મહાદેવીનાં પ્રચંડ શક્તિશાળી નવાર્ણ મંત્રનું રહસ્ય !
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
પ્ર મુખ શાક્તગ્રંથોમાંનો એક ગ્રંથ 'શ્રીદુર્ગાસપ્તશતી' છે. સાતસો શ્લોક (જેનો પ્રત્યેક શ્લોક વાસ્તવમાં મંત્ર છે એ) ધરાવતો આ ગ્રંથ શક્તિનાં આરાધકો માટે સર્વસ્વ છે. શ્રીમદ્ભગવતગીતાને જેવી રીતે સાતસો શ્લોક ધરાવતો માલામંત્ર ગણી શકાય, એવી રીતે દુર્ગાસપ્તશતીનું પણ અનુષ્ઠાન આ રીતે સંભવ છે. આ કારણોસર જ, આજની તારીખે પણ ઘણાં શ્રદ્ધાળુઓ નવરાત્રિનાં નવ દિવસો દરમિયાન તેના કુલ ૧૩ અધ્યાયોનું પઠન કરવાનો સંકલ્પ લઈને અનુષ્ઠાન સંપન્ન કરે છે.
શ્રીવિદ્યાનાં સિદ્ધ ઉપાસક શ્રી ઓમ સ્વામીએ એક વખત જણાવ્યું હતું કે શાક્તપંથ અર્થાત્ શક્તિની આરાધનામાં રુચિ ધરાવનાર સાધકને પોતાના જીવનમાં 'નવાર્ણ મંત્ર'ની સાધના અચૂકપણે કરવી પડે છે. શ્રીદુર્ગાસપ્તશતીનો પ્રચંડ શક્તિશાળી મંત્ર એટલે નવાર્ણ મંત્ર! નવ વર્ણ અર્થાત્ નવ અક્ષરોનો આ મંત્ર હોવાને કારણે તેને 'નવાર્ણ' નામ આપવામાં આવ્યું.
ऐं ह्रीं क्लीं चामुंडायै विच्चे
નવ વર્ણનાં સાંયુજ્યથી નિર્માણ પામેલાં આ મંત્રમાં ત્રણ બીજમંત્રો સમાવિષ્ટ છે : મહાસરસ્વતીનો બીજમંત્ર 'ઐં' (વાગ્બીજ), મહાલક્ષ્મીનો બીજમંત્ર 'હ્રીં' (માયાબીજ) અને મહાકાલીનો બીજમંત્ર 'ક્લીં' (કામબીજ)!
સિદ્ધકુંજિકા સ્તોત્રમાં નવાર્ણ મંત્રનું રહસ્ય છુપાયેલું છે :
ऐंकारी सृष्टिरूपायै ह्रींकारी प्रतिपालिका ।
क्लींकारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तु ते ॥
चामुंडा चंडघाती च यैकारी वरदायिनी ।
विच्चे चाभयदा नित्यं नमस्ते मंत्ररूपिणि ॥
૧) 'ઐં'કારનો પ્રયોગ કરવામાત્રથી જગતજનની મા દુર્ગા સમસ્ત સૃષ્ટિનું નિર્માણ કરે છે.
૨) 'હ્રીં'કાર થકી મા સમસ્ત બ્રહ્માંડનું પ્રતિપાલન અર્થાત્ સંચાલન અને ભરણપોષણ કરે છે.
૩) 'ક્લીં'કાર થકી મા જીવસૃષ્ટિમાં કામના અર્થાત્ ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે. જો આ વિધાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો સમજાય કે ઈચ્છાઓને કારણે જ તો મનુષ્ય આખું જીવન દોડતો રહે છે. જો મનુષ્યના હૃદયમાં કામના પેદા ન થાય, તો મહેનત કરીને ઈચ્છાપૂર્તિ કરવા સુધીની યાત્રા કઈ રીતે ખેડી શકાય? સૃષ્ટિનો મૂળાધાર ઈચ્છા છે! જો કામના ન હોય, તો જીવસૃષ્ટિની લાશ બની જાય. જો પાણી પીવાની ઈચ્છા જ ન થાય, તો મનુષ્ય પોતાની ખુરશી પરથી બેઠો થઈને માટલા તરફ કઈ રીતે જશે? જીવનભર ઈચ્છાપૂર્તિની લ્હાયમાં આપણો સમય પસાર થયા રાખે છે અને અંતે મૃત્યુ સમીપ આવી જાય છે. આ રીતે જોવા જઈએ તો, ઈચ્છાઓનું પ્રાગટય સમયચક્રને આગળ ધપાવવામાં અને જીવસૃષ્ટિને મૃત્યુ સુધી લઈ જવામાં કારકબળ સાબિત થાય છે. આથી, મહાકાલી સમય અને મૃત્યુ અર્થાત્ 'કાલ' સાથે સંકળાયેલી ઊર્જા છે; જે કામબીજ થકી જીવન-મરણનાં ચક્રને આગળ ધપાવ્યા રાખે છે. આથી જ, અહીં 'ક્લીં'કારને 'કામરુપેણ' બીજમંત્ર માનવામાં આવ્યો.
