Get The App

મહિષાસુરોનું મર્દન કરવું જ પડશે .

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
મહિષાસુરોનું મર્દન કરવું જ પડશે              . 1 - image


- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'મેડમ જે પત્ર મને મળ્યો હતો તે કોર્ટમાં જમા કરાવ્યો છે. તેની સાથે તમામ આરોપીઓના ઓળખપત્ર અને કેસની વિગતો પણ મોકલાવેલી હતી. આ તમામ વિગતો પણ મેં આપી દીધી છે..'

હ જી તો સવાર જ પડી હતી અને ગુજરાતના એક જાણીતા મીડિયા હાઉસની અમદાવાદ ખાતે આવેલી હેડ ઓફિસમાં ધમધમાટ શરૂ થઈ ગયો હતો. અમદાવાદથી શરૂ કરીને દેશ-વિદેશના જાતભાતના સમાચાર અને અવનવી બાબતો બતાવવાની હોવાથી લોકો કામમાં સખત વ્યસ્ત હતા. આ દરમિયાન એક યુવતી આ મીડિયા હાઉસની કચેરીમાં પ્રવેશ કરે છે. 

'ગુડ મોર્નિંગ મેમ, તમારે કોને મળવું છે.' - મીડિયા હાઉસના એન્ટ્રન્સ ઉપર ઊભેલા સિક્યોરિટી પર્સને પુછયું.

'મારે મીડિયા હાઉસના એડિટર દિવ્યકાંત પંડયાને મળવું છે.' - આવનાર યુવતીએ કહ્યું.

'મેડમ, તમે આ રજિસ્ટરમાં એન્ટ્રી કરી દો અને અહીંયાથી અંદર જતા રહો. પહેલા માળે ડાબી તરફ ત્રીજી કેબિન પંડયા સાહેબની છે.' - સિક્યોરિટી પર્સને રજીસ્ટર ધરતા કહ્યું. પેલી યુવતીએ એન્ટ્રી કરી અને ગાર્ડે કહ્યું હતું તેમ પંડયા સાહેબની કેબિન પાસે પહોંચી ગઈ. તેણે કાચના બારણા ઉપર ટકોરા માર્યા.

'કમ ઈન' - અંદરથી પંડયા સાહેબનો અવાજ આવ્યો. પેલી યુવતી અવાજ સાંભળીને અંદર ગઈ અને પંડયા સાહેબે બેસવા ઈશારો કર્યો. 'સર, મારે તમને એક ઈવેન્ટ માટે ઈન્વાઈટ કરવા છે. બે દિવસ પછી નવરાત્રી શરૂ થાય છે. અમારે ત્યાં નવરાત્રીનું વિશેષ આયોજન કર્યું છે. આ વખતે અમે મહિષાસુર મર્દિની માતાની વિશેષ મૂર્તિ બનાવી છે અને પારંપરિક શેરી ગરબાનું આયોજન કરેલું છે. અમારી ઈચ્છા છે કે, પહેલાં નોરતે તમે આવો અને આરતી ઉતારીને અમારી સાથે આ શક્તિની ભક્તિના ઉત્સવમાં જોડાઓ.'- પેલી યુવતીએ બેસતાની સાથે જ બધું કહી દીધું. તેણે હાથમાં રહેલું કાર્ડ પણ પંડયા સાહેબને ધર્યું.

'હું ચોક્કસ પ્રયાસ કરીશ. સામાન્ય રીતે અમે આવા કોઈ પ્રસંગે જતા નથી પણ... પણ આ આયોજન મારા ઘર પાસે જ છે તો હું ચોક્કસ પ્રયાસ કરીશ કે ત્યાં આવી શકું અને માતાજીની પૂજાનો લાભ લઈ શકું.' - પંડયા સાહેબની નજર આમંત્રણ પત્રિકા ઉપર ફરતી હતી.

