Get The App

એક જ ચિનગારીથી અમર થનાર ફૂટબોલર સ્કીલાચીની ચિરવિદાય

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
એક જ ચિનગારીથી અમર થનાર ફૂટબોલર સ્કીલાચીની ચિરવિદાય 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- 1990માં ઘરઆંગણે યોજાયેલા વર્લ્ડ કપની ટીમમાં રિઝર્વ સ્ટ્રાઈકર તરીકે સ્થાન મેળવ્યા બાદ સુપર સ્ટ્રાઈકર તરીકે ઉભરી આવેલા સ્કીલાચીએ છ ગોલ ફટકારતાં મારાડોના-મેથિઅસ જેવા ધુરંધરોને પાછળ રાખીને ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બોલ એવોર્ડ જીતી ધૂમ મચાવી હતી

ઘ ણી વખત સાવ સાધારણ લાગતી પ્રતિભા ખરા સમયે એવું વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે કે જેનાથી આખી દુનિયા અંજાઈ જાય છે. આવી પ્રતિભા જ એવો ચિરકાલીન પ્રભાવ પાડે છે, જેને ભૂંસવો અશક્ય બની જાય છે. ઈટાલીયન ફૂટબોલના જાદુગર સાલ્વાતોરે સ્કીલાચીએ ૧૯૯૦ના ફિફા વિશ્વકપમાં સનસનાટી મચાવતા સમગ્ર દેશમાં તો જબરજસ્ત લોકચાહના મેળવી  જ હતી, સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતમાં પણ ધુરંધરોની હરોળમાં સ્થાન હાંસલ કરી લીધુ. 

એક જમાનામાં વિશ્વભરના ફૂટબોલ ચાહકોના દિલ-દિમાગ પર છવાઈ ગયેલા સ્કીલાચીની કારકિર્દી અત્યંત ટૂંકી રહી પણ તેનો તેજલિસોટો એટલો જબરજસ્ત હતો કે આજે પણ જ્યારે ફૂટબોલ વિશ્વકપની વાત આવે કે અસાધારણ પ્રતિભાની સરખામણી થાય ત્યારે સ્કીલાચીનું  નામ તો લેવું જ પડે. માત્ર બે વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સ્કીલાચી ૧૬ જ મેચ રમ્યા અને તેમાં તેમણે સાત ગોલ ફટકાર્યા. આંકડાની દ્રષ્ટીએ તો તેમની કારકિર્દી અત્યંત સાધારણ લાગે, પણ આ ટૂંકી કારકિર્દીમાં એક ખેલાડી તરીકે અને લોકચાહનાની રીતે તેમણે એટલી ઊંચાઈ હાંસલ કરી છે, તેમની સમકક્ષ કે ચઢિયાતી સફળતા મેળવનારા ખેલાડીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ છે. સ્કીલાચીની કારકિર્દીના સાતમાંથી છ ગોલ ૧૯૯૦માં ઈટાલીમાં જ યોજાયેલા ફૂટબોલ વિશ્વકપમાં નોંધાયા હતા. તેમણે તે વર્લ્ડ કપમાં ધૂમ મચાવતા સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડીને અપાતો ગોલ્ડન બૂટ અને શ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવતો ગોલ્ડન બોલ એવોર્ડ જીતી લીધો હતો. ફૂટબોલ વિશ્વકપના ઈતિહાસમાં માત્ર બે જ ખેલાડી એવા છે કે, જેમણે એક જ વર્લ્ડ કપમાં આ બંને ખિતાબ હાંસલ કર્યા છે. સ્કોલાની અગાઉ ઈટાલીના જ પાઓલો રોસીએ ૧૯૮૨માં આવી સિદ્ધિ હાંસલ કરી હતી. યોગાનુંયોગ, ફૂટબોલ વિશ્વકપમાં ગોલ્ડન બૂટ એવોર્ડ તો પહેલેથી અપાતો આવ્યો છે. જ્યારે ગોલ્ડન બોલ એવોર્ડને ૧૯૮૨માં શરુ કરવામાં આવ્યો હતો. સ્કીલાચીની આ સિદ્ધિ એટલા માટે પણ વિશેષ ગણાય છે કારણ કે તે વખતે ગોલ્ડન બોલ એવોર્ડ માટે આર્જેન્ટીનાનો ધુરંધર ફૂટબોલર ડિએગો મારાડોના અને જર્મનીનો સુપરસ્ટાર લોથર મેથિઅસ ફેવરિટ મનાતા હતા. જોકે, સ્કીલાચીએ બંનેને પાછળ રાખીને ખિતાબ જીતી લીધા હતા.

