કોલેસ્ટેરોલ અને તેની દવાઓ .
- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક
અ ગાઉ ચર્ચા કરી તે મુજબ લોહીમાં રહેલી ચરબી એટલે કે કોલેસ્ટ્રોલ અને તેના વિવિધ ઘટકો ખાસ કરીને LDL કોલેસ્ટ્રોલ અગત્યની ધમનીઓમાં બ્લોક બનાવવાનું કામ કરે છે.જેના કારણે હૃદયની ધમનીઓ, મગજની ધમનીઓ કે પગની ધમનીઓના પરિભ્રમણમાં અડચણ પેદા થાય છે. જ્યારે આ રોગ અમુક હદથી વધી જાય અથવા સાંકડી થયેલી ધમનીઓમાં લોહીનો ગઠ્ઠો બની જાય તો એકાએક આ અંગોનું પરિભ્રમણ અટકી જાય છે. આવું જો હૃદયની ધમનીમાં થાય તો હાર્ટ એટેક આવી શકે, મગજની ધમનીમાં થાય તો પેરાલીસીસ એટેક એટલે કે સ્ટ્રોક થઈ શકે અને પગની ધમનીમાં થાય તો ગેંગરીન થઈ શકે આ કારણોસર કોલેસ્ટેરોલ અને તેના વિવિધ ઘટકોને કાબુમાં રાખવા ખૂબ જરૂરી છે.
કોલેસ્ટેરોલ કેવી રીતે ઘટાડી શકાય?
ખોરાક- શાકભાજી, ફળો, કઠોળ અને પ્રમાણસર માત્રામાં સુકામેવા હૃદયને ફાયદો કરી શકે અનહેલ્ધી ફેટ એટલે કે સેચ્યુરેટેડ ફેટ ઘી, માખણ, ચીઝ, ક્રીમ, ઈંડાનો પીળો ભાગ, મીટ વગેરે ઓછી માત્રામાં લો તેમ જ ટ્રાન્સફેટ એટલે કે બેકરી પ્રોડક્ટસ, માર્ગેરીન, વનસ્પતિ ઘી ખૂબ જ ઓછી માત્રામાં લો.. હંમેશા નિયમિત વ્યાયામ કરવાની ટેવ રાખો.. તમારું વજન નિયંત્રણમાં રાખો, તમાકુ, ધુમ્રપાન અને દારૂના વ્યસનથી દૂર રહો.
કોલેસ્ટ્રોલની સારવાર માટે વપરાતી દવાઓ
STATIN- આ દવાઓ કોલેસ્ટ્રોલને કાબુમાં કરવા માટે તેમજ હૃદય રોગ અને પેરાલીસીસનો એટેક રોકવા માટે ખૂબ જ પ્રચલિત અને અસરકારક દવાઓ છે. આ દવાઓ સામાન્ય રીતે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા સારા એવા પ્રમાણમાં ઘટાડે છે અને તેથી હૃદય રોગ રોકવામાં ખૂબ જ મદદરૂપ છે. છેલ્લા ૨૫થી ૩૦ વર્ષ દરમિયાન થયેલા વિવિધ પરીક્ષણો દ્વારા એવું અવારનવાર પુરવાર થયું છે કે STATIN ગ્રુપની દવાઓથી હૃદય રોગનું પ્રમાણ ઘટી શકે છે અને આ દવાઓ મહદઅંશે સુરક્ષિત છે. તેથી જો તમારા ડોક્ટરની સલાહ હોય તો આ દવાઓ નિયમિત રીતે લેવી હિતાવહ છે. આ દવાઓનો કોઈ નિયત કોર્સ હોતો નથી અને આ દવાઓ લાંબા સમય સુધી લેવાની હોય છે. સામાન્ય રીતે ATORVASTATIN અને ROSUVASTATIN નામની દવાઓ STATIN ગ્રુપમાં વધુ પ્રચલિત છે.
