Get The App

કદરદાનીની કસર .

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
કદરદાનીની કસર                                            . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- કોઈના સારા ભોજનની, સારા લખાણની, સારા કૃત્યની, સારા આવકારની વાતની કદર કરવામાં મોડું થશે, તો ન ચાલે. પ્રશંસા ખોટી તો - જરાય ન જ કરવી જોઈએ, વધારે પડતી પણ નકામી છે

આ પણે ત્યાં યોગ્ય માણસની યોગ્ય સમયે કદર નથી થતી એનાં અસંખ્ય દ્રષ્ટાંતો સમાજમાંથી પ્રાપ્ત થઈ શકે. રામાયણમાં આપણે જેટલાં સીતામાતાનાં ગુણગાન ગાયાં છે, એટલાં ઊર્મિલાનાં નથી ગાયાં. ભરતની પત્ની માંડવીને તો સમાજ ભૂલી જ ગયો છે. સૌથી વધારે સહન માંડવીએ કર્યું છે. ભરતે રામ વતી રાજ્ય સંભાળ્યું ત્યાં સુધી માંડવી સામે જોયું નથી! દુર્યોધનનું અન્ન ખાઈને મોટા થયેલા અને કૌરવ પક્ષે રહેલા કર્ણની પ્રશંસા સમાજે નથી કરી. સમાજમાં અનેક સ્થળે અનેક માણસો એવી ફરિયાદ કરે છે કે 'અમારી કોઈ કદર કરતું નથી' અધ્યાપકોને શિક્ષણ સંસ્થાના સંચાલકો સામે, મજૂરોને પોતાના માલિકો સામે આવી ફરિયાદ રહ્યા જ કરે છે. વલ્લભ વિદ્યાનગરની બી.વી.એમ. એન્જિનિયરિંગ કોલેજના  ઉપાચાર્ય રહી ચૂકેલા ગુલાટી સાહેબનો એક કિસ્સો જુઓ. ઈંગ્લેન્ડ ભણીને આવેલા, બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અધ્યાપક હતા પછી સક્કર બરાજના કામમાં જોડાયેલા, ત્યારબાદ ગાંધી માર્ગે વળ્યા. સ્વરાજ પછી તેમની ભાઈકાકાએ સામેથી માંગણી કરી તેઓ વિદ્યાનગર આવ્યા. ઉપાચાર્ય બન્યા. એક રૂપિયો પગાર ન્હોતા લેતા. મંડળ તેમના નામે મહિને અમુક રકમ અલગ રાખે સાજે માંદે ખપ લાગે, પણ તે રકમને તેઓ અડયા પણ ન્હોતા. કેન્સર થયું. દરદી હોવા છતાં બાર કલાક કામ કરતા. છેલ્લે ખાટલાવશ થઈ મૃત્યુ પામ્યા. આ તપ નથી ? સમાજ પાછળ ઘસાઈ જવાની તેમની સેવાભાવી વૃત્તિ કેટલી બધી પ્રેરક છે! તેમ છતાં સમાજ આવી વિભૂતિને વિસારે પાડી ગયો છે. આવા પ્રેરણાદાયી, પ્રેરક સજ્જનોની કદર થવી જોઈએ પણ દર વખત તેમ થતું નથી. કદર કરવામાં સમાજ કરકસર કરે છે.

ગાડીમાં વખતસર લક્ષ્ય સ્થાને પહોંચાડતા ડ્રાયવરની જ સ્વર્ગ જેવા ઉપવનને લીલોછમ રાખનારા માળીની, ઘરને સુચારુ રીતે ચલાવતી ગૃહિણીની, સાચા લોકસેવકની, સામાન્ય મજૂરની, પ્રામાણિક કંડકટરની, દેશ માટે જીવતા સૈનિકની કદર કરવામાં સમાજ કસર રાખે છે તે વાત સ્વીકારવા જેવી છે.

શાકવાળો રોજ સારું સાક આપી જાય પણ કોઈક દિવસ શાક સારું ન નીકળે તો આપણે તેને ધમકાવીએ છીએ. સાયકલ ઉપર છાપું નાખવા આવતા છોકરાથી વરસાદમાં પેપર પલળી જાય અને તે આપણે ત્યાં નાખી જાય તો આપણે પેલા છોકરાને ધમકાવીએ છીએ પણ રોજ સારું ગડીબદ્ધ પેપર નાખે તો પ્રશંસાના બે શબ્દ કહી શકતા નથી. રોજ ટાઈમસર પેપર આવે, કોઈ દિવસ મોડું થાય ત્યારે ધમકીની ભાષામાં વાત કરીએ તે કેવું ? મોટી મોટી ઓફિસોમાં નાના માણસોની કોઈ કદર જ કરતું નથી. પરિવારમાં સ્ત્રીની સ્થિતિ એ જ પ્રકારની હોય છે.