ઈટાલીના પાલેર્મોમાં ગરીબ પરિવારમાં જન્મેલા સ્કીલાચીનું ફૂટબોલ તરફ જબરજસ્ત આકર્ષણ હતુ. સ્ટ્રાઈકર તરીકેના અસરકારક ગુણો ધરાવતા સ્કીલાચીની પ્રતિભા મોટાભાગના કોચિસને સરેરાશ જ લાગતી છતાં તેણે મહેનત જારી રાખી. સ્થાનિક કલબ તેને પ્રત્યેક ગોલ બદલ માત્ર દોઢ પાઉન્ડ જ ચૂકવતી. અલબત્ત, સ્કીલાચીના પગમાં જાદુ હતો અને તેની ગોલ ફટકારવાની કુશળતા ભલભલી ટીમોને આંચકો આપી દેતી, આમ છતાં તેના સરળ વ્યક્તિત્વને કારણે તેની કોઈ આભા સર્જાતી નહતી અને તેને મોટાભાગના કોચીસ સારા ખેલાડી તરીકે જ જોતા. 

સ્થાનિક કલબોમાં સફળતા મેળવનારા સ્કીલાચીની સાત વર્ષની તપશ્ચર્યા આખરે ૧૯૮૯માં ફળી. યોગાનુંયોગ ૧૯૯૦માં ફૂટબોલ ઘેલાં ઈટાલીમાં પહેલીવાર ફૂટબોલ વિશ્વકપ યોજાવાનો હતો, તે ઐતિહાસિક પળ નજીક આવી રહી હતી, ત્યારે જ અચાનક સ્કીલાચીની પ્રતિભાનો જબરજસ્ત ચમકારો જોવા મળ્યો. તેણે ઈટાલીની જાયન્ટ કલબ યૂવેન્ટસે કરારબદ્ધ કરી લીધો. તેણે યૂવેન્ટસ તરફથી ઝંઝાવાત જગાવતા ૨૧ મુકાબલામાં ૧૫ ગોલ ફટકાર્યા અને ટીમને કોપા ઈટાલીયા અને યુરોપા લીગ કે જે ત્યારે યુઈએફએ કપ તરીકે ઓળખાતી, તે જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી. યૂવેન્ટસમાં તેની રમત પર ઈટાલીના ધુરંધર વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી ડિનો ઝોફ અને ત્રાપાતોનીની નજર પડી.

ઈટાલીયન લીગમાં યૂવેન્ટસને શાનદાર સફળતા અપાવવા છતાં સ્કીલાચીને ખુદને ભરોસો નહતો કે, તેને ૧૯૯૦માં ઘરઆંગણેે યોજાનારા વિશ્વકપ માટેની ટીમમાં સ્થાન આપવામાં આવશે. બરોબર વર્લ્ડ કપ પહેેલા જ તેણે રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો, જો કે તેેનો દેેખાવ સરેરાશ રહ્યો હતો. આખરે ૧૯૯૦માં ઘરઆંગણેે યોજાઈ રહેલા વર્લ્ડ કપ માટે ઈટાલીયન કોચ અઝેગ્લીઓ વિસિનીએ તેની ટીમની જાહેરાત કરી, તેમાં સ્કીલાચીને રિઝર્વ સ્ટ્રાઈકર તરીકે પસંદ કર્યો, ત્યારે કેટલાકે સવાલ પણ ઉઠાવ્યા હતા. તેના માટે વિશ્વકપની ટીમમાં સ્થાન મેળવવું જ સ્વપ્ન સમાન હતુ, ત્યારે મેદાન પર ઉતરવા મળશે તેવી તો કલ્પના પણ નહતી. જોકે વિશ્વ કપમાં ઈટાલી ઓસ્ટ્રીયા સામે પહેલી જ મેચમાં સંઘર્ષ કરી રહ્યું હતુ, ત્યારે કોચ વિસિનીએ સ્કીલાચીને ઉતારવાનો જુગાર ખેલ્યો અને ચમત્કાર થયો. મેદાન પર ઉતર્યાની ત્રીજી જ મિનિટે તેના હેડર ગોલ પર આખુ ઈટાલી જાણે ઉછળી પડયું. સ્કીલાચીનો તે ગોલ વિજયી નીવડયો અને તે રાતોરાત સુપરસ્ટાર બની ગયો.

