જગન્નાથપુરીનાં મંદિરે દરરોજ ચમત્કારો સર્જાય છે! સુરક્ષાની જવાબદારી ગરુડના શિરે, મહાપ્રસાદ ક્યારેય વધે કે ઘટે નહીં!

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
જગન્નાથપુરીનાં મંદિરે દરરોજ ચમત્કારો સર્જાય છે! સુરક્ષાની જવાબદારી ગરુડના શિરે, મહાપ્રસાદ ક્યારેય વધે કે ઘટે નહીં! 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ભગવાન જગન્નાથનું સ્વરૂપ અતિ માનવીય છે. જગતના આ નાથ ભક્તોને પોતાના જેવા લાગે છે. જગન્નાથની મૂર્તિમાં સમયાંતરે હૃદયનું આરોપણ થાય છે...

ભગવાન.

સુપ્રીમ શક્તિ, ત્રિભુવનનાથ, સર્વજ્ઞા, પરમેશ્વર, સૃષ્ટિના રચયિતા, પાલનહાર, સંહારક, પરબ્રહ્મ, પુરુષોત્તમ, દયાનિધિ, બળશાળી, મનોહક, વિશ્વનો આધાર.

પળમાં રાક્ષસોનો વિનાશ કરે એટલા શક્તિશાળી ને હૃદયની પ્રેમભક્તિથી રીઝીને ક્ષણમાં ભક્તોનાં દુખડા હરે એવા દયાળું. ભગવાન એટલે ભગવાન. તુલસીએ લખ્યું છે એમ રઘુવીરની છબી રઘુવીર જેવી. એમની બીજા કોઈ સાથે સરખામણી ન થાય. કૃષ્ણની સરખામણી કૃષ્ણ સાથે જ થાય. રામની સરખામણી રામ સાથે જ થાય. જગન્નાથની સરખામણી જગન્નાથ સાથે જ થાય. નરસિંહ મહેતાએ કહ્યું છે એમ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે. નામ જુદા હોય, સ્વરૂપ જુદું હોય, પણ પરમતત્ત્વ તો એક જ છે - પરમાત્મા.

આ પરમાત્માના અનેક સ્વરૂપમાં એક અતિ માનવીય સ્વરૂપ એટલે ભગવાન જગન્નાથ. જગતના નાથનું આ સ્વરૂપ માણસને માણસ જેવું લાગે છે. આ એક એવા ભગવાન છે જે પરમ બળશાળી હોવા છતાં ભક્તોની જેમ જ બીમાર પડે છે, ભક્તોની જેમ જ એમને તાવ આવે છે, ભક્તોની જેમ જ એમને કમરનો દુખાવો થાય છે. ભક્તોની જેમ જ જરા અવસ્થા આવે છે ને સમય પૂરો થતાં તેમના હૃદયનું બીજી મૂર્તિમાં આરોપણ થાય છે. જૂની મૂર્તિ લીલા સંકેલીને સમાધિસ્થ થાય છે. ભગવાન જગન્નાથ ભગવાન તો છે જ, પરંતુ માણસને પોતાના જેવા લાગે એવા ભગવાન છે.

રથમાં બેસીને ભગવાન આજે આપણાં આંગણે પધાર્યા છે ત્યારે ચાલો તેમના ચરણોમાં પ્રેમપૂર્વક સમર્પિત થઈએ ને સાથે ભગવાન જગન્નાથ અને જગન્નાથપુરીના મંદિર વિશે આટલું જાણી લઈએ...

જ્યારે બે અષાઢ માસ આવે ત્યારે જગન્નાથની મૂર્તિ બદલાય છે

પરંપરાગત સનાતની પદ્ધતિથી તદ્ન વિપરીત ભગવાન જગન્નાથની મૂર્તિ સમયાંતરે બદલવામાં આવે છે. સનાતન ધર્મમાં મૂર્તિ, માળા અને મંત્ર બદલવામાં આવતા નથી. જે મૂર્તિ સામે માથું નમાવ્યું હોય એ જ મૂર્તિની જીવનભર સાધના કરવાની હોય છે, જે માળા ગુરુએ આપી હોય અથવા જે માળાથી જાપ થતાં હોય એ માળા ન બદલવી જોઈએ. જે ગુરુમંત્ર મળ્યો હોય એ સાધકે બદલવાનો હોતો નથી. એ હિસાબે મૂર્તિ બદલાય નહીં, પરંતુ ભગવાન જગન્નાથની લીલા નિરાળી છે. અતિ માનવીય એવા જગન્નાથની મૂર્તિ સામાન્ય રીતે ૧૨ કે ૧૯ વર્ષે બદલાય છે.

