ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે, નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે....

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે, નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે.... 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ભારતમાં તો ટાગોરે મૂળ લખેલું એમ વરસાદથી મન મોર બનીને થનગાટ કરે એવી કૃતિઓના ઘોડાપૂર છે જ પણ વિશ્વસાહિત્યમાં વરસાદને કેવું વ્હાલ કરાયું છે એની એક મેઘધનુષી ઝલક...

લીલી નસોમાં વહેતા આ કાળા કાળા વાદળ

રક્તપ્રવાહે ભળી ગયું છે એ વરસાદી જળ.

શ્વાસોના રસ્તે ચાલી સ્પર્શે સુગંધી માટી

ફરવા નીકળ્યો છે અંધકાર, આ મદીલ અત્તર છાંટી

વિજળી ઘરમાં ઘૂસીને શોધે છે એક કાગળ

તેને લખવું છે એવું કે આજ મને તું મળ.

ડુંગરથી આવી દડતું ભીનું આકાશ ભળતું

સૂરજનું તેજ તેમાં ધીમે ધીમે ઓગળતું.

ગર્જી ગર્જીને વરસી આ મેઘ થઈ ગયો નિર્બળ.

પૃથ્વીને પામવાનું શું સ્વપ્ન હશે કે છળ?

ગાતું આ ઘાસ લીલું હું મારી આંખે ઝીલું

સોનેરી પળને પકડી હું પવન હીંચકે ઝૂલું.

નથી ખબર મને કે આ કયા પુણ્યનું છે ફળ

રગરગમાં રમતું ઉતરે કંઈ અંદર છેક તળ.

હરીશ દાસાણીની આ ઝરમર વરસતી નશીલી રચનામાં વર્ષાનું વર્ણન તો છે જ પણ રસિયાઓને બારિશમાં બહેકી ઉઠતા બદનના મિલનની છાલક પણ દેખાશે. સહશયનના ઉન્માદને વરસાદ સાથે જોડવું એ તો પ્રાચીન ભારતીય પરંપરા છે. જે ભાગ્યે જ કોઈ આખું અને સાચું વાંચે છે એવા વાલ્મિકી રામાયણમાં ઝ્રશ્નઊં્ઠ્ઠિંરૂ।છ ઙ્મગ્ી ગ્શદ્વઝશપ્ ઙ્મગ્ઋશ।ગ્ફ ળ હ્લફેશ્ન્ ઝછિં િંઊંઢઙ્ઙ્ઘ્છ ત્ર્્સ થ ાૃ્રહિં।ય ઝિં્પ્ઝ્રઊંશ્ર ળળ જેવો શ્લોક છે, જયારે રામ વરસાદી મોસમને કારણે સીતાની શોધ આગળ ધપાવી શકતા નથી ત્યારના અદ્ભુત વર્ણનમાંથી. જેનો અર્થ થાય કે સૂરજનાં કિરણોથી સમુદ્રના જળનો ગર્ભ ૯ માસ સુધી ધારણ કર્યા બાદ વાદળો વર્ષાજળ રૂપી જીવનરસાયણનો પ્રસવ કરે છે !

આપણે તો સદભાગી છીએ કે દેશમાં લગભગ બધે એક ચોક્કસ ચોમાસું છે. મોટા ભાગના જ્યાં ફરવા જવું ગમે એવા દેશોમાં કાં તો બહુ વરસાદ નથી અથવા બારે માસ ગમે ત્યારે વરસાદ આવી ચડતો હોય છે. પણ વરસાદી માહોલ એવી મનલુભાવન મોસમ રચી દે છે કે સાહિત્યની સરવાણી ફૂટી નીકળે. માણસ કશુંક સ્ટ્રોંગલી ફીલ કરે તો પછી એને એક્સપ્રેસ કરવાની ચાનક ચડે. એમાં જો એને શબ્દો કે પીંછી કે વાદ્ય મળી જાય તો એ સર્જક થઇ જાય. આપણે ત્યાં તો પ્રથમ ગ્રંથ કહેવાય એવા ઋગ્વેદમાં પર્જન્ય યાને વરસાદની વાત કહેતા શ્લોકોથી શરુ કરી બોલીવુડના મદમસ્ત બારિશાના ગીતો સુધી વરસાદી રચનાઓનો ખજાનો છે. પણ દુનિયામાં, ખાસ કરીને પોએટ્રી સિવાય ગદ્ય - યાને નવલકથા વાર્તા કે પ્રોઝની દુનિયામાં સર્જકોએ મેહુલિયાને કેવા લાડ લડાવ્યા છે ? સાહિત્યપ્રેમીઓએ એમાંથી ચૂંટેલા શબ્દપુષ્પોના પણ ગુલદસ્તા સજાવીને મુક્યા છે. 

