Get The App

ધરમપાલ જેને હાથ લગાડે તે સોનું થઈ જતું

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
ધરમપાલ જેને હાથ લગાડે તે સોનું થઈ જતું 1 - image


- આશીર્વાદ જેવું કંઇ હોય છે ખરું? પિતાના વચનની કસોટી કરવા ધરમપાલ વહાણમાં માલ ભરીને ઝાંઝીબાર બંદર તરફ તેને વેચવા નીકળી પડયો

- હોરાઈઝન-ભવેન કચ્છી

- જો આશીર્વાદમાં તીવ્રતા અને ભારોભાર કરુણા ભરેલી હોય તેમજ આશીર્વાદ આપવા કરતા એમ જ નીકળી પડે તો તે તેની અસર જન્માવે જ

વ ર્ષો પહેલાની વાત છે.ખંભાતમાં એક પરિવાર ખૂબ જ શ્રમ અને પ્રમાણિકતાથી જીવન વિતાવતું હતું. હવે વૃદ્ધ વયના પિતા હાથલારી ફેરવતા થાકી જતા હતા. યુવા પુત્ર  કે જેનું નામ ધરમપાલ હતું તે તેને લારી ખેંચવામાં મદદ કરતો. ક્યારેય તેની આર્થિક સ્થિતિ અંગે ફરિયાદ નહોતો કરતો. રોજ રાત્રે પિતાના ફોલ્લા પડી ગયેલા પગ પર હળવા હાથે માલિશ કરે. પિતા માટે તેને અપાર પ્રેમ હતો. તેને ખુશ રાખવા તે બધું કરી છૂટતો. તેના પિતાની જેમ તેને પણ કેટલાક અસામાજીક તત્ત્વો ઓફર કરતા કે 'અમારો આ માલ અમુક જગ્યાએ પહોંચાડી દે તો તને ત્રણ ગણું વધુ મહેનતાણું આપીશું' પણ પિતાની આંખ ઠરે તેથી પુત્ર પણ આવા દુન્યવી પ્રલોભનોથી મુક્ત રહ્યો.  

આ જ રીતે કેટલા વધુ વર્ષો વીત્યાં અને એક દિવસ સાંજે પિતા ખાટલા પર અશક્ત અવસ્થામાં સૂતા હતા અને તેણે  પુત્રનો હાથ તેના હાથમાં લઈને કહ્યું કે 'બેટા, મને તારા માટે ખૂબ  જ ગૌરવ અને બેસુમાર પ્રેમ છે. હું તને વારસામાં કંઈ નાણાં કે સંપત્તિ તો નથી આપી શક્યો પણ તારા માટે અંતરથી સતત આશીર્વાદ વહેતા જ રહે છે. મારા આશીર્વાદ તારી વર્ષોત્તર પ્રગતિ કરાવશે.તું જે હાથમાં લઈશ તે સોનાનું થઈ જશે તેવો તું માલદાર બનીશ.હું હયાત નહીં હોઉં પણ મારા આશીર્વાદ તારી રક્ષા કરશે અને તને આબાદ કરશે. તું જેને હાથ લગાડીશ તે સોનું થઈ જશે' આટલું કહી પિતાએ પરમ સંતોષ અને પ્રસન્ન હૃદયે આખરી શ્વાસ મૂક્યો.

પુત્ર તો રોજ પિતાની તસવીરને ભગવાન માની તેને પગે લાગીને  તેની હાથલારી ચલાવવા નીકળી પડતો. તેને જીવનમાં કોઈ ફરિયાદ નહોતી. ગામમાં એક મોટો  વેપારી દરિયા પાર ધંધો કરતો હતો.તે પિતા પુત્રની મહેનત અને પ્રામાણિકતાનો વર્ષોથી સાક્ષી હતો.તેણે  શિપિંગ કંપની સ્થાપી અને પુત્ર (ધરમપાલ)ને કેટલીક લારીઓ અને ટ્રક આપીને માલના આવન જાવનનો મોટો કોન્ટ્રાક્ટ આપ્યો. ગણતરીના મહિનાઓમાં તેનું નસીબ આ રીતે ચમક્યું અને તે ખાસ્સુ કમાયો.શેઠ પણ ધરમપાલના પારદર્શક શૈલીથી થતાં કામથી ખુશ હતા. ધરમપાલે થોડું મોટું ઘર લીધું. ગામમાં તેના સુખી પરિવારની નોંધ લેવાતી ગઈ. આદર્શ પુત્ર ધરમપાલ તેના પિતાના ફોટાને પગે લાગીને કહેતો કે 'પિતાજી તમારી વાત સાચી.તમારા અંતરના આશીર્વાદથી જ હું આટલી પ્રગતિ કરી શક્યો છું.બસ આ રીતે તમારી કૃપાદૃષ્ટિ મારા પર રહે.'