એની વિધિ પણ રસપ્રદ હોય છે. બે અષાઢ આવતા હોય એ વર્ષે મૂર્તિ બદલવાની હોય એટલે સૌથી પહેલાં તો મૂર્તિ બનાવવાની પ્રક્રિયા ચાલે. આમ તો ભગવાનની મૂર્તિ લાકડામાંથી નથી બનતી, પણ જગન્નાથની મૂર્તિ લાકડામાંથી બને છે. લીમડાને ભગવાનની મૂર્તિ બનવાનું સૌભાગ્ય મળ્યું છે. મૂર્તિ ઘડનારા કારીગરો પેઢી દર પેઢી એ કામ કરે છે. મંદિર પરિસરમાં સદીઓથી જે ખંડમાં મૂર્તિ બનાવવાનું કામ થાય છે ત્યાં મૂર્તિકારોને બોલાવીને મૂર્તિ બનાવવાનું કાર્ય શરૂ થાય છે. તે વખતે ટાંકણાંનો અવાજ બહાર ન સંભળાય તેની વિશેષ કાળજી રાખવામાં આવે છે. ખંડની બહાર કીર્તન ચાલે છે. કીર્તન કરનારાઓને પણ જાણ હોતી નથી કે અંદરના ઓરડામાં મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે.

મૂર્તિ બદલવાનો સમય નજીક આવે તે પહેલાં મંદિરમાં બિરાજમાન ભગવાન જગન્નાથ બીમાર પડે છે. તેમને તાવ ચડે છે. તાવ અસહ્ય બને છેે ને દિવસે દિવસે વધતો જાય છે. જે દિવસે મૂર્તિ બદલવાની હોય એની આગલી રાતે ભગવાનની તબિયત અતિશય ખરાબ થાય છે. પછીના દિવસે મંદિરમાં સ્થાપિત મૂળ મૂર્તિમાંથી હૃદય બહાર લાવીને બીજી મૂર્તિમાં પ્રાણનું આરોપણ થાય છે. જગન્નાથ, બલરામ અને સુભદ્રા ત્રણેયની મૂર્તિમાં આ પ્રક્રિયા થયા બાદ નવી મૂર્તિની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થાય છે. મૂર્તિની સાથે સુદર્શન ચક્ર પણ બદલાય છે. 

મંદિર પરિસરની સુરક્ષા ગરૂડના શિરે

ગરૂડ ભગવાન વિષ્ણુનું વાહન છે. શ્રીવિષ્ણુના અવતાર જગન્નાથ પ્રભુના મંદિરની સુરક્ષા ગરૂડની જવાબદારીમાં આવે છે. પક્ષીઓના રાજા ગરૂડની આમાન્યા જાળવવા માટે એકેય પક્ષી ભગવાન જગન્નાથના મંદિર પરથી ઉડતું નથી. આ માત્ર દંતકથા નથી. આજેય દર્શનાર્થીઓ એની ચકાસણી કરે છે, પરંતુ ક્યારેય કોઈએ એકેય પક્ષીને મંદિર પરિસરની બરાબર ઉપરથી ઉડતું ભાળ્યું નથી. પક્ષી મંદિર પરથી ઉડે તો શું થાય એ કોઈને ખબર નથી, પણ પક્ષીઓ ઉડતા નથી. અને હા, મંદિર પરિસર નોફ્લાય ઝોનમાં હોવાથી વિમાનો ય ઉડતા નથી.

