાયડુની યાદ આવે. સલીમ દુરાની કે મહેન્દ્રસિંહ ધોનીનું સ્મરણ થાય.

આ બધી તાકાત હોવા છતાં ૨૦૧૧ની વર્લ્ડ કપની ટીમમાં રોહિત શર્માની બાદબાકી કરવામાં આવી, ત્યારે પહેલાં તો તેને આઘાત લાગ્યો. એ સમયે પંદર ખેલાડીઓની પસંદગી થઈ હતી અને એમાં પોતે બાકાત રહ્યો એ ઘટનાનો વસવસો અનુભવતો હતો, ત્યાં જ વળી મહેન્દ્રસિંહ ધોનીની ટીમે ૨૦૧૧નાં વિશ્વકપમાં વિજય મેળવ્યો અને એ ટ્રોફી ઉંચકીને અને સચીન તેંદુલકરને ખભે બેસાડીને મેદાનમાં ઘુમતા ટીમનાં સભ્યોને જોઈને રોહિતની વેદનાનો પાર રહ્યો નહોતો. શા માટે એને શક્તિશાળી બેટ્સમેન હોવા છતાં ટીમમાંથી બાદ કરવામાં આવ્યો ?

બેટિંગમાં તો એ આગવી છટા દાખવતો હતો, પરંતુ સવાલ એની ફિટનેસનો હતો અને એ કારણે જ એને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. જે ટીમમાં વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની હોય અને જેના કોચ તરીકે ગેરી ક્રિસ્ટન હોય, તે કોઈ જોખમ લેવા ચાહતા નહોતા. એ અગાઉના ૨૦૧૧ના વેસ્ટ ઇન્ડિઝનાં પ્રવાસ સમયે પણ અખબારોએ એવી ટીકા કરી હતી કે રોહિતનું વજન વધી ગયું છે. એણે એની ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. જ્યારે અત્યાર સુધી રોહિત શર્માનું વલણ એવું હતું કે ફિટનેસની બહુ પરવા કરવી નહીં, શાનદાર બેટિંગ કરીએ છીએ ને !

પરંતુ વેસ્ટ ઇન્ડિઝનાં પ્રવાસે જે વાત વહેતી થઈ, એ સતત આગળ વધતી ગઈ અને એના પરિણામે રોહિતને ટીમમાંથી સ્થાન ગુમાવવું પડયું. આ ઘટનાએ રોહિત શર્માને વિચારતો કર્યો અને એણે એના ઘરમાં બેઠેલા એની મુંબઈની ટીમના સાથી અભિષેક નાયરને કહ્યું, 'જો ભી કરના હૈ, અપને કો ફીટ હોના હૈ, ઔર ક્રિકેટ અલગ તરીકે સે ખેલના હૈ.' અને પછી ફીટનેસને માટે એ રાત-દિવસ મહેનત કરવા લાગ્યો. કેલરીનાં પ્રમાણનું ધ્યાન રાખવા લાગ્યો અને એણે એક નવું સૂત્ર શોધ્યું,

'બર્ન ઈટ, ટુ અર્ન ઈટ' એટલે કે ફિટનેસ મેળવવા માટે કેલરી બર્ન કરો અને પછી એક અર્થમાં કહીએ તો એ પોતાની ફિટનેસ માટે ઝનૂનપૂર્વક કામ કરવા લાગ્યો. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યો અને રોજ ત્રણ કે ચાર સેશનમાં એ સતત પ્રેક્ટિસ કરવા લાગ્યો. વળી મિત્રોને મજાકમાં કહેતો પણ ખરો કે,'ફોર પેક લાના હૈ' આમ એણે પોતાની ફિટનેસ માટે જે કામ કર્યું, તે રંગ લાવવા માંડયું. તાજેતરમાં વર્લ્ડ કપનાં વિજય પછી સચિન તેંદુલકરે રોહિતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. એ પ્રતિબદ્ધતા પોતાની ટીમ તરફ અને વિજય માટેની હતી, પણ એવી જ પ્રતિબદ્ધતા રોહિત શર્માએ પોતાની ફિટનેસ માટે બતાવી હતી અને એને પરિણામે એ ભારતીય ક્રિકેટમાં એક સમર્થ બેટ્સમેન તરીકે આગળ વધ્યો.