હજુ થોડા વર્ષો વીત્યાં હશે ત્યાં સુધીમાં તો ધરમપાલ શહેરનાં શ્રીમંત તરીકે ગણના પામવા લાગ્યો. તેની નીતિ અને વફાદારી તેમજ ગ્રાહકને પૂર્ણ સંતોષ તે જ જાણે મુદ્રા લેખ હતો. ખંભાત શહેરના શ્રીમંતો અને નાગરિકોમાં પણ ધરમપાલના નામની ચર્ચા થતી કે ધરમપાલ જે ધંધો હાથમાં લે છે કે જે રોકાણ કરે છે તેમાં નસીબની દેવી તેના પર ભરપૂર રીતે રીઝે છે.

ધરમપાલને તેની આવી હરણફાળનું જરાપણ અભિમાન નહોતું. તે તો જે મળે તેને કહેતો કે 'આ તો મારા પિતાના આશીર્વાદ છે કે હું જેને હાથ લગાડું છે તે જાણે સોનાનું થઈ જાય છે. બાકી મારી કઈ ઔકાત કે હું આવી સુખ સંપત્તિ ભોગવું.'

ધરમપાલ પ્રત્યેક પ્રગતિનો જશ પિતાના આશીર્વાદને આપતો તે તેના મિત્રને માનવામાં નહોતું આવતું. તે કહેતો કે આવા કોઈ આશીર્વાદ હોતા હશે. હું સૂક્ષ્મ દુનિયામાં માનતો જ નથી.

અચાનક આ મિત્ર ધરમપાલને પડકારે છે કે 'ચાલ હું કહું તે ધંધો કરીને બતાવ અને તેમાં કઈ રીતે પિતાના આશીર્વાદ તને કમાવી આપે છે તે જોઈએ.' પુત્રને પણ થોડું કુતુહલ થયું. તેણે કહ્યું 'ચાલ તું કહે તે ધંધો કરું.જોઈએ શું થાય છે.'

તે વખતે તાન્ઝાનિયામાં લવિંગ અને તજ - તેજાનાનું વિશ્વમાં સૌથી વધુ  ઉત્પાદન થતું. અન્ય દેશોની જેમ ભારત પણ  ઘણી વધુ કિંમત ચૂકવીને તાન્ઝાનિયાથી લવિંગ - મસાલાની આયાત (મંગાવતું હતું) કરતું હતું. ખંભાતમાં તાન્ઝાનિયાના ઝાંઝીબારથી આ માલ ભરીને વહાણો આવતા રહેતા.

મિત્રએ ધરમપાલના પિતાના  આશીર્વાદની કસોટી કરવા ધરમપાલને કહ્યું કે 'તું ખંભાત બંદરેથી લવિંગ અને મસાલા સ્ટીમર ભરીને તેને વેચવા ઝાંઝીબાર બંદરે જા.'

ધરમપાલે કહ્યું કે 'આ તો કેવો મૂર્ખ પ્રસ્તાવ છે. લવિંગ અને મસાલા કેટલી ઊંચી કિંમત આપીને આપણે ઝાંઝીબાર પાસેથી ખરીદીએ છીએ.ત્યાં લવિંગનું માતબર ઉત્પાદન થાય છે. હવે ત્યાં જઈને તેઓનો જ માલ વધુ કિંમતે ત્યાં વેચવા જાઉં તો મારે મોટી ખોટનો ધંધો તો થાય જ પણ મારી હાંસી ઉડે,મારી પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ જાય.'