લેટ્સ સી.

જેના પરથી જુડી ડેન્ચ અને કેટ વિન્સ્લેટને લઈને ફિલ્મ બની ચૂકી છે, 'આઇરિસ' નામની એવી નોબેલ પ્રાઈઝ વિનર લેખિકા આઇરિસ મર્ડોક એની કૃતિ 'ધ સી, ધ સી' માં લખે છે કે... સ્ટીલના સળિયાઓની જેલ રચાઈ જાય એમ રૂપેરી ચાંદી જેવા વરસાદની ધારાઓ વરસી. વરસાદ ઘર પર અને ખડકો પર વેરવિખેર થઈ ગયો અને એણે સમુદ્રને ઢાંકી દીધો. ગર્જનાએ એવા અવાજો કર્યા જાણે વજનદાર પિયાનો સીડી પરથી નીચે ગબડી પડયો હોય ને છેલ્લે ગડગડાટ બાદ એક હળવા સુરીલા સંગીતમાં સ્થાયી થાય ! વીજળીની ચમક લબૂકઝબૂક થતી લાંબા પ્રકાશમાં જોડાઈ ગઈ જેણે ઘાસને વધુ લીલું અને  ખડકોને ઝગઝગતા ગેરુ પીળા બનાવી દીધા !

તો 'ધ પોન્ડ'માં ક્લેરી લુઈ બેને કેવી કલ્પના કરે છે ! 'વરસાદના ફોરાં જયારે લીલા ઘાસના કોમળ તૃણ સાથે જુગલબંધી કરે છે ત્યારે કોઈ પહાડની નીચે કચડાતા શાહી ઝુમ્મર જેવા લાગે છે !' અને 'ધ ઈન્ડીપેન્ડન્ટ પીપલ'માં હેનરી લેક્સનેસ લખે છે : 'થોડા સમય પછી વરસાદ શરૂ થયો, શરૂઆતમાં તે ખૂબ જ નિર્દોષ હતો, પરંતુ આકાશમાં વાદળોથી ભરેલું હતું અને ધીમે ધીમે ટીપાં મોટા અને ભારે થતા ગયા. આ વરસાદ ગ્રહો વચ્ચેના શાશ્વત ધોધ જેવો હતો, વરસાદ કે જેણે આકાશને કઠોરતાથી ઢાંકી દીધું હતું અને સમગ્ર દેશભરમાં દમનકારી રીતે ઝઝૂમી રહ્યો હતો, એક રોગની જેમ, તેની સપાટ, અવિરત એકવિધતાની શક્તિમાં મજબૂત, તેનો ધૂંધળો ભાર, તેની ઠંડી, અવિરત ક્રૂરતા. ધીમે ધીમે, સરળતાથી તે સમગ્ર ધરા પર, નમી ગયેલા કાદવવાળા ઘાસ પર, મુશ્કેલીમાં મુકાયેલા તળાવ પર, લોખંડના કાટ જેવા ભૂખરા કાંકરીના સપાટ મેદાનો પર,  ઉપરના અંધકારમય પર્વત પર,..દરેક સંભાવનાને કચડતો ધસી ગયો. અને ભારે નિરાશાજનક એવા એના અવાજના અનંત ધબકારા ઘરની દરેક તિરાડોમાં ઘૂસી ગયા, કાન પર રૂના પૂમડાંની જેમ પડયા, તેના વ્યાપમાં નજીક અને દૂરની દરેક વસ્તુને ભેટતો ગયો વરસાદ. એક રોમાન્સ વગરની નીરસ વાર્તા જેવો બની રહ્યો. એવી કે જેમાં કોઈ લય નથી અને કોઈ છેલ્લે ચલતીનું નૃત્ય પકડતી રોમાંચક પરાકાષ્ઠા નથી, પરંતુ તેમ છતાં તેના ઉછાળા જબરદસ્ત છે, ભયાનક છે.'

