મહાન યોગીઓના સાધના સ્થળ એવા દિવ્ય શક્તિના કેન્દ્રરૂપ સિદ્ધાશ્રમો

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
મહાન યોગીઓના સાધના સ્થળ એવા દિવ્ય શક્તિના કેન્દ્રરૂપ સિદ્ધાશ્રમો 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- કૌશિકી સિદ્ધાશ્રમ નામનો ગૂઢ, રહસ્યમય આશ્રમ કેવળ વિશાળ શિલાઓથી બનેલો છે. ત્યાં દસ મહાતાપસો સદીઓથી તપસ્યા કરી રહેલા છે જે ત્યાંથી ક્યારેય ઊભા થયેલા જોવા મળ્યા નથી

દે વભૂમિ હિમાલયમાં અનેક સિદ્ધાશ્રમો અને સિદ્ધપીઠો આવેલી છે. આ સ્થળો સિદ્ધ પુરૂષો, યોગીઓ, ઉચ્ચ કોટિના સંતો, મહાત્માઓના દિવ્ય સાધના સ્થળો મનાય છે. અહીં સિદ્ધ યોગીઓ-યોગિનીઓ સાથે દેવ-દેવીઓ પણ વસે છે. મહર્ષિ વશિષ્ઠ, વિશ્વામિત્ર, કણાદ, પુલસ્ત્ય, અત્રિ, મહાયોગી ગોરખનાથ, આદિ શંકરાચાર્ય ભીષ્મ અને કૃપાચાર્યને આવા સિદ્ધાશ્રમોમાં વિહરતા કે બિરાજમાન થયેલા જોવા મળે છે. સિદ્ધાશ્રમનો ઉલ્લેખ રામાયણ, મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. વાલ્મીકિ રામાયણમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વામિત્ર મુનિનો સિદ્ધાશ્રમ ભગવાન વિષ્ણુનો આશ્રમ હતો જ્યારે તે વામન ભગવાન તરીકે અવતરિત થયાં હતા. વિશ્વામિત્ર ઋષિ પોતાના યજ્ઞાોમાં વિઘ્ન નાખનારા રાક્ષસોનો નાશ કરવા માટે રામ અને લક્ષ્મણને પોતાના સિદ્ધાશ્રમમાં લઈ ગયા હતા એવો ઉલ્લેખ છે. નારદપુરાણમાં સિદ્ધાશ્રમનો ઉલ્લેખ સૂત મુનિના આશ્રમ રૂપે પણ કરાયો છે.

અર્વાચીન યુગમાં સિદ્ધાશ્રમ એવા જ્ઞાાનગંજનો ઉલ્લેખ સર્વપ્રથમ પંડિત ગોપીનાથ કવિરાજ દ્વારા કરવામાં આવ્યો છે. એમના ગુરૂ સ્વામી વિશુદ્ધાનંદજી વારંવાર એ આશ્રમમાં સૂક્ષ્મ દેહથી આવન-જાવન કરતા હતા એના પ્રસંગોનું પણ તેમણે વર્ણન કરેલું છે. સ્વામી વિશુદ્ધાનંદજી અનેક લોકોની સામે એમની પીઠ પર બેઠેલા હોય ત્યાંથી એકાએક અદ્રશ્ય થઈ જતા અને કલાકો બાદ પાછા ત્યાં પ્રકટ થઈ જતાં ત્યારે તે કહેતા હતા કે તે જ્ઞાાનગંજના આશ્રમે ગયા હતા કે જ્ઞાાનંગજમાં સાધના કરીને જ તે સિદ્ધ અવસ્થાને પામ્યા હતા. ત્યાં ઉચ્ચકોટિના યોગ ઉપરાંત અનેક પ્રકારના પ્રારંભિક વિજ્ઞાાન જેવાં કે સૂર્ય વિજ્ઞાાન, ચંદ્ર વિજ્ઞાાન, નક્ષત્ર વિજ્ઞાાન અને વાયુ વિજ્ઞાાનની વિદ્યાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. એ વિદ્યા શીખવનારા યોગાચાર્યો સેંકડો કે હજારો વર્ષોનું આયુષ્ય ધરાવનારા છે. સિદ્ધાશ્રમ જ્ઞાાનગંજમાં બ્રહ્મચારી, બ્રહ્મચારિણીઓ, સંન્યાસીઓ, પરમહંસ, ભૈરવી, કુમારિકાઓ, યોગિનીઓ દીર્ઘકાળથી વસે છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ રહસ્યમય ગૂઢ સિદ્ધાશ્રમ કૈલાસ માનસરોવરથી પણ દૂર આવેલો છે.

