અગ્નિબાણ: એક તીર, બે નિશાન .

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
અગ્નિબાણ: એક તીર, બે નિશાન                             . 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- મળો, અર્વાચીન ભારતના બાણાવળી અર્જુનોને કે જેમણે ‘અગ્નિબાણ’ રોકેટ વડે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે બે લક્ષ્યાંક વીંધ્યા: સફળતા અને કીર્તિ

- જગતનો અન્ય કોઈ દેશ આજ દિન સુધી થ્રી-ડી પ્રિન્ટર વડે રોકેટ એન્જિનનું નિર્માણ કરી શક્યો નથી. અગ્નિબાણના સર્જકોએ ન ભૂતો જેવું તે કામ કરીને રોકેટ સાયન્સના ક્ષેત્રે ભારતનું નામ નવી ઊંચાઈએ પહોંચાડી દીધું છે.

જીવનમાં કર્મ-ફળનો મહિમા સમજાવતો ગીતા ઉપરાંતનો અર્થપૂર્ણ ઉપદેશ બહુ ટૂંકમાં કહી દેતું સરસ વાક્ય છે : ‘मेहनत इतनी खामोशी से करो कि सफलता शोर मचा दे’.

શ્રીનાથ રવિચંદ્રન અને મોઇન એસ.પી.એમ. નામના બે દક્ષિણ ભારતીય જુવાનિયા ઉપરોક્ત વાક્યથી અવગત હશે કે કેમ એ તો કોને ખબર, પણ વાક્યની ધડો લેવા જેવી મિસાલ તેમણે આખા દેશને ૩૦મી મે, ૨૦૨૪ના દિવસે ‘અગ્નિબાણ’ નામનું રોકેટ દાગીને આપી. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા મથકથી તેમના રોકેટે સફળ ઉડાન ભરી એ ઘટના બે રીતે નોંધપાત્ર હતી.

(૧) રોકેટના એન્જિને પેદા કરેલા કર્ણભેદી અવાજમાં શ્રીનાથ રવિચંદ્રન અને મોઇન એસ.પી.એમ.ની સાત વર્ષ લાંબી, અથાક અને ખામોશીભરી મહેનતની જબરજસ્ત સફળતાનો શોર પણ ભળેલો હતો. બંને ખંતીલા યુવકોએ સાતેક વર્ષ પહેલાં ‘અગ્નિકુળ’ નામની પોતીકી એરોસ્પેસ કંપની સ્થાપી હતી. પૃથ્વીની સપાટીથી મહત્તમ ૭૦૦ કિલોમીટરે Low Earth Orbit/ LEO ભ્રમણકક્ષામાં ૧૦૦ કિલોગ્રામ વજનનો ઉપગ્રહ તરતો મૂકી શકે એવું રોકેટ બનાવવું એ તેમનું સપનું હતું, જેને સાકાર કરવા માટે તેઓ દિવસરાત જોયા વિના મચી પડ્યા. ઇસરોના નિવૃત્ત ઇજનેરોનો તથા રોકેટ નિષ્ણાતોનો તેમને તકનીકી સહયોગ મળ્યો. લાગલગાટ સાત વર્ષ સુધી ચૂપચાપ કરેલી મહેનત આખરે રંગ લાવી અને ૩૦મી મે, ૨૦૨૪ના રોજ લગભગ ૬૦ ફીટ ઊંચા ‘અગ્નિબાણ’ રોકેટે સફળતાના શોર વડે દસેય દિશાઓ ગજવી દીધી. 

(૨) શ્રીહરિકોટાના લોન્ચ મથકેથી ઊંચે ચડતા ‘અગ્નિબાણ’ રોકેટે આકાશમાં સફેદ ધુમાડાનો જે ચાષ પાડ્યો તે aerospace/ એરોસ્પેસ/ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ખાનગીકરણના નવા પથનો હતો. આપણા દેશમાં ઉપગ્રહ લોન્ચ કરવાનો તેમજ તે માટેનું રોકેટ બનાવવાનો ‘ઇજારો’ વર્ષોથી ઇસરોએ ભોગવ્યો. હવે શ્રીનાથ રવિચંદ્રન અને મોઇન એસ.પી.એમ.ની ખાનગી કંપનીએ ‘અગ્નિબાણ’ વડે રોકેટ નિર્માણનું મોતી વીંધી બતાવ્યું છે.