'થેંક્યુ સો મચ સર. અમને વિશ્વાસ હતો કે, તમે ના નહીં જ પાડો. તમે અમારા યુવાનો માટે પ્રેરણા છે. પત્રકારત્વનું ધબકતું હૃદય છો. તમારા જેવા વરિષ્ઠ પત્રકારો અને મીડિયા પર્સનાલિટી અમારે ત્યાં આવે તેનાથી વધારે રૂડું શું હોઈ શકે. થેંક્યુ વન્સ અગેઈન સર.' - યુવતી એટલું કહીને ઊભી થઈ અને કેબિનની બહાર નીકળી ગઈ.

શ્રાદ્ધપક્ષ પૂરો થવા આવ્યો અને નવરાત્રી શરૂ થવાને બે દિવસ જ બાકી હતા ત્યાં જ પંડયા સાહેબને પેલું આમંત્રણ યાદ આવ્યું. તેમણે પોતાના ટેબલના ડ્રોઅરમાંથી આમંત્રણ પત્રિકા કાઢી અને તેના ઉપર નજર કરી અને પોતાની લેપટોપ બેગમાં તેને સરકાવી દીધું. પંડયા સાહેબે ત્યાં જવાનો નિર્ધાર કરી લીધો હોય તેમ જણાતું હતું. પહેલા નોરતે પંડયા સાહેબ પોતાના ફોટોગ્રાફર સાથે તે જગ્યાએ પહોંચી ગયા.

એક મેદાનમાં મોટો મંડપ બાંધીને તેની વચ્ચોવચ્ચ મહાકાળી માતાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. મંડપમાં ચારેતરફ દીવા અને રોશની કરેલા હતા. લોકો મોટી સંખ્યામાં ભેગા થયેલા હતા. માતાજીને ધૂપ ચાલતો હતો અને ધૂપમાંથી આવતો ધૂમાડો એટલો બધો હતો કે માતાજીના મૂર્તિ સ્પષ્ટ રીતે દેખાતી નહોતી. થોડીવાર થઈ અને માતાજીની આરતી શરૂ કરવાની જાહેરાત થઈ. પંડયા સાહેબ મહેમાનો અને યજમાનોએ માતાજીની આરતી ઉતારી. એક તરફ ગરબાના તાલ શરૂ થયા અને બીજી તરફ ચીસાચીસ શરૂ થઈ. 

માતાજીની મૂર્તિ ઉપર ૧૮ માણસોના માથા કાપીને બનાવાયેલો હાર પહેરાવ્યો હતો. મહાકાળીના ગળામાં રહેલા હાલમાં માણસોના માથા હતા જેને જોઈને અનેક લોકો ગભરાઈ ગયા. કોઈએ માતાજીના મંડપ પાસે કુલર ફેન ચાલુ કર્યો અને ધૂપનો ધુમાડો ઓછો થતાં આ માનવ મસ્તકનો હાર દેખાયો હતો. 

આ હોબાળો થતાં જ અનેક લોકો મંડપની એક તરફ સરકી ગયા. પોલીસ પણ તાબડતોબ આવી ગઈ. તપાસ શરૂ કરવામાં આવી. આયોજકોની અટકાયત કરાઈ. બીજા દિવસના તમામ અખબારોમાં માતાજીના માનવ મસ્તકના હાર સાથેની તસવીર છપાઈ. આ ક્યાંથી આવ્યા, કોણ લાવ્યું અને કેવી રીતે બધું થયું તેની ચારેકોર ચર્ચા ચાલતી હતી. આ બધા વચ્ચે મામલો કોર્ટમાં ગયો. કેસ હવે હાઈપ્રોફાઈલ બની ગયો હતો. દેશમાં ક્યાંય ક્યારેય આવી કોઈ ઘટના બની નહોતી. એક સાથે ૧૮ માણસોની હત્યા કરીને તેમના માથાનો હાર બનાવીને માતાજીને પહેરાવાની વાત હતી. આ ઘટના જરાય નાનીસુની નહોતી. તેણે દેશ-વિદેશમાં ચર્ચા જગાવી હતી.