૪) 'બીજરૂપે નમોસ્તુતે' અર્થાત્ જે મહાશક્તિ માત્ર ત્રણ બીજ થકી સમસ્ત બ્રહ્માંડની રચના, સ્થિતિ, વિનાશ અને તિરોધાન માટે જવાબદાર છે, એ મા આદિશક્તિને હું નમન કરું છું.
૫) 'ચામુંડા' માતાએ ચંડ અને મુંડનો વધ કર્યો હોવાની કથાથી આપણે સુપેરે પરીચિત છીએ. અહીં આ બંને દૈત્યોને માનવ-વિકારો સાથે સાંકળીએ, ત્યારે સમજાય કે વિકાર અને નકારાત્મક વૃત્તિ જ વાસ્તવમાં એવા દૈત્યો છે, જેના ઉપર મનુષ્યએ નિયંત્રણ પ્રાપ્ત કરવાનું હોય છે. અને એટલે જ કહેવામાં આવ્યું, 'ચામુંડા ચંડઘાતી'! મનુષ્યનાં વિકારરૂપી દૈત્યો પર ઘાત અર્થાત્ પ્રહાર કરે છે, એ છે મા દુર્ગા.
૬) 'યૈ'કારનું ઉચ્ચારણ કરતાંની સાથે મા 'વરદાયિની' બની જાય છે. નવાર્ણ મંત્રમાં 'ચામુંડાયૈ'નો પ્રયોગ કરતી વેળા 'યૈ'નો પ્રયોગ કરવામાત્રથી મા અને કોટિ વરદાન વરસાવવા તત્પર બની જાય છે.
૭) મનુષ્યને અભયદાન આપવા માટે 'વિચ્ચે' શબ્દમાં બિરાજમાન દુર્ગા સદા આતુર રહે છે. 'વિચ્ચે ચાભયદા'! 'ચ' વત્તા 'અભયદા' શબ્દની સંધિ સાથે બન્યો 'ચાભયદા' શબ્દ. જે આદ્યશક્તિ 'વિચ્ચે'નાં ઉચ્ચારણમાત્રથી મનુષ્યને સર્વ પ્રકારના ભયમાંથી મુક્તિ પ્રદાન કરે છે, એ છે મા ભવાની!
૮) નમસ્તે મંત્રરુપિણી નવાર્ણ મંત્રના પ્રત્યેક અક્ષર અને માત્રામાં જે વિદ્યમાન છે, એ 'મંત્રરુપિણી' દુર્ગાને હું સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરું છું.
કુંજિકા સ્તોત્રમાં દેવાધિદેવ મહાદેવ દ્વારા કહેવામાં આવ્યું કે
गोपनीयं प्रयत्नेन स्वयोनिरिव पार्वति ।
'હે પાર્વતી, આ સ્તોત્રને અત્યંત ગુપ્ત રાખવું અત્યાવશ્યક છે.' સિદ્ધકુંજિકા સ્તોત્રને જ્યારે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ, ત્યારે સમજાય કે તેમાં આપવામાં આવેલો નવાર્ણ મંત્ર એ અણુબોમ્બ સમાન ઊર્જા ધરાવતો હોવાને કારણે મહાદેવ દ્વારા આ ચેતવણી આપવામાં આવી. જે મંત્રમાં સૃષ્ટિ-સ્થિતિ-વિનાશ માટે કારણભૂત બની શકે એવા અત્યંત શક્તિશાળી બીજમંત્રો સમાવિષ્ટ હોય, એને જીવનમાં નિત્ય ધારણ કરવાથી કેટલું મોટું પરિવર્તન આવે એનો જાત અનુભવ આ લખનારને છે. સાથોસાથ, નવાર્ણ મંત્ર સાથે જોડાયેલી ભ્રમણા દૂર કરવી જરૂરી છે. તેના ઉચ્ચારણ માટે કોઈ દીક્ષા અથવા ઉપદેશની આવશ્યકતા નથી. સ્ત્રી-પુરુષ બંને કોઈ પ્રકારનાં વર્ણનાં ભેદભાવ વગર નિત્યપૂજામાં તેનો જાપ કરી શકે છે અને તેના કોઈ દુષ્પ્રભાવ કે દોષ નથી. આથી, નિશ્ચિંત થઈને મા જગદંબાની ઉપાસના માટે આ મંત્રને સમસ્ત જીવનકાળ માટે ધારણ કરી શકાય એમ છે.