બંગાળના વિખ્યાત સંત રામ ઠાકુર હિમાલયમાં આવેલ કેટલાય સિદ્ધાશ્રમો વિશે માહિતી આપતા રહેતા હતા. તેમણે યોગેશ્વર આશ્રમની માહિતી આપતાં જણાવ્યું હતું કે આમાં સ્ફટિકનું બનેલું એક વિશાળ શિવલિંગ છે જેની ચારેબાજુ અલૌકિક કહેવાય તેવી શ્વેત જ્યોતિ પ્રસરેલી રહે છે. એનાથી એ શિવલિંગ સદાકાળ દૈદીપ્યમાન રહે છે. દૈવી સૌંદર્ય ધરાવતી એક યુવાન સાધિકા તે શિવલિંગનું ધ્યાન ધરતી ત્યાં ઘણા લાંબા સમયથી એક જ આસને બેઠેલી જોવા મળે છે. તેનું અપાર્થિવ સૌંદર્ય અને પુલકિત પ્રભા તે દેવલોકમાંથી આવેલી હોય એવું માનવા પ્રેરે છે. ક્ષુધા અને તૃષારહિત સ્થિતિમાં એકાસને અનિમેષ દ્રષ્ટિથી ધ્યાન કરતી તેની મુદ્રા તે સિદ્ધ યોગિની હોવાનું પૂરવાર કરે છે. કેટલાક એવું માને છે કે તે ૬૪ યોગિનીઓમાંની જ કોઈ એક યોગિની છે.

કૌશિકી સિદ્ધાશ્રમ નામનો એક બીજો ગૂઢ, રહસ્યમય આશ્રમ કેવળ વિશાળ શિલાઓથી બનેલો છે. ત્યાં દસ મહાતાપસો સદીઓથી તપસ્યા કરી રહેલા છે જે ત્યાંથી ક્યારેય ઊભા થયેલ જોવા મળ્યા નથી. તે દર્શાવે છે કે તે બધા અનેક યોગસિદ્ધિઓને વરેલા છે. આ આશ્રમમાં ત્રણ યોગીઓ એ દસ મહાતાપસોથી અલગ પ્રકારના છે. તે વિશ્વના કલ્યાણ માટે અને યોગના પ્રકાર માટે ભ્રમણ કરવાનું કાર્ય કરે છે. સંત રામ ઠાકુરે હિમાલયના વશિષ્ઠ આશ્રમનું પણ વર્ણન કર્યું છે. ત્યાં અનેક ઋષિ-મુનિઓ સાથે વરિષ્ઠ મુનિના દર્શન પણ અધિકારી સાધકને થઈ શકે છે. કેટલાકને આ ઋષિઓ પાસેથી યોગનું ઉચ્ચ પ્રશિક્ષણ અને અધ્યાત્મનું જ્ઞાાન પ્રાપ્ત થાય છે. બંગાળના સુપ્રસિદ્ધ લેખક નવીનચંદ્ર સેને 'આમાર જીવન' નામની એમની આત્મકથામાં સંત રામ ઠાકુરના દૈવી અનુભવોનું વર્ણન કર્યું છે. અત્યારે જે બાંગલાદેશમાં છે તે ચટગાંવમાં આવેલ જગતપુરા આશ્રમના પ્રતિષ્ઠાતા પૂર્ણાનંદ પરમહંસે તિબેટમાં આવેલ મતંગાશ્રમ નામના સિદ્ધ મઠમાં અનેક વર્ષો સુધી રોકાઇને યોગસાધના કરી હતી. સાધના પૂરી થયા બાદ તેમણે ત્યાંથી પાછા ફરી અનેક લોકોને એ આશ્રમની અદ્ભૂત બાબતો વિશે જાણકારી આપી હતી. એનાથી પ્રભાવિત થઈને અનેક લોકો એ આશ્રમના દર્શન કરવા ગયા હતા પણ ત્યારે વિસ્મયની વાત એ બની હતી કે તેમાંથી કોઈને ય ગમે તેટલું શોધવા છતાં તે આશ્રમ ક્યાંયથી મળી આવ્યો નહોતો.