કોચ વિસિનીએ ત્યાર બાદ અમેરિકા સામેની મેચમાં પણ સ્કીલાચીને અવેજી તરીકે ઉતાર્યો. જોકે, ત્યારે આખા ઈટાલીમાં વી 'વોન્ટ સ્કીલાચી...'ના નારા ગૂંજવા લાગ્યા. આખરે ચેકોસ્લોવેકિયા સામેની મેચમાં તેને દિગ્ગજ ફૂટબોલર રોબેેર્ટો બેજ્જીયોની સાથે ઉતારવામાં આવ્યો અને બંનેએ ગોલ ફટકારતાં ઈટાલીને વિજય અપાવ્યો. અચાનક જ સ્કીલાચીની સાધારણ પ્રતિભાએ અસાધારણ ઊંચાઈને હાસંલ કરી લીધી. ત્યાર બાદ તે ટીમને સેમિ ફાઈનલ સુધી લઈ ગયો, જ્યાં આર્જેન્ટીના સામે ઈટાલીને છેક પેનલ્ટી શૂટઆઉટમાં હારનો સામનો કરવો પડયો. તે મેચમાં પણ સ્કીલાચી ગોલસ્કોરર હતો. અલબત્ત, ૧૯૯૦નો ફિફા વર્લ્ડ કપ સ્કીલાચીનો વિશ્વકપ બની રહ્યો. આખરે ઈંગ્લેન્ડ સામેની ત્રીજા સ્થાન માટેની મેચ પણ પેનલ્ટી શૂટઆઉટમાં ખેંચાઈ, ત્યારે બેજ્જીઓએ તેની તક જતી કરીને સ્કીલાચીને પેનલ્ટી લેવા મોકલ્યો અને તે ગોલના કારણેે તેણે ચેક રિપબ્લીકના ટોમસ સ્કુહરાવીને પાછળ રાખીને ગોલ્ડન બૂટ એવોર્ડ જીતી બતાવ્યો.

પશ્ચિમ જર્મનીએ આર્જેન્ટીનાને હરાવીને ૧૯૯૦નો ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો હતો, પણ સ્કીલાચીએ અસાધારણ સફળતાની સાથે વિશ્વના મહાન ફૂટબોલરોમાં આગવું સ્થાન હાંસલ કરી લીધું હતુ. ઈટાલીમાં ફૂટબોલરોની નવી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેલા સ્કીલાચી ત્યાર બાદ એક માત્ર ગોલ નોર્વે માટે ૧૯૯૧માં જ નોંધાયો હતો. માત્ર બે જ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ધરાવતા સ્કીલાચીએ ૧૯૯૯ સુધી કલબ ફૂટબોલ રમવાનું જારી રાખ્યું અને ૪૧૭ મેચમાં ૧૫૪ ગોલ ફટકાર્યા. ૧૯૯૦ના વિશ્વકપની ચમત્કારિક સફળતાને પગલે સ્કીલાચીને ભારે નામના અને ધન-વૈભવ પણ મળ્યા. ફૂટબોલ ચાહકોના દિલમાં સ્કીલાચીએ પોતાની એક આગવી એવી છાપ છોડી હતી કે, વરસોવરસ તેના ચાહકો તેને મળીને તેના ૧૯૯૦ના વર્લ્ડ કપના આગવા અંદાજના વખાણ કરતાં થાકતાં નહતા. 

પોલેર્મોમાં યુથ કલબ એકેડમી ચલાવતા સ્કીલાચીને ૫૭ વર્ષની વયે આંતરડાનું કેન્સર થયું. ઝળહળતી પણ ટૂંકી  કારકિર્દી ધરાવતા ઈટાલીયન મેજિકમેનનું અવસાન પણ ફૂટબોલ જગત માટે અણધાર્યું અને આંચકાજનક રહ્યું. કેન્સર સામે માત્ર બે જ વર્ષની લડાઈ બાદ ૫૯ વર્ષની વયે સપ્ટેમ્બર-૨૦૨૪માં તેણે આખરી શ્વાસ લીધા. સમગ્ર ઈટાલીમાં તેનું અવસાન ફૂટબોલ જગત માટે રાષ્ટ્રીય શોકથી ઓછું નહતુ. સ્કીલાચીની ચિરવિદાય છતાં ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં અને ફૂટબોલ ચાહકોમાં દિલમાં તેનું સ્થાન અમીટ છે. તેના જેવી વિરલ અને અસાધારણ પ્રતિભાઓ ટૂંકા ગાળામાં ઈતિહાસમાં એવી છાપ છોડી જાય છે, કે વરસોવરસ તાજી રહે છે.


Google NewsGoogle News