કોર્ટમાં આ મુદ્દે ટ્રાયલ શરૂ થયા. આયોજકોની જુબાની લેવામાં આવી, પોલીસે તપાસ કરીને વિગતો આપી. મૃતકોની ઓળખ હજી થઈ નહોતી. આ લોકોની તપાસ ચાલતી હતી. કોર્ટની બે-ત્રણ તારીખો પડી અને પોલીસ પણ અચરજમાં પડી જ્યારે માતાજીના સમગ્ર સેટઅપ પાસે જે નરકંકાલ મળ્યા તે આ લોકોના જ શરીર હતા જેમના કંકાલ આ રીતે ડેકોરેશનમાં ઉપયોગમાં લેવાયા હતા. પોલીસ પાસે કોઈ ક્લૂ હતો નહીં અને ચારેકોર આ નરસંહારની ચર્ચા થતી હતી. પોલીસે આયોજકો ઉપર અને ડેકોરેશન કરનારી ટીમ ઉપર પસ્તાળ પાડી હતી. આ લોકોને આ વિશે કોઈ જ માહિતી નહોતી. અખબારો, ન્યૂઝ ચેનલોમાં માત્ર સ્પેક્યુલેશન્સ અને અર્ધસત્યો અને તર્ક-વિતર્કોનો વરસાદ વરસતો હતો. કોઈની પાસે નક્કર માહિતી કે પુરાવા નહોતા.

આવી જ રીતે એક વખત કોર્ટમાં સુનાવણી ચાલતી હતી ત્યારે યુવતી કોર્ટ સમક્ષ હાજર થઈ. તેણે કોર્ટને કહ્યું કે, આ બધું કોણે કર્યું તેની માહિતી તેની પાસે છે. કોર્ટમાં તેની જુબાની લેવાની શરૂઆત થઈ.

'નામદાર આ તમામ મસ્તકો જેની માળા બનાવાઈ છે તે સમાજનું કલંક હતા. આ તમામ લોકો ગુનેગારો હતા. નપુંસક અને ભ્રષ્ટ પોલીસ તથા તંત્રની મદદથી તેઓ નિશ્ચિંત રીતે સમાજમાં જ રખડતા હતા.'

'મોરબી પાસેનું નવાનેજા ગામ જ્યાં માત્ર અગીયાર વર્ષની દીકરી દિપાલી સાથે ગેંગરેપ થયો હતો. આજદીન સુધી આ ઘટનાના આરોપી પકડાયા નહોતા. મોરબીની ઘટના બાદ કચ્છમાં અંજાર પાસેના એક પાંજાપુરા ગામની બે યુવતીઓના બળાત્કાર કરેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળ્યા હતા. તેમના બળાત્કારી અને હત્યારાઓ ક્યારેય પકડાયા નહોતા.'

'વડોદરાની નિલિમાનો કેસ તો બધા જાણે જ છે. તેની સાથે કેવો ભયાનક ગેંગરેપ થયો હતો. તેના આંતરડા પણ બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. આવી જઘન્ય ઘટનાના આરોપી પકડાયા નથી. છોટાઉદેપુરમાં માત્ર ચાર વર્ષની બાળકીની સાથે રેપ કરનારો પકડાયો નથી. રાજકોટના આજીડેમમાં મળેલી યુવતીની લાશ જેની સાથે બળાત્કાર થયો હતો અને હત્યા કરાઈ હતી. તે યુવતીને કે તેના પરિવારજનોને આજે પણ ન્યાય મળ્યો નથી.'

