Get The App

ઈન્સ્યુલિન : મેડિકલ જગતની મહત્ત્વની શોધ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
ઈન્સ્યુલિન : મેડિકલ જગતની મહત્ત્વની શોધ 1 - image


- હેલ્થકેર-ડો. સંજીવ ફાટક

આ જથી આશરે ૧૦૨ વર્ષ પહેલા કેનેડામાં Banting  અને Best  તથા McLeod  અને Collip નામના વૈજ્ઞાનિકોએ ઇન્સ્યુલિનની શોધ કરી હતી. પહેલા કુતરા અને બીજા પ્રાણીઓમાં પરીક્ષણ બાદ સૌપ્રથમ વાર લીયોનાર્ડ થોમસન નામના એક બાળકને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. છેલ્લા ૧૦૦ વર્ષમાં ઇન્સ્યુલિનની બાબતમાં ઘણા બધા સંશોધનો થયા છે અને સંશોધન કરનારા ઘણા બધા વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઈઝ આપવામાં આવેલું છે કેમકે ઇન્સ્યુલિન મેડિકલ જગતની આજ સુધીની ખૂબ જ મહત્વની શોધ છે.

ઇન્સ્યુલિન શું છે?

ઇન્સ્યુલિન શરીરના સ્વાદુપિંડના બીટા સેલમાં બનતો એક હોર્મોન છે જે ફક્ત કાર્બોહાઈડ્રેટ માટે નહીં પણ પ્રોટીન અને ચરબીના મેટાબોલિઝમ માટે પણ જરૂરી છે. સામાન્ય રીતે આપણા સ્વાદુપિંડ દ્વારા સતત રીતે થોડીક માત્રામાં ઇન્સ્યુલિન બન્યા કરતું હોય છે અને જ્યારે આપણે કોઈપણ ખોરાક લઈએ છીએ ત્યારે એ પ્રમાણે સુગરને નિયમનમાં રાખવા માટે વધારાનું ઇન્સ્યુલિન સ્વાદુપિંડ દ્વારા બનાવવામાં આવે છે. ટાઈપ ૧ ડાયાબિટીસના દર્દીમાં ઇન્સ્યુલિન બિલકુલ બનતું નથી અને ટાઈપ ૨ના દર્દીમાં ઇન્સ્યુલિન બને છે પણ કોષો દ્વારા એનો પ્રતિરોધ હોય છે.

ઇન્સ્યુલિન કોને માટે લેવું જરૂરી છે?

; ટાઈપ ૧ ડાયાબિટીસના દરેક દર્દીએ આજીવન ઇન્સ્યુલિન લેવું આવશ્યક છે,

; ટાઈપ ૨ના દર્દીઓમાં પણ નીચેના સંજોગોમાં ઇન્સ્યુલીન આપવામાં આવે છે,

; જો નિદાન વખતે ડાયાબિટીસ ખૂબ વધારે હોય તો તેવા સંજોગોમાં થોડા વખત માટે,

; ગર્ભાવસ્થા દરમિયાન,

; કોઈપણ ઓપરેશન વખતે અથવા કોઈપણ મોટી બીમારી વખતે અથવા હોસ્પિટલમાં દાખલ થવું પડે ત્યારે, 

; જો ત્રણ કે ચાર પ્રકારની ડાયાબિટીસની ગોળીઓ લેવા છતાં ડાયાબિટીસ કાબુમાં ન રહેતો હોય તો તેવા સંજોગોમાં પણ ઇન્સ્યુલિનની સારવાર અનિવાર્ય બને છે.

ઇન્સ્યુલીનના કેટલા પ્રકાર છે?

ઝડપથી કામ કરનારું ઇન્સ્યુલિન (જેમ કે Lispro, Aspart અને Apidra), આ ઇન્સ્યુલિન ખાવાની ૫ થી ૧૫ મિનિટ પહેલા લેવું જોઈએ આની અસર આશરે ૨ થી ૪ કલાક સુધી રહેતી હોય છે અને ખાધા પછીની સુગર કંટ્રોલ કરવા માટે આ ઇન્સ્યુલિન અગત્યનો ભાગ ભજવે છે.

અલ્ટ્રારેપીડ એક્ટિંગ ઇન્સ્યુલિન (જેમ કે Fiasp અને Lyumjev), આ ઇન્સ્યુલિન પણ ખાવાની ૫ થી ૧૫ મિનિટ પહેલા લેવું જોઈએ પણ કેટલાક કેસમાં ખાધા પછી લેવામાં આવે તો પણ એ ખાધા પછીની સુગર કાબુ કરવા માટે એટલું જ અસરકારક છે.

હ્યુમન રેગ્યુલર ઇન્સ્યુલિન (જેમકે Actrapid, Insugen-R વગેરે...) ખૂબ ઝડપથી કામ કરતાં ઇન્સ્યુલિનના પ્રમાણમાં આને થોડું વહેલું લેવું પડે છે (ખાવાની ૨૦ થી ૪૦ મિનિટ પહેલા). આનાથી ખાધા પછીની સુગર એટલા સારા પ્રમાણમાં કાબુમાં નથી આવતી. આ ઇન્સ્યુલિનની અસર ૪ થી ૬ કલાક સુધી ચાલતી હોવાના કારણે હાઈપોગ્લાયસીમિયાનું જોખમ વધારે રહેલું છે. તેમ છતાં બીજા ઇન્સ્યુલિન કરતા પ્રમાણમાં સસ્તુ હોવાના કારણે ઘણા દર્દીઓને આ ઇન્સ્યુલિન આપવામાં આવે છે.

