પૂર્વજન્મ- પુનર્જન્મની વાતો : કેટલી પોકળ? કેટલી નક્કર?

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
પૂર્વજન્મ- પુનર્જન્મની વાતો : કેટલી પોકળ? કેટલી નક્કર? 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- માનવીના આ જન્મના સંસ્કારો આવનારા જન્મોમાં પણ એની સાથે રહે છે. મૃત્યુ માનવીની ચેતના યાત્રાનું પૂર્ણવિરામ નથી પણ અલ્પવિરામ છે...

હિ ન્દુ ધર્મશાસ્ત્રોમાં પુનર્જન્મ વિશે ઘણી બધી વાતો અને પ્રસંગો વાંચવા મળે છે. શ્રીકૃષ્ણે અર્જુનને ભગવદ ગીતાનો ઉપદેશ આપતી વખતે પણ પુનર્જન્મની વાત કરી છે.

બહુનિ મેં વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન, 

તાન્યહં વેદ સર્વાણિ, ન ત્વં વેત્થ પરંતપ.

(એટલે કે મારા અને તારા ઘણાં જન્મો વીતી ગયા, જે વિશે હું જાણું છું પણ તું જાણતો નથી.)

 મહાભારત કે રામાયણને આપણે ખંડકાવ્ય કે મહાકાવ્ય તરીકે જોવાને બદલે ઇતિહાસ તરીકે જોવા-માણવા લાગ્યા  ત્યારથી અર્જુનને ઉદ્દબોધાયેલા કૃષ્ણના સંવાદોમાંથી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત... ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.(શ્લોક ૬,૭- કર્મ બ્રહ્માર્પણ યોગ અધ્યાય ૪)વાળો કૃષ્ણનો સંવાદ અતિ લોકપ્રિય અને લોકભોગ્ય બન્યો છે. કૃષ્ણ તેમાં ફરી ફરી જન્મ લેવાની વાત કરે છે.

તમને ક્યારેય એવો પ્રશ્ન થાય છે કે   એક જ સમયે જન્મનારા બાળકોના આગળ જતા જીવનમાં શા માટે વિરોધાભાસ જોવા મળે છે? કોઈ અજાણી વ્યક્તિને મળ્યા બાદ શા માટે એવું લાગ્યા કરે છે કે  અગાઉ ક્યારેક મળ્યા છીએ? એક સામાન્ય વ્યક્તિના જીવનમાં આવી કેટલીયે ન સમજાઈ શકે તેવી ઘટનાઓ અને રહસ્યો રહેલા છે. કેટલાંક માનસ શાસ્ત્રીઓ આ રહસ્યના ઉકેલ રૂપે તમારા આ જન્મને તમારા પૂર્વજન્મ સાથે જોડી દે.

 થોડા વર્ષ પૂર્વે  એક ટીવી ચેનલ પર નવો રિયાલીટી શો 'રાઝ પિછલે જનમ કા' શરૂ થયો હતો. જે આપણા વર્તમાન જીવન પર પાછલા ભવના અસરના કારણે ઉદ્દભવતી ઘટનાઓ પર આધારિત  હતો. જાણીતા મનોચિકત્સક અને થેરેપીસ્ટ પાસ્ટ લાઈફ રીગ્રેશન (પીએલઆર) નામની કોન્સીયસ મેડિટેટીવ ટેકનીક દ્વારા આ શોમાં ભાગ લેનારાઓને તેમની પાછલી જિંદગીમાં લઈ  જતા અને  તેમના આગલા જન્મની વાતો કઢાવતા.  

 તાજેતરમાં ગુજરાતના પ્રખ્યાત પાલનપુર તાલુકાનું ખસાગામ એકાએક સમસ્ત દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. ખેતરમાં મજૂરી કામ કરતા જેતાજી ઠાકોર નામના સાવ સામાન્ય માણસના ઘરમાં જન્મેલી દક્ષા સામેથી બધાને એવું કહે છે કે આ તો મારો પુર્નજન્મ છે. ૨૦૦૧માં કચ્છમાં જબરદસ્ત ભૂકંપ આવ્યો ત્યારે ધરાશયી થયેલા અનેક ઘરોમાંથી એક ઘર જેમાં રહેતી આ છોકરી કહે છે કે મારા માથે ધાબુ પડતાં મારું મોત નિપજ્યું હતું. ભગવાને મને નવો જન્મ આપ્યો છે.