અને પછી ૨૦૧૫માં તો વર્લ્ડ કપ ખેલવાની તક મળતાં એણે કામયાબી બતાવવી શરૂ કરી. અગાઉનો વર્લ્ડ કપ ગુમાવ્યાની પરિસ્થિતિને એને વ્યાજ સાથે સરભર કરવી હતી. એક સદી અને બે અડધી સદી નોંધાવી. કુલ ૪૭ રનની સરેરાશથી ૩૩૦ રન કર્યાં. બદલાઈ ગયેલો રોહિત જોવા મળ્યો. એ સમયે સેમીફાઈનલમાં ભારતની આગેકૂચ અટકી ગઈ હતી, પરંતુ રોહિતની કામયાબ બેટિંગ અને મોટેભાગે વિકેટની નજીકની સ્પીપ ફિલ્ડિંગથી વર્લ્ડ કપમાં એક નવો રોહિત જોવા મળ્યો. એથી યે વિશેષ એ સમયે વાઈસ કેપ્ટન તરીકેની એની કામગીરીમાંથી એણે ઘણાને ભારતના ભાવિ કેપ્ટનની છબી જોવા મળી અને ૨૦૧૯ના વર્લ્ડ કપમાં તો એની બેટિંગમાં નિખાર આવી ગયો. દક્ષિણ આફ્રિકા સામે અણનમ ૧૨૨ રન, ઓસ્ટ્રેલિયા સામે ૫૭, પાકિસ્તાન સામે ૧૪૦, ઇંગ્લેન્ડ સામે ૧૦૨, બાંગ્લાદેશ સામે ૧૦૪ અને શ્રીલંકા સામે ૧૦૩ રન નોંધાવ્યા. ૮૧ ૨નની સરેરાશથી એણે નવ મેચમાં ૯૮ રનનાં સ્ટ્રાઈક રેટ સાથે ૬૪૮ રન કર્યાં. ભારતે એના તમામ ગુ્રપની મેચોમાં વિજય મેળવ્યો. માત્ર છેલ્લે ઇંગ્લેન્ડ સામે પરાજિત થઈ ગયું. આ બધી મેચોમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે રોહિત ખેલતો રહ્યો અને સારા એવા રન કરતો રહ્યો. આમાં રોહિતની રમતની બાજી પોતાના હાથમાં લઈને ખેલવાની ક્ષમતા અને એની માનસિક મજબૂતાઈ સહુને સ્પર્શી ગઈ. યોગમાં 'સહજ માર્ગ'ને માનતો રોહિત એના સ્ટ્રોક એટલા આસાનીથી લગાવે છે કે જાણે ઘડિયાળનું લોલક એક બાજુથી બીજી બાજુ જતું હોય. ગોલંદાજનો હાથ દડો વિઝવા જાય અને રોહિતની ચપળ આંખ એને ઝડપી લેતી અને પછી જોશથી ફટકો લગાવતો.

આમ ૨૦૧૧ પછી રોહિત શર્મામાં એક પરિવર્તન આવવા લાગ્યું. દરેક પરિસ્થિતિને સમજીને અનુકૂળ બનાવવાની ક્ષમતા આવી, વિરોધી ગોલંદાજનાં મનમાં ચાલતી પ્રક્રિયા સમજવા લાગ્યો અને પોતાની ટીમનાં વિજય માટે પ્રયાસ કરવા લાગ્યો. આને માટે એની ભીતરમાં રહેલા અતિ ઉત્સાહના પ્રાગટય પર અંકુશ મૂકી દીધો. પરિસ્થિતિ વિપરીત હોય, ત્યારે ખેલાડી તરફ સખ્ત અણગમો દાખવીને હાથ કરવાની કે મોઢું બગાડવાની રીતભાતથી એ દૂર રહ્યો. ખુશ થઈને કૂદકા મારતો નહીં અને એક સુકાની તરીકે એની ટીમ પર પ્રભાવ પાડવા લાગ્યો. એના કટ અને પુલથી એ રન મેળવવા લાગ્યો. 