EZETEMIBE- આ દવા આંતરડામાંથી કોલેસ્ટ્રોલનું પાચન ઓછું કરે છે અને તે રીતે કોલેસ્ટ્રોલની માત્રા જાળવવામાં મદદ કરે છે. આ દવા પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આ દવા STATINની સાથે આપવામાં આવે તો કોલેસ્ટ્રોલ વધુ ઝડપથી ઘટે છે.
BEMPEDOIC ACID- આ પ્રમાણમાં નવી દવા છે અને જે લોકો STATIN ગ્રુપની દવા ન લઈ શકે તેવા દર્દીઓ માટે ઉપયોગી નીવડે છે .
PCSK9 INHIBITOR- આ પણ નવી દવાઓ છે જે દર ૧૫ દિવસે ઇન્જેક્શન સ્વરૂપમાં આપવામાં આવે છે. આ દવા પણ ખૂબ જ અક્સિર અને સુરક્ષિત છે પરંતુ નવી હોવાના કારણે હાલમાં થોડી મોંઘી છે.
INCLISIRAN- આ પણ ઇન્જેક્શન સ્વરૂપમાં આપવામાં આવતી દવા છે જે દર છ મહિને આપવાની હોય છે.
E.P.A- આ દવા જે વ્યક્તિનું ટ્રાયગલીસરાઇડ વધારે રહેતું હોય તેવી વ્યક્તિને હૃદય રોગનું પ્રમાણ ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે.
FIBRATE - આ દવા ટ્રાયગલીસરાઇડ વધારે રહેતું હોય તેવી વ્યક્તિ માટે ઉપયોગી છે પરંતુ હૃદયરોગનું પ્રમાણ ઘટાડવા માટે ખાસ ઉપયોગી નથી.
SAROGLITAZAR- નામની દવા આપણા દેશની શોધ છે જે ટ્રાયગલીસરાઇડ ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે.
કોલેસ્ટેરોલ ની દવા શા માટે લેવી જોઈએ ?
હૃદયરોગથી બચવા માટે STATIN પ્રકારની દવા લેવાથી LDL- જે ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે તેની માત્રા ઘટે છે અને ધમનીઓમાં જે PLAQUE બને છે તે Rupture થવાની શક્યતા ઘટી જાય છે તેથી આ દવાઓ હૃદય રોગને રોકવા માટે ખૂબ ઉપયોગી છે. પેરાલીસીસનો એટેક રોકવા માટે પણ આ દવાઓ ખૂબ ઉપયોગી છે. તે ઉપરાંત ડાયાબિટીસના દર્દીને આંખના પડદા પર અસર થઈ હોય તો તેવી વ્યક્તિ માટે પણ આ દવાઓ લેવી જરૂરી છે.
આ દવાઓની આડઅસર છે?
સામાન્ય રીતે આમાંની મોટાભાગની દવાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે તેમ છતાં કેટલીક વાર આ દવાઓથી સ્નાયુઓમાં દુખાવો અને કેટલાક રેર સંજોગોમાં રેબડોમાયોલાઈસીસ થઈ શકે છે. અમુક સંશોધનો એમ બતાવે છે કે આ દવાઓથી ડાયાબિટીસ થવાની શક્યતા થોડાક અંશે વધી જાય છે પણ તેમ છતાં આ દવાઓના ફાયદા ઘણા જ વધારે છે અને આડઅસરો પ્રમાણમાં ઘણી જ ઓછી છે તેથી આ દવાઓ જો ડોક્ટરની સલાહ હોય તો નિયમિતપણે લેવી જરૂરી છે.
તો આપણે જોયું એમ હૃદય રોગ અને પેરાલીસીસ થવા માટે કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ એક ખૂબ મહત્વનું પરિબળ છે, STATIN જેવી કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરનારી દવાઓ લેવાથી હાર્ટ અટેક અને STROKE જેવા ગંભીર રોગોથી મહદઅંશે બચી શકાય છે STATIN અને નવી દવાઓ જેમકે PCSKG INHIBITOR પ્રમાણમાં ઘણી જ સુરક્ષિત છે.