આ બોઝિલ વર્ણન પણ વરસાદનું એક વાસ્તવ છે. 'એઝ આઈ લે ડાઈંગ'માં વિલિયમ ફોકનર વરસાદને બંદૂકમાંથી છૂટેલી ધુમાડા નીકળતી ગરમ ગોળી સાથે સરખાવે છે અને ઝુંપડાના ફાનસની ઝાંખી રોશની ફરતે વરસાદી પવન સાપ જેવા ફૂંફાડા મારી એને ઓલવવા મથે છે -એવું વર્ણન કરે છે. જાપાનથી આખા જગતની નવી પેઢીમાં છવાઈ જનારા હારુકી મુરાકામી એની સુખ્યાત 'કાફકા ઓન ધ શોર'માં પણ સાવ સામા છેડાની વરસાદની વાત છેડે છે. 'બપોરે ઘેરા વાદળો અચાનક આકાશને એક રહસ્યમય છાંયો આપે છે અને કેબિનની છત અને બારીઓ પર જોરદાર વરસાદની તડાપીટ શરૂ થાય છે. હું નગ્ન થઈને બહાર દોડી જાઉં છું,  સાબુથી મારો ચહેરો ધોઈ નાખું છું અને મારી જાતને બધી બાજુ રગડું છું. અદ્ભુત લાગે છે. મારા આનંદમાં હું મારી આંખો બંધ કરું છું અને અર્થ વગરના આનંદી શબ્દો પોકારું છું કારણ કે વરસાદના મોટા ટીપાં મારા ગાલ, પોપચાં, છાતી, બાવડાં,  લિંગ, પગ અને નિતંબ પર પડે છે- ધાર્મિક દીક્ષાવિધિ જેવી ડંખ મારતી પીડા પણ થાય છે એની ચુભનની. પીડાની સાથે એક નિકટતાની લાગણી પણ હોય છે કે મારા જીવનમાં ક્યારેક પ્રકૃતિ મારી સાથે ન્યાયી રીતે વર્તે છે. અને મને આખો ભીંજવે છે. મને આનંદ થાય છે, જાણે કે અચાનક મને મુક્ત કરી દેવામાં આવ્યો હોય. હું આકાશ તરફ જોઉં છું, હાથ પહોળા કરીને, મારું મોં પહોળું કરું છું અને ધોધમાર વરસાદનો કોળિયો કરી લઉં છું.'

ક્યા બાત ! વર્જીનિયા વુલ્ફ જેવા વિખ્યાત સર્જકની 'ધ ઈયર્સ યાદ આવી ગઈ. જેમાં વિલાયતી વરસાદનું વર્ણન કૈંક આવું છે : વરસાદ વરસી રહ્યો હતો. એક સારો વરસાદ, હળવો વરસાદ, ફૂટપાથ પર છવાઈ રહ્યો હતો અને ફરસને ચીકણી બનાવી રહ્યો હતો. છત્રી ખોલતી વખતે શું તેના ઝંઝાવાતી આગમનની જરૂર હતી ? -  થિયેટરોમાંથી બહાર આવતા લોકોએ પોતાને મનોમન આવું પૂછયું ! ધાબલા જેવા વાદળછાયા  દૂધિયા આકાશમાં તારાઓ ઝાંખા પડી ગયા હતા. જ્યાં તે પૃથ્વી પર, ખેતરો અને બગીચાઓ પર પડયો, ત્યાં તેને પૃથ્વીની ગંધ આવી ગઈ. અહીં ઘાસની પટ્ટી પર એક ટીપું ઊભું હતું;  ત્યાં જંગલી ફૂલનો પ્યાલો ભરાયો હતો, જ્યાં સુધી પવન હલ્યો ન હતો અને વરસાદ પડયો ન હતો ત્યારે છાપરા નીચે આશ્રય લેવો કે કેમ એવો ઘેટાંઓને સવાલ થતો હતો ! ગાયો તો પહેલેથી જ ભૂખરા ખેતરોમાં, ધૂંધળા છજા હેઠળ, તેમની ખાલ પર પડતા વરસાદના ટીપાંને જીભ પર ભેળવીને ઘેનમાં વાગોળવાનું ચાલુ કરવા લાગી હતી ! 