વળી સામેનાં ગોલંદાજને જોઈને એ ક્રિસનો કેવો ઉપયોગ કરવો તે પારખવા લાગ્યો. વળી પીચ પર બરાબર જામી જાય પછી 'પુલ'નો શોટ ખેલવા લાગ્યો અને ક્યારેક તો વિકેટની સામે સીધેસીધો સ્ટ્રોક લગાવવા લાગ્યો.

પોતાના કાકા પાસેથી પૈસા લઈને એ કોચિંગ કેમ્પમાં જોડાયો હતો. એ પછી ક્રિકેટની વધુ સગવડ અને દીનેશ લાડ જેવા કોચ પાસેથી તાલીમ મળે તે માટે સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. પૈસા નહોતા માટે દીનેશ લાડે સ્કોલરશીપ અપાવી. ચાર વર્ષ એક પણ પૈસો આપ્યા વિના કોચિંગ મેળવ્યું. એ સમયે ઓફ-સ્પિન ગોલંદાજી કરતા રોહિતને આઠમા ક્રમને બદલે કોચ લાડે ઓપનિંગમાં મોકલ્યો અને રોહિતે ઓપનર તરીકે પહેલી જ મેચમાં સદી કરી. જોકે આગળ જતાં રોહિત શર્માને કાંડાથી સ્પીન કરનારા સ્પીનરો સામે મુશ્કેલી હતી, પરંતુ ધીરે ધીરે એણે ઝડપી ગોલંદાજોની સાથે સાથે સ્પીન ગોલંદાજીમાં પણ કાબેલિયત મેળવી લીધી. પરિણામ એ આવ્યું કે જ્યારે બીજા બેટ્સમેનો રીસ્ટ- સ્પીનરનાં દડાને માંડ માંડ અટકાવી શકતા હોય, ત્યારે રોહિત એમાં રન લેવા લાગ્યો. પોતાનો દાવ ખેલતી વખતે રોહિત શર્માનું માનસિક વલણ એવું હોય છે કે જાણે એ અગાઉ કોઈ વન-ડે રમ્યો નથી કે કોઈ સદી કરી નથી. આનો અર્થ એ થયો કે એ દરેક મેચને એકડે એકથી એટલે કે એની આગવી દ્રષ્ટિથી જુએ છે. એની રમત પર ભૂતકાળની રમત પ્રભાવિત ન બને, તેની ભારે તકેદારી રાખે છે, આથી વ્હાઇટ બોલનાં આ ખેલાડીને રેડ બોલ ક્રિકેટમાં પણ મહત્ત્વનું સ્થાન મળ્યું અને ટેસ્ટમાં ઓપનર તરીકે એ સતત પોતાની સિદ્ધિ અને શક્તિ બતાવતો રહ્યો.

એના વિશ્વ કપ વિજય પર દ્રષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે એ સતત ટીમને પ્રોત્સાહન આપે છે. ખેલાડી થોડો ગભરાતો હોય, ત્યારે જઈને એની પીઠ થાબડે છે. દરેક ખેલાડીને પોતાની રીતે રમવાની મોકળાશ આપે છે અને સૌથી વધુ તો એ ખુશમિજાજ અને મદદગાર બનીને પોતાની ટીમની સાથે તાલ મિલાવે છે. વર્લ્ડ કપ અગાઉ મુંબઈની આઈ.પી.એલ.માં હાર્દિક પંડયાની આગેવાની હેઠળ એ રમ્યો હતો અને અહીં હાર્દિક પંડયા એની આગેવાની નીચે રમ્યા હતા, પણ એ જૂની કડવાશનો એક અંશ પણ રોહિતે બતાવ્યો નહીં અને સૌથી વધુ તો એ પોતાના ખેલાડીઓની પ્રશંસા કરવામાં સહેજે પાછો પડતો નથી. આથી તો સૂર્યકુમારનો કેચ, અક્ષર પટેલની બેટિંગની પ્રશંસાની સાથોેસાથ એણે કોહલી પરનાં પોતાનો ભરોસો સાચો પડયો, એનો આનંદ વ્યક્ત કર્યો હતો.

