Get The App

અમે અહીંથી નહીં જઈએ .

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
અમે અહીંથી નહીં જઈએ                             . 1 - image


- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- આ ખાડામાં પાણી સવારે અને સાંજે જ મળે છે, કાટ ખાધેલી પાઇપમાંથી. સવારે ખાડામાં છાંડેલો ખોરાક ફેંકાય છે- બ્રેડના ટુકડા, કેરી-કોઠાંનું કચુંબર,ક્યારેક ભજિયાં-વડાં

આ એકાંકીમાં પાંચ પાત્રો છે, યુવક, યુવતી, બે મજૂર અને મુકાદમ. મંચસામગ્રી સાવ ઓછી છે. પરદો ઊઘડે ત્યારે રંગભૂમિ પર એક યુવક ફાટેલાં- મેલાં વસ્ત્રોમાં સૂતેલો દેખાય છે. અચાનક એક યુવતી રંગભૂમિ પર પડે છે.

યુવતી: ઓ મા રે! (પીડાયુક્ત રુદન) હું ક્યાં છું?... (ગભરાટ) કોણ છે ત્યાં?

યુવક: તમે... આમ.. અચાનક?

યુવતી યાદ કરે છે કે પરીક્ષાનાં પેપરો ખરાબ જતાં પોતે ઘર છોડીને ભાગી નીકળેલી. ત્યાં એક ખાડામાં પડી અને આ સ્થળે નીકળી. યુવક ઘણા સમયથી અહીં વસતો હતો. યુવતીને બહાર નીકળવું છે પણ ખાડામાંથી નીકળાય તો ને! યુવતી ચારે દિશામાં નિહાળે છે.

યુવતી: (એક ખૂણે) અહીં તો અફાટ મેદાન દેખાય છે! ને આ બાજુ અસીમ આકાશ. આ બાજુ ધૂળની ડમરીઓ ચઢેલી છે! ને આ બાજુ દેખાય છે વિરાટ સાગર... તો શું મારે અહીં જ રહેવું પડશે? અજાણ્યા યુવક સાથે? આવી ગંદી ગોબરી જગ્યામાં?

આ ખાડામાં પાણી સવારે અને સાંજે જ મળે છે, કાટ ખાધેલી પાઇપમાંથી. સવારે ખાડામાં છાંડેલો ખોરાક ફેંકાય છે- બ્રેડના ટુકડા, કેરી-કોઠાંનું કચુંબર,ક્યારેક ભજિયાં-વડાં. યુવતી ડઘાઈ જાય છે, 'આવું કેમ ખવાય? આનાથી તો મરવું સારું.' તે 'બચાવો, બચાવો!'ના પોકાર કરે છે, પણ કોઈ સાંભળતું નથી. તેને યુવકની નિયત પર શંકા જાય છે. યુવક ઠંડે કલેજે કહે છે, 'જેમ આ ખાડામાં સિગારેટ અને ખોરાક આવી પડયા, તેમ તમે પણ આવી પડયા છો.'

યુવતી: એટલે શું તમે મારો ઉપયોગ કરશો?

યુવક: જો મને લાગશે કે કરવા જેવો છે તો... કશી ઉતાવળ નથી.

દ્રશ્ય બદલાય. રંગભૂમિ પર ખુરશી, ટ્રાન્ઝિસ્ટર, ગાદલું, તકિયો અને ડબલાં પડયાં છે. ઉપરથી સાડી ઊડતી આવે છે.

યુવતી: અરે વાહ! આજે તો સાડી આવી! પહેલાં જેમ કોઈની લારીમાંથી આ ખુરશી આવી પડી... આસપાસના મકાનમાં ક્યાંક સૂકવી હશે ત્યાંથી ઊડતી ઊડતી...

યુવક: ...ચાલ બદલી લે... તને વસ્ત્રો બદલતી જોવા તો હું અનંત રાત્રિઓ સુધી જાગીશ!

યુવતી: ઓહ! તારા સાન્નિધ્યમાં તો આ સ્થળ મને સ્વર્ગ જેવું લાગે છે!(આલિંગે.) (બાળકના રુદનનો અવાજ, ધીમે ધીમે ઝાંખો પ્રકાશ.)

હવેના દ્રશ્યમાં ત્રિકમ, કોશ, તગારાં સાથે માટી ખંખેરતા મજૂરો આવી પહોંચે, સાથે મુકાદમ.

મુકાદમ: બહાર નીકળો. આ જમીન અમારા માલિકે ખરીદી લીધી છે. હવે અહીં મોટી ઔદ્યોગિક વસાહત બંધાવાની છે.

યુવતી: એ ભાઈ! અમને અહીં રહેવા દોને! આ તો અમારું સ્વર્ગ છે!

મુકાદમ: તમારે અહીંથી નીકળવું જ પડશે. અમારે ઉપરવાળાને જવાબ દેવો પડે.

યુવક અને યુવતી 'અહીંથી નહીં જઈએ, અહીંથી નહીં જઈએ' ના પોકારો પાડે. બધાં સ્થિર. પડદો પડે.

સતીશ વ્યાસ લિખિત આ એકાંકીમાં ખાડો, દુનિયાનું રૂપક કે પ્રતીક છે. યુવક અને યુવતી ઉપરથી 'આવી પડયાં' છે. યુવતી કહે છે તેમ અહીં જ રહેવાનું અને મરવાનું છે. યુવક કહે છે તેમ મરવાની હિંમત ન આવે ત્યાં સુધી અહીં જ રહેવાનું છે. અફાટ મેદાન, અસીમ આકાશ, વિરાટ સાગર- એમ પૃથ્વીની સીમા વર્ણવાઈ છે. લેખકે જાણ્યે અજાણ્યે પ્રારબ્ધવાદનો પુરસ્કાર કર્યો છે. યુવક કશો પુરુષાર્થ કરતો નથી, ઉપરથી ફેંકાયેલો એંઠવાડ ખાય છે, ગળતી, કટાયેલી પાઇપમાંથી પાણી પીએ છે, કોઈના ખીસામાંથી પડેલો ટ્રાન્ઝિસ્ટર સાંભળે છે, કોઈની લારીમાંથી ઉછળીને આવેલી ખુરશી પર બેસે છે. આ યુવક ધીરોદાત્ત નાયક નથી, સ્ત્રી વસ્તુ હોય તેમ તેનો ઉપયોગ કરી લેવાની તેની દાનત છે. ખાડો તો હતો તે જ છે, પણ પહેલાં સ્ત્રીને તે ગંદો-ગોબરો લાગતો હતો, તે 'છી! છી!' કરતી હતી; ધીરે ધીરે એ સ્થળ તેને સ્વર્ગ જેવું લાગે છે. અર્થાત્ સૌંદર્ય વસ્તુનિષ્ઠ નહિ પણ આત્મનિષ્ઠ છે. શીર્ષકમાં ભાર દઈને કહેવાયું છે, 'અમે અહીંથી નહીં જઈએ'- મારું વૃંદાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. અંતે ધસી આવતા મજૂર અને મુકાદમ યમદૂતનાં રૂપક છે, જેમણે 'ઉપરવાળાને જવાબ દેવાનો છે.' નગર વચોવચ આવેલો વિરાટ ખાડો, અને પૃથ્વી, બન્નેને માટે ખરું પડે એવું કથન અને વર્ણન નાટયકારે કુશળતાથી કર્યું છે.


Google NewsGoogle News