■■■

કોઈ પણ અઘરા કાર્યમાં કે ઇજનેરી સાહસમાં રહેલા પડકારની યા આંટીઘૂંટીની તીવ્રતા સમજાવવા માટે અંગ્રેજીમાં Rocket Science/ રોકેટ સાયન્સ એવો શબ્દપ્રયોગ વપરાતો હોય છે. શબ્દનો મર્મ એટલો કે રોકેટ બનાવવું એ અત્યંત એટલે અત્યંત જટિલ કામ છે—અને તેમાંય પ્રવાહી બળતણનું રોકેટ તો ઇજનેરો માટે ખરા અર્થમાં માથાનો દુખાવો સાબિત થાય છે. રોકેટની દહન ચેમ્બરમાં પ્રવાહી ઓક્સિજન તથા પ્રવાહી હાઇડ્રોજનનું સપ્રમાણ મિશ્રણ થવું જોઈએ. મિશ્રણ માટે બળતણનો પ્રવાહ વધ-ઘટ કરતા બંને વિદ્યુત પમ્પ રંગેચંગે ચાલવા જોઈએ. પમ્પનું સંચાલન કરતી વીજાણુ સરકીટમાં ડખો પેદા ન થવો જોઈએ. તદુપરાંત સરકીટને જે તે કમાન્ડ આપતો કમ્પ્યૂટર પ્રોગ્રામ ખોટકાવો ન જોઈએ.

આ બધું સીધી રીતે પાર પાડવું તો જાણે અઘરું ખરું, પણ વાતનો છેડો ત્યાં આવતો નથી. નિષ્ણાતોની ખરી કસોટી રોકેટની ઊર્ધ્વગામી સીધ જાળવી રાખવામાં થાય છે. આકાશમાં ઊંચે ચડતું રોકેટ તેના નિયત રૂટથી જરાક પણ વિચલિત થાય તો મુસીબતનો પાર ન રહે. કારણ કે જેમ જેમ તે ઊંચે ચડે તેમ ખોટી દિશામાં વળાંકનો ઝોક ગુણાકારમાં વધ્યા કરે. નતીજારૂપે બને એવું કે રોકેટ વત્તા તેમાં બિરાજેલા ઉપગ્રહ માટે जाना था जापान पहुंच गए चीन જેવો ઘાટ સર્જાતાં તેમને ગયા ખાતે માંડી વાળવાના થાય. આ સંભવિત સ્થિતિ ટાળવા માટે ઇજનેરો રોકેટના નીચલા છેડે ઊંધી ગળણી જેવા આકારની મૂવેબલ નોઝલ ગોઠવે છે. ઉડાન વખતે રોકેટ જરાક પણ વિચલિત થાય તો દિશાફરક પામી લેતું કમ્પ્યૂટર નોઝલને ત્રાંસ બદલવાનો કમાન્ડ આપે છે. નોઝલ વાટે ત્યાર બાદ ગરમ વાયુનો જોશદાર પ્રવાહ વછૂટે, જેનો પ્રત્યાઘાત રોકેટને ત્વરિત નિયત આકાશી રૂટ પર લાવી દે છે. દસથી બાર મિનિટની ઉડાનમાં આવું એકાદ-બે નહિ, ઘણી વાર બને—અને દર વખતે કમ્પ્યૂટર, નોઝલ, તેના વાટે નીકળતા ગરમ વાયુના છૂંકારાની માત્રા કેટલી હોવી જોઈએ તે, છૂંકારો કેટલી મિલિસેકન્ડ પૂરતો કરવો તેનું ટાઇમિંગ વગેરે વચ્ચે સચોટ તાલમેળ જળવાવો રહ્યો.

રોકેટ સાયન્સમાં ઉપર જણાવ્યા ઉપરાંતના બીજા તો સેંકડો તકનીકી તકાદા જોડે માથાપચ્ચી કરવાની થાય છે. ઇસરોને તેનો બહોળો અનુભવ છે, માટે રોકેટ વિજ્ઞાનની પાકી હથોટી તેણે હસ્તગત કરી લીધી છે. પરંતુ ‘અગ્નિકુળ’ના સંચાલકોએ તો માત્ર સાત વર્ષમાં રોકેટ વિજ્ઞાન પર પ્રભુત્વ મેળવીને ‘અગ્નિબાણ’ તૈયાર કરી નાખ્યું. આ અસાધારણ સિદ્ધિ બદલ શ્રીનાથ રવિચંદ્રન, મોઇન એસ.પી.એમ. એન્ડ કંપનીનો વાંસો થપથપાવવો રહ્યો.