છત પર નીચે તે ખાબક્યો-અહીં વેસ્ટમિન્સ્ટરમાં, ત્યાં લેડબ્રોક ગ્રોવમાં; વિશાળ સમુદ્ર પર લાખો બિંદુઓએ અસંખ્ય આક્રમણ કરીને જાણે આરામ કરતા વાદળી રાક્ષસને ઉશ્કેર્યો. વિશાળ ગુંબજો ઉપર, સુતેલા  યુનિવર્સિટીઓ ધરાવતા શહેરોના ટાવરો પર, શિખરબદ્ધ પુસ્તકાલયો ઉપર, અને સંગ્રહાલયો પર... હળવો વરસાદ નીચે સરકી ગયો, ત્યાં સુધી, તે વિચિત્ર હાસ્ય કરનારાઓના મુખ સુધી પહોંચ્યો, ઘણા પંજાવાળા જનાવરમાંથી પકડમાંથી સરકીને એક હજાર પોલાણમાંથી બહાર નીકળી ગયો. એક દારૂડિયો જાહેર મકાનની બહાર એક સાંકડા માર્ગમાં લપસી ગયો, અને વરસાદને કોસવા લાગ્યો. બાળજન્મ દરમિયાન મહિલાઓએ ડૉક્ટરને મિડવાઇફને કહેતા સાંભળ્યા, 'વરસાદ પડી રહ્યો છે'. ઓક્સફર્ડની દિવાલોની ઘંટડીઓ, તેલના સમુદ્રમાં ધીમા જળચરની જેમ આળસ મરડીને ગુંજતી રહી. જાણે કોઈ સાધકો  ચિંતનશીલ રીતે સંગીતમય મંત્રને ઉચ્ચારતા હોય! સુંદર વરસાદ, હળવો વરસાદ, નિષ્પક્ષતા સાથે ઉઘાડા માથાવાળા લોકો પર સમાન રીતે રેડાયો. જે સૂચવે છે કે જો કોઈ ભગવાન હોય તો વરસાદ જેવો જ દેવતાઈ હોય. તે ખૂબ જ જ્ઞાાની, ખૂબ જ મહાન લોકો સુધી મર્યાદિત ન રહે, પરંતુ તમામ શ્વાસોચ્છવાસ લેતા સજીવો પર ભેદભાવ વિના પહોંચે, ચણનાર અને ચાવનાર,  અજ્ઞાાની કે નાખુશ, જે લોકો ભઠ્ઠીમાં એક જ વાસણની અસંખ્ય નકલો બનાવવા માટે સખત મહેનત કરે છે, જેઓ રાતાચોળ ગરમ મિજાજથી કંટાળો સહન કરે છે એ બધા પણ વરસાદની બક્ષિસના અધિકારી છે !

નિયોવાયોલેટ બુલાવાયો 'વી નીડ ન્યુ નેમ્સ'માં વરસાદને મા શિશુને ચાટે એવો બતાવ્યો છે ને સૂરજ એને હટાવી દેતા બાપ જેવો ! જેમ્સ જોયસના 'ડબલિનર્સ'માં એ વરસાદ કરોડો સોય ભૂમિની પથારીમાં ભોંકે છે, એવું કલ્પન છે ! ધુરંધર ચાર્લ્સ ડિકન્સ 'બ્લીક હાઉસ'માં શાહીને કાગળ પર આવા લખાણ સાથે વરસાવે છે : 'આખું અઠવાડિયું હવામાન અત્યંત ઉમદા રહ્યું હતું, પરંતુ વાવાઝોડું એટલું અચાનક તૂટી પડયું. લાકડાની કોઈ છત નીચે આશરો શોધો એ પહેલા વીજળી વારંવાર આવતી હતી અને વરસાદ પાંદડાઓમાંથી નીતરી રહ્યો હતો જાણે કે દરેક ટીપું એક મોટો મણકો હોય. તે વૃક્ષો વચ્ચે ઊભા રહેવાનો સમય ન હોવાથી, અમે ઝટ બહાર નીકળી ગયા અને લોજમાં ગયા જેની ઝાડીઓમાં કૂતરા પાણીમાં ડૂબતા હોય એમ ઓગળી જતા હતા.