સુદર્શન ચક્ર અને ધ્વજા

સુદર્શન ચક્રનું જગન્નાથ મંદિરમાં ખાસ મહત્ત્વ છે. સુદર્શન ચક્ર માત્ર ભગવાન ધારણ કરે એવું હથિયાર નથી. અહીં એની પૂજા સૂર્યના પ્રતીક તરીકે થાય છે. જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે ચક્રની પૂજા થાય એટલે તેને ચતુર્ધામમૂર્તિની પૂજા કરી કહેવાય. ઘણાં વિદ્વાનો વિશાળ અર્થમાં સુભદ્રા, ભગવાન જગન્નાથ અને બલરામને અનુક્રમે બ્રહ્મા-વિષ્ણુ-મહેશના પ્રતીક ગણે છે ને સુદર્શન ચક્રને સૂર્યનું પ્રતીક કહે છે.

સુદર્શન ચક્ર મંદિરના શિખર પર ધ્વજાની સાથે પણ જોવા મળે છે. શહેરના કોઈ પણ ભાગમાંથી નજર કરો, સુદર્શન ચક્ર કાયમ આપણી સન્મુખ હોય એવું જ લાગે છે. ધ્વજાની વિશેષતા એ છે કે જગન્નાથ મંદિરની ધ્વજા હંમેશા હવાની વિરૂદ્ધ દિશામાં લહેરાય છે. જગન્નાથના સેંકડો ભક્તો માટે આ શ્રદ્ધાનો વિષય છે. એમાં સાબિતીની જરૂર રહેતી નથી. શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક ધ્વજ અને ચક્રને જોઈને નત મસ્તક થઈ જાય છે.

ભગવાનની સમાધિમાં જન્મ-મૃત્યુનો શાશ્વત સંદેશો

બે અષાઢનો સંયોગ જે વર્ષે રચાય એ વર્ષે ભગવાન જન્મ-મૃત્યુની લીલા કરે છે. નવી મૂર્તિના સ્થાપન પછી જૂની મૂર્તિની પણ ચોક્કસ વિધિ થાય છે. ભગવાન જગન્નાથની જૂની મૂર્તિને મંદિર પરિસરમાં ડાબી તરફ સમાધિ આપવામાં આવે છે. જગન્નાથ મંદિર પરિસરના બધા જ મંદિરોના દર્શન થયા પછી છેલ્લે આ સમાધિના દર્શન પણ થાય છે. ત્યાં પૂર્વજોનાં આત્માની શાંતિ માટે સંકલ્પ કરવામાં આવે છે અને એવો મેસેજ આપવામાં આવે છે કે ભગવાન સ્વયં મૃત્યુની લીલા રચે છે. જન્મ છે ત્યાં મૃત્યુ નિશ્વિત છે એ શાશ્વત સંદેશો ભગવાનનાં સમાધિ સ્થળેથી મળે છે. ૧૨ કે ૧૯ વર્ષે જ્યારે બે અષાઢ માસ આવે ત્યારે ફરીથી એ જ સ્થળે ભગવાનની મૂર્તિને સમાધિ આપવામાં આવે છે. આ ક્રમ સદીઓથી ચાલતો આવે છે. ભગવાનના સમાધિ સ્થળની વિશેષતા એ છે કે આખાય મંદિર પરિસરનો એ સૌથી શાંત વિસ્તાર છે - નિરવ શાંતિ, નિશબ્દ એકાંત. 