મુંબઈના જાણીતા સાઈકિઆટ્રિસ્ટ ડૉ. મહેશ પરીખે આવી અકળ બાબતો વિશેના વિજ્ઞાાન પેરાસાઈકોલોજી અને પુર્નજન્મના ઘણાં કિસ્સાઓનો અભ્યાસ કર્યા બાદ એવું તારણ કાઢ્યું છે કે મોટા ભાગે જેમના મૃત્યુ અકુદરતી સંજોગોમાં થયા હોય એમને જ પોતાનો પૂર્વજન્મ યાદ રહેતો હોય છે. કોઈની હત્યા થાય અથવા એ ડૂબીને કે અકસ્માતમાં મૃત્યુ પામે ત્યારે છેલ્લી ક્ષણોમાં એની જીજીવિષા બહુ જ તીવ્ર બની જાય છે અને ઘટનાની તીવ્ર સ્મૃતિ એની ચેતના સાથે વણાઈ જાય છે એટલે એને પુનર્જન્મ  પછી પણ બધુ યાદ રહે છે.

જયપુરના ડો. કીર્તિ સ્વરૂપ રાવતે પોતાના પુસ્તક 'પુનર્જન્મ: એક વૈજ્ઞાાનિક વિશ્લેષણ'માં પુનર્જન્મનો આ કિસ્સો ટાંક્યો છે. એમણે પુનર્જન્મના કિસ્સાઓ જાણી એમનો વૈજ્ઞાાનિક અભ્યાસ કરવામાં આખુ જીવન ખર્ચી નાખ્યું હતું. એમણે પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં એક બહુ સૂચક વાત કરી છે કે 'જીવન એક પુસ્તક જેવું છે, જેનું પહેલું અને છેલ્લું પાનુ ગુમ છે. આપણે ક્યાંથી આવ્યા છીએ અને અંતે ક્યાં જવાના છીએ એ વિશે આપણે કશું જ જાણતા નથી.'

વરસોના અભ્યાસ અને સંશોધનને અંતે રાવત પાસે પુનર્જન્મના વૈજ્ઞાાનિક રીતે ચકાસાયેલા ૩૦૦ જેટલા કિસ્સાનો ખજાનો ભેગો થઈ ગયો. જ્યારે એમના ગુરુ ડૉ. ઈઆન સ્ટીવન્સન પાસે ૩,૦૦૦ કેસ હતા, જેમાંથી ૮૦૦ કિસ્સા વિશે એમણે જાતે સંશોધન કર્યું હતું.

પુનર્જન્મના કિસ્સા કોઈ નવી વાત નથી. આજથી લગભગ સાત દાયકા પહેલા મહાત્મા ગાંધીને પણ દિલ્હીની એક ૯ વરસની છોકરી શાંતિ દેવીનો કિસ્સો જાણવા મળ્યો હતો. નાનકડી શાંતિ મથુરામાં રહેતા પોતાના પતિ અને સાસુ-સસરા વિશે વાતો કરતી. એણે મથુરા જઈને પોતાના જુના ઘર અને પૂર્વજન્મના તમામ સંબંધીઓને ઓળખી કાઢી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ખુદ ગાંધીજીએ શાંતિ દેવીના કેસ વિશે સંશોધન કરાવીને એની સત્યતાની ખાતરી કરી હતી.  