મિત્રએ તરત જ કહ્યું કે 'કેમ તારા પિતાના આશીર્વાદ તો છે કે તું જે હાથ લગાડીશ તે સોનું થઈ જશે.જોઈએ તો ખરા તું શું કમાય છે. આશીર્વાદ જેવું કંઈ હોતું નથી તે તને પણ સમજાઈ જશે.'

ધરમપાલને પણ આ વાતની ચકાસણીમાં રસ પડયો. આમ છતાં તેને તો શ્રદ્ધા હતી કે મારા પિતાના આશીર્વાદ મને મુશ્કેલીમાંથી ઉગારી લેશે. તે લવિંગ અને મસાલા સ્ટીમરમાં ભરીને ઝાંઝીબાર બંદરે તેને વેચવા પહોંચ્યો.

કેટલાક દિવસોની દરિયાઈ મુસાફરી બાદ તે ઝાંઝીબાર બંદરે પહોંચ્યો. વહાણને ઊભુ રાખીને દરિયા કિનારાની રેતાળ ભૂમિ પર તેણે ડગ માંડયા. તેના અચરજ વચ્ચે તેણે જોયું તો ખૂબ જ રઇશ લાગતી એક વ્યક્તિ ચિંતિત થઈને ઊભી હતી. દરિયાના બીચ પર કેટલાયે સૈનિકો  ચાળણીથી રેતી ચાળી રહ્યા હતા.

ધરમપાલે જાણ્યું કે તે વ્યક્તિ ઝાંઝીબારના સુલતાન હતા. ધરમપાલે નજીક જઈને તેનો પરિચય આપ્યો. સુલતાનને સૈનિકો  રેતી કેમ ચાળે છે તેમ પુછતા સુલતાને કહ્યું કે 'હું અહીં દરિયાઈ કારોબારનું નિરીક્ષણ કરવા આવ્યો અને મારી વીંટી આટલામાં ક્યાંક પડી ગઈ છે.મારા માણસો તેને શોધી રહ્યા છે.'

ધરમપાલે તે પછી સુલતાનને કહ્યું કે 'માફ કરશો નામદાર, પણ તમે તો શ્રીમંતોના પણ શ્રીમંત છો. તમારી પાસે તો ખજાનામાં કેટલીયે વીંટીઓ અને જર જવેરાત હોય એક નાની વીંટી માટે આટલો પ્રયત્ન?'

સુલતાન મળતાવડા હતા તેણે કહ્યું કે 'આ વીંટી મારા આધ્યાત્મિક ગુરૂએ મને આપેલી હતી.તે જ તો મારી આબાદીનું રહસ્ય છે.'

ધરમપાલે કહ્યું કે 'આદરણીય સુલતાન, તમે આવું બધું માનો છો?' સુલતાને કહ્યું કે 'ચોક્કસ કોઈ પૂજનીય વ્યક્તિ કોઈ હેતુ વગર આપણને કંઈ ન આપે. મારી પ્રગતિ અને માનસિક ઉચ્ચ દરજ્જાની સ્થિતિ તે વીંટી અને ગુરુજીના મારા માટેના આશીર્વાદને આભારી છે'

હવે સુલતાન ધરમપાલને પૂછે છે કે 'કેમ તમને મારી વાતમાં સંશય છે?' ધરમપાલ કહે છે કે 'મને પણ મારા પિતાએ એવા આશીર્વાદ આપ્યા છે કે હું હાથમાં ધૂળ ઉઠાવું તો તે પણ સોનું થઈ જાય' આટલું બોલવા દરમ્યાન ધરમપાલ નીચે નમીને દરિયાની રેતી અદાકારની જેમ મુઠ્ઠીમાં ભરે છે. આટલું બોલીને મુઠ્ઠીમાંથી રેતી જમીન પર સરકાવે છે ત્યાં જ તેના આશ્ચર્ય વચ્ચે રેતીમાં જ સુલતાનની વીંટી આવી ગયેલી હોય છે.

સુલતાન અને ધરમપાલ ખૂબ જ ખુશી સાથે જાણે આ ચમત્કારિક ઘટના બની તે બદલ આશ્ચર્ય સેવે છે.સુલતાન તેના ગુરુની વીંટી મળી જતા  ભાવવિભોર બની જાય છે. ધરમપાલ ના પાડે છે તો પણ તેને સોનાના કેટલાયે બિસ્કીટ અને ઘરેણાં ગુરુજીના સોગંદ સાથે  ભેટ આપે છે.

