Get The App

મર્મજ્ઞા મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ .

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
મર્મજ્ઞા મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ                               . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- આ સંગ્રહ નાનો - પણ રાઇનો દાણો

આદિ કાળથી માનવીને સંગ્રહ કરવાની ટેવ પડેલી છે. વનસ્પતિ, અનાજ, પાણી-પીણાં, પુસ્તકો, રાચ-રચીલાં, વસ્ત્રો, આવાસો , મંદિરો, મહેલો, બાગ-બગીચા, જમીન - જાયદાદ, સોનું , ચાંદી , અણમોલ રત્નો, જીવિત કે મૃત પશુ-પક્ષી કે અન્ય જીવાતો સુધ્ધાંનો સંગ્રહ જોવા મળે. સુશોભન, સજાવટ, વાસણોની રસરખાવટ, સંગીત - નાટય જેવી કળાનાં સાહિત્ય અને સાધનો, ચિત્રો, અત્તર, શિલ્પો, સ્થાપત્યો, વાહનો, કાપડ, હસ્તોદ્યોગથી લઇને ઔદ્યોગિકક્રાંતિને કારણે અવતરેેલી વિવિધ વસ્તુઓ, હથિયારો...મશીનો, કાચ, માટી, પોર્સિલીન ઇત્યાદિમાંથી બનતી કલાકૃતિઓ, ખાદ્ય સામગ્રી, અધ..ધ.ધ.યાદી થઇ શકે વિશ્વસ્તરે. એક માનવજન્મમાં મનભર થોડો સંગ્રહ પણ માણી શકાય તો ભયો ભયો. આમાં આપણે માનવીઓનાં વૈવિધ્યની તો વાત જ ન થઇ. એનાં પ્રકાર અપાર છે અને મીણનાં પૂતળાં સહિત અને માધ્યમમાં આપણે એની ઝાંખી કરી શકીએ છીએ. હશે, ઇશકૃપાએ મળેલ નાના એવા જીવનમાં જેટલું જોવાય એટલું ઘણું ! બાકી, મ્યુઝિયમમાં મૂકવા લાયક અનેક માનવરત્નો સ્વયમ્ એક સંગ્રહસ્થાન જોવા હોય છે. જેમને નરી આંખે જોઇ શકાય છે. પરતંુ કોઇ કાળેય એમની ખરી ઓળખ છતી થતી હોતી નથી ! ખેર , આપણે તો એક નાના છતાં દળદાર - કલાદ્રષ્ટિએ ઉત્કૃષ્ટ એવા મહારાજા ફતેસિંહ સંગ્રહાલય - વડોદરાની કલાસફરે ઉપડવું છે - જે સાતસો એકરમાં સમાયેલા લક્ષ્મીવિલાસ પેલેસનું એક અભિન્ન અંગ છે.