અંદર અંધારું હતું, હવે આકાશ વાદળછાયું હતું, અમે દરવાજા પર આવેલા માણસને જ સ્પષ્ટ રીતે જોયો જ્યારે અમે ત્યાં આશ્રય લીધો. જાળીની તમામ બારીઓ ખોલી દેવામાં આવી હતી. અમે દરવાજાની અંદર જ તોફાન જોઈ રહ્યા હતા. પવન કેવી રીતે જાગી ગયો, વૃક્ષોને વળાંક આપ્યો, અને ધુમાડાના વાદળની જેમ વરસાદને આગળ ધપાવ્યો... ગંભીર ગર્જના સાંભળવા અને વીજળી જોતા જોતા જબરદસ્ત શક્તિઓ કે જેના દ્વારા આપણું નાનું જીવન ઘેરાયેલું છે તેના ભય સાથે વિચાર આવ્યા.  આ તોફાનો પણ કેટલા લાભદાયી છે અને નાના ફૂલ અને પાંદડા પર કેવી રીતે આ બધા 

બહાર દેખાતા ક્રોધથી ભીતર શુદ્ધ તાજગી રેડવામાં આવી હતી એ વિચાર્યું. વર્ષા ફરીથી કુદરતના સર્જનને નવું બનાવતી હતી.'

આહા ! હવે થોમસ હાર્ડી 'ફાર ફ્રોમ ધ મેડિંગ ક્રાઉડ'માં વરસાદ કેવી રેતી બહેલાવે છે એ વાંચો : 'હવાએ તેનું તાપમાન બદલ્યું અને પોતાને વધુ જોરશોરથી હલબલાવી ફૂકાતી થઇ. એના ચહેરાની આસપાસ પારદર્શક ધારમાં ઠંડો પવન ફૂંકાતો હતો. પવન હજુ પણ આગળ વધ્યો હતો અને વધુ મજબૂત બન્યો હતો. દસ મિનિટમાં સ્વર્ગમાંથી જોરદાર પવન વીંઝાતો હોય તેવું લાગતું હતું. ઘઉંના ઢગલા પરની કેટલીક છાજલીઓ હવે અદભૂત રીતે ઉપર વીંટળાયેલી હતી, અને તેને બદલવી પડી હતી  એ ફરીથી વરસાદમાં સ્થિર ગુલામ બની ગયો. વરસાદનું એક મોટું ટીપું તેના ચહેરા પર ત્રાટક્યું, પવન દરેક ખૂણામાં ઘૂમી રહ્યો હતો, વૃક્ષો તેમના થડના પાયા પર ધુ્રજી ઉઠયા હતા અને ડાળીઓ એકમેક સાથે ઝગડો કરતી અથડાઇ હતી. વરસાદ ઉત્સાહપૂર્વક વરસી રહ્યો હતો એને તરત જ લાગ્યું કે તેની પીઠ નીચે ઠંડા અને ચીકણા માર્ગો પર પાણી વહી રહ્યું છે. આખરે તે લગભગ એક સમાન ભેજવાળો બની ગયો, અને તેના કપડાંના રંગો નીચે આવી ગયા એ એક તળાવમાં ઊભો રહ્યો. વાદળોમાં એના પર ત્રાંસા તાતા તીર ઠલવાતા હતા.'