તે પછી તરત સુલતાન ધરમપાલને પૂછે છે કે 'અરે હું તો  તમારા વિશે પૂછવાનું ભૂલી જ ગયો. તમે કેમ આ ઝાંઝીબાર બંદરે આવ્યા છો.'

ધરમપાલે તેના વહાણ તરફ ઈશારો કરીને થોડા સંકોચ સાથે કહ્યું કે 'હું લવિંગ અને મસાલા વેચવા આવ્યો છું.' સુલતાને કહ્યું કે 'માફ કરશો પણ તમને તમારા કોઈ દુશ્મને આ રીતે ધંધો કરવા તમને અહીં મોકલ્યા લાગે છે. તમને તો ખબર હોવી જોઈએ કે ઝાંઝીબાર તો લવિંગ અને તેજાનાના ઉત્પાદન માટે જગવિખ્યાત છે. અમે ભારતને  અમને પડે છે તેની ત્રણ ગણી કિંમતે લવિંગ અને તેજાના વેચીએ છીએ.હવે તે જ તમે અહીં લાવ્યા છો ત્યારે તમારા લવિંગ અહીં તમારી કિંમતે ખરીદશે કોણ.'

તે પછી સુલતાન ઉમેરે છે કે 'કંઈ વાંધો નહીં આ વખતે તમને આર્થિક  રીતે પાયમાલ કરતી ભૂલ હું સુધારી લઉં છું. તમારા લવિંગ અને તેજાનાનો તમામ માલ  હું ત્રણ ગણી કિંમતે ખરીદી લઉં છું.હવે ભવિષ્યમાં આવી ભૂલ ન કરતા.'

ધરમપાલની આંખોમાંથી પિતાને યાદ કરીને અશ્રુધારા વહે છે.   સોના - દાગીનાની ભેટ અને લવિંગની મળેલી  ત્રણ ગણી રકમના પર્સ સાથે વહાણ ખંભાત પરત ફરે છે.

આપણે જે આપણી સમક્ષ નમે તેને યંત્રવત આશીર્વાદ આપીએ છીએ તે આશીર્વાદની અહીં વાત નથી. પણ ઊંડા અંતરથી પ્રસન્ન થઈને  આપણા ઉત્કર્ષ  માટે કરુણા સાથે બે ઘડી ચિંતન કરીને કોઈ મનોમન કે આપણને પણ કહ્યા વગર આશીર્વાદ આપે કે ભલું ઈચ્છે તો  તે સૂક્ષ્મ દુનિયામાં પ્રસરી જઈને ભૌતિક અને વૈચારિક રીતે આપણામાં પરિવર્તન લાવી જ શકે છે.અલબત્ત આવા આશીર્વાદની તીવ્રતા પ્રબળ હોવી જોઈએ.માતા પિતા જ નહીં  કોઈપણ વ્યક્તિને તમારા માટે અપાર સદ્દભાવ જાગે તો પણ કૃપા વરસતી હોય છે. કંગાળ વ્યક્તિ પણ આપણે જો તેના માટે નિ:સ્વાર્થ માનવતાના ધોરણે કંઇક કર્યું હોય તો તેના આશીર્વાદ આપણને ભૌતિક અને આધ્યાત્મિક રીતે ઉડાન આપી શકે છે . આ જ રીતે  સદગુરુની કૃપા વરસે તો પણ  જ્ઞાાન, વિવેક,યશ અને  કીર્તિ શક્ય બને છે. એવું જરૂર નથી કે આર્શિવાદ ધનવાન બનવા માટેના જ હોય પણ જે પણ પ્રાપ્ય હોય તેમા સુખનો અહેસાસ કરાવે અને આર્દશ જિવનનાં માર્ગે પણ જિવાડવા માટે હોઈ શકે.

ધરમપાલમાં તે પછી એવા સંસ્કાર જાગે છે કે તે ખૂબ કમાયા અને આગળ જતાં શેઠ ઉપરાંત ભામાશા અને દાનવીર તરીકે તેમની ઓળખ બની. 


Google NewsGoogle News