Get The App

પરિવર્તન કર્યું શ્રમિકોની હાલતમાં! .

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
પરિવર્તન કર્યું શ્રમિકોની હાલતમાં!                            . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- ચંદ્રશેખર મંડલ આ મજૂરોને એક વિશ્વસનીય વર્ચ્યુઅલ આઇડેન્ટિટી આપવા માગે છે. અસંગઠિત અને અજ્ઞાાત ક્ષેત્રને સન્માન પ્રદાન કરવા ચાહે છે

બિ હારના દરભંગા જિલ્લાના નાનકડા અમી નામના ગામમાં રહેતા ચંદ્રશેખર મંડલને એના પિતાએ અભ્યાસ માટે દિલ્હી મોકલ્યો. એના પિતા ગામમાં એક નાની દુકાન ચલાવતા હતા અને ગામમાં પાંચમા ધોરણથી આગળ અભ્યાસ થઈ શકે તેવી કોઈ સુવિધા નહોતી. ગરીબી અને પારાવાર તકલીફોની વચ્ચે મોટા થનાર ચંદ્રશેખર મંડલે દિલ્હીમાં અભ્યાસ કર્યો અને સી.એ.ની ઈન્ટર પરીક્ષા આપ્યા બાદ આગળ અભ્યાસની તૈયારી કરતા હતા. સાથે સાથે ફાયનાન્સમાં નોકરી પણ મળી. એક દિવસ દિલ્હીમાં બીજા માળે આવેલી ઑફિસની બાલ્કનીમાં બેઠા બેઠા કોફી પી રહેલા ચંદ્રશેખરની નજર સામે ઊભા રહેલા સો-દોઢસો લોકો ઉપર ગઈ. એને સમજતા વાર ન લાગી કે આ લેબર ચોક છે, જ્યાં રોજ સવારે કોઈ કામ મળશે તેની આશામાં મજૂરો આ જગ્યાએ ભેગા થાય છે તે પછી વરસાદ હોય, કડકડતી ઠંડી હોય કે અસહ્ય ગરમી હોય. રોજેરોજ કામ મેળવવા સંઘર્ષ કરતાં આ મજૂરોને જોઈને એને પોતાના બાળપણની યાદ આવી ગઈ. પોતાનાં સગાંવહાલાંઓને પણ રોજગારી મેળવવા માટે સંઘર્ષ કરતા જોયા હતા. એના મનમાં વિચાર આવ્યો કે જ્યારે સમગ્ર દુનિયા બદલાઈ રહી છે, ત્યારે આ મજૂરોને રોજગાર મેળવવા માટે આનાથી સારો કોઈ ઉપાય ખરો ?

આવા વિચારથી તેનું મન ચકરાવે ચડયું, પરંતુ બે મહિનામાં જ દેશમાં લૉકડાઉન આવ્યું અને એ વતનમાં પાછો આવ્યો. લૉકડાઉન દરમિયાનના સમાચારથી એણે જોયું કે દરરોજ લાખો શ્રમિકો પોતાના વતનમાં જવા માટે કપરો સંઘર્ષ કરી રહ્યા છે. કેટલાય શ્રમિકો રસ્તામાં મૃત્યુ પામ્યા તો કેટલાય ભૂખ્યા-તરસ્યા દિવસો સુધી ચાલતા માંડ પોતાના વતનમાં પહોંચ્યા. આ બધી ઘટનાઓએ ચંદ્રશેખરને વિચારતા કરી મૂક્યા. લૉકડાઉન ખૂલતા ધીમે ધીમે સહુ કામ પર જવા લાગ્યા. શ્રમિકોની સમસ્યા સમજવા માટે ચંદ્રશેખર મંડલે બિહાર, નોઈડા અને દિલ્હીના 'લેબર ચોક'નો ચાર મહિના સુધી અભ્યાસ કર્યો. ભારતમાં કૃષિ ક્ષેત્ર પછી કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સૌથી વધુ મજૂરો કામ કરે છે. નાઈટ ફ્રેંક અને રોયલ ઇન્સ્ટિટયૂટ ઑફ ચાર્ટર્ડ સર્વેયર્સના એક હેવાલ પ્રમાણે ૨૦૨૩ સુધીમાં આ ક્ષેત્રે સાત કરોડથી વધુ શ્રમિકો કાર્યરત છે અને તેમાં એંશી ટકાથી વધારે ખાસ કોઈ કૌશલ્ય ધરાવતા નથી. ચંદ્રશેખરે વિચાર્યું કે જો લિંક્ડઈન, નોકરી, ઈનડીડ એ વ્હાઇટ-કૉલર જોબ્સ માટેના પ્લેટફોર્મ છે, તો બ્લૂ-કૉલર જોબ્સ માટે કેમ કોઈ પ્લેટફોર્મ નથી ? આ વિચાર એમને એટલો બધો સ્પર્શી ગયો કે ખિસ્સામાં માત્ર વીસ હજાર રૂપિયા હોવા છતાં ૨૦૨૦માં નોકરી છોડી દીધી. ચંદ્રશેખરે સરકારી યોજનાઓ અને લોન મેળવવા માટેની તપાસ શરૂ કરી. 'ડિજિટલ લેબર ચોક પ્રાઇવેટ લિમિટેડ'ને રજિસ્ટર્ડ કરાવી. પૂણેની એક વ્યક્તિએ ૨૦૨૧ના ઑગસ્ટમાં આ સ્ટાર્ટઅપ માટે દસ લાખની મૂડી આપી.