બોરીવલીના કાપડિયા પરિવારમાં જન્મેલા દીપનો કિસ્સો પણ રસપ્રદ છે. બચપણથી જ તે ખૂબ મુંઝાયેલો, ડિપ્રેશ્ડ રહેતો હતો. તેની તબિયત વારંવાર બગડતી હતી. વધુ તબીબી તપાસ અને મનોચિકિત્સક સાથે મેળાપ કરાવ્યા બાદ ખબર પડી કે તેને પૂર્વજન્મની વાતો સાતવતી હતી. એનો પૂર્વજન્મ ઉદયપુરમાં જ થયો હતો અને એને પત્ની તથા પુત્ર પણ હતા. ૧૯૭૬માં એની હત્યા થઈ હતી. એના ત્રણ વરસ બાદ ૧૯૭૯માં એનો બોરીવલીના કાપડિયા કુટુંબમાં પૂનર્જન્મ થયો હતો.

સાંઈબાબાના ભક્તો વારંવાર એક વાત કહે છે કે શ્રી સત્ય સાંઇબાબા હંમેશા  કહેતા  કે, તેઓ શિરડીના સાંઇબાબાનો અવતાર છે- પૂનર્જન્મ છે. ભગવાન રજનીશ પુનર્જન્મમાં માનતા હતા. મા વિવેકને તેઓ પોતાની એક જમાનાની પ્રેયસીના પુનર્જન્મ કરીકે ઓળખાવતા હતા. બ્રહ્માકુમારીઓનો તો આખો પંથ આત્માના ફરી ફરી અવતરવાના ગુણપર રચાયો છે. શ્રી અરવિંદ પણ આત્માના અમરત્વમાં માનતા હતા. માતાજીનો આત્મા એક છોકરીમાં પ્રવેશ્યો હોવાની માન્યતાં કેટલાંક  શ્રી અરવિંદના કેટલાક ભક્તો ધરાવે છે. આ તો પોતાને 'રેશનલ' કહેડાવતા આજના 'નિયો' ધર્મીઓની વાત છે. શંકરાચાર્યો અને સાધુ-સંતો, પંડિતો આ વાત ખૂબ જ વિશ્વાસથી, દ્રઢતાથી માનતા હોય એમાં કશું જ નવાઇ જેવું નથી. સન ૧૮૮૬માં દક્ષિણેશ્વરના શ્રીરામકૃષ્ણ પરમહંસનું નિર્વાણ થયું તે પહેલાં તેમણે ભક્તોને કહ્યું હતું : મારા મૃત્યુ પછી ૧૦૦ વર્ષે હું પાછો ફરીશ. શું ૧૯૮૬માં પરમહંસ ક્યાંક, કોઇક ઠેકાણે પાછા ફર્યા હશે ?

આજકાલ ૭૦ ટકા અમેરિકનો પુનર્જન્મમાં માને છે. અવાર નવાર ત્યાં પુનર્જન્મ પર આધારિત નવા પુસ્તકો બહાર પડે છે. પુવર્જન્મના કિસ્સાઓ લોકો ખૂબ હોંશથી વાંચે છે.

રેમન્ડ એ મૂડીની 'લાઇફ આફટર લાઇફ'ની સવા કરોડથી  વધુ  કોપીઓ વેચાઇ ગઇ છે. સ્વિસ ડોકટર એલિઝાબેથ કુબલરરોસ પહેલાં કહે છે કે, પુનર્જન્મમાં માનતા નહોતા પણ હવે માનવા લાગ્યા છે અને પ્રચાર કરે છે. આર્નોલ્ડ ટોયન બીનું 'લાઇફ આફટર ડેથ' પુસ્તક વિખ્યાત છે. 

'મિસ્ટરીઝ ઓફ ધ આફટર લાઇફ' નામના ફ્રેન્ક સ્મિથ અને રોય સ્ટેમેને લખેલાં પુસ્તકની ચકચાર છે.