અન્ડરલાઇન કરીને નોંધવા જેવી બીજી વાત : ઉપગ્રહને અમુક-તમુક ભ્રમણકક્ષાના સરનામે પહોંચતો કરવા માટે વપરાતા રોકેટોનું એન્જિન નાના-મોટા અસંખ્ય છૂટક પૂરજાને પરસ્પર જોડ્યા પછી બનેલું હોય છે. પરંતુ ‘અગ્નિબાણ’ના એન્જિનનું નિર્માણ એવી પરંપરાગત ઢબે થયું નથી. બલકે, ઇજનેરોએ તેને થ્રી-ડી પ્રિન્ટર વડે સિંગલ પિસમાં રચ્યું છે. સરળ શબ્દોમાં કહો તો એન્જિનમાં નથી ક્યાંય વેલ્ડિંગ કરેલું કે નથી બે છૂટક પૂરજાને રિવેટ યા નટ-બોલ્ટ વડે જોડવામાં આવ્યા. કમ્પ્યૂટરના CAD પ્રોગ્રામમાં તૈયાર થયેલી ત્રિપરિમાણ ડિઝાઇનના આધારે થ્રી-ડી પ્રિન્ટરે આખેઆખા એન્જિનનું ‘છાપકામ’ કરી આપ્યું છે. આવા છાપકામમાં શાહી તરીકે ધાતુનો પાવડર વપરાય છે, જેનું (સોનપાપડીની જેમ) એકની ઉપર એક પડ રચાતું જાય તેમ લેસરનો શેરડો પાવડરને ગરમ કરતો જાય. સખત ગરમી હેઠળ ધાતુનો પાવડર જરા પીગળી છેવટે નક્કર, મજબૂત સ્વરૂપ ધારણ કરી લે છે.

જગતનો અન્ય કોઈ દેશ આજ દિન સુધી થ્રી-ડી પ્રિન્ટર વડે રોકેટ એન્જિનનું નિર્માણ કરી શક્યો નથી. શ્રીનાથ રવિચંદ્રન, મોઇન એસ.પી.એમ. અને તેમની ટીમે ન ભૂતો જેવું તે કામ કરીને રોકેટ સાયન્સ ક્ષેત્રે ભારતનું નામ નવી ઊંચાઈએ પહોંચાડી દીધું છે.

વાત અવકાશ વિજ્ઞાન (એરોસ્પેસ) ક્ષેત્રે ભારતના entrepreneurs/ આન્ટ્રપ્રેન્યોર્સ/ ઉદ્યમીઓની થઈ રહી હોય ત્યારે ‘અગ્નિબાણ’ રોકેટના સર્જકોની જેમ હૈદરાબાદની ‘સ્કાયરૂટ’ કંપનીનો પણ નામોલ્લેખ કરવો પડે. આ ખાનગી સંસ્થાએ પણ એરોસ્પેસના ક્ષેત્રે ઝંપલાવ્યું છે. ઉપગ્રહના લોન્ચિંગ માટે તેના રોકેટ નિષ્ણાતોએ ‘Vikram-S’ (S = સારાભાઈ) રોકેટ બનાવ્યું અને નવેમ્બર ૨૦૨૨માં તેનું સફળ પરીક્ષણ કરી બતાવ્યું.

■■■

આ છે ભારતીય એરોસ્પેસની આવતી કાલ કે જેમાં ‘અગ્નિકુળ’ અને ‘સ્કાયરૂટ’ જેવી પ્રાઇવેટ કંપનીઓ દેશ-વિદેશના ઉપગ્રહો ચડાવી આપવાનો તગડો બિઝનેસ કરવાની છે. ભારતમાં એરોનોટિકલ એન્જિનિઅર, રોકેટ સાયન્ટિસ્ટ, મિકેનિકલ તથા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિઅર ભણીને તૈયાર થનારી નવી પેઢીએ નાસા તેમજ ઇલોન મસ્કની SpaceX જેવી પરદેશી સંસ્થાનાં દ્વાર ખટખટાવવાનાં ન થાય એ દિવસો હવે દૂર નથી. બલકે, અતિશયોક્તિ થવાનો ભય રાખ્યા વિના સલામત રીતે એમ કહી શકાય કે આપણે ત્યાં ઇલોન મસ્ક જેવા સ્વપ્નદૃષ્ટાઓનો ફાલ તૈયાર થવાનો છે. એરોસ્પેસના ક્ષેત્રે ઇસરોએ ભારતનું નામ બરાબર ચમકાવ્યું છે. હજી પણ ચમકાવી રહ્યું છે. પરંતુ એ ચમકારનો તેજ હજી વધારીને તેના વડે જગતને આંજી દેવા માટે ‘અગ્નિકુળ’ તેમજ ‘સ્કાયરૂટ’ જેવી ખાનગી એરોસ્પેસ કંપનીઓ મેદાનમાં ઊતરી છે. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે સરકારે પોતાની ઇજારાશાહી તોડીને ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું એ ખરેખર આવકારદાયક પગલું છે, જેનું સકારાત્મક પરિણામ કેવુંક આવી શકે તે સમજવા માટે એક દાખલો જુઓ.