વેબસાઇટ અને એપ્લીકેશન બનાવ્યા પછી સૌથી મોટો પડકાર ગ્રાહકો અને કર્મચારીઓને સાઈન અપ કરાવવાનો હતો. સાત સભ્યોની નિમણૂક કરી. ત્યારબાદ લેબર ચોકની આસપાસ મોબાઈલ શૉપ અને કરિયાણાની દુકાન હોય છે, તે દુકાન માલિકોને સાઈન અપ કરાવ્યું, જેથી તેઓ શ્રમિકોને એપ પર રજિસ્ટ્રેશનમાં મદદ કરે. ગરમીના મહિનાઓમાં ચંદ્રશેખર અને તેની ટીમ લેબર ચોક પર વીસ લીટર શરબત લઈને જતી અને પ્રચાર કરતી અને ઠંડીમાં ચા પીવડાવતા. પ્રવાસી મજૂરોને સમજાવ્યું કે તમે તમારા વતનની આસપાસ રોજગારી મેળવી શકશો.ગીચ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં કિયૉસ્ક લગાવ્યા. કોન્ટ્રેક્ટરો, પ્રોજેક્ટ મેનેજર અને કંપનીઓને જોડવા માટે એમણે બિહાર અને નોઈડાના બિલ્ડરો સાથે ભાગીદારી કરી અને તે રીતે ગ્રાહક શોધવા માટે ફેસબુક પર એકસોથી વધુ બિલ્ડરોના સમૂહમાં પ્રવેશ મેળવ્યો.

આ પ્લેટફોર્મમાં બિલ્ડરો, શ્રમિકો, મિસ્ત્રી, ચિત્રકારો તેમજ અન્ય કૌશલ્ય ધરાવનારા માટે બનાવ્યું છે. જ્યારે કોઈ ગ્રાહક સાઈન અપ કરે, તો તેને સ્થળ, નોકરીનો પ્રકાર, પ્રતિ દિવસ કેટલી મજૂરી મળશે, કેટલા દિવસ માટે જરૂર છે, રહેવાની અને ભોજનની વ્યવસ્થા છે કે નહીં તેની માહિતી તેને મળે છે. શ્રમિકો આ માહિતી મેળવીને સીધો નોકરીના સ્થળનો સંપર્ક સાધી શકે છે. શ્રમિકો પોતાની આવડત, અનુભવ અને ન્યૂનતમ મજૂરી જેવી માહિતી આપે છે. ડિજિટલ લેબર ચોક શ્રમિકો માટે ડિજિટલ લેબર કાર્ડ બનાવવાનું કામ કરી રહ્યા છે, જે તેમની એક ઓળખ ઊભી કરશે. ડિજિટલ લેબર ચોક શ્રમિકો માટે નિ:શુલ્ક છે. જ્યારે ગ્રાહકે દસ કનેક્શન પછી સભ્ય ફી દેવી પડે છે. આજે કેટલાય શ્રમિકો ચિંતામુક્ત થઈને કામ કરી શકે છે. દરરોજ કામની રાહ જોઈને ઊભા રહેવું પડતું નથી, તો બીજી બાજુ ઉત્તરપ્રદેશની એક કન્સ્ટ્રક્શન કંપનીને શ્રમિકો મળતા નહોતા, પરંતુ આ એપને કારણે તે મુશ્કેલી દૂર થઈ ગઈ છે અને કામ ઝડપથી ચાલી રહ્યું છે. કેટલાય શ્રમિકોને પોતાના વતનની નજીક જ કામ મળી ગયું છે. આજે એપ પર રોજની પાંચસોથી હજાર પોસ્ટ આવે છે. ત્રણ વર્ષમાં એક લાખથી વધુ મજૂરોને નિયમિત આવક મળતી થઈ છે. ચંદ્રશેખર મંડલ આ મજૂરોને એક વિશ્વસનીય વર્ચ્યુઅલ આઇડેન્ટિટી આપવા માગે છે. અસંગઠિત અને અજ્ઞાાત ક્ષેત્રને સન્માન પ્રદાન કરવા ચાહે છે.