એ જ રીતે એની પત્ની રીતિકા અને પુત્રી સમાઈરા સાથેનાં એના કૌટુંબિક જીવનની સુવાસ પણ વર્લ્ડ કપ સમયે પ્રગટ થઈ. પોતાની પુત્રી ઝિવા તરફના ધોનીના પ્રેમની યાદ તાજી થાય તેમ રોહિત પોતાની પુત્રી સમાઈરાને ખભે બેસાડીને એ મેદાન પર ઘુમતો હતો અને પત્નીને ભાવથી આલિંગન આપતો હતો, એ દ્રશ્યની પાછળ રોહિત શર્માનાં એ શબ્દો યાદ કરીએ કે, 'કુટુંબને પરિણામે તમે શાંતિ અનુભવો છો, તમારી જિંદગી તમને સેટલ લાગે છે અને તે કોઈપણ સ્પોર્ટ્સમેનને માટે શ્રેષ્ઠ લાગણી છે.'

ખેર, ગમે તેમ પણ ૨૦૧૧થી ૨૦૨૪ની રોહિતની યાત્રા કેવી ગણાય ? ભારતે આરંભથી ફાઈનલ સુધીની એક પણ મેચ ગુમાવ્યા વિના મેળવેલા આ અદ્વિતીય વર્લ્ડ કપ વિજયને રોહિતે 'ફેન્ટાસ્ટિક'(અસાધારણ) કહીને વધાવ્યો હતો, તેવી જ એની ક્રિકેટર તરીકેની મક્કમ મનોબળની યાત્રા છે.

મનઝરૂખો

ઇટાલીના સંગીતકાર તોસ્કાનીની સમગ્ર યુરોપમાં ઘણી ખ્યાતિ હતી. એનું સંગીત સાંભળવા માટે સહુ કોઈ આતુર રહેતા હતા. વળી આ સંગીતકારનો મિજાજ એવો હતો કે એ કદી કોઈ 'વન્સ મોર' કહે, તો એ સંગીતની ધૂન ફરી વગાડતો નહીં. વળી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એ શ્રોતાઓની તાળીઓ ઝીલવા માટે ક્યારેય સ્ટેજ પર આવતો નહીં.

એક વાર એણે ૧૯મી સદીમાં યુરોપના સંગીત પર પ્રભાવ પાડનાર સમર્થ જર્મન સંગીતકાર બિથોવનની એક સિમ્ફની ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરી. શ્રોતાઓ એના પર આફરીન પોકારી ગયા અને પછી કાર્યક્રમ પૂરો થતાં જ તોસ્કાનીનીએ વિદાય લઈ લીધી. આવી અદ્ભૂત સિમ્ફની કોઈએ સાંભળી નહોતી એટલે શ્રોતાઓએ આગ્રહ કર્યો કે અમે તોસ્કાનીનીનું અભિવાદન કરવા માગીએ છીએ. તમે એને સ્ટેજ પર બોલાવો. પણ તોસ્કાનીની આનાકાની કરવા લાગ્યા. એમણે કહ્યું કે, 'ના, હું અભિનંદનનો સહેજે અધિકારી નથી.' બીજી બાજુ સભાગૃહમાં શ્રોતાઓ તોસ્કાનીનીના નામની બૂમો પાડવા લાગ્યા. એમણે પણ નક્કી કર્યું હતું કે તોસ્કાનીનીને અભિનંદન ન આપીએ, તો આપણે નગુણા કહેવાઈએ અને આપણો સંગીતપ્રેમ લાજે. કાર્યક્રમના યોજકો મૂંઝાઈ ગયા. એમણે તોસ્કાનીનીને વિનંતી કરી કે આજ સુધી અમે ક્યારેય તમને કાર્યક્રમ બાદ આવો આગ્રહ કર્યો નથી, પણ આજે શ્રોતાઓનો મિજાજ જુદો છે. જો તમે નહીં આવો, તો સભાગૃહમાં ધાંધલ-ધમાલ મચી જશે.

તોસ્કાનીની બહાર આવ્યા. એમણે શ્રોતાજનોને નમસ્કાર કર્યા અને શ્રોતાજનોએ એમનું તાળીઓના ગડગડાટથી અભિવાદન કરતાં કહ્યું કે, 'તમે કોઈ પ્રતિભાવ આપો. અમે ક્યારેય કાર્યક્રમ પછી તમને સાંભળ્યા નથી. આજે કંઈ કહો.'