'નામદાર સાહેબ હું એક પત્રકાર છું. તેના કરતાં પણ પહેલાં એક સ્ત્રી છું, એક યુવતી છું. મને મારા કામ કરવામાં ભય નથી લાગતો પણ હવે આ સમાજમાં ફરવામાં ભય લાગે છે. કયા દિવસ, કઈ ક્ષણે, કયા કાળમાં મારું અપહરણ થશે, મારી સાથે બળાત્કાર થશે, મારી હત્યા થઈ જશે તેનું કશું જ નક્કી નથી. કાયદો અને વ્યવસ્થા માત્ર લિમિટેડ લોકો સુધી સિમિત છે. સામાન્ય માણસ આજે પણ ફરિયાદ લખાવવા કલાકો પોલીસ સ્ટેશનની બહાર અને ન્યાય મેળવવા દાયકાઓ સુધી ન્યાયતંત્રના પગથીયે પડયો રહે છે.'

'મને ગઈકાલે રાત્રે એક નનામો પત્ર મળ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, એક નવદુર્ગા નામનું સંગઠન છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાની જે હાલત છે. લોકોને ન્યાય મળતો નથી. દેશની દીકરીઓનું રક્ષણ થતું નથી. આ બધાથી કંટાલીને ૯ યુવતીઓએ આ નવદુર્ગા જૂથ શરૂ કર્યું છે. તેમણે પહેલી નવરાત્રીમાં મહાકાળીને માનવમુંડ ધરાવવાની 

પ્રતિજ્ઞાા કરી હતી. મેં તમને જેટલા પણ કેસ જણાવ્યા તે તમામના આ ૧૮ લોકો આરોપી હતી. પોલીસ પાસે તમામ આરોપીઓની ઓળખ છે છતાં પોતાની પોલ ખુલી ન જાય તે માટે નનામા મૃતદેહ ગણાવાતા હતા.'

'મેડમ જે પત્ર મને મળ્યો હતો તે કોર્ટમાં જમા કરાવ્યો છે. તેની સાથે તમામ આરોપીઓના ઓળખપત્ર અને કેસની વિગતો પણ મોકલાવેલી હતી. આ તમામ વિગતો પણ મેં આપી દીધી છે. મેડમ મારી તમને એક જ વિનંતી છે કે, આ કેસમાં કોણ પકડાશે અને ક્યારે પકડાશે તે મને ખબર નથી. એક વાત સમજાઈ ગઈ છે કે, હવે માધવ નહીં આવે. હવે સ્વરક્ષણ એ જ ઉપાય જણાઈ રહ્યો છે. જો સામાન્ય માણસને ન્યાય નહીં મળે તો પોતાની રીતે ન્યાય મેળવવા આ રસ્તો પણ અપનાવશે તે દેખાઈ રહ્યું છે. સમાજના સ્થાપિત હિતો અને પદ્ધતિઓને પડકારતો આ ન્યાય સમાજ કદાચ સહન નહીં કરી શકે પણ જેણે અન્યાય સહન કર્યોે છે તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહીં હોય. સમાજમાં ચારેકોર મહિષાસુરો ફરે છે. તેમને નાથવામાં નહીં આવે તો આવી જ નવદુર્ગાઓ ઊભી થશે અને જાતે જ તેમનું મર્દન કરવા લાગશે. સ્ત્રી સહન કરે છે ત્યાં સુધી તેને સાચવી લો તેવી મારી વિનંતી છે, સ્ત્રી સંહાર ઉપર ઉતરી આવશે તો સમાજથી સહન નહીં થાય.' - યુવતી એટલું કહીને ચોધાર આંસુએ રડી પડી. કોર્ટમાં હાજર અનેક લોકોની આંખમાં આંસુ સાથે જુસ્સો આવી ગયો. પંડયા સાહેબે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો અને તેના વોલપેપરમાં રહેલી નવદુર્ગાની તસવીર સામે જોયું અને તેમના ચહેરા ઉપર આછું સ્મિત રેલાઈ ગયું.


Google NewsGoogle News