સિદ્ધાશ્રમો, સિદ્ધપીઠો અને દૈવી પ્રભાવ ધરાવતા મંદિરો ચમત્કારોનું કેન્દ્ર સ્થાન પણ બની રહેતા હોય છે. સ્વાભાવિક રીતે ત્યાં વસતા સિદ્ધ યોગીઓમાંથી મોટા ભાગના યોગ સિદ્ધિઓ ધરાવતા હોય છે એટલે ત્યાં ચમત્કારો જેવી અસાધારણ ઘટનાઓ બનતી રહેતી હોય છે. તિબેટના ગુપ્ત જ્ઞાાનગંજ આશ્રમમાંથી ભૃગુરામ બ્રહ્મચારી પાસેથી દુર્લભ પ્રકારનું યોગશાસ્ત્રનું અને સૂર્ય વિજ્ઞાાનનું જ્ઞાાન પ્રાપ્ત કરી અકલ્પ્ય યોગસિદ્ધિના ચમત્કારો કરનારા પરમહંસ વિશુદ્ધાનંદ સરસ્વતી પદાર્થનું પરિવર્તન કરી શકતા હતા. એકવાર એરંડાના ઝાડ પર દ્રાક્ષ ઉગાડી હતી, ગલગોટાના છોડને ગુલાબનો છોડ બનાવી દીધો હતો. એક અમેરિકન પત્રકારના કહેવાથી તેણે આપેલા લાકડાના ટુકડાને પળવારમાં પથ્થરમાં પરિવર્તિત કરવા માંડયો હતો. એની વિનંતીથી એ પ્રક્રિયા ત્યાં જ અટકાવી દીધી હતી એટલે તે અડધો લાકડાનો અને અડધો પથ્થરનો બની રહ્યો હતો. પછી તે ટુકડો તેમણે તે પત્રકારને આપી પણ દીધો હતો. વિખ્યાત અંગ્રેજ લેખક અને પત્રકાર પોલ બ્રન્ટન પોતાના પુસ્તક 'એ સર્ચ ઈન સિક્રેટ ઇન્ડિયા (છ જીચબિર ૈહ જીબિીા-ૈંહગૈચ)માં કહે છે - 'પરમહંસ વિશુદ્ધાનંદજીએ એક કલાકથી મરેલી પડેલી ચકલીને મારી નજર સામે જીવતી કરી એને ઉડાડી દીધી હતી. જે ત્યાંથી ઊડીને એક ઝાડ પર જઈને બેસી ગઈ હતી.'' ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગીના લેખક વિશ્વવિખ્યાત યોગી સ્વામી રામ પણ પરમહંસ યોગાનંદને મળ્યા હતા અને તેમના ચમત્કારો નિહાળ્યા હતા. સ્વામી રામે એમના જીવનકાળ દરમિયાન અનેક સિદ્ધ યોગીઓના સાધના સ્થળ એવા ગૂઢ આશ્રમો જોયા હતા અને તે યોગીઓની દિવ્ય ચેતનાને સાક્ષાત્કાર પણ કર્યો હતો.


Google NewsGoogle News