પ્રથમ હરોળમાં સિદ્ધિ મેળવનારાની જે વાહવાહ થાય છે, પણ અનેક સમસ્યાઓના કારણે થોડાક ગુણે બિચારા અનુ-તીર્ણ થયેલા બાળકના મનને જાણવાની સમાજે કોશિશ જ કરી નથી. 

સારું કાપડ વખણાય, સારાં કપડાં વખણાય, એ પોષાક પહેરનાર પણ વખણાય પણ એ કપડાં બનાવનાર દરજી કે કાપડ વણનાર વણકર વિશે કોઈ વાત કરતું જ નથી. આપણે પ્રશંસાની બાબતમાં કંજૂસ છીએ, કૃપણ છીએ... રોજ સવારે ઊગતા સૂરજની, પ્રાણવાયુ આપતી હવાની, પાણીની આપણે કદર કરી જ નથી. આપણને એ મૂલ્ય રોજના જીવનમાં યાદ આવતું જ નથી.

સાચી પ્રશંસાથી કોઈની પીછેહટ થતી નથી બલકે સોનામાં સુગંધ ભળે છે. કદરદાનની એ મહેરબાની નથી આપણી ફરજ છે. પ્રશંસા, કદરદાની કેવળ શોભા નથી. કાર્ય કરનાર કર્તાને માટે પ્રોત્સાહન છે. પ્રશંસાના બે બોલ કિંમતી હોય છે. પ્રશંસા બોલનાર અને પામનાર બંનેની શોભા વધારે છે. યોગ્ય પ્રશંસા કરવી તે પણ એક કળા છે. આપણને ઘણીવાર પ્રશંસા કરવાનું મન થાય, ઈચ્છા થાય પણ મોંઢામાંથી શબ્દ નીકળે જ નહિ, અને નીકળે તો ટૂંકો પડે. પ્રમાણસર પ્રશંસા ન જ કરીએ. સાચી પ્રશંસા મુદ્દાસરની હોવી જોઈએ. આપણા પરિચિતે કોઈ સિદ્ધિ મેળવી હોય આપણને ખબર હોય, ખબર પડે આપણે મૌન જ રહીએ છીએ. જ્યારે પેલી પરિચિત વ્યક્તિ સામે મળે વાત નીકળે ત્યારે આપણે ખોટું પણ બોલીએ કે 'હાય ! મને તો ખબર જ નથી...' આમ તદ્દન જુઠ્ઠુ કેમ બોલવું પડે છે ? પ્રશંસા કરવામાં પાછા પડયા એટલે... કદર કરવામાં સમયનું પણ મહત્વ છે. આપણે અન્યનું કદરપાત્ર કામ કેમ નજર અંદાજ કરીએ છીએ !

કોઈના સારા ભોજનની, સારા લખાણની, સારા કૃત્યની, સારા આવકારની વાતની કદર કરવામાં મોડું થશે, તો ન ચાલે. પ્રશંસા ખોટી તો - જરાય ન જ કરવી જોઈએ, વધારે પડતી પણ નકામી છે. પ્રમાણસરની, માફકસરની પ્રશંસા કાર્ય કરનારને બળ અને પ્રોત્સાહન પુરાં પાડે છે. પ્રશંસાના બે શબ્દોમાં આભાર સમાવિષ્ટ જ હોય છે. 'કામની કદર જ નથી' એવું બોલનારો વર્ગ સમાજમાં છે - એ પ્રશંસાની અપેક્ષા રાખે છે પણ સમાજ એ બાબતે મૌન રહ્યો છે. ખુશામત ખુદાકો ભી પ્યારી હોતી હૈ એ અર્થમાં પણ માનવીને તેના કાર્ય કુશળતાના બદલામાં બે વેણની જે અપેક્ષા હોય છે તે બે વેણમાં જબરજસ્ત જીવનશક્તિનું સિંચન કરવાનું બળ અને જળ હોય છે. પ્રશંસા એ પુષ્પ છે, ને પ્રશંસક પૂજારી...


Google NewsGoogle News