આજથી લગભગ પચાસેક વર્ષ પહેલાં આપણા દેશમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન/ DRDO નામની સરકારી સંસ્થાનું ગઠન થયું હતું. સંરક્ષણ દળો માટે અવનવાં આયુધોની ડિઝાઇન બનાવવી એ DRDO નો મુખ્ય ઉદ્દેશ હતો. બિલકુલ આવા જ ઉદ્દેશ સાથે અમેરિકામાં ૧૯પ૮ના જ વર્ષે ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી/ DARPA કહેવાતી સરકારી સંસ્થા સ્થપાઈ, જેની પણ મુખ્ય નેમ દેશના લશ્કર માટે અત્યાધુનિક શસ્ત્રો તૈયાર કરવાની હતી. બંને દેશોની સરકારોએ પોતપોતાની સંસ્થાઓને નિશ્ચિત રકમનું વાર્ષિક બજેટ આપ્યું, જેના વડે તેમણે પોતાનાં રિસર્ચ પ્રોજેક્ટ પાર પાડવાનાં હતાં.

અલબત્ત, બન્યું એવું કે ભારતની DRDO એ તેને મળેલી બજેટની સારી એવી રકમ પગારદાર સ્ટાફ પાછળ ખર્ચી નાખી. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેની નાણાકોથળી સંકોચાઈ. સરકારને સોંપાયેલું કામ સરકાર જ કરે, કોઈ ખાનગી કંપની નહિ એવા રૂઢિચુસ્ત ખ્યાલમાં રાચતા તત્કાલીન તંત્રએ DRDO માં લગભગ ૩૦,૦૦૦ જણાનો સ્ટાફ ખડકી દીધો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે જે નાણાં ખર્ચાવા જોઈએ તેનો ઘણો ભાગ સ્ટાફના પગાર-ભથ્થાંમાં વપરાઈ જતો. આથી પૂરતાં નાણાંના અભાવે શોધ-સંશોધનનું કામ હોતા હૈ, ચલતા હૈ!ના ધોરણે ઠચૂક ઠચૂક આગળ વધ્યું.

બીજી તરફ, અમેરિકાની DARPA એ પગારદાર માણસો રોકીને આર્થિક ભારણ વહોરી ન લીધું. ઊલટું, બજેટનાં નાણાં માત્ર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચાય એ હેતુથી રિસર્ચનું કાર્ય આઉટસોર્સિંગના ધોરણે જુદી જુદી ખાનગી કંપનીઓને સોંપી દીધું. દરેક કંપનીને ચોક્કસ બજેટ અને બાંધી સમયાવધિ આપી. આને કારણે DARPA નું પોતીકું વહીવટી તંત્ર માત્ર ૨૪૦ જણાના સ્ટાફ વડે ચાલી ગયું.  

હેલિકોપ્ટર્સ, મિસાઇલ્સ, રોકેટ લોન્ચર્સ, ગેટલિંગ ગન વગેરે જેવાં શસ્ત્રો DARPA ના નેજા હેઠળ અમેરિકાની વિવિધ ખાનગી કંપનીઓએ બનાવ્યાં. ઉપરાંત સ્ટેલ્થ ટેક્નોલોજિ, હાઇપરસોનિક વિમાન, પાઇલટ વગરનું જાસૂસી વિમાન, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, અણુવિસ્ફોટને પારખી લેતા ઉપગ્રહો વગેરે જેવા બીજા સેંકડો પ્રોજેક્ટ્સ DARPA એ આઉટસોર્સિંગના ધોરણે જ સફળતાપૂર્વક પૂરા કર્યા. આ રીતે અમેરિકાએ પોતાની લશ્કરી તાકાત તો વધારી, તદુપરાંત અન્ય દેશોને આયુધો વેચીને બમ્પર કમાણી કરી એ નફામાં!

અમેરિકાએ ૧૯૬૦ના દસકામાં પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણનો જે માર્ગ અપનાવ્યો તેના પર હવે ભારતનું અવકાશ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. લખી રાખો કે એરોસ્પેસની આવતી કાલ આપણી છે.

આ નિમિત્તે યાદ આવે છે અમેરિકાના ન્યૂ યોર્ક ટાઇમ્સમાં દસેક વર્ષ અગાઉ પ્રગટ થયેલું (અહીં રજૂ કરેલું) cartoon/ રમૂજચિત્ર કે જેમાં એરોસ્પેસના ક્ષેત્રે ભારતને પછાત ચિતરેલું. ‘ચંદ્રયાન’,‘મંગળયાન’, ‘આદિત્ય’ ટેલિસ્કોપ, ‘અગ્નિબાણ’, ‘Vikram-S’ રોકેટ્સ વડે ભારતે પોતાની કાબેલિયતનો સજ્જડ જવાબ જગતને આપ્યો છે. સાથોસાથ દેશવાસીઓને મૂક સંદેશ પણ આપ્યો છે : ‘मेहनत इतनी खामोशी से करो कि सफलता शोर मचा दे’.■


Google NewsGoogle News