તોસ્કાનીનીએ શ્રોતાઓને કહ્યું, 'મારા સંગીતપ્રેમી મિત્રો ! તમારા સ્નેહનો આભાર માનું, તેટલો ઓછો છે, પરંતુ હું સ્ટેજ પર આવવાની આનાકાની કરતો હતો, કારણ કે આ અભિવાદનનો હું હકદાર નથી. કારણ એટલું જ કે આજે મેં જે સિમ્ફની વગાડી, તે બીથોવનની ધૂન હતી. તમારે અભિવાદન કરવું હોય તો એમનું કરવું જોઈએ, મારું નહીં.'

ક્ષણનો સાક્ષાત્કાર

પોતાની જાત અને જીવન તરફ નફરત ધરાવનારા તમે જોયા હશે. વારંવાર એમના મુખેથી સાંભળ્યું હશે કે, 'મારી જિંદગીનો તો સાવ કચ્ચરઘાણ નીકળી ગયો છે. આવી બેકાર જિંદગી કરતાં તો મોત મીઠું.' આવી પોતાના જીવનને ધુ્રણા અને તિરસ્કારથી જોનાર પ્રત્યે મને ભારે અણગમો છે,. થોડી ચીડ પણ ખરી !

તેઓ હંમેશા એમને મળેલી નિરાશાનાં રોદણાં રડતાં હોય છે. નિષ્ફળતા અંગે દીર્ધ શ્વાસ સાથે વસવસો પ્રગટ કરતા હોય છે. એમને સવાલ કરો કે, 'જીવનમાંથી તમે શું મેળવ્યું ? તો એ તરત જ કઠોર અવાજેને ભારે હૈયે કહેશે કે,'અરે ! જીવન તો ધૂળધાણી થઈ ગયું. કશુંય મેળવ્યું નથી. એ વેડફાઈ ગયાની કોરી ખાતી વેદનાથી તો હું રાતદિવસ પીડાઉં છું.'

હકીકતમાં આવી વ્યક્તિ પોતાની જાત પ્રત્યે કેળવેલી નફરતને પરિણામે પોતાના જીવન પ્રત્યે ગંભીરતાથી વિચારતી નથી. એણે જીવનમાં કેટલી બધી મથામણો કરી, કેવા સંઘર્ષો વચ્ચે જીવીને તેણે પાર કર્યા, એ કશું યાદ કરતી નથી. એમ પણ વિચારતી નથી કે ભલે જિંદગાનીની કશ્મકશમાં સફળ થયા નહીં, પણ એનો મુકાબલો કરવામાં તો જરાય પાછી પાની કરી નથી. તમે મહાન માનવી કે સમર્થ પ્રતિભાવાન બન્યા નથી, પણ એનો અર્થ એ નથી કે તમે તમારા મૂલ્યવાન જીવન તરફ નફરત ધરાવો. જરા પૂર્વગ્રહોને બાજુએ રાખો, પાળેલી નેગેટીવિટીને અળગી કરો, જીવનપટ વિશે શાંતિથી વિચારશો તો સમજાશે કે તમે જીવનમાં જે કાર્ય કરવાનું હતું તે કર્યું છે. જે જવાબદારી તમારે માથે હતી, તેમાં કોઈ ચૂક કરી નથી. તમે તમારા ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં ધ્યેયો કે કાર્યો પાર પાડયા છે અથવા તો સાચા દિલથી એ પાર પાડવાની કોશિશ કરી છે. આમાં ક્યારેય કામચોરી કે દિલચોરી કરી નથી, બલ્કે એ માટે જીવ રેડીને પ્રયાસ કર્યો છે. જીવનમાં ક્વચિત્ મૂંઝવણ અનુભવી હોય, અકળામણ ઉપસી આવી હોય, મનથી નિરાશ થયા હોય, તો પણ તમે આજસુધી જે કર્યું છે, એ જ તમે તમારી જાતને આપેલો સૌથી મોટો શિરપાવ છે.


Google NewsGoogle News