સિકલ સેલની સિકલ બદલી!

કેલિંગાનું માનવું છે કે દવા અને શિક્ષણ આપ્યા પછી જો તેમને સ્વચ્છ, પાણી, ખોરાક કે રહેઠાણ નહીં મળે તો તેઓ આમાંથી બહાર નીકળી શકશે નહીં

આ જથી પાંત્રીસ વર્ષ પહેલા કેન્યાના તાવેતા શહેરમાં લી કિલેંગાનો જન્મ થયો હતો. તેના કુટુંબમાં ચારમાંથી ત્રણ બાળકો સિકલ સેલ રોગ સાથે જન્મ્યા હતા. સિકલ સેલ એ એક આનુવંશિક રોગ છે, જેમાં શરીરના લાલ રક્તકણોની રચના પર અસર થાય છે. લાલ રક્તકણો જે ગોળાકાર હોય છે અને શરીરમાં ઑક્સિજનનું વહન કરે છે, તે લાલ રક્તકણો આ રોગમાં ચંદ્રાકાર અને સખત બની જાય છે. જેને કારણે શરીરના મુખ્ય અંગો સુધી લોહી બરાબર પહોંચતું નથી. તેને કારણે ક્યારેક લોહી ગંઠાઈ જાય છે, સ્ટ્રોક આવે છે, લોહીની ઉણપ સર્જાય છે તેમ જ અતિશય દર્દ થાય છે. સિકલ સેલ રોગને કારણે ફેફસાં, આંખ, કીડની જેવાં અંગો પર પણ અસર થાય છે અને તે જીવલેણ નીવડે છે. આ રોગને કારણે કિલેંગાની મોટી બહેન માત્ર ચાર વર્ષની વયે અવસાન પામી હતી. નાની ઉંમરમાં રોગ કે મૃત્યુ વિશે તો સમજણ ક્યાંથી હોય ? પરંતુ એક દિવસ તેની મોટી બહેનને દેખાતું બંધ થઈ ગયું. કિલેંગા અને તેની બીજી બહેનને શરીરમાં વારંવાર દર્દ થતું અને તેમને હૉસ્પિટલ લઈ જવા પડતા. ડૉક્ટરોએ તેના માતા-પિતાને ચેતવ્યા હતા કે કિલેંગા પણ વધુમાં વધુ સાત-આઠ વર્ષ સુધી જ જીવશે.

પરંતુ કિલેંગાના ભાગ્યમાં કંઈક જૂદું જ લખાયેલું હતું. કિલેંગા અને તેની બહેનો રાત્રે દર્દમાં કણસતા અને કેટલીયે રાતો ઊંઘ્યા નહીં હોય. રોજ દવા લેવાની અને દસ-પંદર દિવસે લોહીની તપાસ કરાવવા હૉસ્પિટલ જવું પડતું. આ બધું જોતાં તેને એમ લાગતું કે દરેક બાળક સાથે આવું થતું હશે, પરંતુ એક દિવસ સ્કૂલમાં એવું બન્યું કે તેના સહાધ્યાયીઓએ તેને તેમની સાથે બેસાડવા માટે ઇન્કાર કર્યો. સહુ કોઈ એને નફરત કરવા લાગ્યા અને કહ્યું કે કિલેંગાને કોઈ ચેપી રોગ થયો છે.  આ ઘટનાનો એના મન પર એટલો ઊંડો આઘાત લાગ્યો કે એ ત્રણ મહિના સુધી સ્કૂલે જ ગઈ નહીં ! માતા-પિતાએ ખૂબ પ્રેમથી તેનો ઉછેર કર્યો. આ રોગ અંગે જાગૃતિ કેળવી અને બાળકોને અભ્યાસમાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા. 