જીવ્યા કરતાં જોયું ભલું

મૂળ મહેલના આ વિભાગમાં યુરોપિયન રેનેસાં અને રોકોકો શૈલીનાં ઉત્તમ ચિત્રો, રૂપચિત્રો (પોર્ટ્રેઇટ્સ), આરસનાં શિલ્પો ઉપરાંત મૂર્ધન્ય ચિત્રકાર રાજા રવિ વર્માનાં રૂપચિત્રો પ્રદર્શિત છે. જેની વિશદ છણાવટ આગામી અંકમાં. પરદેશથી લાવેલી કૃતિઓમાં કાચ અને લાકડાં પરનાં સુશોભન ધ્યાનાકર્ષક છે. આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારોની મૂળ કૃતિઓ અને પ્રતિકૃતિઓ પણ આ સંગ્રહસ્થાનમાં છે. ગ્રીકો રોમન શિલ્પ દીર્ધામાં રોમ અને ગ્રીસની પ્રાચીન પુરાતન કળા ઝળહળે છે. નવ સો વર્ષો સુધી છવાયેલી રહેલી રોમન શૈલીની વાસ્તુકળા અંતર્ગત કાંસ્ય અને પ્લાસ્ટરની ઉત્તમ મૂર્તિઓ મેળવી ભારતીય પ્રજાને પશ્ચિમી કળાનો પરિચય કરાવવાનો હેતું છે. પંદરમી સદીનાં નાનાં શિલ્પો બ્રોન્ઝ અને કાષ્ઠમાં છે. ત્રીજી સદીનું વિનસ ઓફ મિલો પેરિસનાં લુવ્રે મ્યુઝિયમની યાદ અપાવે.  ચોથી સદીનું આરસનું ગ્રીક કાળા રંગનું ૪.૫ ફૂટનું શિલ્પ 'આર્ટેમિસ' અને ત્રીજી સદીનું દેવી વિનસનું સફેદ આરસનું શિલ્પ ઉપરાંત વિનસનું જ બેઠેલી અવસ્થાનું સફેદ આરસનું શિલ્પ ધ્યાનાકર્ષક છે. આ ગેલેરીમાં મહાકાય કૂંજા - કાચ અને સિરામિકની ઝીણી ભાત અને ચળકતા રંગો સાથે અહીં શોભે છે. ફેન્સી સર્વિંગ વાસણો , તાડપત્રી પરની હસ્તપ્રતો અને એને મૂકવા માટેના લાકડાના વિવિધ આકાર અને કદના બોક્સ ઉપરાંત અહીં નાનાં શિલ્પોમાં વિકટોરિયા, માસ્ક, લેમ્પ રોઇડ, બ્રાસવેડિંગ કપ ઇત્યાદિ ગોઠવાયેલાં છે. લેન્ડસ્કેપ દીર્ધામાં અતિશય મોટી ફેઇમ્સમાં કલાત્મક દ્રશ્યો તાજગીભર્યાં લાગે છે. ફ્રેઇમ અતિ ભારે લાકડાની કોતરણી નકશી યુક્ત છે. સ્વીસ કલાકારોએ લાઇરે નદી પરના ચંદ્રોદયને કંડાર્યો છે. સ્વીટ્ઝરલેન્ડની પર્વતીય ખીણ, ઇટાલિયન સૂર્યાસ્ત, ફ્રેન્ચ કલાકારની 'સાયંકાળની છટા' મનમોહક છે.

'જિન ઘર જિન તખ્ત' - ગૃહ નશીન તખ્ત નશીન

૧૮૭૫માં આ ઇમારત મોતીબાગ સ્કૂલ નામે બંધાઇ હતી. લક્ષ્મી વિલાસ પેલેસના ગેઇટ નં.૩માં પ્રવેશતાં જ સામે ઇન્ડો સાર્સેનિક શૈલીનું એક રોચક ભવન નજરે ચડે. આ સ્થાપત્ય શૈલી હિંદુ, ગોથિક અને મુઘલ શૈલીનું હાઇબ્રીડ સ્વરૂપ છે. આ મકાન સંસ્કૃતિનો ઇતિહાસ સાચવીને બેઠું છે. દેશભરની ઇમારતોમાં અવ્વલ નંબર ધરાવતા આ સંકુલમાં રાજ ઘરાનાનાં રહેઠાણો અને રસોઇઘર પણ છે. આ એટલે નોંધીએ કે ફતેસિંહ મ્યુઝિયમમાં પરિસરની દરેક ઇમારતની સોડમ સચવાઇ છે. ઓરડે ઓરડેથી મેળવાયેલી અલભ્ય કલાકૃતિઓનો આ નાનો છતાં મોંઘેરો સંગ્રહ છે. ૧૯૬૧માં આ સંગ્રહસ્થાનની સ્થાપના થઇ એ પહેલાં ઉપરકોત શાળામાં ગાયકવાડ વંશના વંશજો ભણવા આવતા. મહારાજા પ્રતાપસિંહે કુંવર રણજિતસિંહને જન્મદિને એક ટ્રેઇન ભેટ આપી હતી. જે કાર્યરત હતી. મહેલમાંથી બાળકો એમાં બેસી ત્રણ કિ.મી.નું અંતર કાપી શાળાએ જતા. આ ટોય ટ્રેઇન હાલમાં પ્રવેશે શોભામાં અભિવૃધ્ધિ કરે છે. વિશ્વનું સૌથી નાનું લોકો મોટિવ કાર્યરત એન્જિન એને લાગેલું છે. વર્ષો સુધી સયાજીબાગમાં આ ટ્રેઇને હજારો બાળકોનું કુતૂહલ પોષીને એમાં સવારી કરવાની તક એમને આપી છે. બે માળના આ મ્યુઝિયમમાં વિવિધ દેશોની પ્રખ્યાત કલાકૃતિઓને વિવિધ દીર્ધા (ગેલેરી)માં વિભાજિત કરીને ગોઠવવામાં આવી છે. આમાં મોટાભાગનો સંગ્રહ મહારાજા સયાજીરાવ - ત્રીજાનો પોતાનો અંગત માલિકીનો હતો. મહારાજાની પરદેશ પરિક્રમાના નતીજા રૂપ આ કલાકૃતિઓ છે.