તો અમેરિકાની જવાની તણી આખી વ્યાખ્યા ઘડનારી જે.ડી. સાલિંગરની 'ધ કેચર ઇન ધ રાય'માં આવો એક ફકરો છે : કમીનો વરસાદ એક ઘાતક ગુંડાની જેમ ત્રાટકયો. બધા માતા-પિતાઓ અને દરેક જણ ઉપર ગયા અને કારોસેલની છત નીચે ઊભા રહ્યા, જેથી તેઓ પલાળી ન જાય,.પણ હું થોડો સમય બેન્ચ પર અટવાઇ ગયો. હું ખૂબ ભીનો થઇ ગયેલો હતો, ખાસ કરીને મારી ગરદન અને મારું પેન્ટ. મારી શિકારની ટોપીએ ખરેખર મને એક રીતે ઘણું રક્ષણ આપ્યું. અચાનક મને ખૂબ જ ખુશીનો અનુભવ થયો. મને ખબર નથી કેમ. કારણ માત્ર એટલું જ હતું કે તે વરસતા વરસાદમાં ખૂબ જ સરસ લાગતી હતી, જે રીતે તે આસપાસ ફરતી રહી, તેના વાદળી કોટમાં... ઓ ભગવાન, હું ઈચ્છું છું કે તમે ત્યાં હોત !

જેસ્મીન વોર્ડના 'સિંગ, અનબ્યુરિડ,સિંગ'માં આવું જ કૈંક જુદી રીતે લખે છે : વીજળીના કડાકા, એક આસમાની તિરાડ અને આકાશ મકાનની ટીનની છત પર પાણી ફેંકી દે છે: અવાજની ધુ્રજારી. મારો  શર્ટ ઉડતો ઉડતો પાછળ મારા માથા પર ખેંચાય છે,  ગેસનો ધુમાડો ભીની માટીની ગંધ સાથે વરસાદ મારી આંખોને અંધ કરવા માટે નીચે દોડે છે, મારા નાકમાંથી વહે છે. આ બધું મને એવું અનુભવે છે કે હું શ્વાસ લઈ શકતો નથી. હું મારું માથું પાછળ નમાવું છું, મારો શ્વાસ રોકી રાખું છું અને વરસાદને મારા ગળામાં આવવા દઉં છું. જ્યારે હું ગળી જાઉં છું એ પાતળી ઠંડીગાર  છરી. એકવાર. બે વાર. ત્રણ વખત. વરસાદ મારી આંખો બંધ કરે છે,  એક કંઈક ફફડાટ, એક શબ્દનો ઘોંઘાટ, પણ પછી તે ગયો... 

અને ટોની મોરિસન 'સોંગ ઓફ સોલોમન'માં વરસાદ અચાનક કોઈની ખરીદીને કેવી પરેશાન કરી નાખે છે એનું વર્ણન કૈંક આવું લખે છે : વરસાદ પડી રહ્યો છે તે સમજાય તે પહેલાં તે સંપૂર્ણપણે ભીની થઈ ગઈ હતી અને પછી એની બેમાંથી એક શોપિંગ બેગ ખુલી ગઈ. જ્યારે એણે નીચે જોયું, ત્યારે તેનો ઇવાન-પિકોન વ્હાઈટ-બેન્ડ-ઓફ-કલરનો સ્કર્ટ રસ્તાના ભીના ખભા પર રગદોળાતો પડેલો હતો, અને તે ઘરથી દૂર હતી. તેણીએ બંને થેલીઓ નીચે મૂકી, સ્કર્ટ ઉપર ઉપાડયો અને તેમાં ચોંટેલા કાંકરીના ટુકડાઓ દૂર કરી દીધા. તેણે ઝડપથી તેને ગડી કરી. પરંતુ જ્યારે તેણે તેને શોપિંગ બેગમાં પાછું નાખવાનો પ્રયાસ કર્યો, ત્યારે બેગ સંપૂર્ણપણે પડી ભાંગી હતી. વરસાદે તેના વાળ ભીના કરી દીધા હતા. તેણે કોન બ્રિયોસનું બૉક્સ, વેન રાલ્ટે ગ્લોવ્ઝનું એક નાનું પેકેજ, અને બીજું તેના ફેન-ટ્રીમ્ડ-ઇન-સી-ફોમ શોર્ટી નાઇટગાઉન ધરાવતું હતું. આ તેણીએ બીજી થેલીમાં ભરી હતી. પોતાના પગલાં પાછાં ખેંચીને, એણે તેને તેના પેટ સુધી ઊંચકી અને તેને બંને હાથથી બેગની વસ્તુઓ બચાવવા એને આલિંગન આપ્યું. તે ભાગ્યે જ દસ ડગલા આગળ ગઈ હતી જ્યારે એ થેલી લપસી ગઈ, અને તેણે  ખૂબ જ નિરાશામાં, પોતાના સન્ની ગ્લોના બૉક્સને ખાબોચિયામાં પડતું જોયું. તેણીએ જંગલ રેડ અને યુથ બ્લેન્ડના બોક્સને સુરક્ષિત રીતે લઇ લીધું.  પરંતુ સન્ની ગ્લો, જે સંપૂર્ણપણે તૂટી ગયું હતું જાણે એક નાનો વિસ્ફોટ થયો હતો વરસાદને લીધે.