લાંબા ગાળા સુધી કામ કરનારા ઇન્સ્યુલિન (જેમકે Glargine  એટલે Lantus, Degludec એટલે કે Tresiba વગેરે...) આ પ્રકારના ઇન્સ્યુલિન ૨૪ કલાક કે તેનાથી વધારે સમય સુધી ધીમે ધીમે કામ કરે છે અને એટલે ભૂખ્યા પેટની સુગર કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે.

Premix ઇન્સ્યુલિન (જેમકે  Mixtard, Novomix, HumalogMix  વગેરે....) આ પ્રકારના ઇન્સ્યુલિનમાં બે જાતના ઇન્સ્યુલિનનું મિશ્રણ હોય છે. એક જાતનું ઇન્સ્યુલિન ઝડપથી કામ કરે છે અને બીજી જાતનું ઇન્સ્યુલિન ધીમે ધીમે કામ કરે છે.

Coformulation ઇન્સ્યુલિન (જેમ કે Ryzodeg) આ ઇન્સ્યુલિનમાં પણ એક પ્રકારનું ઇન્સ્યુલિન ખૂબ ઝડપથી કામ કરે છે અને બીજું ઇન્સ્યુલિન ખૂબ ધીમે ધીમે કામ કરે છે.

ઇન્સ્યુલિન લેનાર દર્દી માટે ધ્યાન રાખવા જેવી બાબતો :

શક્ય હોય ત્યાં સુધી ઇન્સ્યુલિન દર્દીએ જાતે લેતા શીખી જવું જોઈએ. જમવાના ન હો ત્યારે પણ ઇન્સ્યુલિન ન લેવાને બદલે યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન લઈને દૂધ કે થોડો ખોરાક લેવો જોઇએ, જો સિરીંજ વડે ઇન્સ્યુલિન લેતા હો તો તમારી સિરીંજ અને ઇન્સ્યુલિન એક જ પ્રકારના છે તે ખાતરી કરી લેવી જોઈએ, એટલે કે ૪૦IU વાળું ઇન્સ્યુલિન હોય તો લાલ ટોપીવાળી ૪૦ IU/ml  વાળી સિરીંજ અને જો ૧૦૦ IU/ml  ઇન્સ્યુલિન હોય તો કેસરી ટોપીવાળી ૧૦૦ IU/ml  સિરીંજ વાપરવી જોઈએ. જો પેન વડે ઇન્સ્યુલિન લેતા હો તો જે કંપનીની ઇન્સ્યુલિન કાર્ટરીજ હોય તે જ કંપનીની પેન વાપરવી જોઈએ.

સામાન્ય રીતે ફ્રિઝના દરવાજામાં ઇન્સ્યુલિન રાખવું જોઈએ, ફ્રીઝ ના હોય તો ઠંડી જગ્યાએ ૧ મહિના સુધી રાખી શકાય જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન આવતો હોય. વિમાની મુસાફરી દરમિયાન ઇન્સ્યુલિનને હેન્ડબેગમાં રાખવું જોઈએ અને બને તો સાથે કુલિંગ કીટ પણ રાખવી જોઈએ.

ભવિષ્યમાં ઇન્સ્યુલિન ન લેવું પડે એવા કોઈ સંશોધનો થઈ રહ્યા છે?

ઘણા બધા ટાઈપ ૧ ડાયાબિટીસના દર્દીઓ પંપ દ્વારા ઇન્સ્યુલિન લેતા હોય છે અલબત્ત એ ઘણું જ ખર્ચાળ છે. નજીકના ભવિષ્યમાં અઠવાડિયામાં એક જ વાર લેવું પડે તેવું ઇન્સ્યુલિન (Icodec) બજારમાં આવવાનું છે. ઇન્સ્યુલિન ગોળી દ્વારા લઈ શકાય તેવા પણ ઘણા બધા સંશોધનો હાલમાં ચાલી રહ્યા છે. અને છેલ્લે Stemcell અથવા Isletcell  ટ્રાન્સપ્લાન્ટ પણ અમુક કેસમાં સફળ નિવડેલ છે.

ઇન્સ્યુલિન વિશેની 

ખોટી માન્યતાઓ 

શું ઇન્સ્યુલિનની ટેવ પડી જશે? 

ઇન્સ્યુલિન કોઈ નશાકારક પદાર્થ નથી કે જેની ટેવ પડે ઘણા ખરા સંજોગોમાં ટાઈપ ૨ ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર સારી રીતે કાબુમાં આવી જાય અને ડોક્ટરની સલાહ હોય તો ઇન્સ્યુલિન બંધ પણ કરી શકાતું હોય છે.અલબત્ત ટાઈપ ૧ ડાયાબિટીસ જેમાં ઇન્સ્યુલિન બનવાનું સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે તેમણે જિંદગીભર ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય છે. 

શું ઇન્સ્યુલિનથી કિડની કે હૃદયને નુકસાન થાય છે? 

ઇન્સ્યુલિનથી શરીરના કોઈપણ અવયવને નુકસાન થતું નથી ખરેખર તો ઇન્સ્યુલિન દ્વારા ડાયાબિટીસનો કાબુ સુધરે તો આ અવયવોને રક્ષણ મળી શકે.


Google NewsGoogle News