કૉલેજમાં અભ્યાસ કરતી કિલેંગાને ડૉક્ટરોએ આ રોગ વિશે સંપૂર્ણ સમજ આપી અને જણાવ્યું કે જીવનનાં ચાળીસ વર્ષ પછી શરીરનું કોઈ પણ મહત્ત્વનું અંગ ખરાબ થઈ શકે. લી કિલેંગાએ અભ્યાસ કરતાં કરતાં જ નક્કી કર્યું કે પોતાની પાસે જીવનનાં જે વર્ષો બાકી છે, તે આ રોગના દર્દીઓ અને જનસમાજમાં તેના અંગે જાગૃતિ લાવવામાં અને સુધારણા કરવા માટે સમર્પિત કરશે. એણે જોયું કે વિશ્વમાં બાર કરોડ લોકો સિકલ સેલ રોગથી પીડાય છે, તેમાંથી છાસઠ ટકા લોકો તો આફ્રિકામાં વસે છે. સ્નાતક થયા પછી કિલેંગાએ કેન્યામાં ફરીને સિકલ સેલ રોગથી પીડાતા દર્દીઓને અને કુટુંબીજનોને મળવાનું નક્કી કર્યું. તેણે દસ હજાર દર્દીઓની મુલાકાત અને ફોટા મેળવવાનું આયોજન કર્યું, પરંતુ કેટલાક એવા અનુભવો થયા કે ચારસો વ્યક્તિઓની મુલાકાત પછી તે અટકી ગઈ. માતા-પિતા તેનાં બાળકોને રૂમમાં પૂરી રાખે છે. એ એમ માને છે કે આવી પીડા સહન કરવા કરતાં એ મરી જાય તો વધુ સારું.  

તેણે કેન્યાના સ્વાસ્થ્ય મંત્રાલયમાં બિન ચેપીરોગ વિભાગના ડિરેક્ટરનો સંપર્ક સાધ્યો. તેમની મુલાકાત કરી. તેણે પાડેલા ફોટોગ્રાફ અને વાસ્તવિક પરિસ્થિતિની વાત કરી. કિલેંગાએ આગળના આયોજન માટે રાહ જોઈ, પરંતુ મહિનાઓ સુધી કોઈ પ્રતિભાવ ન મળતાં દરરોજ ફોટોગ્રાફ અને તેની વાત કરતો ઈ-મેઇલ કરવા લાગી. છેવટે પ્રતિભાવ મળ્યો. વીસ હજાર ડૉલરનું ફંડ ઊભું થયું અને સિકલ સેલ રોગ માટેની ગાઇડલાઇન કેન્યામાં જાહેર કરવામાં આવી. ૨૦૧૭માં કિલેંગા નૈરોબીથી તૈતા-તાવેતા કાઉન્ટીમાં રહેવા આવી, જ્યાં સ્વચ્છ પાણી, ખોરાક, શિક્ષણ અને આરોગ્ય સેવાનો અભાવ હતો. ત્યાં સિકલ સેલના રોગીઓ મોટા પ્રમાણમાં હતા.

૨૦૧૭માં તેણે આફ્રિકા સિકલ સેલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. કેલિંગાએ તેના માટેના ખાસ ક્લિનિક સ્થાપ્યાં, સ્વાસ્થ્યવીમા દ્વારા સારવાર શરૂ કરી, મેડિકલ ક્ષેત્રે કામ કરનાર વ્યક્તિઓને અને જનસમૂહને આ રોગ વિશે જાગરૂક કર્યા. તેણે સમજાવ્યું કે આ કોઈ ચેપી રોગ નથી, પરંતુ આનુવંશિક રોગ છે. લોકોને ખોટી માન્યતા અને જાદુટોનામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. કેન્યામાં ચાર ક્લિનિક સ્થાપ્યાં અને દર્દીઓ અઠવાડિયે એક વખત અથવા મહિનામાં બે વખત આવીને નિદાન કરાવે છે અને બ્લડ ટેસ્ટ કરાવે છે. છ મહિનાની સારવાર પછી તેની રોજગારી માટે નામ નોંધાવે છે, કેલિંગાનું માનવું છે કે દવા અને શિક્ષણ આપ્યા પછી જો તેમને સ્વચ્છ, પાણી, ખોરાક કે રહેઠાણ નહીં મળે તો તેઓ આમાંથી બહાર નીકળી શકશે નહીં. રોગવાળા બાળક માટે સ્ત્રીઓને જવાબદાર માનવામાં આવે છે અને તેથી કુટુંબીજનો તેનો ત્યાગ કરી દે છે. આવી ખોટી માન્યતામાંથી લોકોને બહાર કાઢવાનું કામ પણ કેલિંગા કરે છે. તેના સંગઠન દ્વારા પાંચ લાખ લોકો લાભાન્વિત થયા છે. આજે પાંત્રીસ વર્ષની કેલિંગા લોકોને અનેક ભ્રાંતિઓમાંથી બહાર કાઢીને શિક્ષિત કરી રહી છે. તે કહે છે કે સહુએ એક દિવસ તો મૃત્યુ પામવાનું જ છે તો તેના પહેલાં શા માટે જીવનને સાર્થક ન બનાવવું ?


Google NewsGoogle News