સમરસેટ મોમની એક કહાની છે 'ધ રેઇન'. વરસાદ અને રોગચાળાને લીધે એક જહાજ ટાપુ પર ફસાઈ જાય છે. એક પાદરી યુગલ એમાં છે. અને એક ગણિકા છે. પાદરી ગણિકાને સુધારી સારા રસ્તે લઇ આવવાનું બીડું ઝડપી વરસાદી માહોલમાં એની જોડે ધાર્મિક ઉપદેશ આપવા સમય પસાર કરે છે. એની પ્રાર્થનામાર્ગ થતી પ્રગતિ બાબતે મિત્રને કહે છે. દેખાવડી એવી એ પ્રોસ્ટીટયુટ મિસ થોમ્સનના નખરાં ને લટકાં ઘટી જાય છે. પણ એક દિવસે ગળા પર છરીના ઘા સાથે ધર્મોપદેશકની લાશ મળે છે. બીજે દિવસે વહાણ કિનારો છોડે છે. અને પેલા ધાર્મિક સુધારકના મિત્ર સામે શરીરને વળ આપીને પસાર થતી એ યુવતી તિરસ્કારથી બોલે છે 'બધા પુરુષો એક જેવા જ હોય છે, સાલા ધરમની વાતો કરતા ઉપદેશક ડુક્કરો...' વરસાદ થંભી જાય છે. 

તો રીડરબિરાદર, આ વરસાદ છે પરદેશી સાહિત્યકારોના એક લેખમાં સમાય એવા થોડાક વરસાદી શબ્દચિત્રોનો. એલીઝાબેથ હાર્ડવિક 'સ્લીપલેસ નાઈટ'માં લખે છે એમ વરસાદ ખૂબસુરત છે ને એક બપોરે ઘેરાઈને ઉભો રહે છે આભારની પ્રતીક્ષામાં લવન્ડરની ખૂશ્બો સાથે ! એવો આભાર શીર્ષકના જ કવિ અને તાજેતરમાં આ ચોમાસું જોયા વગર જ વિદાય લઇ ગયેલા કવિ હર્ષદ ચંદારાણા વ્યક્ત કરે છે એ જ કવિતાના અંતે... 

અમે ઓવારણાં લીધાં, હૃદયમાં બેસણાં દીધાં,

અમારે દ્વાર, જળનું રૂપ લઈ ઠાકોર આવ્યાં છે.

ફાસ્ટ ફોરવર્ડ 

स्थलीभूमिर्निर्यन्रवक तृणरोमाञचनिचय- प्रपञचै प्रोन्मीलत्कुटजकलिकार्जृम्भितशतैं

धनारम्भे प्रेयस्युपगिरि गलन्निज्इरजल

प्रणालाप्रस्वेदै : कमपि मृदुभाव प्रथयिता ।।

ભાવાનુવાદ: અને પર્વતના શિખરેથી તળેટી સુધી આળસ મરડીને ગજગામિની પૃથ્વી હજારો કળીઓ ખીલવતી દેહને ઢાંકતા ઘાસને ખંખેરી અનાવૃત થઈને એના પિયુ મેઘને આવકારવા થનગને છે અને એની ઉનાળુ આળસનો પરસેવો ધોધ બનીને વહે છે ! 

(સદુક્તિકર્ણામૃત)


Google NewsGoogle News