એમ કહે છે કે પૂનર્જન્મ પૂર્વજન્મ થયો હોય તેની આસપાસમાં જ ક્યાંક થાય છે. મોટા ભાગે પુરુષ પુરુષ તરીકે અને સ્ત્રી, સ્ત્રી તરીકે જન્મે છે. નાની ઉંમરમાં બાળકોને અચાનક પોતાનો પૂર્વજન્મ યાદ આવે છે. લાગતા-વળગતા લોકો કિસ્સાની તપાસ કરે છે. જેમાંની ઘણીખરી માહિતીઓ એમન ાકહેવા પ્રમાણે સાચી હોય છે. રેમન્ડ એ મૂડીના 'લાઇફ આફટર લાઇફ'માં એવા અનેક કિસ્સા નોંધવામાં આવ્યા છે. જેમાં મૃત્યુ-અવસ્થા પછી પાછા ફરેલા માનવીઓએ તેમના મૃત્યુના દ્રશ્યને વર્ણવ્યું હોય.

બેંગલોરમાં ડો. સતવંત કહે છે કે, ધારો કે કોઈ બાળકનું મૃત્યુ તેના આગલા જન્મમાં પાણીમાં ડૂબી જવાને કારણે થયું હશે તો આ જન્મમાં બચપણથી જ તેને પાણીનો ડર રહેવાનો. આ ડરનું કારણ આ જન્મની ઘટના દ્વારા નહીં પણ ગયા જન્મની ઘટના દ્વારા જ સમજાવી શકાય તેવું હોય છે. વળી કેટલાંક બાળકોના શરીર ઉપર જન્મ વખતે જે કેટલીક નિશાની હોય છે એ તેમના ગયા ભવની ઇજાઓની પ્રતિનિધિરૂપ હોય છે. આગલા ભવમાં બાળકનું મૃત્યુ કોઈ ઇજાને કારણે થયું હોય તો આ ભવમાં તેનો જન્મ ઇજાની નિશાની સાથે જ થાય છે, એવું ડૉ. સતવંત માને છે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે પુનર્જન્મની સ્મૃતિ બાળપણમાં જ અસ્તિત્વ ધરાવતી હોય છે પણ નાગપુરની ઉત્તરાનો કિસ્સો કંઈક અજીબ જ હતો. આ સ્ત્રી જ્યારે ૩૦ વર્ષની ઉંમરે પહોંચી ત્યારે તે કહેવા લાગી કે તે બંગાળની શારદા છે અને ચટ્ટોપાધ્યાય પરિવારની સભ્ય છે. મરાઠીભાષી ઉત્તરા હવે કડકડાટ બંગાળી ભાષા બોલવા લાગી અને ૧૯મી સદીના બંગાળી પરિવારના રીતરિવાજો વિશે વાત કરવા લાગી હતી. પુનર્જન્મના મોટા ભાગના કિસ્સામાં એવું બનતું હોય છે કે મૃત્યુના એકાદ વર્ષમાં જ ફરીથી જન્મ થતો હોય છે પણ અહીં તો એવું બન્યું હતું કે બંગાળની શારદાનું મૃત્યુ થયું તે પછી ૧૧૦ વર્ષે નાગપુરની ઉત્તરા તરીકે તેનો ફરી જન્મ થયો હતો. આ કિસ્સાની વિગતો ડૉ. સતવંતે પોતાના પુસ્તકમાં આપી છે.

વિજ્ઞાાનીઓ આજ સુધી આત્મા, પુનર્જન્મ, સ્વર્ગ, નર્ક વગેરેના અસ્તિત્વને નકારતા આવ્યા છે. હવે વૈજ્ઞાાનિક શોધો જ એવું પુરવાર કરી રહી છે કે, પુનર્જન્મ એ નકારી ન શકાય તેવી હકીકત છે. જેમ અનેક વરસો આપણે એક ઘરમાં રહેતો હોઈએ તો તેની માયા બંધાઈ જાય છે તેથી તેને છોડવું ગમતું નથી. તેમ જીવની પણ મરણસમયે એવી દશા થાય છે તેને આ જૂનું શરીર છોડવું ગમતું નથી. માટે મરણ પહેલાં દરેક વસ્તુ કે વ્યક્તિની આસક્તિ છોડી દેવી જોઈએ એ જ બધાને માટે સારું છે.


Google NewsGoogle News