માણ્યું તેનું સ્મરણ કરવું 

પોર્સિલિનનાં વાસણો શાહી દેખાય, તો ઇટાલિયન કેમિયો શંખ સફેદ અને મોટા કદના જોવા મળે જેની ઝીણેરી કોતરણીમાં કુદરતી દ્રશ્યો, માનવો અને પ્રાણી-પક્ષી વિચરણ કરતા દેખાય. ગ્રીક રોમન આર્ટવાળા વિવિધ વાદળી જાર, વાટકા - વાટકી, કૂંજા, થાળી આદિ ગ્રે અને પીળી ઝાંયવાળા પણ જોવા મળે. પારદર્શક સફેદ, કથ્થઇ, બ્લ્યુ જાર માટલા જેટલા કદ ધરાવે - તો કેન્દ્રી ખંડમાં ભારત અને યુરોપના પ્રખ્યાત કલાકારોની કૃતિઓ જોવાનો લાભ મળે. બ્લોન્ડી નામના કલાકારે મહારાજા ફતેસિંહ અને જયજિતસિંહનાં કાંસ્ય શિલ્પ બનાવીને મૂક્યાં છે. મહારાજા સયાજીરાવ - ત્રીજાનું રૂપચિત્ર રેશમી ઝભ્ભા અને ખેસમાં પ્રભાવી લાગે છે. જેમાં તાંજોર શૈલીના સોનેરી રંગની આભા છે. મહારાણી ચિમનાબાઇનું સફેદ આરસનું આદમકદ શિલ્પ ખંડની વચ્ચોવચ્ચ જાજરમાન લાગે છે. સિંહાસન પર બિરાજમાન રાણી ચિમનાબાઇ વ્યક્તિત્વ જવાબદારીના ભાવથી ભર્યું ભયું ભાસે ! કલાકાર ફેલિસીએ ભારતીય નારીનું આદમકદ રૂપચિત્ર બનાવ્યું છે તે અને 'મેડોના વિથ ગોલ્ડફિન્ય' પણ નોંધનીય ખરા કલાકાર સ્ફાયેલનું સ્ત્રીનું રૂપચિત્ર અને 'વિઝન ઓફ ધ પ્રોફેટ' પર તેના દેશ ઇટાલીની કળાની છાયા છે. ઇટાલિયન વેસેલિયોનું વિનસનું પ્રતિચિત્ર અને ફલોરાની પ્રતિકૃતિ પણ મૂળની યાદ અપાવે. કેટલીક કાષ્ઠકૃતિઓના વિભાગમાં મહાકાય વાસણો અગરબત્તીના જાર, કીટલી, ત્રણ પાયાવાળાં ઢાંકણાવાળા સ્ટેન્ડ ઉપર સિલ્પકારી કરેલી છે તે આપણને રોકી રહ્યા છે.

લસરકો : 

મહેલની કલાત્મક જણસો, 

રાજરત્નોનો અમૂલ્ય સંગ્રહ-

જેનું કલામૂલ્ય અપાર,

રસાત્મકતાનું કદ વિશાળ.


Google NewsGoogle News