જગન્નાથપુરી મંદિર પર જગન્નાથનો અંકુશ નથી

જગન્નાથપુરી મંદિર ભારતની સ્ત્રી-પુરુષ સમાનતાની મહાન પરંપરાને દર્શાવે છે. જગતના નાથના આ મંદિરનો અંકુશ વિમલા દેવી પાસે છે. વિમલા દેવીને કેટલાક દર્શનોમાં અન્નપૂર્ણા પણ કહે છે. મંદિર પરિસરમાં લક્ષ્મીનું મંદિર છે, પરંતુ જગન્નાથ-બલરામ-સુભદ્રા અને લક્ષ્મી/રૂકમણીજી સહિત આખાય પરિવારના ગાર્ડિયન/સંરક્ષક વિમલા દેવી છે. વિમલા દેવી ભગવાન જગન્નાથના ભાભી છે. તેમને ઓડિશાની વૈષ્ણવ પરંપરા પ્રમાણે બલરામનાં પત્ની કહેવામાં આવે છે. વિષ્ણુપુરાણમાં બલરામનાં પત્નીનું નામ રેવતી દેવી છે. એ રેવતી દેવી અહીં વિમલા દેવીના નામથી પૂજાય છે. પ્રસાદનો થાળ તેમને ધરાવાય છે એ પછી જગન્નાથના મંદિર સુધી પહોંચે છે. ભગવાનના જેટલા ભક્તો આવે છે એ પ્રસાદ મેળવ્યા વગર ન જાય એ પરિવારના સંરક્ષણ તરીકે વિમલા દેવીની જવાબદારી છે અને અન્નપૂર્ણા સ્વરૂપ વિમલા દેવી એની પૂરી કાળજી રાખે છે એટલે ગમે તેટલા ભક્તો જગન્નાથને મળવા આવે, પ્રસાદ લીધા વગર જતા નથી.

મહાપ્રસાદ ક્યારેય વધતો નથી, ક્યારેય ઘટતો નથી

જગન્નાથ મંદિરમાં વિમલા દેવી (અન્નપૂર્ણા)નું રસોઈઘર છે. એમાં ૨૫૦ જેટલા ચૂલા છે. ત્યાં માટીના મોટા ઘડાઓમાં મહાપ્રસાદ તૈયાર થાય છે. ઉડિયામાં એ ઘડા અટિકાના નામથી ઓળખાય છે. રસોઈઘરમાં એકેય ઈલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ થતો નથી. બધું જ પરંપરાગત પદ્ધતિથી થાય છે. સેવકોની જુદી જુદી ટૂકડીઓ પોતાને સોંપાયેલી સેવા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વર્ષોવર્ષ કરે છે. સેવકોની એક ટૂકડી ગંગા અને યમુના કુંડમાંથી મોટા મોટા ઘડામાં પાણી ભરીને રસોઈઘરમાં પહોંચાડે છે. બંને કુંડ રસોઈઘરની બહુ નજીક છે. મહાપ્રસાદ નક્કી કરેલા સમયે શરૂ થાય છે અને થાળ ધરવાના સમયે પાકી જાય છે. મોટાભાગના રસોઈયા માને છે કે તેઓ માત્ર નિમિત્ત છે. મહાપ્રસાદ તો વિમલા દેવી બનાવે છે.

મહાપ્રસાદ બનાવવા માટે ૮૦૦ સેવકો દરરોજ ૧૦-૧૨ કલાક સેવા આપે છે. ભગવાનને ૫૬ ભોગનો થાળ પીરસાય છે, એમાં લસણ, ડુંગળી, બટેટા, ગોબી અને ટામેટાનો ક્યારેય ઉપયોગ થતો નથી. મહાપ્રસાદમાં દાળ-ભાત, અલગ અલગ બે-ચાર શાક, મીઠી પૂરી, બુંદી મુખ્ય છે. મહાપ્રસાદ ઘડામાં અનેક સેવકો 'બાજુ હટીએ.. રાસ્તા દે...' એવું બોલતા શ્રદ્ધાળુઓની વચ્ચેથી પસાર થઈને પ્રસાદ વિતરણના સ્થળ સુધી પહોંચાડતા રહે છે. એમનો ઉત્સાહ, એમની સ્ફૂર્તિ જોઈને લાગે કે એમનામાં ચોક્કસ જગન્નાથ જ જોમ ભરે છે!

મહાપ્રસાદની ખાસિયત એ છે કે કેટલા શ્રદ્ધાળુઓ આવશે એનો બિલકુલ અંદાજ ન હોય છતાં દિવસ પૂરો થાય ત્યારે પ્રસાદ ક્યારેય ઘટયો હોય એવું બનતું નથી. વધી પડયો હોય એવુંય નથી બનતું. તેને શ્રદ્ધાળુઓ અને મંદિર મેનેજમેન્ટ જગન્નાથનો ચમત્કાર માને છે.


Google NewsGoogle News